You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચાર દાયકા બાદ ઑલિમ્પિકમાં ભારતનો ઐતિહાસિક વિજય, હૉકી ટીમના કૅપ્ટને કોને સમર્પિત કરી જીત?
ભારતીય પુરુષ હૉકી ટીમે ઇતિહાસ રચતાં 41 વર્ષ બાદ ઑલિમ્પિકમાં પદક હાંસલ કર્યું છે.
ભારતીય ટીમે ટોક્યો ઑલિમ્પિકમાં જર્મનીને 5-4થી હરાવીને કાંસ્યપદક પોતાના નામે કરી લીધું છે.
ભારતે ઑલિમ્પિક હૉકીનો છેલ્લો ગોલ્ડ મેડલ 1980માં મૉસ્કોમાં જીત્યો હતો. ત્યારથી ભારતને હૉકીમાં મેડલની ઇંતેજારી હતી, જે વર્તમાન હૉકી ટીમે પૂર્ણ કરી છે.
મૅચની શરૂઆતમાં પાછળ રહ્યા બાદ ભારતે સમગ્ર મૅચમાં લીડ હાંસલ કરી રાખી હતી.
બન્ને ટીમો વચ્ચેની આ રોમાંચક મૅચમાં અંત સુધી ભારતે શ્રેષ્ઠ બચાવ કરતાં વિજય હાંસલ કર્યો છે.
ભારતીય પુરુષ હૉકીની ટીમના કૅપ્ટન મનપ્રિતસિંહે ટોક્યો ઑલિમ્પિકમાં ભારતના ઐતિહાસિક વિજયને દેશના તબીબો અને સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કર્યો છે.
ચાર દાયકા બાદ ટોક્યો ઑલિમ્પિકમાં ભારતને મળેલા ભવ્ય વિજય બાદ મનપ્રિતસિંહ પાસે કહેવા માટે શબ્દો નહોતા.
આ વિજય અંગે મનપ્રિતસિંહ કહ્યું, "મને નથી ખબર કે હાલ શું કહું? અમે રમતમાં 3-1થી પાછળ હતા. મને લાગે છે કે આપણે આ પદકને મેળવવાના હકદાર છીએ. અમે ભારે મહેનત કરી હતી. ગત 15 મહિના અમારા માટે બહુ મુશ્કેલ હતા. અમે બેંગલુરુમાં હતા અને અમારામાંથી કેટલાકને કોરોના પણ થયો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"અમે આ પદકને ભારતના લોકોનો જીવ બચાવનારા તબીબો અને ફ્રન્ટલાઇન સ્વાસ્થ્યકર્મીઓને સમર્પિત કરવા માગીએ છીએ."
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટીમને અભિનંદન પાઠવ્યાં છે.
તેમણે ટ્વિટર પર લખ્યું, "ઐતિહાસિક! એક એવો દિવસ જે તમામ ભારતીયોની યાદોમાં અંકિત થઈ જશે. કાંસ્યપદક ઘરે લાવવા માટે આપણી પુરુષ હૉકી ટીમને અભિનંદન. આ ઉપલબ્ધિએ સમગ્ર દેશમાં, ખાસ કરીને આપણા યુવાનોમાં ઉત્સાહ ભરી દીધો છે. ભારતને પોતાની હૉકી ટીમ પર ગર્વ છે."
કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ટીમને અભિનંદન પાઠવ્યાં છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, "ભારતીય પુરુષ હૉકી ટીમને અભિનંદન. આ મોટી ક્ષણ છે. સમગ્ર દેશને તમારી સિદ્ધિ પર ગર્વ છે. તમે જીતના હકદાર છો."
રોમાંચક મુકાબલો
મૅચ અત્યંત રોમાંચક સ્થિતિમાં પહોંચી હતી અને બન્ને ટીમ વિજય મેળવા માટે તમામ પ્રયાસો કરી રહી હતી.
હાફ ટાઇમ પૂરો થયો ત્યાં સુધી બન્ને ટીમો 3-3 ગોલ સાથે સમાન સ્કૉર પર હતી.
જોકે, હાફ ટાઇમ બાદ ભારતે બે ગોલ ફટકારીને જર્મનીની ટીમને ભારે દબાણમાં લાવી દીધી હતી.
જર્મનીએ મૅચના પ્રારંભમાં જ એક ગોલ ફટકારીને ભારત સામે લીડ મેળવી લીધી હતી.
જોકે, બીજા અને ત્રીજા ક્વાર્ટરમાં ભારતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરતાં પાંચ ગોલ ફટકારી દીધા.
ભારત તરફથી પ્રથમ ગોલ સિમરનજિતસિંહે ફટકાર્યો. એ બાદ હાર્દિકસિંહ અને હરમનપ્રિતસિંહે સતત બે ગોલ ફટકાર્યા.
આ પહેલાં મંગળવારે ભારતીય ટીમ બેલ્જિયમની ટીમ સામે 5-2થી સેમિફાઇનલ મૅચ હારી ગઈ હતી.
જો ભારતીય ટીમે સેમિફાઇનલ મૅચ જીતી લીધી હોત તો સિલ્વર મેડલ પાક્કો થઈ જાત અને ફાઇનલમાં ગોલ્ડ જીતવાની તક સર્જાત.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો