પ્રિન્સેસ લતિફાઃ દુબઈના શાસકનાં પુત્રી જેઓ ફરાર થઈ ગયાં

પ્રિન્સેસ લતિફા અને તેમના પિતા શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ

ઇમેજ સ્રોત, GETTY IMAGES / PRINCESS LATIFA

ઇમેજ કૅપ્શન, પ્રિન્સેસ લતિફા અને તેમના પિતા શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ
    • લેેખક, જેન મેકમુલન
    • પદ, બીબીસી ન્યૂઝ

પ્રિન્સેસ લતિફાના નાટ્યાત્મક અપહરણ અને તેમને ગુપ્ત રીતે કેદમાં રાખવામાં આવ્યાં તે અંગે કેટલીક ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

ટીના જોહૈનેને ઘણા મહિનાઓથી પોતાની મિત્ર લતિફા સાથે વાત નથી કરી. પ્રિન્સેસ લતિફાને દેશ છોડીને ભાગવાના પ્રયાસ બાદ પકડીને દુબઈમાં કેદ કરવામાં આવ્યાં છે.

તેઓ એક છૂપા ફોનની મદદથી થોડા સમય માટે પોતાના મિત્રોના સંપર્કમાં રહ્યાં હતાં. પરંતુ અચાનક તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો.

ટીના છેલ્લી વખત લતિફાને મળ્યાં ત્યારે તેમણે નૌકા પર સુતા સુતા આકાશના તારા જોયા હતા અને હિંદ મહાસાગરમાં સફર કરી હતી.

આ ફેબ્રુઆરી 2018ની વાત છે જ્યારે તેમણે લતિફાને દુબઈથી બહાર કાઢીને વિદેશમાં એક નવું જીવન શરૂ કરવાનો જોખમી પ્લાન બનાવ્યો હતો.

line

કોણ છે પ્રિન્સેસ લતિફા?

પ્રિન્સેસ લતિફા અને ટીના જોહૅનેન

ઇમેજ સ્રોત, TIINA JAUHIAINEN

ઇમેજ કૅપ્શન, પ્રિન્સેસ લતિફા અને ટીના જોહૅનેન

પ્રિન્સેસ લતિફા દુબઈના શાસક શેખ મુહમ્મદ બિન રશીદ અલ મકતૂમનાં 25 સંતાનો પૈકી એક છે.

શેખે અમીરાતને એક ભવ્ય શહેરમાં તબદીલ કરી દીધું છે. તે એક એવું શહેર બની ગયું છે જ્યાં દુનિયાભરના લોકો બિઝનેસ કરવા આવે છે. પરંતુ અમીરાતમાં મહિલાઓ માટેના સખત કાનૂનોએ તેમનાં જીવનને નિયંત્રણોની સાંકળમાં બાંધી રાખ્યાં છે.

ફરાર થવાના એક મહિના અગાઉ લતિફાએ એક વીડિયોમાં જણાવ્યું હતું, “મને અહીં ડ્રાઇવ કરવાની છૂટ નથી. મને પ્રવાસ કરવાની કે દુબઈ છોડવાની પરવાનગી પણ નથી.”

તેમણે કહ્યું હતું, “હું 2000થી દેશની બહાર નથી ગઈ. હું માત્ર પ્રવાસ કરવાની, ભણવાની અથવા કંઈ પણ સામાન્ય કરવાની મંજૂરી માંગું છું. પરંતુ તેમણે મારી માંગણીઓ ફગાવી દીધી છે. મારે અહીંથી બહાર નીકળવું છે.”

ટીનાના ઍપાર્ટમેન્ટમાં બેસીને લતિફા તેમના આગામી જીવન વિશે ખુશ દેખાતાં હતાં. તેણે કહ્યું, “મને ભવિષ્ય વિશે વિચારીને સારું લાગે છે. મને ખબર નથી કે મને એ દિવસે કેવું લાગશે જ્યારે હું સીને ઊઠીશ અને વિચારીશ કે હું આજે જે ઇચ્છું તે કરી શકું છું. હું આગળ વધવા માંગું છું.”

પ્રિન્સેસ પાસે પોતાનો પાસપૉર્ટ ન હતો અને તેઓ નજરકેદ હેઠળ હતાં. આવી સ્થિતિમાં તેમને દુબઈમાંથી બહાર નીકળવું હતું અને ઓમાનના કિનારા સુધી ડ્રાઇવ કરીને જવું હતું. તેમને આંતરરાષ્ટ્રીય જળસીમા સુધી પહોંચવામાં કલાકો લાગી ગયા. તેઓ એક નાનકડી બોટમાં ગયાં અને ત્યાર પછી જેટ સ્કીમાં પ્રવાસ કર્યો. સાંજ સુધીમાં તેઓ તે નૌકા સુધી પહોંચી ગયાં હતાં જેના દ્વારા તેઓ સ્વતંત્ર જગ્યાએ પહોંચી શકે તેમ હતાં.

પોતાના મિત્રને વૉટ્સઍપ સંદેશમાં લતિફાએ જણાવ્યું, “હવે હું આઝાદ છું.”

તેમણે હિંદ મહાસાગર પાર કરીને વિમાન પકડીને અમેરિકા પહોંચવાની યોજના બનાવી હતી. ત્યાં તેઓ રાજકીય શરણ માંગી શકે તેમ હતાં.

line

ભારત નજીક પહોંચતાં જ સ્વપ્ન તૂટ્યાં

દુબઈનો દરિયાકિનારો

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, દુબઈનો દરિયાકિનારો

પરંતુ આઠ દિવસ પછી તેઓ જેવા ભારતના સમુદ્ર કિનારે પહોંચ્યા કે તેમનો ભાગવાનો પ્રયાસ બહુ ખરાબ રીતે નિષ્ફળ થયો.

કેટલાક હથિયારબંધ લોકો તેમની નૌકા પર ચઢી ગયા. તેમનાં મિત્ર ટીના ત્યાં સુધી બાથરૂમમાં છુપાઈ રહ્યાં. અંતે સ્મોક ગ્રેનેડના કારણે તેમણે ડેક પર પરત આવવા મજબૂર થવું પડ્યું.

ટીના કહે છે, “લતિફા ચીસો પાડી રહી હતી. તે બૂમો પાડતી હતી, ‘મને યુએઈ પાછા ન લઈ જાઓ. મને અહીં જ મારી નાખો.’” ટીનાએ ત્યારે લતિફાને છેલ્લી વખત જોઈ હતી.

ત્યાર પછી રિલિઝ થયેલા તેમના વીડિયોમાં લતિફા યોટ પર જે થયું તેની વિગતવાર માહિતી આપે છે.

“હું છટકવા પ્રયાસ કરી રહી હતી અને તેમણે મને એક ઇન્જેક્શન લગાવી દીધું.”

લતિફા કહે છે કે ત્યાર પછી તેમને ભારતીય સેનાના એક જહાજ પર મોકલી દેવાયાં.

“કમાન્ડો મને કૉરિડૉરમાંથી એક મોટા ખંડમાં લઈ ગયા અને ત્યાં મારી સામે ચાર કે પાંચ જનરલ હતા.”

“હું સતત કહેતી હતી કે મારું નામ લતિફા અલ મકતૂમ છે. મારે દુબઈ પાછા નથી જવું. મને શરણ જોઈએ છે. હું આંતરરાષ્ટ્રીય સમુદ્રમાં હતી. તમારે મને છોડી દેવી જોઈએ.”

તેમની વાત કોઈએ સાંભળી નહીં. તેઓ કહે છે કે અમીરાતના એક કમાન્ડોએ તેમની સાથે ખરાબ વર્તન કર્યું હતું.

“તેમણે મને પકડી લીધી. ઉઠાવી લીધી. તેની સાથે મારી લડાઈ થઈ. તે મારા કરતાં ઘણો શક્તિશાળી હતો. મેં તેના હાથમાં બચકું ભર્યું. તેણે જોરથી ચીસ પાડી.”

તેઓ કહે છે કે તેમને બેહોશ કરવામાં આવ્યાં અને પરત દુબઈ લઈ જવાયાં.

“તે સમયે મને બહુ ખરાબ લાગતું હતું. મને લાગતું હતું કે આટલાં બધાં વર્ષોથી હું જે આઝાદી માટે કામ કરતી હતી તે છીનવાઈ ગઈ હતી. હું ત્યારથી અહીં કેદ છું. અહીં કોઈ મેડિકલ હેલ્પ ઉપલબ્ધ નથી. અહીં નથી કોઈ ટ્રાયલ, કે નથી કોઈ ચાર્જ.”

ટીનાને યોટના ક્રૂની સાથે પાછા યુએઈ લઈ જવાયાં. ત્યાં તેમને બે અઠવાડિયાં સુધી કેદમાં રાખવામાં આવ્યાં. ત્યાર પછી તેઓ આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ પોતાની વાત જાહેર કરવા લાગ્યાં.

line

લતિફા ક્યાં છે તેની કોઈને ખબર નથી

ટીના જોહૈનેન

તેમણે કૅમ્પન ગ્રૂપ ફ્રી લતિફાની સ્થાપના કરી અને પ્રિન્સેસના મામલાને યુનાઇટેડ નેશન્સ (યુએન)માં લઈ ગયાં.

પરંતુ મહિનાઓ વિત્યા પછી પણ તેમને લતિફા વિશે કોઈ માહિતી ન મળી.

ત્યાર બાદ 2019ની શરૂઆતમાં એક દિવસ તેઓ પોતાના પરિવારને મળવા ફિનલૅન્ડ ગયાં, ત્યાં તેમને એક અજાણ્યો સંદેશ મળ્યો.

સૌથી પહેલા તેમણે સિક્યૉરિટી સવાલોના જવાબ આપવાના હતા. વર્ષો અગાઉ ટીનાએ લતિફાને એક બ્રાઝિલિયન માર્શલ આર્ટ કેપોએરા શીખવી હતી. હવે તે લતિફાનું કેપોએરા નિકનેમ જાણવા માંગતાં હતાં. થોડી જ વારમાં પ્રિન્સેસ સાથે ટીનાનો ફોન પર સીધો સંપર્ક થઈ ગયો.

તેઓ કહે છે, “મેં જ્યારે પહેલી વખત તેમનો અવાજ સાંભળ્યો ત્યારે હું રડવા લાગી. હું કોઈ મદદ કરી શકું તેમ ન હતી. મારા માટે આ અત્યંત ભાવનાત્મક પળ હતી.”

લતિફાનો વીડિયો સંદેશ રેકૉર્ડ કરી શકતાં હતાં. તેમણે જે વાતો જણાવી તે અત્યંત ચોંકાવનારી હતી. પ્રિન્સેસ અત્યારે 35 વર્ષનાં છે અને તેઓ પોતાના બાથરૂમના એક ખૂણામાં જોવા મળે છે. તેઓ અત્યંત ધીમા અવાજમાં બોલે છે, “હું આ વીડિયો એક બાથરૂમમાંથી રેકૉર્ડ કરી રહી છું કારણ કે આ જ એક એવી જગ્યા છે જેને હું લૉક કરી શકું છું. હું બંધક છું. હું આઝાદ નથી. મારી જિંદગી મારા હાથમાં નથી.”

line

છેલ્લાં ત્રણ વર્ષથી તેઓ સૂર્યપ્રકાશ જોઈ શક્યાં નથી

“હું એક વિલામાં છું જેને એક જેલમાં રૂપાંતરિત કરી દેવાયું છે. બધી જ બારીઓ બંધ છે. ઘરની બહાર પાંચ પોલીસ કર્મચારી અને ઘરની અંદર બે મહિલા પોલીસકર્મી છે. હું તાજી હવા લેવા માટે ઘરની બહાર પણ નીકળી શકતી નથી.” આ વિલા સમુદ્ર કિનારાથી માત્ર કેટલાક મીટરના અંતરે છે.

હ્યુમન રાઇટ્સ વોચના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેન રોથ કહે છે, “આપણે એવું ન ધારી લેવું જોઈએ કે તેઓ વિલામાં છે તેથી બધું બરાબર છે.”

“આ મહિલા કેદમાં છે. મૂળભૂત રીતે આ એક એકાંત કારાવાસ છે. આ પ્રકારની એકાંદ કેદને પણ અત્યાચારનું જ એક સ્વરૂપ ગણી શકાય.”

line

મોતનો ભય

શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, શેખ મુહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ

લતિફાના વીડિયોમાં સ્પષ્ટ રીતે ભય દેખાય છે. તેમના અવાજમાં એક પ્રકારની લાચારી છલકે છે.

“દરરોજ મને મારી સુરક્ષા અને જીવનની ચિંતા થાય છે. મને ખબર નથી કે હું આવી સ્થિતિમાં કેટલા દિવસ જીવી શકીશ. પોલીસે ધમકી આપી છે કે મારે આખી જિંદગી જેલમાં રહેવું પડશે. હું અહીં સુરક્ષિત નથી.”

તેઓ સિક્રેટ ફોન સાથે પકડાઈ જશે તેવું જોખમ હોવા છતાં તેમણે શાંત અને વ્યવસ્થિત રીતે પોતાની અસાધારણ કહાણી રજૂ કરી છે.

“મારા માટે આ આસાન છે. સવાલ એટલો જ છે કે હું આઝાદ છું કે નહીં? મારે આખી દુનિયાને જણાવવું છે કે હું આઝાદ નથી. હું તેમના પ્રોપેગેન્ડા મુજબ કામ નહીં કરું.”

શેખે જણાવ્યું કે તેઓ લતિફાને દુબઈ પરત લાવવામાં આવ્યાં તેને એક બચાવ મિશન તરીકે જુએ છે. ડિસેમ્બર 2018માં લતિફા જ્યારે નવ મહિના માટે ગાયબ થઈ ગયાં હતાં ત્યારે દુબઈ પર દબાણ વધી ગયું હતું.

યુનાઇટેડ નૅશન્સે તેઓ જીવીત હોવા અંગેના પુરાવા માંગ્યા હતા. યુએને કહ્યું કે પુરાવા નહીં મળે તો તેઓ ચિંતા વ્યક્ત કરવાની સાથે જાહેરાત કરશે કે પ્રિન્સેસ કદાચ મૃત્યુ પામ્યાં છે.

ત્યાર બાદ લતિફાને મળવા માટે તેમનાં સાવકી માતા પ્રિન્સેસ હયા આવ્યાં. હયાએ તેમને તપાસ માટે જણાવ્યું હતું.

લતિફાએ એક વીડિયોમાં જણાવ્યું છે, “તેમણે મને જણાવ્યું કે આ એક પરીક્ષા સમાન છે. હું થોડો સમય જેલમાં રહ્યા પછી તે લોકો સાથે કેવો વર્તાવ કરું છું તે જોવામાં આવશે. જો હું સારી રીતે રહીશ તો થોડા જ દિવસોમાં બહાર આવી જઈશ.”

લતિફાની જાણ બહાર પ્રિન્સેસ હયા જુઠાણાની જાળ બનાવી રહ્યાં હતાં. તે મુજબ લતિફા બાઈપોલર ડિસઓર્ડરનાં શિકાર હતાં અને તેમનું શોષણ થઈ શકતું હતું. લતિફા બિલકુલ મજામાં છે એવું યુએનને જણાવવા માટે હયાએ એક મિત્ર મેરી રોબિન્સનને ફોન કર્યો. મેરી અગાઉ હ્યુમન રાઇટ્સ માટે યુએનના હાઇકમિશનર રહી ચૂક્યાં હતાં.

15 ડિસેમ્બર 2018ના રોજ મેરી રોબિન્સન દુબઈથી આવ્યાં. તેમના જણાવ્યા મુજબ ત્યાં હયા અને તેમના અધિકારીઓએ તેમને લતિફાની કથિત મેડિકલ પરિસ્થિતિ વિશે જણાવ્યું હતું. તેમણે યુએન સાથે સંપર્ક કરવામાં મદદ કરવાની સહમતી દર્શાવી.

લતિફાને આ વિશે કંઈ ખબર ન હતી. લંચ પર તેમણે પર્યાવરણ, સ્કાય ડાઇવિંગ અને મેરી રોબિન્સનના આગામી પુસ્તક વિશે ચર્ચા કરી.

line

ત્યાર બાદ શેખનાં પત્ની પ્રિન્સેસ હયા પણ ભાગી ગયાં

પ્રિન્સેસ લતિફા અને મૅરી રૉબિનસન

ઇમેજ સ્રોત, UAE GOVERNMENT HANDOUT

લતિફા કહે છે, “મેં મારા વિશે કોઈ ચર્ચા ન કરી. અમે મારા કેસ વિશે કોઈ ચર્ચા ન કરી.”

લતિફાને ખબર ન હતી કે રોબિન્સન યુએન હ્યુમન રાઇટ્સ કમિશનર રહી ચૂક્યાં છે.

મેરી રોબિન્સને અમને જણાવ્યું કે તેમણે લતિફાને તેમના વીડિયો અથવા ભાગી છૂટવા અંગે કોઈ સવાલ ન કર્યો. તેમને અલગથી મળવા અંગે પણ કંઈ જણાવ્યું ન હતું.

તેઓ કહે છે, “મને ખબર ન હતી કે કોઈ બાઈપોલર વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવામાં આવે છે. હું ખરેખર એક સરસ મજાના લંચ પ્રસંગે વાત કરવા માંગતી ન હતી. મારે તેમની પીડા વધારવી ન હતી.”

પરંતુ રોબિન્સને લતિફાનો ફોટો લેવામાં આવે તેની મંજૂરી આપી, જેને યુએનમાં મોકલવા માટે તેમણે સહમતી આપી હતી. રોબિન્સને કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ અંગત ફોટોગ્રાફ છે. યુએનએ નવ દિવસ પછી આખી દુનિયા સમક્ષ તે ફોટો જાહેર કરી દીધો ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયાં.

લંચ પછી લતિફાને તેમના વિલામાં પરત લઈ જવામાં આવ્યાં.

લતિફા કહે છે, “આ બધું પહેલેથી નક્કી હતું. એવું લાગે છે કે તેમણે મને છેતરી હતી.” ગુમ થયેલા પ્રિન્સેસના જીવનમાં કોઈ પરિવર્તન થયું ન હતું.

પરંતુ તેમનાં સાવકી માતા પ્રિન્સેસ હયા માટે એક અસામાન્ય ઘટના બની. રોબિન્સન કહે છે, “થોડા જ સમયમાં મને હયાનો કોલ આવ્યો. તેમણે કહ્યું કે મેરી, હું લંડનમાં છું. હું અહીં મારાં બે સંતાન સાથે આવી છું. હું ગભરાયેલી છું. અમે ખોટા હતા. મને ઘણી બધી ખબર પડી છે.”

ત્યાર બાદ હયાએ જણાવ્યું કે લતિફામાં તેમણે જે રસ લીધો તે શેખને પસંદ ન પડ્યું. ત્યાર પછી તેઓ તેમના પ્રત્યે વધારે સખત થઈ ગયા.

તેઓ કહે છે કે એપ્રિલ 2019 આવતા સુધીમાં દુબઈમાં તેમની સ્થિતિ અસુરક્ષિત થઈ ગઈ. 15 એપ્રિલે તેઓ યુકે ભાગી ગયાં.

line

લતિફા હજુ પણ કેદમાં છે

પ્રિન્સેસ હયા લંડનમાં જુલાઈ 2019માં જોવા મળ્યા હતા

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રિન્સેસ હયા લંડનમાં જુલાઈ 2019માં જોવા મળ્યા હતા

પોતાનાં એક પત્ની અને બે બાળકો ભાગી ગયાં બાદ શેખે સંતાનોને દુબઈ પરત લાવવા માટે હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા. પરંતુ તેના કારણે શેખની વધારે બદનામી થઈ.

માર્ચ 2020માં હાઇકોર્ટના એક નિર્ણયમાં તેમના પોતાની પુખ્ત વયની દીકરીઓ સાથેની વર્તણૂકની વિગત આપવામાં આવી.

18 વર્ષ અગાઉ તેમનાં બીજા એક પુત્રી શમ્સાને યુકેમાંથી અપહરણ કરવામાં આવ્યાં હતાં અને તેને દુબઈ પાછાં લાવવામાં આવ્યાં હતાં. ત્યારથી જ તેઓ કેદમાં છે.

આ નિર્ણયમાં આખી વાતનો ઉલ્લેખ છે. તેમાં જણાવાયું છે કે શેખના એજન્ટોએ કઈ રીતે શમ્સાને કેમ્બ્રિજમાંથી શોધી કાઢ્યાં અને તેમને પરત લઈ ગયા.

જજે જણાવ્યું કે હયાને ધમકાવવામાં આવી હતી અને લતિફાનું અપહરણ કરીને તેમને જેલમાં પૂરવામાં આવ્યાં છે. ચુકાદામાં જણાવાયું કે અદાલત સમક્ષ શેખે પ્રામાણિકતા અને ખુલ્લાપણું નથી દર્શાવ્યું.

ટીના માટે આ એક મોટી સફળતા હતી. તેઓ કહે છે, મને લાગ્યું કે આના કારણે લતિફા ઝડપથી મુક્ત થઈ શકશે.

પરંતુ ફરી એક વખત દુબઈમાં લતિફાના જીવનમાં કોઈ ફેરફાર ન થયો.

ટીના કહે છે, “આ એવું છે કે આખરે આપણે શું કરીએ જેથી તેમને છોડાવી શકાય? આ અત્યંત દુખી કરનારી બાબત છે.”

પોતાના વિલામાં એકલાં રહેલાં પ્રિન્સેસ લતિફાએ કેસની સંપૂર્ણ માહિતી એકત્ર કરી અને તેઓ પોતાના મિત્ર સાથે દરરોજ સંપર્કમાં હતાં. તેઓ ફ્રી લતિફા કૅમ્પેનના સહસ્થાપક ડેવિડ હેઈ સાથે પણ સંપર્કમાં હતાં.

આ વીડિયો રેકોર્ડિંગ અને લાંબી ચૅટ્સ જ તેમની પરિસ્થિતિ વિશે માહિતી આપતા સાક્ષી બની ગયા છે. માર્ક્સ કહે છે, “ફોન એક મહત્ત્વની ચીજ છે. તે લાઇફલાઇન સમાન છે.” લતિફા ત્રણ વર્ષથી કેદમાં છે.

માર્ક્સ કહે છે, “તેમના માટે દરેક દિવસ એક સંઘર્ષ સમાન છે. આ વાત તેમના અવાજમાં જોવા મળશે. મને ખબર છે કે તે થાકી ગઈ છે.”

પરંતુ એક દિવસ અચાનક તેમનો સંપર્ક તૂટી ગયો.

હવે મહિનાઓ પછી ટીના, ડેવિડ અને માર્ક્સે લતિફા માટે કેટલાક વીડિયો રિલિઝ કરવાનો નિર્ણય લીધો છે. તેમને આશા છે કે તેના દબાણ હેઠળ શેખ તેમને મુક્ત કરી દેશે.

ટીના કહે છે, “અમે આ નિર્ણય હળવાશમાં નથી લીધો. અમે ઘણી રાત સુધી ઊંઘી શક્યા નથી.”

દુબઈ અને યુએઈની સરકારોએ જણાવ્યું કે લતિફા પોતાના પરિવારની દેખરેખ હેઠળ સુરક્ષિત છે.

ટીના પોતાનાં મિત્રની સુરક્ષા અંગે ચિંતિત છે.

ટીનાએ જણાવ્યું, “શરૂઆતમાં મેં વિચાર્યું કે કદાચ તેમના ફોનમાં કોઈ ખરાબી હશે. મને લાગ્યું કે તેઓ ફરી ફોન કરશે. હું આવી સ્થિતિ પર ભરોસો કરવા માંગતી ન હતી.”

ફૂટર

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો