પાકિસ્તાન અને ચીન કેવી રીતે મિત્ર બન્યા? આજે બંને દેશ કયા મુકામ પર છે?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, સકલૈન ઇમામ
- પદ, બીબીસી ઉર્દૂ સેવા
1950ના દાયકામાં કોઈ વિચારી પણ શકતું ન હતું કે પાકિસ્તાન અને ચીન ક્યારેય સારા મિત્રો બનશે, અને મિત્રતા પણ એવી ગાઢ કે દરેક પ્રકારની મુસીબતોનો સામનો કરવા છતાં તે ટકી રહેશે. ચીન માટે પાકિસ્તાન ‘ઇઝરાયલ જેવું’ બની જશે એવું તો બિલકુલ વિચારવામાં આવ્યું ન હતું.
સમાજવાદી ક્રાંતિ બાદ ચીનના ગણતંત્રને માન્યતા આપવામાં પાકિસ્તાન સૌપ્રથમ મુસ્લિમ દેશ અને સમગ્ર વિશ્વનો ત્રીજો દેશ હતો. પાકિસ્તાને 4 જાન્યુઆરી, 1950ના રોજ ચીનને માન્યતાની જાહેરાત કરી દીધી હતી.
ત્યાર પછીના વર્ષે 21 મે 1951ના દિવસે પાકિસ્તાને ચીન સાથે રાજદ્વારી સંબંધ સ્થાપ્યા અને મેજર જનરલ આગા મોહમ્મદ રઝાને ચીન ખાતેના રાજદૂત તરીકે નિયુક્ત કર્યા.
પાકિસ્તાન અને ચીનના સંબંધો વિશે એક બ્રિટિશ પત્રકાર એન્ડ્ર્યુ સ્મોલે પોતાના પુસ્તક “ધ ચાઇના પાકિસ્તાન એક્સ-એશિયાઝ ન્યૂ જિયો પોલિટિક્સ”માં લખ્યું છે કે “ચીનના સર્વેસર્વા માઓત્સે તુંગે પાકિસ્તાની રાજદૂતના પદભાર ગ્રહણના દસ્તાવેજો સ્વીકારતી વખતે કોઈ ખાસ ઉમળકો દેખાડ્યો ન હતો.”
“હું બ્રિટન, આયર્લૅન્ડ અને બ્રિટિશ ઉપનિવેશના દેશો તરફથી આ દસ્તાવેજો સ્વીકારતા ઘણો આનંદ અનુભવી રહ્યો છું.” ચૅરમૅન માઓત્સે તુંગના આ નિવેદનમાં એ વાતનો ઉલ્લેખ પણ ન હતો કે તે રાજદૂત પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા.
પાકિસ્તાનનો ઉલ્લેખ પણ નહોતો થયો તે ઘટનાનો ઉલ્લેખ ત્યાર પછી ભારતીય રાજદૂતે વિશેષ રીતે કર્યો હતો. ત્યાં સુધી પાકિસ્તાન બ્રિટનનું સંસ્થાન હતું. એટલે કે બંધારણીય દૃષ્ટિએ તે બ્રિટનના અધિકારક્ષેત્રમાં આવતું હતું.

પ્રાથમિકતાની દૃષ્ટિએ એક સમયે ભારતનું મહત્ત્વ વધુ હતું

ઇમેજ સ્રોત, GETTY IMAGES
તે સમયે પાકિસ્તાન ભૌગોલિક દૃષ્ટીએ ચીન માટે ઘણું મહત્ત્વનું હતું. તે ઐતિહાસિક સિલ્ક રૂટના માર્ગ પર આવતું હતું અને ત્યાં સુધી અમેરિકાનું વ્યૂહાત્મક મિત્ર પણ બન્યું ન હતું. પરંતુ તે સમયે ચીન માટે ભારતનું મહત્ત્વ ઘણું વધારે હતું.
ચીન અને ભારત વચ્ચે શરૂઆતથી જ મિત્રતા જામવા લાગી હતી. બંને દેશો વચ્ચે સાંસ્કૃતિક અને વ્યાપારી પ્રતિનિધિમંડળોની આવ-જા શરૂ થઈ ગઈ હતી. આવી પૃષ્ઠભૂમિમાં જ્યારે ચીનના પ્રથમ વડા પ્રધાન ચાઉ એન લાઇએ પાકિસ્તાનનો પ્રવાસ કર્યો ત્યારે ત્યાં તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી. 1956માં ચાઉ એન લાઇની મુલાકાતની સાથે ચીન અને પાકિસ્તાન વચ્ચે સંબંધોના નવા યુગની શરૂઆત થઈ. આમ છતાં બંને દેશો વચ્ચે ‘ગાઢ મિત્રતા’ જામશે તેવી કોઈને ધારણા ન હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીનમાં પાકિસ્તાનના તત્કાલિન રાજદૂત સુલ્તાનુદ્દીન અહમદ અને વડા પ્રધાન ચાઉ એન લાઇ વચ્ચે થયેલી મુલાકાત પરથી આ વાતનો પુરાવો મળે છે. તેમાં તેઓ પાકિસ્તાનને કાશ્મીર અંગે કોઈ પણ સૈન્ય કાર્યવાહી ન કરવાની સલાહ આપે છે.
ચાઉ એન લાઇ સાથે સુલ્તાનુદ્દીન અહમદની વાતચીતની વિગતો વુડરો વિલ્સન સેન્ટરના આર્કાઇવ્ઝમાં હાજર છે.
તે મુજબ વડા પ્રધાન ચાઉ એન લાઇએ પાકિસ્તાની રાજદૂતને વારંવાર એ જણાવવાનો પ્રયાસ કર્યો કે ચીન અને શ્રીલંકાને એ વાતની ખાસ ચિંતા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય ટક્કર થઈ શકે છે. તેના કારણે સમગ્ર ક્ષેત્રના વિકાસ અને સમૃદ્ધિ પર માઠી અસર પડશે. તેમણે કહ્યું કે પાકિસ્તાને યુદ્ધ ટાળવું જોઈએ અને પરસ્પર મંત્રણા દ્વારા કાશ્મીર વિવાદનો ઉકેલ લાવવા પ્રયાસ કરવો જોઈએ.
તેમણે પાકિસ્તાની રાજદૂતને એ સમજાવવાની પણ કોશિશ કરી કે જો લડાઈ થશે તો સંયુક્ત રાષ્ટ્રનો હસ્તક્ષેપ વધશે અને તેનાથી પાકિસ્તાનને ફાયદો નહીં થાય.
તેની સાથે સાથે અમેરિકાની દખલગીરી પણ વધી જશે જેની નજર પહેલેથી આ ક્ષેત્ર ઉપર છે. પરંતુ આ બેઠકમાં પાકિસ્તાની રાજદૂતે ભારતવિરોધી વાતો ચાલુ રાખી અને તેઓ ભારત તરફથી પેદા થતા ખતરાની વાતો કરતા રહ્યા. ચીની નેતા તેમને ધીરજ રાખવાની સલાહ આપતા રહ્યા.

'પાકિસ્તાન અમારું ઇઝરાયલ છે'
ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં ‘પાકિસ્તાનમાં ચાઇનીઝ મામલે સંશોધન પ્રબંધ’ અંગે પીએચડી કરનારા ડો. નિલોફર મેહંદી જણાવે છે કે, ચીની નેતાઓનો ઇતિહાસ જોવામાં આવે તો, ત્યાં ગમે તે વ્યવસ્થા રહી હોય, કોઈ પણ દેશ ચીનથી વધારે વ્યવહારુ નથી. સમયે આ વાત સાબિત પણ કરી દીધી. ભારતનો સૌથી સારો મિત્ર પાયાની વાસ્તવિકતાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનનો સારો મિત્ર દેશ બની ગયો.”
”આ રીતે જોવામાં આવે તો 1956માં ચાઉ એન લાઇનો પાકિસ્તાન પ્રવાસ ભારત સાથેના સંબંધમાં એક મોટા પરિવર્તનનો આધાર બન્યો.”
”શરૂઆતમાં આ સંબંધોમાં ગરમાવો ન હતો, પરંતુ પછી તેમની વચ્ચે સંબંધ મજબૂત બનવા લાગ્યા. એક તબક્કે ચીનના જાસૂસી વિભાગના ભૂતપૂર્વ પ્રમુખ જનરલ શી આંગ ગુઆંગકાઇએ જણાવ્યું કે “પાકિસ્તાન અમારું ઇઝરાયલ છે.”
1956માં દુનિયામાં શું ચાલી રહ્યું હતું?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
1956માં એવી ઘણી મહત્ત્વની ઘટનાઓ બની જેણે અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધના નવા આયામ ખોલી દીધા. તેના કારણે વૈશ્વિક સ્તરે નાના દેશોની વચ્ચે સંબંધ સ્થાપિત કરવાની નવી સંભાવના પણ બનવા લાગી.
સોવિયેત સંઘના તત્કાલિન પ્રમુખ નિકિતા ખ્રુશ્ચેવે સોવિયેત સંઘના સ્થાપક લેનિનના ઉત્તરાધિકારી જોસેફ સ્ટાલિનને નિશાન બનાવ્યા જેના કારણે સમગ્ર વિશ્વમાં સમાજવાદી જુથોમાં વિભાજન શરૂ થઈ ગયું.
તે વર્ષે જૂનમાં પોલૅન્ડમાં કોમ્યુનિસ્ટ પાર્ટીના વિરોધમાં અનેક પ્રદર્શનો થયાં જેને પોલૅન્ડની સરકારે સોવિયેત સરકારની મદદથી સખતાઈથી કચડી નાખ્યા હતા.
આ ઉપરાંત હંગેરીમાં પણ વિદ્યાર્થીઓના એક જૂથે સામ્યવાદ વિરુદ્ધ વિદ્રોહની શરૂઆત કરી, પરંતુ સોવિયેત સૈન્યે ટેન્કોની મદદથી આંદોલનને દબાવી દીધું. પોલૅન્ડમાં પણ કોમ્યુનિસ્ટ સરકારે જાહેર વિરોધપ્રદર્શનોને ડામી દીધાં હતાં.

ચીનમાં ત્યારે કેવી સ્થિતિ હતી?
આ એ જ વર્ષ છે જ્યારે અમેરિકાએ ચીન પર અણુ બૉમ્બ ફેંકવાની ધમકી આપી હતી. ચીને પણ પોતાનો અણુ બૉમ્બ બનાવવાની કોશિશ શરૂ કરી દીધી હતી.
દેખીતી રીતે જ ચીન તે સમયે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની દૃષ્ટિએ બહુ આગળ પડતો દેશ ન હતો. તેથી તેણે અણુ ટૅક્નૉલૉજી માટે સોવિયેત સંઘની મદદ માંગી.
શરૂઆતમાં તો સમાજવાદી ભાઈચારાને ધ્યાનમાં રાખીને સોવિયેત દેશે ચીનને રાજીખુશીથી મદદ કરી. પરંતુ ત્યાર પછી ચીન પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરે તે પહેલાં જ સોવિયેત સંઘે પોતાના હાથ પાછળ ખેંચી લીધા હતા.
સોવિયેત સંઘના આ પગલાથી ચીનને બહુ ખરાબ લાગ્યું. તેના કારણે વૈચારિક મતભેદો તો થયા પણ આ અસહયોગના કારણે સોવિયેત સંઘ અને ચીન વચ્ચે ભવિષ્યની દુશ્મનાવટ પેદા થઈ. ભારત સોવિયેત સંઘનું ઘનિષ્ઠ મિત્ર હતું. તેથી ચીને પાકિસ્તાનમાં એક સંભવિત નવા મિત્રની શોધ શરૂ કરી.

તે સમયે અમેરિકાની વિદેશનીતિ કેવી હતી?

ઇમેજ સ્રોત, KEYSTONE
50ના દાયકામાં અમેરિકાની આગેવાનીમાં મુક્ત બજારો ધરાવતા જૂથ અને સોવિયેત રશિયાના નેતૃત્વ હેઠળ સમાજવાદી જૂથ વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ હતું.
રિટાયર્ડ અમેરિકન જનરલ આઇઝનહોવર બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર દેશોની સેનાના સર્વોચ્ચ કમાન્ડર રહી ચૂક્યા હતા. ત્યાર બાદ જાન્યુઆરી 1953થી જાન્યુઆરી 1961 સુધી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ રહ્યા.
તેમણે સમાજવાદી દેશો પર પ્રતિબંધ મૂકવાની અને સામ્યવાદનો પ્રસાર રોકવાની ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હેરી ટ્રુમેનની વિદેશનીતિ ચાલુ રાખી હતી.
આઇઝનહોવર રાષ્ટ્રપતિ બન્યા તેના થોડા દિવસો પછી જ ઈરાનમાં મોહમ્મદ મોસાદ્દેગની સરકારને સત્તા પરથી ઉખેડી ફેંકવામાં આવી હતી.
ક્યુબામાં જ્યારે ફિડેલ ક્રાસ્ટોએ અમેરિકાના ટેકેદાર જનરલ બતિસ્તાને સત્તા પરથી દૂર કર્યા ત્યારે આઇઝનહોવરે ક્યુબા પર એક સૈન્ય હુમલાની યોજના પણ ઘડી હતી.
તેમની પહેલાંના રાષ્ટ્રપતિઓને કોરિયા સામે અધુરું યુદ્ધ વારસામાં મળ્યું હતું.
આઇઝરનહોવરે આ યુદ્ધને સમાપ્ત કરવા માટે પોતાની નીતિઓમાં ફેરફાર કર્યો. તેનાથી એક કામચલાઉ યુદ્ધવિરામ સમજૂતિ થઈ, જે આજે પણ લાગુ છે. પરંતુ તે સાથે જ કોરિયાને બે અલગ દેશોમાં વિભાજિત કરી દેવામાં આવ્યું.
તેમના નેતૃત્વમાં જ અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે અણુ શસ્ત્રો માટે હરીફાઇ શરૂ થઈ હતી. તે સમયે મોટી સંખ્યામાં અણુ શસ્ત્રોને ગોઠવવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યાર બાદ વધારે અણુ શસ્ત્રો વિકસાવવા પર પ્રતિબંધ મૂકવા માટે સોવિયેત સંઘ સાથે ‘ડેટન’ સમજૂતિ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
પરંતુ પહેલી મે, 1960ના રોજ યુ-2 ઘટનાના કારણે આ શિખર મંત્રણા યોજાઈ ન શકી.
આ દરમિયાન અમેરિકા વિયેતનામ યુદ્ધમાં સામેલ થયું જે બહુ લાંબું ચાલ્યું હતું. તે સમયે વિયેતનામના સમર્થનમાં પોલૅન્ડ અને હંગેરીમાં જાહેર પ્રદર્શનો યોજવામાં આવ્યાં હતાં.
અમેરિકાએ સીધો હસ્તક્ષેપ ન કર્યો, પરંતુ સોવિયેત સંઘે તે પ્રદર્શનકારીઓ સામે જે કાર્યવાહી કરી તેની અમેરિકાએ આકરી ટીકા કરી હતી. તે સમયે ઈરાનમાં જ્યારે મોહમ્મદ મોસાદ્દેગની સરકારને ઉથલાવવામાં આવી હતી અને સીઆઇએએ ગ્વાટેમાલામાં હસ્તક્ષેપ કર્યો હતો.

સુએજ નહેર પર હુમલો અને અમેરિકાનું વર્ચસ્વ

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ 1956માં જે ઘટનાએ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે આક્રોશ અને અરાજકતા પેદા કરી, તે હતી ઇજિપ્ત પર બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયલનો સંયુક્ત હુમલો.
તેની શરૂઆત 26 જુલાઈના રોજ ઇજિપ્તના રાષ્ટ્રપતિ ગમાલ અબ્દુલ નાસિરની એ જાહેરાતની સાથે થઈ જેમાં તેમણે સુએજ નહેરનું રાષ્ટ્રીયકરણ કરવાની જાહેરાત કરી હતી.
બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયલે આ ઘોષણાને ફગાવી દઈને ઇજિપ્ત પર હુમલો કરવાની યોજના બનાવી. પરંતુ બ્રિટિશ અને ફ્રાન્સના સૈનિકોને પહોંચવામાં વિલંબ થવાના કારણે 29 ઓક્ટોબરે ઇઝરાયલે એકલા હાથે ઇજિપ્ત પર હુમલો કર્યો.
ત્યાં સુધી પશ્ચિમી પ્રેસમાં પોલૅન્ડમાં કૉમ્યુનિસ્ટ સરકારનાં કાર્યોના કારણે ટીકા થતી હતી. હવે સુએજ નહેરની ઘટનાના કારણે પશ્ચિમી દેશોની પણ આકરી ટીકા શરૂ થઈ ગઈ.

અમેરિકાની કૂટનીતિ

ઇમેજ સ્રોત, Getty Images
બે દિવસના યુદ્ધના અંતે નહેર પર કબજો કરવામાં આવ્યો. આ હુમલા પછી તરત ઇરાક, ઈરાન અને પાકિસ્તાન સહિત અનેક મુસ્લિમ દેશોમાં પ્રદર્શનો થયાં.
તેમાં “સામ્રાજ્યવાદી શક્તિઓ” વિરુદ્ધ મોટા પાયે અનેક દિવસો સુધી પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યાં. ઇરાકે એક વર્ષ અગાઉ થયેલા “બગદાદ કરાર”ના પરિણામે તૈયાર થનારા અમેરિકાના મુખ્યાલયને બગદાદમાંથી ખસેડીને બીજા દેશમાં લઈ જવાની માંગ કરી.
સુએજ નહેર પર હુમલાનાં બે મુખ્ય પરિણામ મળ્યાં: એક તો અમેરિકાએ બ્રિટન, ફ્રાન્સ અને ઇઝરાયલ પર દબાણ વધારીને સુએજ નહેર પર તેમનો કબજો ખતમ કરાવ્યો. બીજું, તેણે બ્રિટન અને ફ્રાન્સ બંનેને સ્પષ્ટ જણાવી દીધું કે હવે તે એક મહાસત્તા છે, બ્રિટન અને ફ્રાન્સ નહીં.
આ રીતે અમેરિકાએ પોતાના સહયોગીઓને પ્રભાવિત કરવા માટે પોતાની કૂટનીતિક શક્તિનો ઉપયોગ કર્યો.
ત્યાર બાદ બગદાદ કરારના સભ્યો તરત એક સંમેલન દરમિયાન તહેરાનમાં મળ્યા. તેમાં અમેરિકાએ સ્પષ્ટ જણાવ્યું કે સૈન્ય ગઠબંધન બિનઆક્રમક હતું. તેના સભ્યોને સુએજ નહેરમાં બ્રિટિશ સૈન્ય અભિયાન સાથે કોઈ લેવાદેવા ન હતા. આ બેઠકમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે બગદાદ કરાર હજુ લાગુ છે અને સભ્ય દેશોને અમેરિકાની સહાયતા મળવાનું ચાલુ રહેશે.
આ બેઠકમાં ઇઝરાયલની સૈન્ય કાર્યવાહીની ટીકા કરવામાં આવી અને બ્રિટિશ સૈન્ય કાર્યવાહી અંગે અફસોસ વ્યક્ત કરવામાં આવ્યો. સાથે સાથે એમ પણ જણાવાયું કે બ્રિટિશ હસ્તક્ષેપના કારણે યુદ્ધવિરામ થઈ શક્યો હતો. તેથી એમ કહી શકાય કે આ બેઠકનો હેતુ બગદાદ કરારને ખતમ થતો અટકાવવાનો અને આ પ્રદેશમાં અમેરિકન ભૂમિકાને વધારવાનો હતો.
પાકિસ્તાનસ્થિત ચાઇનીઝ દૂતાવાસમાંથી ચાઇનીઝ વિદેશ વિભાગમાં મોકલવામાં આવેલી એક બ્રિફિંગ અનુસાર આ બેઠકનો હેતુ આ પ્રદેશમાં સોવિયેત દેશના હસ્તક્ષેપને અટકાવવાનો હતો. પરંતુ તેનાં અણધાર્યાં પરિણામો આવ્યાં.
ઇજિપ્ત હવે સોવિયેત સંઘ પર નિર્ભર થઈ ગયું અને આ પ્રદેશમાં તેના માટે દરવાજા ખૂલી ગયા. બ્રિટિશ સૈન્ય હસ્તક્ષેપના કારણે બગદાદ કરાર નબળો પડ્યો. એશિયાના દેશોમાં તેનો વિરોધ વધ્યો જ્યારે બ્રિટન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં કડવાશ વધી.

1956માં પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનમાં ઘણાં વર્ષોના ગેરબંધારણીય અને રાજનીતિક સંકટ બાદ આખરે 1956માં એક નવા બંધારણનો મુસદ્દો તૈયાર થયો.
તે સાથે જ પાકિસ્તાનને પહેલી વખત ઇસ્લામિક ગણતંત્ર જાહેર કરવામાં આવ્યું. નવા બંધારણ હેઠળ મેજર જનરલ ઇસ્કંદર મિર્ઝા પાકિસ્તાનના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા. તેઓ પાકિસ્તાનના ચોથા ગવર્નર જનરલ પણ હતા.
તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન ચાર વડા પ્રધાનોને હોદ્દા પરથી દૂર કર્યા હતા. પરંતુ ઇસ્કંદર મિર્ઝા પાકિસ્તાનમાં સૈન્ય શાસન લાગુ કર્યા પછી વધારે દિવસો સુધી પોતાના હોદ્દા પર ટકી ન શક્યા. ફિલ્ડ માર્શલ અયુબ ખાને સત્તાપલટો કરીને ઇસ્કંદર મિર્ઝાને તેમના હોદ્દા પરથી હઠાવી દીધા.
પાકિસ્તાનની પોતાની રાજકીય નબળાઈઓ હતી ત્યારે 1956માં આ રાજકીય અસ્થિરતા વચ્ચે સુએજ નહેરના વિવાદે પાકિસ્તાનમાં લોકોની લાગણીઓને બહુ ઉશ્કેરી.
તે સમયે બગદાદ કરારના કારણે ઇજિપ્ત સાથે પાકિસ્તાનના સંબંધો બગડ્યા હતા. સુએજ નહેરમાં પાકિસ્તાન તટસ્થ રહ્યું હોવાથી આ સંબંધો વધુ તણાવપૂર્ણ બન્યા.
આ એવું સંકટ હતું જેના પર પાકિસ્તાનના વડા પ્રધાન હુસૈન શહીદ સુરહાવર્દીએ આરબ લીગને “શૂન્ય વત્તા શૂન્ય વત્તા શૂન્ય બરાબર શૂન્ય” નામ આપ્યું. તેમના આ નિવેદનથી આરબ દેશો નારાજ થયા, એટલું જ નહીં, પાકિસ્તાનના લોકોમાં પણ પોતાની સરકાર પ્રત્યે નફરત વધી ગઈ.
જોકે, ત્યાર પછી પાકિસ્તાન સરકારે ઇજિપ્તને ટેકો જાહેર કર્યો. પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું.
તે સમયે બગદાદ કરારનું નામ બદલીને કરાચી કરાર રાખવાનો પ્રયાસ પણ થયો. આ સૈન્ય ગઠબંધનના વડા મથકને પાકિસ્તાનમાં સ્થળાંતરિત કરવાની કોશિશ થઈ.
જોકે, પાકિસ્તાનમાં રાષ્ટ્રપતિ ઇસ્કંદર મિર્ઝા, વડા પ્રધાન હુસૈન શહીદ સુરહાવર્દી અને વિદેશમંત્રી ફિરોજ ખાન નૂનને તમામ વિપક્ષી દળો અને ધાર્મિક નેતાઓની આકરી ટીકાનો સામનો કરવો પડ્યો. તેથી આ વિચારને શરૂઆતમાં જ પડતો મૂકવામાં આવ્યો.
જોકે, એક ચાઇનીઝ દૂતાવાસના બ્રિફિંગ અનુસાર વિપક્ષના રાજકીય નેતાઓ અને ધાર્મિક ઉલેમાએ સરકાર પર “બ્રિટન અને ફ્રાન્સના હિત માટે કામ કરવાનો અને અમેરિકાની પ્રશંસા કરવાનો” આરોપ મૂક્યો હતો.
સરકારની ટીકા કરતા પક્ષોએ એવો આરોપ પણ મૂક્યો કે તે ઇજિપ્ત પર હુમલો કરનારા દેશોનો બચાવ કરે છે. આ ઉપરાંત ડાબેરી બુદ્ધિજીવીઓ, ધાર્મિક વિદ્વાનો અને સામાન્ય નાગરિકોએ સુએજ નહેર પર હુમલા અંગે પાકિસ્તાનની વિદેશનીતિમાં ફેરફાર કરવાની માંગણી પણ કરી.
સુએજ નહેર પર હુમલાના કારણે વડા પ્રધાન હુસૈન શહીદ સુહરાવર્દીના પક્ષ અવામી લીગમાં તિરાડો પડવા લાગી હતી. તત્કાલિન પૂર્વ પાકિસ્તાન અવામી લીગના ઊભરતા નેતા મૌલાના અબ્દુલ હમીદ ભાશાનીએ હુસૈન શહીદ સુહરાવર્દીની સાથે પોતાના મતભેદોની જાહેરાત કરી દીધી. તે સમયે કરાચી, લાહોર, પેશાવર અને ઢાકામાં પ્રદર્શનો ચાલુ હતાં.

ચાઉ એન લાઇની મુલાકાત

ઇમેજ સ્રોત, Getty Images
આ બધાની વચ્ચે 1956માં ચાઇનીઝ વડા પ્રધાન ચાઉ એન લાઇ અને નાયબ વડા પ્રધાન હી લોંગે ડિસેમ્બરમાં આઠ એશિયન દેશો- વિયેતનામ, કંબોડિયા, ભારત, બર્મા, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ અને શ્રીલંકા (તે સમયે સિલોન)નો પ્રવાસ કર્યો જે ફેબ્રુઆરી 1957 સુધી ચાલુ હતો. સત્તાવાર રીતે આ પ્રવાસનો હેતુ મિત્રતા, શાંતિ અને અભ્યાસનો હતો.
ભારત અને બર્માની મુલાકાત પછી ચાઉ એન લાઇ 20 ડિસેમ્બર, 1956ના રોજ પાકિસ્તાન પહોંચ્યા. તે સમયે પાકિસ્તાનમાં આવામી લીગ અને વિપક્ષો સુએજ નહેર મામલે યુદ્ધના કારણે નારાજ હતા. તેઓ કુદરતી હસ્તક્ષેપ માટે પ્રાર્થના કરી રહ્યા હતા તેથી ચાઉ એન લાઇની પાકિસ્તાન મુલાકાતને એક સહાયતા તરીકે જોવામાં આવી હશે.
તે મુલાકાત સુએજ કટોકટી, પોલૅન્ડ અને હંગેરીની ઘટનાઓ વચ્ચે થઇ હતી. તેથી વડા પ્રધાન ચાઉ એન લાઇએ મેજબાન દેશો સમક્ષ ચીનનો પક્ષ સ્પષ્ટ કરતાં જણાવ્યું કે ચીન ઇચ્છે છે કે પશ્ચિમી સંસ્થાનવાદી સત્તાઓ ગુલામ દેશોને સ્વતંત્રતા આપે.
રાષ્ટ્રવાદી દેશોના સાર્વભૌમત્વ, શાંતિ માટે તેમની તટસ્થતા તથા આકાંક્ષાઓનું સન્માન થવું જોઈએ તથા અન્ય દેશોએ તેમાં હસ્તક્ષેપ કરવાનું ટાળવું જોઈએ.
તેમણે પોતાની બેઠકોમાં અનેક વખત જણાવ્યું કે સમાજવાદી દેશો વચ્ચે પરસ્પર સંબંધ એક નવો અનુભવ છે. તેથી તેને સંપૂર્ણરીતે સામાન્ય ન કહી શકાય. તેમણે એમ પણ કહ્યું કે આ દેશોના પરસ્પર સંબંધો માટે સહઅસ્તિત્વના પાંચ સિદ્ધાંતોને અપનાવવા જરૂરી છે.

પાકિસ્તાન અને ચીન વચ્ચે પ્રથમ શિખર મંત્રણા

ઇમેજ સ્રોત, Getty Images
આ ઘટનાથી એક વર્ષ અગાઉ 1955માં ઇન્ડોનેશિયામાં તત્કાલિન રાષ્ટ્રપતિ સુકર્ણોએ પોતાના દેશના એક શહેર બાડુંગમાં આફ્રો-એશિયન સંમેલન યોજ્યું. તેમાં ભારત, પાકિસ્તાન, શ્રીલંકા, બર્મા અને ઇથિયોપિયા, તુર્કી, લેબેનોન અને ઇજિપ્ત સહિત 29 દેશોએ ભાગ લીધો. ચીને સુપરવાઇઝર તરીકે સંમેલનમાં ભાગ લીધો હતો. સંમેલનમાં 10 મુદ્દાની ઘોષણા માટે સહમતી થઈ હતી.
આ બેઠક દરમિયાન પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન મોહમ્મદ અલી બોગરાએ ચીનના વડા પ્રધાન ચાઉ એન લાઇ સાથે બે વખત મંત્રણા કરી.
તેમાં તેમણે ચીનને ભરોસો આપ્યો કે અમેરિકન સૈન્ય સમજૂતિમાં પાકિસ્તાન સામેલ થયું છે તે ચીન સહિત કોઈ દેશ વિરુદ્ધ આક્રમકતા માટે નહીં પરંતુ આત્મરક્ષણ માટે છે.
આ બેઠક પાકિસ્તાન અને ચીન વચ્ચેના સંબંધોના હકારાત્મક વિકાસમાં મદદરૂપ રહી. ત્યાર પછીના વર્ષે ચીને પાકિસ્તાનના વડા પ્રધાનને ચીન યાત્રા માટે આમંત્રિત કર્યા. પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન હુસૈન શહીદ સુહરાવર્દી તે મુલાકાતે ગયા હતા. સુહરાવર્દીએ ચાઉ એન લાઇને પાકિસ્તાન પ્રવાસ માટે આમંત્રિત કર્યા અને આઠ દેશોની મુલાકાત વખતે તેઓ પાકિસ્તાન પણ આવ્યા હતા.
તેનાથી પણ અગાઉ 1953માં વડાપ્રધાન ચાઉ એન લાઇએ વિશ્વ રાજનીતિમાં સહ-અસ્તિત્વ માટે ચીનના ‘પાંચ સિદ્ધાંતો’ એટલે કે પરસ્પર સન્માન, બિનઆક્રમકતા, બિનહસ્તક્ષેપ, સમાનતા અને સહ-અસ્તિત્વ પર ચર્ચા કરવા માટે ભારતીય પ્રતિનિધિમંડળની સાથે મુલાકાત કરી હતી.
ત્યાર પછી કેટલાક દાયકા સુધી ચીનની વિદેશ નીતિ આ સિદ્ધાંતોની આસપાસ ઘૂમતી રહી. ભારત સામેનું યુદ્ધ આ નીતિમાં અપવાદરૂપ હતું.
પાકિસ્તાન-ચીન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર પાક-ચાઇના રિલેશન્સના સેનેટર મુશાહીદ હુસૈનનું કહેવું છે કે 1956માં ચાઉ એન લાઇની પાકિસ્તાન યાત્રા એવી સમજ પર આધારિત હતી કે અમેરિકન સૈન્ય ગઠબંધનમાં પાકિસ્તાનની સામેલગીરી ચીન સામે આક્રમકતાના હેતુથી નહીં પરંતુ ‘પાકિસ્તાનના મુખ્ય દુશ્મન’ના કારણે હતી.
“આ ગઠબંધનોમાં તેની હિસ્સેદારી વાસ્તવમાં પાકિસ્તાનને સુરક્ષા માટે એક કવચ પૂરું પાડવા માટે હતી, ચીન સામે આક્રમકતા માટે નહીં. આ મુલાકાતે પાકિસ્તાન અને ચીન વચ્ચે ભવિષ્યના વ્યૂહાત્મક સંબંધો માટે પણ એક આધાર પૂરો પાડ્યો. ચીને શીત યુદ્ધ દરમિયાન જ પશ્ચિમ, ખાસ કરીને અમેરિકાની અને પાકિસ્તાનના ઝુકાવમાં ભારતની ભૂમિકાને કેન્દ્રીય કારક તરીકે સ્વીકારી લીધી હતી.”

ઘટનાઓની દિશા

ઇમેજ સ્રોત, Getty Images
એન્ડ્ર્યુ સ્મોલ અનુસાર એ વાતમાં કોઈ શંકા નથી કે તે સમયે ચીન ભારત તરફ ઝૂકી રહ્યું હતું. તે દરમિયાન ભારતના વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ યુએનની સુરક્ષા સમિતિમાં કાયમી સભ્ય બનવા માટે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનું સ્થાન લેવાના અમેરિકાના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.
તે સમયે ચીનની જગ્યાએ ફારમોસા એટલે કે તાઇવાનમાં જનરલ ચ્યાંગ કાઇ-શેકની સરકાર પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સરકારની સીટ પર બેઠી હતી.
ભારતે 1950ના દાયકાની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાના કાયમી સભ્યપદ માટે દરખાસ્ત મૂકી હતી.
પાકિસ્તાને તેને ટેકો આપ્યો હતો. પરંતુ 1953થી 1961 સુધી પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાના પક્ષમાં જે કોઈ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યા તેનો પાકિસ્તાને વિરોધ કર્યો હતો.
જોકે, 1961માં પાકિસ્તાની પ્રતિનિધિમંડળ જ્યારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લઈ રહ્યું હતું અને ચીનના સમર્થનમાં એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે પ્રતિનિધિમંડળનું નેતૃત્વ તત્કાલિન સિંચાઈ અને ઉદ્યોગમંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટો કરતા હતા.
તેમણે પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની તરફેણમાં મતદાન કર્યું. થોડા સમય પછી અમેરિકાએ પાકિસ્તાનને આકરી ચેતવણી આપી. પરંતુ પાકિસ્તાનનો નિર્ણય આવી ગયો હતો અને ત્યારથી પાકિસ્તાન ચીનનું સમર્થક બની ગયું.

ઇમેજ સ્રોત, Getty Images
તે અગાઉ અમેરિકાએ 1954માં મનીલામાં આયોજિત સાઉથ એશિયા ટ્રિટી ઑર્ગેનાઇઝેશન અને 1955માં બગદાદ કરાર દ્વારા પાકિસ્તાનને ભારે સૈન્ય અને આર્થિક સહાયતા પૂરી પાડી હતી. આ કરારનો મુખ્ય હેતુ ચીનની વધતી શક્તિને મર્યાદિત કરવાનો હતો.
આવા સમયમાં પાકિસ્તાન જ્યારે અમેરિકાનું સહયોગી હતું ત્યારે પાકિસ્તાને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીને પેશાવર નજીક બઢબેડ પાસે રશિયા પર નજર રાખવા માટે એક મથક આપ્યું હતું. આ દરમિયાન ભારત સમાજવાદી પ્રવૃત્તિઓનું પ્રદર્શન કરીને હિંદી ચીની ભાઈ ભાઈના નારા લગાવતું લગાવતું રશિયાનું સહયોગી બની ગયું હતું.
1950ના દાયકામાં ભારત જ્યારે તિબેટમાંથી વિદ્રોહીઓને હઠાવવામાં અને ચીનના સૈન્ય હસ્તક્ષેપ અને સંચાલનને વિફળ કરવાની કોશિશમાં લાગેલું હતું ત્યારે પાકિસ્તાન તિબેટી વિદ્રોહીઓને સમર્થન આપવા માટે અમેરિકન વિમાનોના સંચાલનની સુવિધા આપી રહ્યું હતું.
પરંતુ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે 1953માં ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં હુંજા રાજ્યમાં ચાઇનીઝ સરહદ પર ચીની અધિકારીઓ વારંવાર સીમાનું ઉલ્લંઘન કરતા હતા. તેથી એક વખત જનરલ અયૂબ ખાને ચીની અધિકારીઓને ચેતવણી આપવી પડી હતી કે આ પ્રદેશોમાં ચાઇનીઝ આક્રમકતાનો દૃઢતાથી જવાબ આપવામાં આવશે.
અમેરિકાના સમર્થનમાં કરવામાં આવેલા કાર્ય બદલ ચીને ભાગ્યે જ ક્યારેય પાકિસ્તાનની ટીકા કરી હશે. ચીન દ્વારા જારી થયેલા મોટા ભાગનાં નિવેદનોમાં અમેરિકાની વિસ્તારવાદી મહત્ત્વાકાંક્ષાની ટીકા કરવામાં આવતી હતી. આ એક સ્પષ્ટ સંકેત હતો કે ચીને માની લીધું હતું કે પાકિસ્તાન કાશ્મીર વિવાદમાં ભારત સામે સૈન્ય સહાયતા લેવા માટે આ બધું કરી રહ્યું છે.

ભવિષ્યના સંકેત

ઇમેજ સ્રોત, Getty Images
ચાઉ એન લાઇએ જ્યારે પોતાની પ્રથમ પાકિસ્તાન યાત્રા શરૂ કરી ત્યારે પાકિસ્તાન અને ચીન વચ્ચે વ્યૂહાત્મક રીતે કંઈ પણ સામાન્ય ન હતું. તે માત્ર એક ઔપચારિકતા હતી.
પરંતુ ત્યાર પછી ચીને 1962માં સરહદી વિવાદ મુદ્દે ભારત સાથે યુદ્ધ કર્યું ત્યારે ભારત સામેની દુશ્મની આ બંને દેશો વચ્ચે દોસ્તીનું કારણ બની ગઈ. ઘણાં વર્ષો સુધી આ સામાન્ય દુશ્મનીને ચીન-પાકિસ્તાનની મિત્રતાનું કારણ ગણવામાં આવી, અથવા તો કમસે કમ આ પ્રકારના આરોપ મૂકવામાં આવ્યા.
પરંતુ હવે ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતાનું મુખ્ય કારણ ભારત સાથેની દુશ્મની કરતા ઘણું વિશેષ છે. ભારત સાથેની દુશ્મની હજુ પણ આ બંને વચ્ચે મિત્રતા માટે મહત્ત્વપૂર્ણ છે. પરંતુ એક સત્ય એ પણ છે કે અત્યારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ચીનનું ઘણું બધું દાવ પર લાગેલું છે.
ચીન સામે હવે બહુ મોટાં લક્ષ્ય છે. ચીન હવે એક વૈશ્વિક આર્થિક મહાસત્તા તરીકે ઊભરી રહ્યું છે.
આજે પ્રાદેશિક સત્તાથી લઈને વૈશ્વિક સત્તા બનવા સુધી ચીનની સફરમાં પાકિસ્તાન એક અભિન્ન હિસ્સો છે. પાકિસ્તાનમાં ચીનની મદદથી બની રહેલી પાઇપલાઇનો, રસ્તા અને રેલવેનું એક નેટવર્ક છે.
પાકિસ્તાનનો સમુદ્રકિનારો આ ક્ષેત્રમાં ચીનની વધતી જતી નૌકાદળની શક્તિ માટે વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ છે. ત્યાંથી ચીન માત્ર હિંદ મહાસાગર અને ઇરાનની ખાડી સુધી નહીં, પરંતુ ભુમધ્ય સમુદ્ર અને રાતા સમુદ્ર સુધી પોતાનો પ્રભાવ વધારી શકશે. તેથી શક્ય છે કે યમનના હુતી બળવાખોરો ઈરાનના બદલે ચીનની સામે યુદ્ધ લડતા હોય. કારણ કે ઈરાનમાં ચીનનું રોકાણ 400 અબજ ડૉલરથી પણ વધારે છે. પરંતુ પાકિસ્તાનની વ્યૂહાત્મક સ્થિતિનો બીજો કોઈ વિકલ્પ નથી.
ચાઉ એન લાઇએ કદાચ આવા સહયોગનો વિચાર પણ નહીં કર્યો હોય. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોએ ચીનની સાથે એક સંયુક્ત સંરક્ષણ સમજૂતિ કરવાનો પ્રયાસ કર્યો હતો અને ચાઉ એન લાઇને પ્રસ્તાવ મોકલ્યો હતો. પરંતુ તેમણે તેને અસ્વીકાર કરી દીધો હતો.
પાકિસ્તાન-ચીનની મિત્રતા વિશે ચાઉ એન લાઇએ જે કલ્પના કરી હતી, તે આજે પણ યથાવત્ છે. ચીન સાથે પાકિસ્તાને કોઈ સંરક્ષણ સમજૂતી નથી કરી. પરંતુ પાકિસ્તાન આજે પોતાના સંરક્ષણ, મિસાઈલ અને પરમાણુ કાર્યક્રમ માટે કોઈના પર આંખો બંધ કરીને ભરોસો કરી શકે છે, તો તે ચીન છે.
ચીન હવે પાકિસ્તાનના આર્થિક વિકાસનું ગૅરંટર બની રહ્યું છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












