પાકિસ્તાનને 'આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા માટેના' ભારત સમર્થક નેટવર્કનો પર્દાફાશ

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, આબિદ હુસેન અને શ્રુતિ મેનન
- પદ, બીબીસી ઉર્દૂ, બીબીસી રિયાલિટી ચેક
યુરોપિયન યુનિયનમાં ફેક ન્યૂઝ પર કામ કરતા એક સંગઠન 'ઈયુ ડિસઇન્ફોલૅબ'નો દાવો છે કે છેલ્લા 15 વર્ષોથી એક આંતરરાષ્ટ્રીય સ્તરે એક નેટવર્ક કામ કરી રહ્યું છે જેનું લક્ષ્ય પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તર પર બદનામ કરવાનું છે અને ભારતના હિતોને ફાયદો પહોંચાડવાનું છે.
આ સંગઠને તેના રિપોર્ટમાં કહ્યું છે કે આ કામ કામ માટે કેટલાક નિષ્ક્રિય સંગઠનો અને 750 સ્થાનિક ફેક મીડિયા સંસ્થાઓનો ઉપયોગ કરાયો હતો. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ માટે એક મૃત પ્રોફેસરની ઓળખની પણ ચોરી કરાઈ હતી.
આ દુષ્પ્રચાર માટે જે વ્યક્તિની ઓળખની ચોરી કરવામાં આવી હતી તેમને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર કાનૂનના જનકમાંથી એક માનવામાં આવે છે. તેમનું મૃત્યુ 2006માં થયું હતું અને ત્યારે તેઓ 92 વર્ષના હતા.
તપાસ કરનારી સંસ્થા ઈયુ ડિસઇન્ફોલૅબના કાર્યકારી ડાયરેક્ટર એલેક્ઝાન્ડ્રે અલાફિલીપે કહ્યું,"અમને અત્યાર સુધી જેટલા નેટવર્ક વિશે જાણવા મળ્યું છે, તેમાં આ સૌથી મોટું છે."
'ઇન્ડિયન ક્રૉનિકલ્સ'નામથી બનેલી આ તપાસ રિપોર્ટને આ બુધવારે જ પ્રકાશિત કરવામાં આવી છે. જોકે, ભારત સરકારે આ અહેવાલને નકારી કાઢ્યો છે. ભારતના વિદેશમંત્રાલયે કહ્યું છે કે એક જવાબદાર લોકતંત્ર તરીકે ભારતે ખોટી સૂચનાઓ ફેલાવવાનું અભિયાન નથી ચલાવ્યું, આવું કરનાર ભારત નહીં પરંતુ તેમનો પાડોશી છે જે ઉગ્રવાદીઓને છાવરે છે અને આવાં અભિયાન ચલાવે છે. ભારતનો વિગતવાર જવાબ વાંચવા માટે અહીં ક્લિક કરો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
આ સંગઠનનું કહેવું છે કે "પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવા અને સંયુક્ત રાષ્ટ્રની માનવાધિકાર પરિષદ તથા યુરોપિયન સંસદમાં નિર્ણયોને પ્રભાવિત કરવાના ઇરાદાથી આ નેટવર્કને બનાવવામાં આવ્યું હતું."
ગત વર્ષે ઈયુ ડિસઇન્ફોલૅબે આ નેટવર્કનો આંશિક રીતે પર્દાફાશ કર્યો હતો પરંતુ હવે સંસ્થાનું કહેવું છે કે આ અભિયાન તેમને પહેલાં જેટલી શંકા હતી તેનાથી ઘણું મોટું અને વ્યાપક છે.
જોકે નેટવર્કનો ભારતની સરકાર સાથે કોઈ સીધો સંબંધ છે કે નથી તેના અત્યાર સુધી એવા કોઈ પુરાવા નથી મળ્યા. પરંતુ તપાસમાં મોટાભાગે એ ખબરો પર આધાર રાખવામાં આવ્યો છે જેને ભારતની સૌથી મોટી સમાચાર સંસ્થા એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ (એએનઆઈ)ની મદદથી બનાવટી મીડિયા સંસ્થાનોમાં ચલાવવામાં આવી હતી. એએનઆઈ આ તપાસમાં એક ખાસ બિંદુ રહી છે.
બ્રસેલ્સ સ્થિત ઈયુ ડિસઇન્ફોલૅબના તપાસકર્તાઓનું માનવું છે કે આ નેટવર્કનો હેતુ ભારતના પાડોશી દેશ પાકિસ્તાન (જેની સાથે તેના સંબંધો તણાવપૂર્ણ છે) વિરુદ્ધ દુષ્પ્રચાર કરવાનો હતો. જોકે બંને દેશો એકબીજા પ્રત્યેની લોકમતને નિયંત્રિત કરવાની કોશિશ કરતાં રહેતા હોય છે.
ગત વર્ષે આ સંસ્થા-સંગઠનને ભારતનું સમર્થન કરતી 265 વેબસાઇટ્સ વિશે માલૂમ થયું હતું. તેને ટ્રેસ કરતા જાણવા મળ્યું કે તેના તાર દિલ્હી સ્થિત ભારતીય કંપની શ્રીવાસ્તવ ગ્રૂપ સાથે જોડાયેલા છે.
બુધવારે પ્રકાશિત 'ઇન્ડિયન ક્રૉનિકલ્સ' રિપોર્ટ અનુસાર શ્રીવાસ્તવ જૂથ દ્વારા ચાલતું આ અભિયાન ઓછામાં ઓછા 116 દેશોમાં ફેલાયેલું છે.
તેમાં યુરોપિયન સંસદના કેટલાક સભ્યો અને સંયુક્ત રાષ્ટ્રના કેટલાક કર્મચારીઓને નિશાન બનાવાયા હતા.

આ રિપોર્ટ બહાર આવતા સવાલ એ ઉઠ્યા છે કે ઉપરોક્ત લોકો આ જૂથ વિશે કેટલાં માહિતગાર હતા અને શું તેઓ તેને રોકવા માટે પહેલાંથી જ સક્રિય હતા કે કોઈ પગલાં લઈ શકતા હતા કે કેમ. ખાસ કરીને ગત વર્ષે આવેલા રિપોર્ટ પછી.
અલાફિલીપનુ કહેવું છે કે ઈયુ ડિસઇન્ફોલૅબના તપાસકર્તાઓએ અલગઅલગ લોકો અને પક્ષો સામે આ પ્રકારનો દુષ્પ્રચારનો સમન્વય પહેલાં ક્યારેય નથી જોયો.
તેમણે કહ્યું,"છેલ્લા 15 વર્ષોથી અને ગત વર્ષે પર્દાફાશ થયા પછી પણ જૂથ કારગત રીતે કામ કરતું જ રહ્યું છે. એ દર્શાવે છે કે ઇન્ડિયન ક્રૉનિકલ્સ પાછળ જે લોકો છે તેઓ કેટલી ઝીણવટથી કામ કરે છે અને કેટલા ઊર્જાવાન છે."
"આ પ્રકારની યોજના ચલાવવા માટે તમારે માત્ર કમ્પ્યૂટર નહીં પણ અન્ય સંસાધનોની પણ જરૂર પડે છે."
જોકે તપાસકર્તાઓએ આ મામલે ચેતાવણી આપી છે કે આમાં હજુ વધુ તપાસની જરૂર છે અને તેના વગર ઇન્ડિયન ક્રૉનિકલ્સને ભારતીય જાસૂસી સંસ્થાઓ સાથે જોડવું યોગ્ય નથી.
ખોટી માહિતીઓ સંબંધિત વિષયોના જાણકાર બેન નિમ્મોએ બીબીસીને જણાવ્યું કે અત્યાર સુધી તેમણે જે જોયું છે,"તેમાં આ સૌથી જટિલ અને સતત કામ કરતું અભિયાન છે."
જોકે તેને તેઓ કોઈ ખાસ સંગઠન સાથે ન જોડવા કહે છે.
ડિજિટલ મૉનિટરિંગ કંપની ગ્રાફિકાના તપાસ નિર્દેશક નિમ્મો ઇન્ટરનેટ પર આ પ્રકારના મોટા ટ્રોલિંગ અભિયાનોનાં ઉદાહણ આપે છે જેને વ્યક્તિગત રીતે ચલાવવામાં આવે છે.
તેઓ કહે છે,"એ એક વ્યાપક સ્તરે ચલાવાતું અભિયાન છે તેનો અર્થ એ નથી કે તે સરકાર પ્રેરિત છે."
આ રિપોર્ટ મામલે બીબીસીએ ભારત સરકારનો સંપર્ક કરવાની કોશિશ કરી. ભારત સરકારે આ અહેવાલને નકારી કાઢ્યો છે. ભારતના વિદેશમંત્રાલયે કહ્યું છે કે એક જવાબદાર લોકતંત્ર તરીકે ભારતે ખોટી સૂચનાઓ ફેલાવવાનું અભિયાન નથી ચલાવ્યું, આવું કરનાર ભારત નહીં પરંતુ તેમનો પાડોશી છે જે ઉગ્રવાદીઓને છાવરે છે અને આવાં અભિયાન ચલાવે છે.

ખોટી ઓળખ અને બંધ થઈ ચૂકેલા એનજીઓ

ઇમેજ સ્રોત, HARVARD LAW SCHOOL
જાહેર રીતે ઉપલબ્ધ જાણકારીઓની મદદથી કરવામાં આવેલી તપાસના મહત્ત્વપૂર્ણ નિષ્કર્ષોમાંથી એક એ છે કે તેમાં શ્રીવાસ્તવ જૂથ અને સંયુક્ત રાષ્ટ્ર માન્યતા પ્રાપ્ત ઓછામાં ઓછા દસ સંગઠનો સહિત કેટલાક અન્ય સંગઠનો વચ્ચે સીધો સંપર્ક સ્થાપિત કરાયો છે. જેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ટીકા કરવા અને ભારતના હિતોને પ્રોત્સાહન આપવા માટે થતો રહ્યો છે.
રિપોર્ટ અનુસાર,"જિનિવામાં હાજર આ થિંકટૅન્ક અને એનજીઓ લૉબીંગ કરે છે, તેઓ સંયુક્ત રાષ્ટ્રની મહત્ત્વની બેઠકો દરમિયાન વિરોધપ્રદર્શન અને પત્રકારપરિષદ દરમિયાન સવાલ પૂછવાની વ્યવસ્થા કરે છે અને માન્યતા પ્રાપ્ત સંગઠનો તરફથી સંયુક્ત રાષ્ટ્રના મંચ પર તેમને બોલવાની તક પણ આપવામાં આવતી હતી."
તપાસમાં જાણવા મળ્યું છે કે શ્રીવાસ્તવ ગ્રૂપના આ અભિયાનની શરૂઆત સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંગઠન યુએનએચસીઆરના હાલના સ્વરૂપના અસ્તિત્વના આવ્યા પછીના કેટલાક મહિનાઓ બાદ વર્ષ 2005માં થઈ હતી.
એક એનજીઓ જેના પર તપાસકર્તાઓનું ધ્યાન ગયું તે હતું કમિશન ટુ સ્ટડી ધ ઑર્ગેનાઇઝેશન ઑફ પીસ. આ સંગઠન વર્ષ 1930માં બન્યું અને 1975માં તેને સંયુક્ત રાષ્ટ્ર તરફથી માન્યતા મળી હતી પરંતુ 1970ના દાયકાના આખરી વર્ષોમાં આ સંગઠને પોતાનું કામ બંધ કરી દીધું હતું.
તપાસમાં જાણવા મળ્યું કે સીએસપીઓના એક પૂર્વ અધ્યક્ષ પ્રોફેસર લુઈ બી શૉનનું નામ 2007માં થયેલા એનએચસીઆરના એક કાર્યક્રમના સત્રમાં સીએસઓપીના પ્રતિભાગી, લુઈ શૉન તરીકે લખવામાં આવ્યું હતું. વર્ષ 2011માં વૉશિંગ્ટનમાં થયેલા એક અન્ય કાર્યક્રમમાં પણ તેમનું નામ હતું.
તેમનું નામ જોઈને તાપસકર્તાઓને આશ્ચર્ય થયું કેમ કે તેમનું મૃત્યુ વર્ષ 2006માં થઈ ગયું હતું.
તપાસકર્તાઓએ પોતાનો રિપોર્ટમ પ્રોફેસર લુઈને સમર્પિત કર્યો છે અને કહ્યું કે"બનાવટી તત્ત્વોએ તેમના નામનો ઉપયોગ કર્યો છે."
તેમનું કહેવું છે કે,"અમે અમારી પ્રથમ તપાસમાં જેમના નામ લીધા હતા તેમણે જ સીએસઓપીને ફરીથી સક્રિય કર્યું અને વર્ષ 2005માં તેમની ઓળખ પર કબજો કરી લીધો."

ઇમેજ સ્રોત, AFP
તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે ભારતનો પક્ષ લેતી માન્યતા વગરની સંખ્યાબંધ એનજીઓને વારંવાર માન્યતા પ્રાપ્ત સંગઠનો તરફથી યુએનએચસીઆરના મંચ પર જવાની પરવાનગી મળી છે. આ તમામનો હેતુ એક જ હતો, પાકિસ્તાનને બદનામ કરવાની કોશિશ.
વળી કેટલીક વખત એવી એનજીઓ અને સંગઠન જેમના હેતુ અનુસાર તેમને ન તો પાકિસ્તાન અથવા ભારત સાથે સંબંધ છે તેમને પણ યુએનએચસીઆરના મંચ પર પાકિસ્તાનના વિરોધમાં બોલવાની તક આપવામાં આવી.
માર્ચ 2019માં યુએનએચસીઆરના 40મા સત્ર દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર માન્યતા પ્રાપ્ત સંગઠન, યુનાઇટેડ સ્કૂલ્સ ઇન્ટરનેશનલ (યુએસઆઈ, જેનો સીધો સંબંધ શ્રીવાસ્તવ જૂથ સાથે છે) એ ઍમ્સ્ટર્ડમ સ્થિત થિંકટૅન્ક યુરોપિયન ફાઉન્ડેશન ફૉર સાઉથ એશિયન સ્ટડીઝ (ઈએફએસએએસ)ની રિસર્ચ ઍનલિસ્ટ યોઆના બારાકોવાને પોતાના વતી બોલવાની તક આપી હતી.
સત્ર દરમિયાન યોઆનાએ "પાકિસ્તાન દ્વારા આચરવામાં આવતા જુલમ" વિશે વાતો કરી હતી. તેમણે બીબીસીને જણાવ્યું કે ઈએફએસએએસ, યુનાઇટેડ સ્કૂલ્સ ઇન્ટરનેશનલની પાર્ટનર છે અને "સંસ્થાઓ વચ્ચે સંગઠનાત્મક ભાગીદારી માટે તેઓ જવાબદાર નથી."
બીબીસીએ ઈએફએસએએસના ડાયરેક્ટરનો સંપર્ક કરવાની કોશિશ કરી પરંતુ જવાબ ન મળ્યો. આ સત્રમાં આ સંસ્થાના ડાયરેક્ટરે પણ યુએસઆઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને પાકિસ્તાનની ટીકા કરી હતી.
રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે ભારતના પક્ષવાળા સમાચારોનું પૅકેજિંગ અને તેને પ્રોત્સાહન આપવાની જવાબદારી સમાચાર એજન્સી એનએનઆઈની છે જે શ્રીવાસ્તવ ગ્રૂપ સાથે જોડાયેલી છે.
એશિયન ન્યૂઝ ઇન્ટરનેશનલ (એએનઆઈ) વર્ષ 1971માં બની હતી અને તે ખુદ "દક્ષિણ એશિયાની સૌથી પ્રમુખ મલ્ટિમીડિયા ન્યૂઝ એજન્સી" હોવાનો દાવો કરે છે જેના "વિશ્વભરમાં 100થી વધુ બ્યૂરો છે"
ભારતીય ન્યૂઝ મીડિયા ખાસ કરીને ટીવી ચૅનલ એએનઆઈ મારફતે પૂરા પાડવામાં આવતા કૉન્ટેન્ટ પર મોટાભાગે નિર્ભર કરે છે.

ઇમેજ સ્રોત, PIB
ઈયુ ડિસઇન્ફોલૅબને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે ઓછામાં ઓછા 13 વખત એએનઆઈએ પાકિસ્તાન અથવા ક્યારેય ક્યારેક ચીન વિરોધી યુરોપિયન સંસદના સભ્યોના લેખોને ફરી પ્રકાશિત કર્યા છે. આ લેખ સૌથી પહેલા ઈયુ ક્રૉનિકલમાં છપાયા હતા જે શ્રીવાસ્તવ સાથે જોડાયેલી એક બનાવટી વેબસાઇટ છે.
ઈયુ ક્રૉનિકલ આ જ વર્ષે મે મહિનામાં અસ્તિત્ત્વમાં આવી હતી. આ પૂર્વે પણ ડિસઇન્ફ્રૉર્મૅશન રિપોર્ટમાં ઈપી ટુડેનું નામ આવ્યું હતું ત્યાર બાદ આનું નામ બદલી દેવાયું છે અથવા તો તેને ફરીથી બંધ કરી દેવાઈ છે. ત્યાર પછી જ ઈયુ ક્રૉનિકલને બનાવવામાં આવી.
ઈયુ ડિસઇન્ફોલૅબને પોતાની રિપોર્ટમાં કહ્યું છે,"આ અભિયાન ચલાવનારાઓએ અન્યના નામની ચોરી કરી, ઈયુ ઑબ્ઝર્વર જેવી દેખાતી મીડિયા બનાવી, યુરોપિયન સંસંદના લૅટરહેડનો ઉપયોગ કર્યો, ખોટાં ફોન નંબરોનો ઉપયોગ કરીને બનાવટી વેબસાઇટ બનાવી, સંયુક્ત રાષ્ટ્રને ખોટા સરનામાં આપ્યા, અને થિંકટૅન્કના પુસ્તકો પ્રકાશિત કરવા માટે ખોટી પ્રકાશન કંપનીઓ બનાવી."
"તેમણે અનેક સ્તરે આવું બનાવટી મીડિયા ઊભું કર્યું જે એકબીજાની ખબરોને પ્રકાશિત કરતું હતું. તેમણે મહિલા અધિકારો અને લઘુમતીના અધિકારો માટે કરતા સાચા રાજનેતાઓનો ઉપયોગ કર્યો અને પોતાના હેતુઓ માટે કટ્ટર-દક્ષિણપંથી રાજનેતાઓને મંચ આપ્યો."
એલેક્ઝાન્ડ્રે અલાફિલીપે કહ્યું કે"દૃષ્ટિકોણને પ્રભાવિત કરતા આ સમગ્ર અભિયાનને માન્યતા આપવા અને વધુથી વધુ લોકો સુધી પહોંચાડવા માટે કોઈ અન્ય ન્યૂઝ એજન્સીની સરખામણીમાં ન્યૂઝ એજન્સી એએનઆઈનો ઉપયોગ કરાયો."
મુખ્યપ્રવાહની કેટલીક ભારતીય ન્યૂઝ ચૅનલો અને વેબસાઇટમાં એએનઆઈના રિપોર્ટ પ્રકાશિત થાય છે. તપાસકર્તાઓ અનુસાર એક વખત મુખ્યપ્રવાહમાં આવી ગયા બાદ આ સમાચારોને 95 દેશની 500થી વધુ બનાવટી વેબસાઇટ પર ફરીથી પ્રકાશિત કરવામાં આવ્યા.
તપાસ રિપોર્ટ અનુસાર યુરોપમાં શ્રીવાસ્તવ ગ્રૂપ સાથે જોડાયેલા સમૂહો દ્વારા આયોજિત વિરોધપ્રદર્શન વિશે એએનઆઈ અને ગ્રૂપ સાથે જોડાયેલી બનાવટી મીડિયા વેબસાઇટોએ અહેવાલો પ્રકાશિત કર્યાં હતાં.

યુરોપિયન યુનિયન અને સંયુક્ત રાષ્ટ્ર પર ફૉકસ

તપાસના નિષ્કર્ષ અનુસાર પોતાના પ્રભાવને વધારવા માટે નેટવર્કે બે પ્રકારની રણનીતિ તૈયાર કરી. એક યોજના જિનિવા માટે હતી અને બીજી યોજના બ્રસેલ્સ માટે.
જિનિવામાં થિંકટૅન્ક અને એનજીઓનું મુખ્ય કામ રહેતું હતું. તેમનુ કામ હતું લૉબીંગ કરવું અને વિરોધપ્રદર્શન આયોજિત કરવું. એના સિવાય માન્યતા પ્રાપ્ત સંગઠનો તરફથી યુએનએચઆરસીના મંચ પર પોતાની વાત મૂકવી.
જ્યારે બ્રસેલ્સમાં તેમનું ફૉકસ યુરોપિયન સંસદના સભ્યો પર કેન્દ્રીત હતું. તપાસકર્તાઓ અનુસાર યુરોપિયન સંસદના સભ્યોને આંતરરાષ્ટ્રીય પ્રવાસે લઈ જવાતા હતા. તેમની પાસે ઈયુ ક્રૉનિકલ્સ જેવી બનાવટી મીડિયા આઉટલેટ માટે ખાસ આર્ટિકલ લખાવવામાં આવતા હતા અને પછી તેને એએનઆઈ જેવી સમાચાર એજન્સીની મદદથી વધુથી વધુ લોકો સુધી પહોંચાડવામાં આવતા હતા.
આ તપાસ રિપોર્ટમાં યુરોપિયન સંસદના કેટલાક સભ્યોના નામ વારંવાર આવે છે. તેમાં એક ફ્રાન્સના થીર્રા મારિયાની છે. તેમના બે લેખ ઈયુ ક્રૉનિકલમાં છપાયા હતા. ગત વર્ષે ભારત પ્રશાસિત કાશ્મીરના વિવાદિત પ્રવાસ પર આવનારા યુરોપિયન સંસદના સભ્યોમાં તેઓ પણ સામેલ હતા.
ફ્રાંસની જમણેરી નેશનલ રૅલી પાર્ટીના નેતા મારિયાનીએ બીબીસીને જણાવ્યું,"જો અખબાર ઈયુ ક્રૉનિકલ પાછળ ભારત સરકારનો હાથ છે તો એ મારી સમસ્યા નથી."
"હું એ જ કહું છું અને કરું છું જે મને યોગ્ય લાગે છે અને જે મારો મત હોય છે. ભારતની સત્તાધારી પાર્ટી ભાજપના નેતાઓ મારા સંપર્કમાં છે અને હું નરેન્દ્ર મોદીની સરકારનું સમર્થન કરું છું."
જોકે એવું નથી કે રિપોર્ટ પર કોઈ પ્રતિક્રિયા નથી થઈ. યુરોપિયન સંસદના જેટલા લોકોના આમાં નામ છે તે તેમામની ટીકાઓ થઈ છે.
ગ્રીન પાર્ટીના ડેનિયલ ફ્ર્યૂંડે કહ્યું કે સાથી સભ્યોએ તેમના કામ વિશે સ્પષ્ટ રીતે જાણકારી આપવી જોઈએ.
તેમણે કહ્યું,"ગત વર્ષે 24 વખત નિયમો ભંગ કરાયા છે પણ ક્યારેક પ્રતિબંધ નથી લગાવાયો. એટલે નિયમોના પાલનનો કોઈ ફાયદો નથી અને તમે નિયમ ભંગ કરતા પકડાઈ પણ જાવ તો વધુમાં વધુ એવું થશે કે માત્ર તમારે એક ડિક્લેરેશન લખીને આપવું પડે છે."
નામ ન જાહેર કરવાની શરત પર એક અન્ય સભ્યએ જણાવ્યું કે ઈયુ ક્રૉનિકલ જેવી વેબસાઇટ પર લખનારની ઓળખ 'ઇલેક્શન ટુરિસ્ટ' કરીકે કરવામાં આવે છે.
તેમણે બીબીસીને કહ્યું,"સાંસદોનો એક સમૂહ છે જે પોતાને જે કરવું જોઈએ તે કરવાની જગ્યાએ બીજા દેશની સરકારો દ્વારા પ્રાયોજિત પ્રવાસો પર જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ આ પ્રકારના લોકો પાસેથી પીઆર કરાવવાનો ફાયદો થશે એવું કોઈ વિચારી પણ કઈ રીતે શકે છે."
બીબીસીએ સમાચાર એજન્સી એએનઆઈ અને ભારત, બાંગ્લાદેશ અને માલદીવના પ્રવાસે જનારા તથા ઈયુ ક્રૉનિકલમાં લેખ લખનારા યુરોપિયન સંસદના નવ સભ્યોનો સંપર્ક કર્યો પરંતુ આ રિપોર્ટ છપાયો ત્યાં સુધી તેમના તરફથી કોઈ જવાબ નથી મળ્યો.

શ્રીવાસ્તવ ગ્રૂપ કોણ છે અને આગળ શું થશે?

આ વૈશ્વિક અભિયાન પર ગત વર્ષે આવેલી આંશિક રિપોર્ટ અને આ વર્ષે આવેલા તપાસ રિપોર્ટ બાદ સમગ્ર વિવાદની દિશા અંકિત શ્રીવાસ્તવ નામની વ્યક્તિ તરફ જઈ રહી છે.
ઈયુ ડિસઇન્ફોલૅબના તપાસકર્તાઓ અનુસાર તેમના વ્યક્તિગત ઇમેલ એડ્રેસ અને તેમના સંગઠન સાથે જોડાયેલા ઇમેલ એડ્રેસના નામ પર 400થી વધુ વેબસાઇટ્સ રજિસ્ટર છે.
આ સિવાય આ જૂથ પાસે એક સંદિગ્ધ ટેક કંપની અગલાયા (Aglaya) પણ છે. આ વર્ષે ફેબ્રુઆરી બાદ કંપનીની વેબસાઇટ કામ નથી કરી રહી. પરંતુ આ પૂર્વે કંપનીએ "હૅકિંગ અથવા જાસૂસી કરતા ઉપકરણો અને ઇન્ફર્મૅશન વૉરફૅર સર્વિસીઝની જાહેરાતો આપી હતી."
અલગાયાના માર્કેટિંગ દસ્તાવેજો અનુસાર "કંપની કોઈ દેશની છબિ ખરડવા માટે સક્ષમ છે અને તેણે તેની કેટલીક સેવાઓને કથિત સાયબર પરમાણુ હથિયાર ગણાવી છે."
વર્ષ 2017માં અંકુર શ્રીવાસ્તવ નામની એક વ્યક્તિએ ફૉર્બ્સ પત્રિકામાં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમનો દાવો હતો કે "તેઓ માત્ર ભારતીય ખુફિયા એજન્સીઓને જ તેમના ઉપકરણો આપે છે."
હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અંકુર શ્રીવાસ્તવનો અંકિત શ્રીવાસ્તવ સાથે શું સંબંધ છે.
આ મામલામાં એક વધુ શ્રીવાસ્તવનું નામ સામે આવ્યું છે. તે છે અંકિતના માતા અને ગ્રૂપનાં ચૅરપર્સન ડૉ. પ્રમિલા શ્રીવાસ્તવ.
પંજાબનાં એક બાળરોગ નિષ્ણાત ડૉ. હર્ષિંદર કૌરે ઈયુ ડિસઇન્ફોલૅબના તપાસકર્તાઓને જણાવ્યું કે વર્ષ 2009માં જ્યારે તેમને જિનિવામાં યુએનએચસીઆરના કાર્યક્રમમાં ભ્રૂણહત્યા પર બોલવા માટે આમંત્રિત કરાયાં હતાં ત્યારે ડૉ. પી. શ્રીવાસ્તવ નામની એક મહિલાએ તેમને ઘણા ધમકાવ્યાં હતાં. ડૉ. પી. શ્રીવાસ્તવનો દાવો હતો કે તેઓ "ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારી છે."
ડૉ. કૌરે બીબીસીને જણાવ્યું કે પ્રમિલા શ્રીવાસ્તવે જ તેમને ધમકાવ્યાં હતાં.
આ મામલામાં અને રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો વિશે બીબીસીએ અંકિત શ્રીવાસ્તવને ઇમેલ કર્યો હતો પરંતુ ત્યાંથી પણ કોઈ જવાબ નથી મળ્યો.
સફદરજંગ ઍન્કલેવમાં ગ્રૂપની ઑફિસ પર પણ બીબીસીએ જઈને તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી પરંતુ ત્યાં હાજર કર્મચારીઓ કોઈ પણ સવાલનો જવાબ આપવાનો ઇન્કાર કરી દીધો.
આ તપાસ પછી આ સમગ્ર નેટવર્કનું શું થશે અને તે આગળ કઈ રીતે વધશે તે માટે હજુ કોઈ સ્પષ્ટ જાણકારી નથી.
'ઇન્ડિયન ક્રૉનિકલ'ના લેખકોનું કહેવું છે કે"આંતરરાષ્ટ્રીયના સંસ્થાનોનો દુરુપયોગ કરનારા વિરુદ્ધ પ્રતિબંધ લગાવવા સંબંધિત માળખું બનાવવા માટે નીતિનિર્માતાઓ તેમની તપાસના નિષ્કર્ષોનો ઉપયોગ કરી શકે છે."
એલેક્ઝાન્ડ્રે અલાફિલીપનું કહેવું છે કે વર્ષ 2019માં થયેલી તપાસ બાદ ન તો કોઈ સત્તાવાર પત્ર લખાયો ન તો કોઈ પ્રતિબંધ લગાવાયો અને ન કોઈ અન્ય પગલાં લેવાયા છે. એક રીતે એવો સંદેશ અપાયો કે તમારી માહિતી સાર્વજનિક થઈ ગઈ છે પરંતુ તેનાંથી કોઈ ફરક નથી પડતો.
તેમણે બીબીસીને જણાવ્યું,"મને લાગે છે કે દુષ્પ્રચાર કરનારાઓ સામે પગલાં લેવાવા જોઈએ અને અમને આશા છે કે કાર્યવાહી થશે. સંસ્થાઓની સૌથી મોટી નિષ્ફળતા એ હશે કે જો આવતા વર્ષે પણ આ જ લોકો અને તેમના કામકાજ કરવાની બાબતો વિશે આવી જ એક રિપોર્ટ બહાર પાડવામાં આવે."
તેમણે વધુમાં કહ્યું,"તેનો અર્થ એ થશે કે યુરોપિયન યુનિયન જેવી સંસ્થાઓ વિદેશી હસ્તક્ષેપ મામલે સહજ છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો










