આર્મેનિયા-અઝરબૈજાન યુદ્ધ : પાકિસ્તાનની સ્પેશિયલ ફૉર્સ અહીં લડી રહી છે?

પાકિસ્તાને આર્મેનિયા તરફથી લગાવેલા આ આરોપોને ફગાવી દીધા છે કે પાકિસ્તાની સ્પેશિયલ ફોર્સ અઝરબૈજાનની સેના સાથે મળીને આર્મેનિયા સામે લડાઈમાં ભાગ લઈ રહી છે.

પાકિસ્તાનના વિદેશમંત્રાલયે આ મામલે સ્પષ્ટીકરણ આપ્યું છે. પાકિસ્તનના વિદેશમંત્રાલયે એક નિવેદન જાહેર કરીને આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાનની ટિપ્પણીને 'આધારહીન અને અયોગ્ય' ગણાવી છે.

15 ઑક્ટોબરે આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાને રશિયન સમાચાર એજન્સી રોસિયા સેગોદન્યાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તુર્કીની સેના સાથે મળીને પાકિસ્તાનની સ્પેશિયલ ફોર્સ આર્મેનિયા સામે નાગોર્નો-કારાબાખમાં ચાલુ લડાઈમાં સામેલ છે.

તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાસે કોઈ પ્રમાણ છે કે અઝરબૈજાનની સેનાને વિદેશી સૈન્યબળોનો પણ સાથ મળી રહ્યો છે.

તેના પર નિકોલ પાશિન્યાને કહ્યું હતું, "કેટલાક રિપોર્ટ્સ આ જણાવે છે કે જંગમાં પાકિસ્તાની સેનાનું દળ પણ સામેલ છે. મારું માનવું છે કે તુર્કીના સૈનિકો આ લડાઈમાં સામેલ છે. હવે આ વાત જગજાહેર છે, કેમ કે આંતરરાષ્ટ્રીય મીડિયામાં તેના વિશે લખવામાં આવી રહ્યું છે."

પાકિસ્તાનનું ખંડન

પાકિસ્તાને આ વાતનું ખંડન કરતું નિવેદન આપ્યું છે કે આર્મેનિયા આ રીતના બેજવાબદાર પ્રોપેગેન્ડાના માધ્યમથી અઝરબૈજાન સામે પોતાની ગેરકાયદે કાર્યવાહીને છુપાવાવાની કોશિશ કરી રહ્યું છે, તેને તરત રોકવું જોઈએ.

પાકિસ્તાને પોતાના નિવેદનમાં કહ્યું છે, "અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઇલ્હામ અલિયેવે આ મામલે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેમના દેશની સેના પોતાની માતૃભૂમિની રક્ષા માટે સક્ષમ છે અને તેને કોઈ બહારની સેનાની જરૂર નથી."

જોકે પાકિસ્તાને પોતાના નિવેદનમાં સ્પષ્ટ રીતે કહ્યું કે તે અઝરબૈજાનને કૂટનીતિક અને રાજનીતિક સમર્થન આપતું રહેશે.

આ પહેલાં પાકિસ્તાન અને તુર્કીએ અઝરબૈજાનને નૈતિક સમર્થન આપવાની વાત કરી હતી. તો રશિયા બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરીને શાંતિ સ્થાપવા માટેની કોશિશમાં લાગેલું છે.

આર્મેનિયા અને પાકિસ્તાન વચ્ચેનો સંબંધ

અઝરબૈજાન અને તુર્કીની સાથે પાકિસ્તાનના નજીકના સંબંધો છે. કદાચ એટલા માટે તેના આર્મેનિયા સાથે સારા સંબંધો નથી.

નાગોર્નો-કારાબાખમાં ચાલુ તણાવને લઈને પાકિસ્તાનનું માનવું છે કે આર્મેનિયાએ અઝરબૈજાનના વિસ્તારમાં કબજો કર્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવ અનુસાર આ વિવાદને ઉકેલવો જોઈએ.

આર્મેનિયાનો દાવો, અઝરબૈજાનનો ઇન્કાર

આર્મેનિયાએ આ પહેલાં દાવો કર્યો હતો કે તુર્કી કેવળ કૂટનીતિક સમર્થન નથી કરતું, સૈન્યમદદ પણ કરી રહ્યું છે.

આર્મેનિયાના વડા પ્રધાન નિકોલ પાશિન્યાને બીબીસી વર્લ્ડ સર્વિસ સાથેની વાતચીતમાં દાવો કર્યો હતો કે તુર્કીના સૈનિક ઑફિસરો અને ઇન્ટ્રક્ટર કારાબાખમાં અઝરબૈજાનની સેનાને સલાહ આપી રહ્યા છે અને તુર્કીએ પોતાના લડાકુ વિમાન એફ-16 મોકલ્યાં છે.

તેઓએ કહ્યું હતું, "તુર્કી પૂરી રીતે અઝરબૈજાનની સેનાને મદદ કરી રહ્યું છે. તુર્કી તેમાં સામેલ છે."

જોકે તુર્કીએ પણ સૈન્યમદદની વાતને નકારી હતી અને માત્ર નૈતિક સમર્થનનો સ્વીકાર કર્યો હતો.

આર્મેનિયા અને અઝરબૈજાન બંને દેશો સોવિયત સંઘનો ભાગ રહી ચૂક્યા છે. બંને દેશો વચ્ચેનો દશકો જૂનો વિવાદ ફરી ભડકી ઊઠ્યો છે.

તાજા વિવાદની શરૂઆત પણ બંને દેશોના એકબીજા પર હુમલા કરવાના દાવાથી થઈ હતી.

નાગોર્નો-કારાબાખ અંગે કેટલીક વાતો

  • આ 4,400 વર્ગ કિલોમીટર એટલે કે 1,700 વર્ગ માઈલનો પહાડી વિસ્તાર છે.
  • પારંપરિક રીતે અહીં ઈસાઈ આર્મેનિયન અને તુર્ક મુસલમાન રહે છે.
  • સોવિયેટ સંઘના વિઘટન પહેલાં આ એક સ્વાયત્ત ક્ષેત્ર બની ચૂક્યું હતું જે અઝરબૈજાનનો ભાગ હતું.
  • આંતરરાષ્ટ્રીયસ્તરે આ વિસ્તારને અઝરબૈજાનના ભાગના રૂપમાં માન્યતા અપાય છે, પરંતુ અહીંની મોટા ભાગની વસતી આર્મેનિયન છે.
  • આર્મેનિયા સમેત સંયુક્ત રાષ્ટ્રના કોઈ સભ્ય કોઈ સ્વઘોષિત અધિકારીને માન્યતા નથી આપતા.
  • 1980ના દશકના અંતથી 1990ના દશક સુધી ચાલેલા યુદ્ધમાં 30 હજારથી વધુ લોકોના જીવ ગયા હતા.
  • આ દરમિયાન અલગાવવાદી તાકતોએ નાગોર્નો-કારાબાખનો કેટલોક વિસ્તાર કબજે કરી લીધો.
  • 1994માં અહીં યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી, બાદમાં અહીં સંઘર્ષ ચાલુ છે અને ઘણી વાર આ વિસ્તારમાં તણાવ પેદા થઈ જાય છે.
  • તુર્કી ખૂલીને અઝરબૈજાનનું સમર્થન કરે છે. અહીં રશિયાનું સેન્યઠેકાણું છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો