You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસ્લામ, મુસલમાન અને પયગંબરને પશ્ચિમી દેશ નહીં સમજી શકે - ઇમરાન ખાન
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતાની એક સીમા હોય છે અને એનો અર્થ એ નથી કે બીજાની ભાવનાઓને હાનિ પહોંચાડીએ.
ઇમરાન ખાને કહ્યું, "ઇસ્લામને માનનારાઓમાં પયગંબર મોહમ્મદને લઈને જે ભાવના છે, એના વિશે પશ્ચિમના દેશોના લોકોને જાણકારી નથી."
તેમણે આને મુસલમાન બહુમતી ધરાવતા દેશોની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે આ એમની જવાબદારી છે કે તેઓ દુનિયાભરમાં ઇસ્લામના વિરોધ (ઇસ્લામોફોબિયા) મુદ્દે ચર્ચા કરે.
તેમણે કહ્યું કે જરૂર પડશે તો તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દાવે ઉઠાવશે.
ઇમરાન ખાન શુક્રવારે ઇસ્લામાબાદમાં ઈદ-ઉલ-મિલાદના પ્રસંગે આયોજિત એક કૉનફરન્સમાં બોલી રહ્યા હતા.
ફ્રાંસ અને મુલવમાન દેશો વચ્ચેના તણાવ અંગે તેમણે કહ્યું, "મેં ઇસ્લામિક દેશોના સમૂહને પણ કહ્યું છે કે પશ્ચિમમાં ઇસ્લામોફોબિયાનું પ્રમાણ વધી રહ્યું છે અને આના સમાધાન માટે મુસલમાન દેશોએ એકસાથે આવીને આ વિશે ચર્ચા છેડવાની જરૂર છે."
"ઇસ્લામોફોબિયાના કારણે સૌથી વધારે એ લોકો પ્રભાવિત થાય છે, જે દેશમાં મુસલમાન લઘુમતીમાં છે."
ઇમરાન ખાને કહ્યું, "પશ્ચિમી દેશ ઇસ્લામ, પયગંબર અને મુસલમાનોના સંદર્ભે નથી સમજી શકતા, તેમની પાસે એ પુસ્તકો નથી જે અમારી પાસે છે. એટલે એ લોકો નથી સમજી શકતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું છે કે પશ્ચિમી દેશ માને છે કે મુસલમાન અભિવ્યક્તિની આઝાદીની વિરુદ્ધ છે અને સંકીર્ણ માનસિકતા ધરાવે છે. એના વિરોધમાં અભિયાન ચલાવવામાં આવ્યાં છે.
તેમણે કહ્યું, "એક નાનો વર્ગ છે, જે ઇસ્લામના વિરોધમાં છે અને ઇસ્લામને ખરાબ નજરે જોવા માગે છે. આપણે દુનિયાને કહેવું જોઈએ કે આ મુસલમાનોને પરેશાન કરનારું છે."
તેમણે કહ્યું શાર્લી એબ્દો જેવી ઘટનાઓ પાછળ કેટલાક આવા જ લોકો છે, જેઓ મુસલમાનોને ખરાબ ચીતરવા માગે છે.
ગુજરાત સહિત ભારતમાં વિરોધ
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં સામે ભોપાલના ઇકબાલ મેદાનમાં મુસ્લિમોએ કરેલા એક વિરોધપ્રદર્શનથી મધ્ય પ્રદેશની રાજનીતિમાં હલચલ મચી છે. ગુજરાતમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.
ગુરુવારે ભોપાલમાં આયોજિત આ વિરોધપ્રદર્શનમાં હજારોની સંખ્યામાં મુસ્લિમોએ ન ફક્ત ફ્રાન્સનો વિરોધ કર્યો, બલકે ફાન્સના ધ્વજને આગચંપી પણ કરી હતી.
ગત દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ઇસ્લામ ધર્મને સંકટમાં ગણાવ્યો હતો.
એમણે મોહમ્મદ પયગંબરનું એક આપત્તિજનક કાર્ટૂન બતાવનાર શિક્ષક સેમ્યુઅલ પેટીની હત્યા પછી કહ્યું કે તેઓ ઇસ્લામિક ચરમપંથી લોકો સામે સખત કાર્યવાહી કરશે.
મેક્રોંના આ નિવેદન પછી દુનિયાના અનેક દેશોમાં વિરોધપ્રદર્શન થઈ રહ્યાં છે. ભોપાલમાં પણ વિરોધપ્રદર્શન થયું. ભોપાલના આ વિરોધપ્રદર્શનનું શહેરના મુસ્લિમ ઉલેમાઓ ઉપરાંત કૉંગ્રેસના એક મુસ્લિમ ધારાસભ્યે પણ સમર્થન કર્યું હતું.
ભોપાલ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિએ મુસ્લિમો વિશે કરેલી વાતો વિશે નાના પાયે વિરોધ થઈ રહ્યો હતો, પરંતુ ગુરુવારે આ મોટું વિરોધપ્રદર્શન આયોજિત થયું.
આ વિરોધમાં લોકોએ ઇમેન્યુઅલ મેક્રોંના પોસ્ટરોને જમીન પર પાથર્યાં હતાં, જેથી એના પર પગ મૂકી શકાય.
ભાજપ-કૉંગ્રેસ સામસામે
રજનીશ અગ્રવાલે કહ્યું કે "દરેકને વિરોધ કરવાનો અધિકાર છે, પરંતુ તે નિયમો અને કાયદાનુસાર થવું જોઈએ. કોઈ પણ વિરોધ કે પ્રદર્શન હોય એમાં નિયમોનું પાલન થવું જોઈએ."
કૉંગ્રેસે આ પ્રદર્શનનો બચાવ કર્યો છે. કૉંગ્રેસના પ્રવક્તા નરેન્દ્ર સલૂજાએ કહ્યું કે "પ્રદેશની આબોહવા શાંત છે. આ તો જન-ભાવનાઓની અભિવ્યક્તિ છે. કોઈના ધર્મગુરુ વિશે કોઈ ટિપ્પણી કરવામાં આવે છે કે અપમાન કરવામાં આવે છે ત્યારે આ ક્રિયાની પ્રતિક્રિયા છે. "
એમણે કહ્યું, "આ શાંતિપૂર્ણ પ્રદર્શન હતું. કોઈને માહોલ ખરાબ કરવાની પરવાનગી ન હોવી જોઈએ પણ આ શાંતિપૂર્ણ હતું. લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેકને છે અને આ પ્રદર્શનમાં કોઈ અરાજકતા હોય એવું જોવા નથી મળ્યું."
જોકે આ વિરોધપ્રદર્શનમાં ધર્મગુરુઓની સાથે કૉંગ્રેસના ધારાસભ્યની હાજરીથી મામલાને રાજકીય રંગ અપાઈ રહ્યો છે.
આરિફ મસૂદે કહ્યું કે "ભારત સરકારે મુસ્લિમોની ભાવનાઓને ધ્યાનમાં લઈ ફ્રાન્સના રાજદૂતને બોલાવી રાષ્ટ્રપતિના નિવેદન પર વાત કરવી જોઈએ."
આરિફ મસૂદ સવાલ કરે છે કે "શું આ વિરોધપ્રદર્શન પછી ભોપાલમાં કોઈ અવ્યવસ્થા સર્જાઈ છે?"
એમણે કહ્યું, "પચીસ હજાર લોકો ભેગા થયા. શાંતિથી પોતાની વાત રજૂ કરી અને જતા રહ્યા. આનાથી વધારે શાંતિપૂર્ણ શું હોઈ શકે. શું અમે અમારા અધિકાર અને ન્યાયની વાત પણ ન કરીએ? અમારા ધર્મ, અમારા ધર્મગુરુ અને અમારા પેગંબર પર ટિપ્પણી થાય તો પણ અમે ચૂપ રહીએ?"
એમણે કહ્યું કે, "ચૂંટણીની જે રેલીઓમાં ભીડ ભેગી થઈ રહી છે એના પર ટ્વીટ થવું જોઈએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો