You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમેરિકાના રાષ્ટ્રપતિપદની ચૂંટણી : માઇક પેન્સ કોણ છે?
ત્રણ નવેમ્બર, 2020 એટલે કે મંગળવારના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની સાથોસાથ આગામી ચાર વર્ષ માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિનું નામ પણ નક્કી થઈ જશે.
રિપબ્લિકન પક્ષ તરફથી ડૅમોક્રેટ્સ પક્ષનાં ભારતીય મૂળનાં કમલા હેરિસ સામે માઇક પેન્સ ઉપરાષ્ટ્રપતિપદ માટે મેદાનમાં હશે. નોંધનીય છે કે તેઓ વર્ષ 2016થી ટ્રમ્પ પ્રશાસનમાં ઉપરાષ્ટ્રપતિપદ પર કાર્યરત્ છે.
હવે તેઓ ફરી એક વાર ઉપરાષ્ટ્રપતિપદ માટે પોતાનું નસીબ અજમાવવા તૈયાર છે.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સામે એક શાંત સ્વભાવ ધરાવતી વ્યક્તિ તરીકે સંપૂર્ણ પ્રશાસનને સંતુલિત કરતા આધારસ્તંભ છે.
પાછલાં ચાર વર્ષોથી તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી વિપરીત લાઇમલાઇટથી દૂર રહ્યા છે.
- અમેરિકાની ચૂંટણીની આફ્રિકાના અંતરિયાળ ગામ સુધી કેવી અસર પડે છે?
- અમેરિકાની ચૂંટણીમાં પણ ભારત-પાકિસ્તાન એક મુદ્દો છે?
- ભારત-પાકિસ્તાન મૂળની એ મહિલાઓ જેમનો અમેરિકાની ચૂંટણીમાં ડંકો વાગશે
- ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઇડન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બની શકશે?
- કમલા હૅરિસ : ભારતીય મૂળનાં ફાયરબ્રાન્ડ નેતાથી અમેરિકાના ઉપરાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવાર સુધી
ઉદારમતવાદી મૂળિયાં
ઇન્ડિયાનાના કોલંબસમાં 7 જૂન, 1959ના રોજ જન્મેલા માઇક પેન્સ શરૂઆતનાં વર્ષોમાં જૉન એફ. કૅનેડી જેવા ઉદારમતવાદી નેતાઓને પોતાનો આદર્શ માનતા. પરંતુ યુવાન થયા બાદ તેમના વિચારો રૂઢિચુસ્ત બન્યા.
તેમનો ઉછેર પાંચ ભાઈ-બહેનોવાળા એક કૅથલિક કુટુંબમાં થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇન્ડિયાનાપોલિસ સ્ટારને વર્ષ 2012માં તેમણે જણાવેલું કે જોન એફ. કૅનેડી અને માર્ટિન લુથર કિંગ જુનિયર જેવા ઉદારમતવાદી રાજનેતાઓને તેઓ પ્રેરણાસ્રોત માનતા. પરંતુ તેમના કૉલેજકાળ દરમિયાન તેમનો દૃષ્ટિકોણ બદલાયો.
બહોળો રાજકીય અનુભવ
રાજકારણમાં આવ્યા પહેલાં તેઓ એક રેડિયો શોના હોસ્ટ હતા.
વર્ષ 2013-17 સુધી માઇક પેન્સ ઇન્ડિયાનાના ગવર્નર રહ્યા. આ સિવાય તેઓ 12 વર્ષ સુધી અમેરિકાની પ્રતિનિધિસભાના સભ્ય રહ્યા હતા.
વૉશિંગ્ટનમાં તેમનાં કાર્યકાળનાં છેલ્લાં બે વર્ષ સુધી તેઓ હાઉસ રિપબ્લિકન કૉન્ફરન્સના અધ્યક્ષ રહ્યા હતા.
નોંધનીય છે કે તે હોદ્દો રિપબ્લિકન પક્ષનો ત્રીજું સૌથી મહત્ત્વનો હોદ્દો ગણાય છે.
આ સિવાય તેઓ રિપબ્લિકન સ્ટડી ગ્રૂપના પણ અધ્યક્ષ રહ્યા. આ ગ્રૂપ રિપબ્લિકન પક્ષના પ્રતિનિધિઓનું રૂઢિચુસ્ત ગઠબંધન હતું. આ કારણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની વિચારધારની શુદ્ધતા અંગે શંકાશીલ રિપબ્લિકનના જૂથમાં તેમની વગ વધી હતી.
ઉપરાષ્ટ્રપતિ તરીકે પસંદગી
જુલાઈ, 2016માં જ્યારે તે સમયના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે 57 વર્ષીય માઇક પેન્સને ઉપરાષ્ટ્રપતિપદ માટે ચૂંટણીમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું ત્યારથી વ્હાઇટ હાઉસમાં સ્થાન મેળવવા માટેની તેમની મુસાફરી શરૂ થઈ.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા તે સમયે ઇન્ડિયાનાના ગવર્નર એવા પેન્સની પસંદગી માટેનું કારણ પણ દેખીતું હતું. તેઓ સામાજિક રૂઢિચુસ્તોમાં ખૂબ જ લાયક ઉમેદવાર તરીકે પ્રખ્યાત હતા.
ઉપરાષ્ટ્રપતિપદ માટે પસંદગી થઈ એ પહેલાં તેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના કેટલાંક નિવેદનો વખોડી ચૂક્યા હતા.
જોકે, એ ઉપરાષ્ટ્રપતિપદ મેળવ્યા બાદ તેમણે ક્યારેય ટ્રમ્પ પ્રશાસનની ટીકા કરી નથી અને ટ્રમ્પને વફાદાર રહ્યા છે.
2016ની પ્રચાર ઝુંબેશમાં તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથોસાથ સંખ્યાબંધ રેલીઓ દ્વારા લોકોનો ટેકો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે તેમની મુખ્ય ભૂમિકા રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ટ્રમ્પનો બચાવ કરવા પૂરતી સીમિત રહી હોવાનું કેટલાક ટીકાકારો માને છે.
રાજકીય વિવાદો
જ્યારે તેઓ ઇન્ડિયાનાના ગવર્નર હતા તે સમયે તેમણે રિલિજિયસ ફ્રીડમ રિસ્ટોરેશન ઍક્ટ નામક કાયદા પર હસ્તાક્ષર કરીને તેને રાજ્યમાં લાગુ કર્યો હતો.
કેટલાક ટીકાકારોને મતે આ કાયદો LGBT કૉમ્યુનિટી સાથે ભેદભાવ કરતો હતો. કારણ કે આ કાયદા અંતર્ગત વેપારીઓ પોતાની ધાર્મિક માન્યતા અનુસાર LGBTને સેવાઓ પૂરી પાડવાની ના પાડી શકતા હતા.
જોકે, પાછળથી દબાણવશ તેમણે આ કાયદામાં સુધારો કર્યો હતો. જેના કારણે તેઓ રૂઢિચુસ્તોની ટીકાનો ભોગ બન્યા હતા.
આ સિવાય તેઓ ગર્ભપાતના વિરોધ અંગેના પોતાના વિચારો માટે જાણીતા છે.
ઉપરાષ્ટ્રપતિ પેન્સ જેઓ એક ઇવાન્જેલિકલ ક્રિશ્ચિયન અને ત્રણ બાળકોનાં પિતા છે, તેમણે ગવર્નર તરીકેના પોતાના કાર્યકાળ દરમિયાન દેશના કેટલાક કડક કાયદાઓ પૈકી એક ગર્ભપાતવિરોધી કાયદા પર સહી કરી હતી.
આ કાયદા અનુસાર ઇન્ડિયાના રાજ્યમાં ભ્રૂણની જાતિ, વંશ, વિકલાંગતા વગેરે કારણોસર કરાતા ગર્ભપાત પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો હતો. પરંતુ અપીલી અદાલત દ્વારા આ કાયદો અમાન્ય ઠેરવાતાં, આ પ્રતિબંધ હઠાવી લેવાયો હતો.
વર્ષ 2017માં તેઓ અમેરિકાની વાર્ષિક ગર્ભપાત વિરોધી રેલી, માર્ચ ફોર લાઇફમાં હાજરી આપનાર પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ વર્ષ 2017થી આ આયોજનમાં હાજરી આપતા રહ્યા છે.
વર્ષ 2012માં અમેરિકાની સર્વોચ્ચ અદાલત દ્વારા અફોર્ડેબલ હેલ્થ કૅર ઍક્ટને માન્યતા અપાતાં આ નિર્ણયની તુલના 11 સપ્ટેમ્બરના ઉગ્રવાદી હુમલા સાથે કરવા બદલ તેમણે માફી પણ માગી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો