વિજય રૂપાણીની ગુજરાતમાં ‘લવ જેહાદ’ પર કાયદો લાવવાની વાત ચૂંટણીનો મુદ્દો કે બીજું કંઈ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી
તમારી ફેવરિટ ભારતીય મહિલા ખેલાડીને વોટ આપવા માટે CLICK HERE

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ રવિવારે વડોદરા ખાતેથી એક ચૂંટણીસભાનું સંબોધન કરતાં જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી વિધાનસભાસત્રમાં ‘લવ જેહાદ’ સામે કાયદો લાવવામાં આવશે.

મુખ્ય મંત્રીના આ નિવેદન સામે ગુજરાતમાં લઘુમતીઓના અધિકારો માટે કાર્યરત માઇનોરિટી કૉર્ડિનેશન કમિટીએ વાંધો ઉઠાવ્યો છે. આ કમિટિએ રાજ્યપાલને જેહાદ શબ્દના દુરુપયોગ બાબતે રજુઆત કરી છે. કમિટીના કન્વીનર મુજાહિદ નફીસે કહ્યું કે, જેહાદ શબ્દનો ઉપયોગ મુસ્લિમોની છબિ ખરડવા માટે અને સમાજમાં નફરત વધારવા માટે થઈ રહ્યો છે અને બંધારણીય હોદ્દો ધરાવનારા આ રીતે શબ્દનો ઉપયોગ ન કરે તે રાજ્યપાલે જોવું જોઈએ.

નોંધનીય છે કે અગાઉ ગુજરાત સરકાર દ્વારા વિવિધ સરકારી વિભાગોને મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લવાયેલા ‘લવ જેહાદ’ વિરોધી કાનૂનોનો અભ્યાસ કરવા અને તેની કાયદેસરતા તપાસવા જણાવ્યું હતું.

હવે ફરી એક વાર મુખ્ય મંત્રીએ જાહેર મંચ પરથી ‘લવ જેહાદ’ સામે કાયદો લાવવાની વાત કરીને આ મુદ્દા અંગે ચર્ચા જગાવી છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે શું રાજ્યમાં ખરેખર ‘લવ જેહાદ’ છે કે આ માત્ર ચૂંટણી પૂરતો એક પ્રચાર માટેનો મુદ્દો છે?

નોંધનીય છે કે હાલમાં જ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં ‘ધર્મ પરિવર્તન સામે કાયદો’ લાવવામાં આવ્યો છે. આ સિવાય હરિયાણા, કર્ણાટક અને અસમમાં પણ આવા કંઈક આવા જ કાયદા લાવવાની વાત કરાઈ રહી છે. તેમજ ઉત્તરાખંડમાં પણ આ પ્રકારનો કાયદો લાવવામાં આવ્યો છે. આ કાયદાઓની જોગવાઈ પરાણે કે લોભ-લાલચ થકી કરાઈ રહેલા ધર્માંતરણ વિરુદ્ધ હોવા છતાં વિવિધ માધ્યમોમાં આ કાયદો ‘લવ જેહાદ’ સામેના કાયદાઓ તરીકે ચમકે છે. એનું કારણ છે ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી જેવા નેતાઓ અવાનવાર આ કાયદાઓને આ ‘લવ જેહાદ’ એવા નામ સાથે જોડે છે.

અનેક કિસ્સાઓમાં આવા કાયદાઓ થકી આંતરધર્મીય લગ્ન કરનારને હેરાનગતિ કરવામાં આવી હોવાની ઘટનાઓ પણ બની છે તો હાઈ કોર્ટોએ પણ કાયદા સામે દરમિયાનગીરી કરી છે.

આંતરજ્ઞાતિય-આંતરધર્મીય લગ્નો સમાજના હિતમાં છે એવું સુપ્રીમ કોર્ટ કહી ચૂકી છે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ફરી એક વાર એ વાત દોહરાવી અને કહ્યું કે સમાજે આંતરજ્ઞાતિય અને આંતરધર્મીય લગ્નોને સ્વીકાર કરતાં શીખવું પડશે.

અહીં એ પણ પ્રશ્ન થાય છે કે આખરે આ કથિત ‘લવ જેહાદ’ એટલે શું?

લવ અંગ્રેજી ભાષાનો શબ્દ છે જેનો અર્થ પ્રેમ થાય છે અને જેહાદ અરબી ભાષાનો શબ્દ છે જેનો અર્થ સંઘર્ષ કે પ્રયાસ કરવો એમ થાય. જેહાદ શબ્દનો એક અર્થ સારા સમાજ માટે સંઘર્ષ કરવો એમ પણ થાય છે. આમ, કથિત લવ જેહાદ શબ્દ બે અલગ અલગ ભાષાના શબ્દોમાંથી બનાવવામાં આવ્યો છે.

બિઝનેસ સ્ટાન્ડર્ડના એક અહેવાલ અનુસાર ‘લવ જેહાદ’ એ એક બિનઆધિકારિક ટર્મ છે. આ અહેવાલ પ્રમાણે રેડિકલ હિંદુ ગ્રૂપ દ્વારા મુસ્લિમ યુવકો દ્વારા હિંદુ યુવતીઓને પ્રેમમાં ફસાવી તેમનું ધર્માંતરણ કરાવવા માટેના કથિત કૅમ્પેનને આ નામ અપાયું છે.

જોકે, ભારતના ‘હાલના કાયદાઓમાં’ આ શબ્દને વ્યાખ્યાયિત નથી કરાયો. કોઈ પણ કેન્દ્રીય એજન્સી તરફથી ‘લવ જેહાદ’નો કોઈ મામલો સૂચિત કરવામાં નથી આવ્યો એવો ખુલાસો કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડી સંસદમાં આપી ચૂક્યા છે.

જોકે, તેમ છતાં જેમ વિજય રૂપાણીએ પરાણે અને લોભ-લાલચ આપી કરાતા ધર્માંતરણ માટે કાયદો લાવવા માટે ‘લવ જેહાદ’ શબ્દનો ઉપયોગ કર્યો તેવી જ રીતે અવારનવાર અનેક નેતાઓ હિંદુ યુવતી અને મુસ્લિમ યુવકના લગ્નના મામલાઓ માટે ‘લવ જેહાદ’ શબ્દનો ઉપયોગ કરતા રહ્યા છે.

પરંતુ અહીં મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે શું લોભ-લાલચ આપી થતું ધર્માંતરણ, જેને રાજનેતાઓ ‘લવ જેહાદ’નું નામ આપે છે એ શું ખરેખર સમસ્યા છે કે પછી આ પણ માત્ર મત મેળવવા માટેનું વધુ એક પગલું છે?

આ વિશે વધુ સ્પષ્ટતા કરવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાત કરી હતી.

line

'ગુજરાતમાં લવ જેહાદ જેવી કોઈ સમસ્યા નથી'

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, TWITTER/VIJAYRUPANI

ઇમેજ કૅપ્શન, ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે રાજ્યમાં આગામી વિધાનસભાસત્રમાં 'લવ જેહાદ' સામે કાયદો લાવવામાં આવશે.

વિજય રૂપાણી દ્વારા આગામી વિધાનસભા સત્રમાં ‘લવ જેહાદ’ સામે કાયદો લાવવાની વાતને વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક પ્રકાશ ન શાહ ચૂંટણી સંદર્ભે ઊભો કરાયેલો મુદ્દો ગણાવે છે.

તેઓ કહે છે કે, “આ અંગેના એકલદોકલ મામલા બન્યા હોઈ શકે. પરંતુ ગુજરાતમાં લવ જેહાદની હવા છે તેવું કંઈ નથી. આ માત્ર ચૂંટણી સંદર્ભે મતોનું ધ્રુવીકરણ કરી શકાય તે માટે ઊભો કરાયેલો એક મુદ્દો છે.”

જોકે તેઓ માને છે કે ગુજરાત સરકાર આ મુદ્દે માત્ર જાહેરાત જ નહીં કરે પરંતુ નજીકના ભવિષ્યમાં ધારાસભામાં આ અંગેનો કાયદો પણ લઈ આવશે, જોકે રાજ્યમાં ‘લવ જેહાદ’ જેવી કોઈ સમસ્યા હોવાની વાતથી તેઓ ઇન્કાર કરે છે.

‘ગુજરાતમાં પહેલાંથી છે બળજબરીથી ધર્માંતરણને ગેરકાયદે ઠેરવતો કાયદો’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતાં વકીલ પુનિત જુનેજા ગુજરાતના મુખ્ય મંત્રી દ્વારા તાજેતરમાં ‘લવ જેહાદ’ સામે કાયદો લાવવાની જાહેરાતને મતોના ધ્રુવીકરણ માટેનું પગલું માને છે.

તેઓ આ સંદર્ભે વધુ માહિતી આપતાં કહે છે કે, “ગુજરાતમાં બળજબરીપૂર્વક કે લોભ-લાલચ આપીને ધર્માંતરણને ગેરકાયદેસર ઠેરવવા માટે ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન ઍક્ટ, 2003 છે જ. જે અંતર્ગત આવા કોઈ પણ કૃત્યને ગુનાહિત કૃત્ય ગણી દંડિત કરવાની જોગવાઈ કરવામાં આવી છે.“

“આ સિવાય બે જુદા જુદા ધર્મના લોકો વચ્ચે થતાં લગ્નો બાબતે બળજબરીપૂર્વક ધર્માંતરણ થાય છે કે કેમ તે ચકાસવા માટે નોટિસ આપવાની જોગવાઈ છે. જેથી લાલચથી કે બળજબરીપૂર્વક ધર્માંતરણ પર કાયદાકીય અંકુશ રાખી શકાય. આ જોગવાઈઓ અને કાયદાઓ હોવાને કારણે રાજ્યમાં કોઈ નવા કાયદાની જરૂરિયાત માટે અવકાશ નથી. આ મત મેળવવા માટેનું એક રાજકીય પગલું માત્ર છે.”

સામાજિક કાર્યકર હનીફ લાકડાવાળા માને છે કે આ પ્રકારની જાહેરાતો રાજ્યમાં સત્તા પક્ષના નેતાઓ સમાજમાં નફરતની લાગણી વધુ પ્રબળ બનાવી પોતાના રાજકીય લાભ માટે કરતા હોય છે.

તેઓ કહે છે કે, “ગુજરાતમાં પહેલાંથી જ બળજબરીપૂર્વક, લગ્ન કે પ્રેમની લોભ-લાલચ આપી ધર્માંતરણ કરાતું હોય તેને રોકવા માટે કાયદો છે જ. આ કાયદાની જોગવાઈઓ અનુસાર ધર્માંતરણ કરવા ઇચ્છુક વ્યક્તિએ કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવવાની હોય છે. આટલું જ નહીં પરંતુ ધર્માંતરણ માટેના સમારોહમાં હાજર રહેવા ઇચ્છુક વ્યક્તિઓએ પણ કલેક્ટરની મંજૂરી મેળવવાની હોય છે. આટલી કડક જોગવાઈઓ છે ત્યારે બળજબરીપૂર્વક ધર્માંતરણ થતું રોકવા માટે અન્ય કોઈ કાયદાની જરૂરિયાત દેખાતી નથી.”

તેઓ મુખ્ય મંત્રી વિજય રૂપાણીની આ જાહેરાતને હિંદુઓ મતદારોમાં મુસ્લિમ સમાજ માટે રહેલા ભય અને નફરતની લાગણી વધુ પ્રબળ બનાવવાના સાધન તરીકે જુએ છે.

તેઓ કહે છે કે, “હિંદુ મતદારોનાં મનમાં રહેલી હિંદુ ધર્મ અને હિંદુ ધર્મની યુવતીઓ ખતરામાં છે તેવી ભાવનાને હવા આપી, પોતાના પક્ષ તરફી મતદાન કરાવવાની આ એક વ્યૂહરચના છે. જે કોમી સૌહાર્દને વધુ ડિસ્ટર્બ કરવાનું કામ કરશે.”

તેઓ રિલિજિયસ ફ્રીડમ ઍક્ટ અને પ્રસ્તાવિત ‘લવ જેહાદ’ના કાયદા વિશે વાત કરતાં કહે છે કે, “ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન ઍક્ટની જોગવાઈ દલિતો અને આદિવાસીઓને હિંદુ ધર્મ છોડતા અટકાવવા માટેની હતી, જ્યારે પ્રસ્તાવિત ‘લવ જેહાદ’ સામેનો કાયદો મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરવા માટે લવાશે તેવું લાગી રહ્યું છે.”

line

‘પ્રસ્તાવિત કાયદો મુસ્લિમવિરોધી નથી, કન્યાઓને રક્ષણ મળે એ માટે છે’

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, AFP/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ‘લવ જેહાદ’ એ ખરેખર છે કે માત્ર એક ચૂંટણી પૂરતો મુદ્દો છે? આ પ્રશ્નના જવાબમાં રાજકીય વિશ્લેષક વિષ્ણુ પંડ્યા કહે છે કે, “લવ જેહાદ શબ્દ તદ્દન ખોટો છે. લવ સાથે ક્યારેય જેહાદ હોઈ શકે નહીં.”

તેઓ આ અંગે આગળ વાત કરતાં કહે છે કે, “પ્રસ્તાવિત કાયદો જુદા જુદા સંપ્રદાયના લોકો પૈકી જે છોકરાઓ છોકરીઓને ફસાવે છે તેને રોકવા માટેનો લાવવામાં આવી રહ્યો છે. આવી રીતે ફસાવાયેલી છોકરીઓ તદ્દન સામાન્ય કુટુંબમાંથી આવતી હોઈ તેમના પરિવારજનો આવી પ્રવૃત્તિઓ સામે કોર્ટમાં જઈ શકતા નથી. આવા મુસીબતમાં રહેલા લોકો માટે આ કાયદો લાવવામાં આવશે. આ કાયદાથી આવી પ્રવૃતિ કરતાં તત્ત્વો સામે કાયદાની ધાક બેસશે.”

તેઓ આ કાયદાની જરૂરિયાત અંગે વાત કરતાં કહે છે કે, “અમદાવાદમાં પ્રોફેસર તરીકેના મારા કાર્યકાળ દરમિયાન મેં જાતે કૉલેજોની બહાર આવા પ્રકારની પ્રવૃત્તિઓ થતી જોઈ છે. આવાં તત્ત્વોથી છોકરીઓને કોઈ બચાવી પણ શકતું નથી. ઘણી વખત મજબૂરીમાં આવી છોકરીઓનું ધર્માંતરણ પણ થઈ જતું હોય છે. આવાં પ્રકરણો ન બને તે માટે આ કાયદો લાવવામાં આવશે. અને આને ચૂંટણી સાથે કોઈ નિસબત નથી. આ વિષય ઘણા સમયથી વિચારધીન હતો અને તેને હું ચૂંટણીપ્રચાર માનતો નથી.”

તેમજ વિષ્ણુ પંડ્યા કહે છે કે, “આ કાયદો એ માત્ર મુસ્લિમો માટે લવાઈ રહ્યો છે એવું નથી, પરંતુ તમામ સમાજનાં અસામાજિક તત્ત્વો સામે મહિલાઓને રક્ષણ આપવા માટેનો કાયદો છે. તેનો અર્થ એ થયો કે જો હિંદુ યુવક દ્વારા પણ આવી પ્રવૃત્તિ કરવામાં આવે તો તેના પર પણ આ કાયદો લાગુ પાડી કામ ચલાવી શકાશે.”

ગુજરાતમાં બળજબરીપૂર્વક થતા ધર્માંતરણને રોકવા માટે પહેલાંથી કાયદો હોવા છતાં નવા કાયદાની શી જરૂરિયાત છે?

આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, “ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન ઍક્ટ, 2003ની જોગવાઈઓ માત્ર બળજબરીપૂર્વક થતાં ધર્માંતરણને ગુનો જાહેર કરીને તેને અટકાવે છે. પરંતુ પ્રસ્તાવિત કાયદામાં જાતીય શોષણ સામે અને તેમને આવા પ્રકારનાં કૃત્યોના કારણે વેઠવી પડતી મુશ્કેલીઓ અંગે પણ જોગવાઈ કરવામાં આવશે. જેથી કોઈ પણ મહિલાને આવાં કારણોસર આપઘાત કરવાની ફરજ ન પડે.”

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ‘લવ જેહાદ’ એ શબ્દનો ઉપયોગ જાતે મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કર્યો છે, તો તેનો શો અર્થ સમજવો? તો તેઓ આ પ્રકારના શબ્દપ્રયોગ અંગે મુખ્ય મંત્રી વિજય રૂપાણીના મનમાં પણ એવી કોઈ ખરાબ ભાવના નહીં હોવાનું જણાવે છે. અને કહે છે કે આ શબ્દ પ્રચલિત હોવાના કારણે તેમણે આનો ઉપયોગ કર્યો છે. તેને કોઈ બીજા અર્થમાં સમજવાની જરૂર નથી.

line

યુવતી હિંદુ અને યુવક મુસ્લિમ હોય તેવા કિસ્સા કાયદાની નજરમાં?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

વિવિધ માનવાધિકાર સંસ્થાઓ સાથે સંકળાયેલા લેખક રામ પુનિયાની પોતાના એક લેખમાં ઉત્તર પ્રદેશ દ્વારા લવાયેલા પ્રોહિબિશન ઑફ અનલૉફુલ કન્વર્ઝન ઑફ રિલિજિયન ઑર્ડિનન્સ, 2020ની જોગવાઈને સામાજિક સૌહાર્દને બગાડનારી ગણાવે છે.

આ લેખમાં તેઓ આગળ જણાવે છે કે ધર્માંતરણ અંગેના આવા કાયદા અંગે ઉત્તર પ્રદેશનું અનુકરણ કરનાર રાજ્યોમાં મોટા ભાગે કથિત હિંદુવાદી તત્ત્વો દ્વારા યુવતી હિંદુ અને યુવક મુસ્લિમ હોય તેવાં યુગલોને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેમના મતે, "આવાં તત્ત્વો આવા કાયદાઓ થકી ન માત્ર સમાજમાં વિભાજનકારી માહોલ સર્જી રહ્યા છે પરંતુ લઘુમતિ મુસ્લિમ સમાજને વધુ હાંસિયામાં ધકેલવાના પ્રયત્નો પણ કરી રહ્યા છે."

તેઓ આગળ લખે છે કે, "આ કાયદાઓ દ્વારા હિંદુ યુવતીઓના મુસ્લિમ યુવક સાથેનાં લગ્નો બાબતે હિંદુ ધર્મમાંથી ધર્માંતરણ અંગેનો ડર પેદા કરવાનું કામ થઈ રહ્યું છે. જ્યારે હિંદુ યુવક અને મુસ્લિમ યુવતીનાં લગ્નનાં કિસ્સામાં આ ઘટનાને યુવતીની ઘરવાપસી ગણાવવામાં આવી રહી છે."

રામ પુનિયાની આગળ લખે છે કે, "ઉત્તર પ્રદેશ સરકાર જેવા કાયદાઓ દ્વારા મુસ્લિમ યુવકોને હિંદુત્વ માટે ખતરો ગણાવવાની સાથે હિંદુ યુવતીઓને સમજશક્તિવિહોણી ગણાવવાનું કામ થઈ રહ્યું છે. આ કાયદાઓ થકી કેટલાક લોકો હિંદુ યુવતીઓનાં માતાપિતાને તેમના પર વધુ નજર રાખવા માટે પ્રેરી રહ્યા છે. આ કાયદાઓને કારણે થઈ રહેલી પ્રવૃત્તિઓમાં પણ સમાજની પિતૃસત્તાત્મક છાપ દેખાય છે. જે સ્ત્રીઓને પુરુષોના નિયંત્રણમાં રાખવાની ગર્ભિત સલાહ આપે છે."

line

ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન ઍક્ટ, 2003ની જોગવાઈઓ

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત ફ્રીડમ ઑફ રિલિજિયન ઍક્ટ, 2003 પ્રેમ કે લગ્નની લાલચ આપી કરાતા ધર્માંતરણને ગુનો ઠેરવે છે.

આ કાયદા અંતર્ગત આવા કૃત્ય માટે ગુનેગાર ઠરનાર વ્યક્તિને ત્રણ વર્ષ સુધીની કેદની સજા અને 50,000 રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જો જે વ્યક્તિનું બળજબરીપૂર્વક ધર્માંતરણ કરાયું છે તે સગીર હોય, સ્ત્રી હોય કે પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની વ્યક્તિ હોય તો તેવા કિસ્સામાં મહત્તમ સજા ચાર વર્ષ કરવામાં આવી છે. જ્યારે એક લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે.

આ કાયદાની જોગવાઈઓ પ્રમાણે જો કોઈ પણ વ્યક્તિ કાયદેસર ધર્માંતરણ કરવા માગતી હોય તો તેણે કલેક્ટર પાસેથી આ અંગેની પૂર્વમંજૂરી મેળવવું જરૂરી છે. જ્યારે ધર્માંતરણ અંગેના સમારોહમાં સામેલ થવા ઇચ્છુક વ્યક્તિઓએ પણ જિલ્લા કલેક્ટરની પૂર્વમંજૂરી મેળવવાનું જરૂરી હોય છે.

line
ફૂટર
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો