જ્યાં માના ખોળામાંથી ચોરીને બાળકો વેચી દેવાય છે

બાળકોની ખરીદ-વેચાણના કાળાબજારને ચાલુ રાખવા માટે કેન્યામાં આડેધડ બાળકોની ચોરી કરવામાં આવી રહી છે. બાળકોની ચોરી કરતા લોકોનો એક વર્ષ સુધી પીછો કર્યા બાદ 'આફ્રિકા આઈ'ની ટીમે આ રિપોર્ટ તૈયાર કર્યો છે.
કેટલાંક બાળકો ફક્ત ત્રીસ હજાર રૂપિયામાં વેચવા માટે ચોરી કરવામાં આવ્યાં હતાં. 'આફ્રિકા આઈ' માટે પીટર મુરુમી, જોએલ ગુંટર અને ટૉમ વૉટસનનો રિપોર્ટ.


રિબેકાનો પુત્ર જ્યાં પણ હશે, ત્યાં એ દસ વર્ષનો હશે. તે નૈરોબીમાં પણ હોઈ શકે છે, જ્યાં રિબેકા રહે છે, અથવા કેન્યાના બીજા કોઈ વિસ્તારમાં અને શક્ય છે કે અત્યારે તે જીવતો ન પણ હોય. રિબેકાના હૃદયમાં પણ કંઈક આવી જ ભાવના છે.
લારૅંસ જૉશિયા તેમનું પહેલું સંતાન હતું. તે નવ વર્ષનો હતો જ્યારે રિબેકાએ તેને છેલ્લી વાર જોયો હતો.
માર્ચ 2011ના રાતના બે વાગ્યા હશે. રિબેકા સરળતાથી મળતી દવા જેટફ્યુઅલને સૂંઘીને ઘેનમાં હતાં.
તેઓ નશો કરતાં હતાં કારણ કે તેનાથી અજાણ્યાઓ પાસે જઈને ભીખ માંગવા માટેનું આત્મબળ મળતું હતું.
રિબેકા જ્યારે પંદર વર્ષનાં હતાં, ત્યારે તેમનાં માતા પાસે તેમને ખવડાવવા માટે પૂરતા પૈસા નહોતા.
શાળા છોડી દીધા બાદ રિબેકા રસ્તા પર આવી ગયાં. તેમનો ભેટો એક મોટી ઉંમરની વ્યક્તિ સાથે થયો, જેમણે લગ્ન કરવાનું વચન આપ્યું, પરંતુ રિબેકા ગર્ભવતી થતાં, એ વ્યક્તિ છોડીને જતી રહી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજે વર્ષે લારૅંસ જૉશિયાનો જન્મ થયો.
રિબેકાએ પોતાના દીકરાનો એક વર્ષ અને અમુક મહિના સુધી ઉછેર કર્યો. તે રાત્રે પોતાની આંખો બંધ કર્યા બાદ રિબેકાએ ક્યારેય પોતાના પ્રથમ પુત્રને જોયો નથી.
"મારે બીજાં પણ બાળકો છે, પરતું તે મારું પ્રથમ બાળક હતું. તેણે મને માતા બનાવી હતી. મેં દરેક જગ્યાએ તેની શોધખોળ કરી છે, પરતું મને ક્યાંય પણ તે મળ્યો નથી."
રિબેકા હજુ પણ નૈરોબીના એ જ રસ્તાઓ પર રહે છે જ્યાંથી તેમના બાળકની ચોરી થઈ હતી. તેઓ હવે ત્રણ બાળકોનાં માતા છે. ત્રણેય છોકરીઓ આઠ, છ અને ચાર વર્ષની છે.
એક વાર સૌથી નાની પુત્રીને છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે વિસ્તારમાં ભટકતી એક વ્યક્તિ દ્વારા આ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
તે વ્યક્તિ બાળકીને એક કાર તરફ લઈ જઈ રહી હતી કે ત્યાં રિબેકા પહોંચી ગયાં. કારમાં એક મહિલા બેઠાં હતાં. આગલા દિવસે તે વ્યક્તિ ફરીથી ત્યાં આવી હતી.


રિબેકા જ્યાં રહે છે ત્યાં આવી કહાણી શોધવા માટે બહુ મહેનત કરવી પડતી નથી.
ઑગસ્ટ 2018માં ઍસ્થરનો ત્રણ વર્ષનો પુત્ર ગુમ થઈ ગયો હતો.
તેઓ કહે છે, "જ્યારથી મારો છોકરો ગાયબ થઈ ગયો છે ત્યારથી મારા મનની શાંતિ હણાઈ ગઈ છે. હું તેને શોધવા મોમ્બાસા સુધી ગઈ હતી."
બે વર્ષ પહેલાં કૈરોલના બે વર્ષના પુત્રનું રાતના અંધારામાં અપહરણ થયું હતું.
તેઓ કહે છે, 'હું તેને ખૂબ પ્રેમ કરું છું. જો તેઓ મારા બાળકને પાછું સોંપી દે, તો હું તેમને માફ કરી દઈશ."
નૈરોબીમાં બાળકોનાં ખરીદ-વેચાણ માટે કાળાબજાર છે, જ્યાં 'પુરવઠા માટે આવી મજબૂર મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે.
એક વર્ષ સુધી ચાલેલી તપાસમાં 'આફ્રિકા આઈ'ને રસ્તા ઉપર રહેતી મહિલાઓનાં બાળકો ચોરીને નફા માટે બીજાને વેચી દેવાના પુરાવા મળ્યા છે.
રસ્તાઓ પર બનેલાં દવાખાનાથી બાળકોની ચોરી અને મોટી હૉસ્પિટલોમાં બાળકોને વેચવા રૅકેટનો પણ પર્દાફાશ થયો છે.
સરકારી હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓનાં કાળાં કારનામાંનો પર્દાફાશ કરવા માટે 'આફ્રિકા આઈ'ની ટીમે હૉસ્પિટલમાં ત્યજી દીધેલ એક બાળકને ખરીદવાનો પ્રયાસ કર્યો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
અમને બાળક સીધું વેચી શકાય તે માટે હૉસ્પિટલના અધિકારીએ બાળકનો કબજો લીધો હતો અને તે માટે માન્ય કાગળોનો ઉપયોગ કર્યો હતો.
બાળકોની ચોરી કરતા લોકોમાં તકવાદીઓથી લઈને સંગઠિત ગુનેગારો સુધીના લોકો સામેલ છે.
મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ સાથે કામ કરી રહ્યા છે. અનીતા જેવી મહિલાઓ તકવાદીઓમાં સામેલ છે.
અનીતાને દારૂ અને ડ્રગ લેવાની કુટેવ છે અને તેઓ રસ્તા પર રહે છે. તેઓ રિબેકા જેવી મહિલાઓનાં બાળકોની ચોરી કરીને પૈસા કમાય છે. તેઓ મોટે ભાગે ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં નિર્દોષ બાળકોની ચોરી કરે છે.
અનીતાનાં મિત્ર પાસેથી 'આફ્રિકા આઈ'ને તેમના વિશે ખબર પડી. આ મિત્રે તેની ઓળખ જાહેર કરી નથી. ઍમ્મા તરીકે પોતાની ઓળખાણ આપતી આ મહિલા જણાવે છે કે અનીતા બાળકને ચોરી કરવા માટે વિવિધ તરકીબો કરે છે.
તેઓ કહે છે, "સૌ પ્રથમ, તેઓ બાળકની માતા સાથે મિત્રતા કરે છે અને જાણવાનો પ્રયાસ કરે છે કે બાળકની માતાને પોતાના ઇરાદા વિશે માહિતી છે કે નહીં."
"ઘણી વખત તે બાળકની માતાને ઘેન અને ઊંઘની ગોળીઓ આપે છે અને બાળકને ચોરીને ભાગી જાય છે. ઘણી વખત તે બાળક સાથે રમે છે. તે બાળકોની નજીક જવા માટેની ઘણી તરકીબો જાણે છે."


ઍમ્માએ એક એવી મહિલા વિશે માહિતી આપી જે રસ્તા પર રહેતાં મહિલાઓ પાસેથી બાળકોની ચોરી કરતાં હતાં.
પોતાને ખરીદનાર તરીકે રજૂ કરીને 'આફ્રિકન આઈ'એ અનીતા સાથે એક બેઠક ગોઠવી.
અનીતાએ કહ્યું કે, "વધુ બાળકો ચોરી કરવા માટે તેમની ઉપર દબાણ નાખવામાં આવ્યું છે. તેમણે હાલમાં ચોરેલા બાળક વિશે જણાવ્યું."
'માતા રસ્તા પર નવી-નવી આવી હતી, તે મૂંઝવણમાં હતી, તેને ખબર નહોતી કે આજુબાજુમાં શું થઈ રહ્યું છે. પોતાના બાળકને લઈને તેમણે મારા પર વિશ્વાસ રાખ્યો. હવે તેનું બાળક મારી પાસે છે.'
અનીતાએ કહ્યું કે, "મારી બૉસ એક સ્થાનિક મહિલા ઉદ્યોગપતિ છે જે નાના ગુનેગારો પાસેથી બાળકોની ખરીદી કરે છે અને મોટા નફા સાથે વેચી નાખે છે."
તેઓ કહે છે, 'કેટલીક ખરીદદારો વંધ્યત્વથી પીડાતી મહિલાઓ છે, તેમના માટે આ બાળક દત્તક લેવા જેવું છે, પરંતુ કેટલાંક બાળકોની બલિ આપવા માટે ખરીદી કરવામાં આવે છે.'
"હા, આ બાળકોની બલિ આપવામાં આવે છે. આ બાળકો રસ્તાથી ગાયબ થઈ જાય છે અને પછી ક્યારેય દેખાતાં નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
અનીતાએ જે વાસ્તિવકતા જણાવી, તેના વિશે ઍમ્માએ અમને પહેલાં કહી દીધું હતું.
અનીતાએ કહ્યું હતું કે અમુક લોકો તંત્ર-મંત્ર માટે બાળકો લઈ જાય છે. એક વખત બાળક વેચાઈ ગયા બાદ અનીતાને ખબર નથી હોતી કે તેનું શું થયું.
તેઓ વેપારી મહિલાને નાની છોકરી 50,000 શિલિંગમાં અને છોકરા 80,000 શિલિંગમાં વેચે છે. આનું સરેરાશ પ્રમાણ 35,000-50,000 જેટલું છે. નૈરોબીના રસ્તા પરથી બાળક ચોરી કરવાની પણ આ કિંમત છે.
ઍમ્મા કહે છે, "વેપારી મહિલાએ ક્યારેય પણ જણાવ્યું નથી કે તે બાળકોનું શું કરે છે. મેં એકવાર અનીતાને આ વિશે પૂછ્યું તો તેણે જણાવ્યું કે મને કોઈ ફેર પડતો નથી. જ્યાં સુધી તેને પૈસા મળે છે, ત્યાં સુધી તે કંઈ પૂછતી નથી."
પ્રથમ વખત મળ્યા બાદ બીજી વાર મળવા માટે અનીતાનો ફોન આવ્યો.
જ્યારે અમે મળવા પહોચ્યા ત્યારે તેમના ખોળામાં પાંચ મહિનાની બાળકી હતી. છોકરીની માનો વિશ્વાસ જીતી લીધા બાદ થોડીવારમાં બાળકીની ચોરી કરવામાં આવી હતી.
અનીતા કહે છે, "માતાએ થોડીવાર માટે બાળકીને મને ખોળામાં લેવા માટે આપી અને હું તેને લઈને ભાગી આવી."
તેમણે જણાવ્યું કે તે છોકરીના 50,000 શિલિંગ આપવા માટે એક ગ્રાહક તૈયાર છે. ઍમ્માએ માહિતી આપી કે તેમની પાસે ગ્રાહક છે જે આ બાળકીના 80,000 શિલિંગ આપી શકે છે.
અનીતાએ કહ્યું કે 'બહુ સરસ. કાલે આ ડીલ પાકી કરી નાંખીએ.'


સાંજે પાંચ વાગ્યે મળીશું એવું નક્કી થયું. એક બાળકીનો જીવ ખતરામાં હતો અને એટલા માટે 'આફ્રિકા આઈ'ની ટીમે પોલીસને માહિતી આપી.
પોલીસે અનીતાની ધરપકડ કરવા માટે અને બાળકીને છોડાવવા માટે યોજના ઘડી. અનીતા ગાયબ થઈ જાય તે પહેલાં બાળકીને બચાવવાનો આ છેલ્લો પ્રયાસ હતો.
પરતું અનીતા બેઠકમાં ન આવ્યાં. ઘણા દિવસો સુધી પ્રયત્નો કરવા છતાં અમે તેને શોધી ન શક્યા.
ઘણાં અઠવાડીયાં બાદ ઍમ્માને તે મળ્યાં. અનીતાએ તેમને જણાવ્યું કે એક ગ્રાહકે બાળકીને સારા પૈસા આપીને ખરીદી લીધી હતી.
જે પૈસા મળ્યા તેનાથી અનીતાએ શહેરની ઝૂંપડપટ્ટીમાં બે ઓરડા ધરાવતું ઝૂંપડું બનાવ્યું છે. બાળકી ગાયબ છે અને પોલીસ અનીતાને શોધી રહી છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
જો અમે આવું કરીએ છીએ તો?
કેન્યામાં કેટલાં બાળકોની તસ્કરી થાય છે, તેનો કોઈ ચોક્કસ ડેટા હાજર નથી. ન કોઈ સરકારી રિપોર્ટ છે અને ન તો કોઈ દેશવ્યાપી સર્વે.
બાળકોની તસ્કરી થતી રોકવાની જવાબદારી જે સંસ્થાના માથે છે, તેમની પાસે પૈસા અને માણસોની અછત છે.
મારયાના મુનયેંડોએ 'મિસિંગ ચાઇલ્ડ કેન્યા' નામે એનજીઓ ચલાવે છે અને આ સંસ્થા એ માતાઓની મદદ કરે છે, જેમનાં બાળકોની ચોરી થઈ ગઈ છે.
મુનયેંડો જણાવે છે કે સંસ્થા ચાર વર્ષથી ચાલે છે અને તેમની પાસે 600થી વધુ કેસો આવ્યા છે.
કેસો સામે આવતા નથી તે પાછળ ફરિયાદીની આર્થિક સ્થિતિ પણ જવાબદાર છે.
તેઓ જણાવે છે, "તેમની પાસે સાધન નથી. તેમની પાસે માહિતી અથવા નેટવર્ક નથી કે જેનો તે ઉપયોગ કરીને કોઈ પાસે જઈને જણાવે કે અમારું બાળક ચોરાઈ ગયું છે અને કોઈ તેને શોધી આપો."
બાળકોની તસ્કરી પાછળનું એક કારણ છે કે કેન્યામાં માતા નહીં બની શકનારાં મહિલાઓને સારી નજરે જોવામાં આવતાં નથી.
મુનયેંડો જણાવે છે કે આફ્રિકન દેશોમાં જો મહિલાને બાળક ન થાય તો તેને બહુ ખરાબ વાત ગણવામાં આવે છે.
"તમારી પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તમે બાળક પેદા કરો અને બાળક છોકરો હોવો જોઈએ. જો તમે આમ ન કરી શકો તો તમને ઘરમાંથી હાંકી કાઢવામાં આવે છે. તમે શું કરશો, તમે મજબૂરીમાં બાળકની ચોરી કરો છો."


ઇમેજ સ્રોત, Getty Images
આવી પરિસ્થિતિમાં મહિલા અનીતા અથવા તેનાં વેપારી મહિલા બૉસનો સંપર્ક કરે છે અને એવા લોકોને મળે છે, જેમની હૉસ્પિટલોમાં પહોંચ છે.
'આફ્રિકન આઈ'ની તપાસમાં બહાર આવ્યું છે કે શહેરની મોટી હૉસ્પિટલોમાં બાળકોની ચોરી કરતી ટોળકી સક્રિય છે.
એક સૂત્ર દ્વારા અમે મામા લૂસી કિબાકી હૉસ્પિટલમાં કામ કરતા ફ્રૅડ લૅપરાનનો સંપર્ક કર્યો.
ફ્રૅડનું કામ છે મામા લૂસી હૉસ્પિટલમાં લાવવામાં આવતાં એવાં બાળકોની સુરક્ષા કરવી, જે નબળી સ્થિતિમાં હોય.
પરંતુ અમારા સંપર્કે જણાવ્યું કે ફ્રૅડ લૅપરાન બાળકોની ચોરી કરતી ટોળકી સાથે સામેલ છે. સૂત્ર દ્વારા અમે લૅપરાન સાથે બેઠક ગોઠવી.
લૅપરાને એવાં મહિલા વિશે માહિતી આપી જે માતા બની શકવાની સ્થિતિમાં નહોતાં અને બાળક મેળવવા માટે પ્રયાસ કરતાં હતાં.
લૅપરાન કહે છે, "મારી પાસે એવું બાળક છે, જેને બે અઠવાડીયાં પહેલાં તેનાં માતા-પિતા હૉસ્પિટલમાં છોડી ગયાં છે અને હજુ પાછા લેવા માટે આવ્યાં નથી."
અમારા સૂત્રએ જણાવ્યું કે આ પ્રથમ વખત નથી જ્યારે લૅપરાન બાળક વેચી રહ્યા હોય.
'આફ્રિકા આઈ'એ લૅપરાન સાથેની બેઠક ગુપ્ત કૅમેરામાં રેકૉર્ડ કરી.
બેઠકમાં તેઓ કહે છે કે, "આગળના કેસના કારણે હું ગભરાઈ ગયો હતો. જો તમે આવું કંઈક કરી રહ્યા છો તો એવી કોઈ યોજના ઘડો કે જેથી આગળ જતાં મને કોઈ તકલીફ ન થાય."

જે બાળકને લૅપરાન વેચી રહ્યા છે, તેવાં બાળકોને કોઈને દત્તક આપતા પહેલાં સરકારી સંસ્થામાં લઈ જવાં ફરજિયાત છે.
દત્તક લેનાર વ્યક્તિની બધી રીતે તપાસ કર્યા બાદ બાળકને સોંપવામાં આવે છે. જ્યારે લૅપરાન જેવી વ્યક્તિ આવાં બાળકોને વેચી નાંખે તો કોઈને માહિતી મળતી નથી કે બાળક ક્યાં ગયું.
'આફ્રિકા આઈ'નાં પત્રકાર રૉઝ નામનાં મહિલા બનીને હૉસ્પિટલમાં આવેલાં એક રૂમમાં લૅપરાન સાથે મુલાકાત કરી. લૅપરાને રોઝને અમુક સવાલો કર્યા.
રૉઝે જણાવ્યું કે તેમનાં લગ્ન થઈ ગયાં છે અને તેઓ માતા નહીં બની શકે. તેમના પર પતિ અને પરિવારના સભ્યોનું ભારે દબાણ છે.
લૅપરાન કહે છે, 'શું તમે બાળક દત્તક લેવા વિશે વિચાર્યું છે?'
જવાબમાં રૉઝ જણાવે છે, "અમે આ વિશે વિચાર કર્યો છે, પરતું આ પ્રક્રિયા બહુ લાંબી અને જટિલ છે."
આ સાંભળીને લૅપરાન તૈયાર થઈ જાય છે. બાળકની કિંમત 3 લાખ શિલિંગ નક્કી કરવામાં આવે છે જેનું મૂલ્ય ભારતીય ચલણમાં રૂપિયા બે લાખ થાય છે.
રૉઝ અને અમારા સૂત્ર તરફ ઇશારો કરતાં ફ્રૅડ કહે છે, "જો અમે આ સોદો પૂર્ણ કરીશું તો માત્ર 3 લોકોને આ વિશેની માહિતી હશે. હું, તમે અને પેલી વ્યક્તિ. હું દરેક વ્યક્તિ પર ભરોસો કરતો નથી. આ બહુ જોખમભર્યું કામ છે. આને લઈને મને બહુ ચિંતા થાય છે."
ફ્રૅડે કહ્યું કે સોદો પાક્કો કરવા માટે તેઓ ફોન કરશે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
'અડામા પાસે કોઈ વિકલ્પ નથી'
રસ્તા પરથી બાળકોની ચોરી કરતાં અનીતા અને હૉસ્પિટલમાં બેસેલા ફ્રૅડ જેવા અધિકારીઓની સાથેસાથે નૈરોબીમાં બાળકોની ચોરી કરવા પાછળ બીજું એક પરિબળ પણ કામ કરે છે.
ઝૂંપડપટ્ટીની આજુબાજુ એવાં ઘણાં ગેરકાયદે દવાખાનાં છે, જ્યાં ગર્ભવતી મહિલાઓની ડિલિવરી કરાવવામાં આવે છે. આ દવાખાનાં બાળકોના વેચાણ માટે કુખ્યાત છે.
ઘેટો રેડિયોના પત્રકાર ઝૂડિથ કેનાઈથા થકી 'આફ્રિકા આઈ'એ કાયોલે ઝૂંપડપટ્ટીમાં ચાલતા એક દવાખાનાનો સંપર્ક કર્યો.
આ ઝૂંપડપટ્ટીમાં નૈરોબીના હજારો ગરીબો રહે છે. કેનાઈથા જણાવે છે કે કાયોલેમાં બાળક વેચવાના ધંધો ભારે વિકસ્યો છે.
અમે જે દવાખાનામાં ગયા તે મેરી ઔમા નામની મહિલા ચલાવે છે. ઔમાનો દાવો છે કે તેમણે નૈરોબીની મોટી હૉસ્પિટલોમાં કામ કર્યું છે.
કેનાઈથા ઔમાને પોતાની ઓળખ ખરીદદાર તરીકે આપે છે. દવાખાની અંદર બે ગર્ભવતી મહિલાઓ છે, જેમની પ્રસવ પીડા થઈ રહી છે.
ઔમા ધીમા અવાજે જણાવે છે કે, "સાડા આઠ મહિનાની ગર્ભવતી છે અને બાળકને જન્મ આપવા માટે તૈયાર છે."
હજુ જન્મ્યું પણ નથી એવા બાળકને વેચવા માટે તેઓ 45,000 શિંલિંગ એટલે કે 30,000 ભારતીય રૂપિયાની માગ કરે છે.
બાળકના જન્મ બાદ માતાની તબિયત લઈને ઔમાને કોઈ ચિંતા નથી.
પોતાનો હાથ હલાવીને તેઓ જણાવે છે, "જે સમયે આ મહિલાને પૈસા મળી જશે કે તરત તે ચાલી જશે. અમે ચોખ્ખી વાત કરીએ છીએ, તે ક્યારેય પણ પાછી આવશે નહીં."

તે દિવસે ઔમા જે મહિલાનું બાળક વેચવાની વાત કરતાં હતાં તેમનું નામ અડામા છે.
અડામા સંપૂર્ણ ભાંગી ગયાં છે. રિબેકાની જેમ તેમને માતા બનાવનારી વ્યક્તિએ લગ્નનો વાયદો કર્યો હતો, પરંતુ તે ભાગી ગઈ.
ગર્ભવતી હોવાના કારણે નોકરી ચાલી ગઈ. તેઓ એક નવી ચણાઈ રહેલી ઇમારતમાં કામ કરતાં હતાં અને ભારે વજન ઉઠાવવામાં અસમર્થ હતાં.
ત્રણ મહિના સુધી મકાનમાલિકે ભાડું ન માગ્યુ અને એક દિવસ અડામાને કાઢીને નવો ભાડુઆત રાખી લીધો.
અડામાએ પોતાનું બાળક વેચી દેવાનું નક્કી કર્યું. મેરી ઔમા અડામાને 45000 શિંલિંગની રકમ પૂરી નહીં આપે માત્ર 10000 શિલિંગ જ આપશે.
પોતાના ગામમાં ઇન્ટરવ્યૂ આપતાં અડામા જણાવે છે કે, "મારું ઘર બહુ ગંદુ હતું. હું લોહી એક નાનકડા ડબ્બામાં નાખતી હતી. બૅસિન પણ નહોતું અને ખાટલો એકદમ ગંદો હતો. હું બહુ પરેશાન હતી અને મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો."
અડામા જણાવે છે કે જે દિવસે અમે દવાખાનામાં ગયા, ઔમાએ કોઈ પણ પૂર્વસૂચના આપ્યા વગર પ્રસવની દવા આપી દીધી હતી.
ઔમા પાસે એક ગ્રાહક હતો અને તેઓ બને તેટલું વહેલું બાળકને વેચી દેવા માગતાં હતાં.
પરતું બાળકનો જન્મ સારી રીતે ન થયો. બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી.
ઔમાએ લૂસી હૉસ્પિટલમાં જવાની સલાહ આપી. બે અઠવાડીયાં બાદ અડામાને હૉસ્પિટલથી રજા આપી દેવા આવી. તેમણે ઔમાને સંદેશ મોકલ્યો અને ઔમાએ અમને.
તેણે લખ્યું, "નવા પૅકેજે જન્મ લીધો છે. પિસ્તાળીસ હજારમાં."


ઇમેજ સ્રોત, TONY KARUMBA
દવાખાનામાં અડામા ઔમા અને તેના સહાયક પાસે પહોંચી ગયાં. તેમણે કહ્યું કે અત્યારે બાળકની તબિયત સારી લાગી રહી છે અને જો ગ્રાહકને કોઈ તકલીફ ન હોય તો તેને તરત લઈ લેવામાં આવશે.
અડામાએ પોતાના બાળકને વેચવાનો એક બહુ પીડાદાયક નિર્ણય કર્યો હતો પણ હવે તેઓ ફેરવિચાર કરી રહ્યાં હતાં.
પાછળથી તેમણે જણાવ્યું કે, "હું પોતાનું બાળક એવી વ્યક્તિને વેચવાની ચ્છા ધરાવતી નહોતી, જે તેનો ખ્યાલ ન રાખી શકે અથવા પાછળથી બીજા કામમાં તેનો ઉપયોગ કરે."
તે દિવસે અડામા દવાખાનાથી પોતાના બાળકને સાથે લઈ આવ્યાં.
તેઓ બાળકને સરકારી હૉસ્પિટલમાં મૂકી આવ્યાં છે, જ્યાં બાળકને દત્તક આપવામાં આવશે.
અડામાની ઇચ્છા છે કે બાળકને સારું જીવન મળે. તેમને ક્યારેય પણ એ પૈસા ન મળ્યા જેમની તેમને જરૂર હતી.
તેઓ નૈરોબીથી દૂર એકલાં રહે છે.
તેઓ ઘણીવાર પોતાના બાળક વિશે વિચારે છે અને ઊંઘમાથી જાગી જાય છે. જ્યારે ઊંઘ નથી આવતી ત્યારે તેઓ એકલા રસ્તા પર ચાલવા લાગે છે, પરતું તેમને પોતાના નિર્ણય પર કોઈ પસ્તાવો નથી.
"મને એ વાતથી શાંતિ છે કે મેં બાળકને સરકારને સોપી દીધું છે કારણકે મને ખબર છે કે તેઓ સુરક્ષિત છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
હૉસ્પિટલમાં બાળકોનું વેચાણ થવું
સરકારી હૉસ્પિટલમાં ક્લિનિકલ સોશિયલ વર્કર ફ્રૅડ લૅપરાને અમને ફોન કરીને જણાવ્યું કે તેમણે એક બાળકની ઓળખાણ કરી લીધી છે, જેમનાં માતાએ તેને તરછોડી દીધું છે અને વેચવા માગે છે.
આ છોકરો એ ત્રણ બાળકોમાંથી એક છે, જેને બાળગૃહમાં મોકલવાનાં છે. આ બાળકો સુરક્ષિત બાળગૃહ પહોંચી જાય તેની જવાબદારી લૅપરાનની છે.
લૅપરાન હૉસ્પિટલમાં જઈને પ્રક્રિયા પૂરી કરે છે અને ત્યાં હાજર કર્મચારીઓ સાથે વાત કરી. તેમને જરાય ખ્યાલ નહોતો કે તેમની હાજરીમાં બાળક ચોરાઈ જશે.
અમારાં અંડરકવર રિપોર્ટર રૉઝ કારની અંદર રાહ જોઈ રહ્યાં હતાં. લૅપરાનને નર્સને જણાવ્યું કે તેઓ બાળકોની હૉસ્પિટલમાં કામ કરે છે અને બાળકોને રૉઝ પાસે લઈ જવા કહ્યું. તે ગભરાયેલો હતા પરંતુ અમારા સૂત્રને જણાવ્યું કે નર્સ બહુ દુર સુધી તેમનો પીછો નહીં કરે.
થોડા સમય બાદ ટીમ મામા લૂસી હૉસ્પિટલથી ત્રણેય બાળકોને લઈને બહાર આવી ગઈ.
પરંતુ માત્ર બે બાળકોને બાળગૃહ મૂકવા માટેનો આદેશો હતો.
અહીંથી ત્રીજું બાળક ક્યાંય પણ પહોંચી શકે છે, ક્યાંય પણ. અંડરકવર ટીમે ત્રણેય બાળકોને બાળગૃહમાં સોંપી દીધાં, જ્યાં તેમને દત્તક અપાય ત્યાં સુધી રાખવામાં આવશે.
તે બપોર લૅપરાને રૉઝને ફોન કરીને જણાવ્યું કે જે 3 લાખ શિલિંગની વાત થઈ હતી, તે ટેબલ પર મૂકવામાં આવે.
તેમણે જણાવ્યું કે બાળકને જે દવાઓ આપવાની છે, તેનો પૂરતો ખ્યાલ રાખવામાં આવશે.
"સાવધાન રહેજો, બહુ સાવધાન રહેજો."
બીબીસીએ જ્યારે લૅપરાને બાળકો વેચવા વિશે પૂછ્યું તો તેમણે કંઈ પણ કહેવનો ઇન્કાર કરી દીધો. હૉસ્પિટલે પણ વાત કરવા માટે ના પાડી દીધી. લૅપરાન હજુ પણ ત્યાં જ નોકરી કરે છે.
અમે એક એનજીઓને ઔમાના કારોબાર વિશે માહિતી આપી અને પોલીસને પણ જણાવ્યું પરંતુ લાગે છે કે ઔમાનો વ્યવસાય હજુ ચાલી રહ્યો છે. અમે જ્યારે તેમને આરોપો વિશે પૂછ્યું ત્યારે તેમણે કોઈ જવાબ ન આપ્યો.
અમે અનીતા સામે પણ તેના આરોપો મૂકવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ નૈરોબીની નાની ગલીઓમાં ગુમ થઈ ગયાં.


જે મહિલાઓનાં બાળકોની ચોરી થઈ છે, તેમના માટે કોઈ સમાધાન નજરે ચઢતું નથી. તેઓ પોતાનાં બાળકોને ફરીથી જોવાની ઉમેદ લઈને બેઠાં છે, એ જાણવા છતાં કે તેઓ ફરી ક્યારેય એમને જોઈ નહીં શકે.
રિબેકા કહે છે, "પોતાના બાળકને જોવા માટે હું કંઈ પણ કરી શકું છું. જો તે જીવંત નથી તો હું તેની ખાતરી કરવા માગું છું."
ગયા વર્ષે રિબેકાને કોઈકે જણાવ્યું કે નજીકની ઝુંપડપટ્ટીમાં એક એવો છોકરો છે, જે અસલ તેના બાળક જેવો દેખાય છે. રિબેકાને ખબર હતી કે આ વાતમાં કોઈ તથ્ય નથી.
ઝૂંપડપટ્ટીમાં જઈને તપાસ કરવા માટે તેમની પાસે કોઈ સાધન નહોતું. તેઓ નજીકના પોલીસ સ્ટેશનમાં ગયાં, પરંતુ તેમને કોઈ મદદ મળી નહીં. છેલ્લે તેમને હાર સ્વીકારી લીધી.
મારિયાના મુનયેંડો કહે છે, "આ મહિલાઓ પોતાનાં બાળકોને ફરી જોઈ શકશે તેની સંભાવના 10 લાખમાં એક છે. રસ્તા પર માતા બનનાર ઘણી છોકરીઓ કુમળી વયની છે, જેનો લાભ લેવામાં આવે છે."
તેઓ જણાવે છે, "રિબેકા જેવી મહિલાઓને લોકો પીડિતા તરીકે નથી જોતા. પરતું કોઈને એવું ન વિચારવું જોઈએ કે રસ્તા પર રહેનાર લોકોના દિલમાં સંવેદના નથી હોતી. તેઓ પણ ન્યાય મેળવવાનો હક ધરાવે છે. "
"તેમની પણ સંવેદનાઓ છે. જે રીતે પૉશ વિસ્તારમાં રહેતી મહિલા પોતાના બાળકને પ્રેમ કરે છે, તે રીતે રસ્તા પર રહેનાર મહિલા પણ પોતાના બાળકને પ્રેમ કરે છે."
રસ્તા પરથી ચોરી થનારાં બાળકો ઘણી વખત પૉશ વિસ્તારોમાં પહોંચી જાય છે. ઘણી વખત રિબેકા એ પૈસાદાર મહિલાઓ વિશે વિચારે છે, જે બાળક ચોરી કરવા માટે પૈસા આપે છે. તમે કઈ રીતે એ બાળકને ઉછેરી શકો જ્યારે તમને ખબર છે કે બાળકને રસ્તા પરથી, એની માતાના ખોળામાંથી ચોરી લેવામાં આવ્યું છે.
રિબેકા જણાવે છે, "તેમને કેવો અનુભવ થતો હશે, તેઓ શું વિચારતા હશે?"
તસવીરો - બ્રાયન ઇનગંગા

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 5
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












