રશિયા : પુતિનની એ દીકરી કોણ છે જેમને કોરોનાની પહેલી રસી અપાઈ?

ઇમેજ સ્રોત, Reuters
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો છે કે રશિયામાં કોરોના વાઇરસની સામેની વૅક્સિન તૈયાર કરવામાં આવી છે. જોકે એમના આ દાવા પર અનકે સવાલ થઈ રહ્યા છે.
તેમણે કહ્યું કે આ વૅક્સિનને બે મહિનાના પરીક્ષણ પછી તૈયાર કરવામાં આવી છે અને હવે આને આરોગ્ય મંત્રાલયે મંજૂરી આપી દીધી છે.
રાષ્ટ્રપતિ પુતિને સાથે સાથે એ જાણકારી પણ આપી કે આ વૅક્સિન તેમની દીકરીને પણ આપવામાં આવી છે અને હવે આગળ મોટા પ્રમાણમાં ડૉઝ તૈયાર કરવામાં આવશે.
પુતિનની દીકરીને વૅક્સિન આપવાના સમાચાર પછી એ ચર્ચા શરૂ થઈ છે કે તેમની કંઈ દીકરીને આ વૅક્સિન આપવામાં આવી છે.
વ્લાદિમીર પુતિનને બે દીકરીઓ છે, પરંતુ કંઈ દીકરીને આ વૅક્સિન આપવામાં આવી છે, આની જાણકારી આપવામાં આવી નથી.
પુતિન હંમેશા પોતાની વ્યક્તિગત જિંદગીને ચર્ચાઓમાંથી દૂર રાખતા આવ્યા છે. તેમના પરિવારના સભ્યોની ઝલક પણ ખૂબ ઓછી જોવા મળે છે.
અનેક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે પુતિનને બે દિકરી છે – મારિયા પુતિના અને યેકાતેરીના પુતિના.
પુતિને ક્યારેય પણ સાર્વજનિક રીતે પોતાની દીકરીઓનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ કહેવામાં આવે છે કે યેકાતેરીના પુતિનની નાની દીકરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચર્ચામાં આવી નાની દીકરી

ઇમેજ સ્રોત, Getty Images
વર્ષ 2015માં યેકાતેરીના પુતિના ત્યારે ચર્ચામાં આવ્યા હતા, જ્યારે ખબર પડી કે તે મૉસ્કોમાં કૅટરીના તિનોખોવાના નામથી રહે છે.
તેઓ એક એક્રોબેટિક ડાન્સર છે અને અનેક ચૅમ્પિયનશિપમા ભાગ લે છે. તે એક ટીવી શોમાં નજર આવી ચૂક્યાં છે.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ પ્રમાણે 33 વર્ષની કૅટરીના તિખોનોવાને મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાં એક નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ તરીકે નિમવામાં આવ્યાં હતાં. તે અનેક વર્ષોથી યુનિવર્સિટીમાં ટોચનાં પદ પર છે. તેમણે ફિઝિક્સ અને મૅથ્સમાં માસ્ટર કર્યું છે.
યેકાતેરીનાએ પોતાના પિતાનું ઉપનામ છોડીને પછીથી પોતાનું નામ કૅટરીના તિખોનોવા રાખી લીધું હતું.
યેકાતેરીનાએ કિરિલ શામાલોવ સાથે 2013માં લગ્ન કર્યા હતાં. કીરિલ શામાલોવ રોઝિયા બૅન્કમાં સહ-સ્વામિત્વ રાખનાર નિકોલાય શામાલોવના દીકરા છે.
કહેવામાં આવે છે કે નિકોલાય શામાલોવ વ્લાદિમીર પુતિનના મિત્ર છે. કિરિલ શામાલોવ ઑઇલ અને પેટ્રોકૅમિકલ્સ ઉદ્યોગ સાથે જોડાયેલા મોટાં વેપારી છે. તે રશિયાની સરકારમાં આર્થિક સલાહકાર પણ રહી ચૂક્યા છે. જોકે, વર્ષ 2018માં બંને અલગ થઈ ગયા.
કોણ છે મોટી દીકરી?

ઇમેજ સ્રોત, Getty Images
મારિયા પુતિનાને પુતિનની મોટી દીકરી માનવામાં આવે છે. તેમને મારિયા વોરન્તસોવાના નામથી પણ ઓળખવામાં આવે છે.
રૉયર્ટસના એક લેખ પ્રમાણે એક પ્રેસ કૉન્ફરન્સમાં પુતિનને વોરન્તસોવા અને યેકાતેરીના વેપારના સંદર્ભમાં તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો.
આની પર પુતિને કોઈનું પણ નામ લીધા વિના કહ્યું હતું, “તમે વેપાર સાથે જોડાયેલો પ્રશ્ન કર્યો અને બે મહિલાઓનું નામ લીધું. તમે જે કાંઈ પુરાવા આપ્યા તે પર્યાપ્ત નથી. આ અંગે થોડી બીજી જાણકારી મેળવશો તો તમને ખ્યાલ આવી જશે કે તેમનો શું વેપાર છે અને કોણ કોનું માલિક છે.”
મારિયા વોરન્તસોવા એન્ડોક્રાઇનોલૉજિસ્ટ છે. તેમનો જન્મ રશિયાના લેનિનગ્રાદમાં થયો હતો.
બીબીસી ન્યૂ ટાઇમ્સ સામાયિકના એક અહેવાલને ટાંકીને લખે છે કે મારિયા વોરન્તસોવા મૉસ્કોના એક રહેણાંક ઍપાર્ટમેન્ટમાં ખોટાં નામથી રહી રહ્યાં છે.
એવું પણ કહેવામાં આવ્યું કે તે એક વૈજ્ઞાનિક તરીકે ઇંડોક્રાઇનૉલોજી સેન્ટરમાં કામ કરે છે. આ પહેલાં એક અહેવાલ આવ્યો હતો કે તેમણે હૉલેન્ડમાં રહેનારા એક વ્યક્તિ સાથે લગ્ન કરી લીધાં છે અને એમ પણ કહેવામાં આવ્યું કે તેમણે એક દીકરીને પણ જન્મ આપ્યો છે.
સોશિયલ મીડિયાના સમાચારના આધારે ધ ન્યૂ ટાઈમ્સે કહ્યું હતું કે મારિયા એક મહાનગરની જિંદગી જીવે છે, વિદેશોનો પ્રવાસ કરે છે અને તેમના અનેક યુરોપિયન દોસ્ત છે.
ગોપનીયતા જાળવવા અપીલ

જોકે, પુતિને રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલાં એક ટીવી શો દરમિયાન પોતાની દીકરીઓ અને તેમના બાળકો વિશે થોડીઘણી વાત કરી હતી.
ન્યૂઝ એજન્સી રૉયટર્સ પ્રમાણે તેમણે પોતાના પરિવારની પ્રાઇવસી જાળવી રાખવાની અપીલ કરી હતી.
તેમણે કહ્યું હતું કે તેમને ડર છે કે ક્યાંક તેમની દીકરીનાં બાળકો સામાન્ય બાળપણ ન જીવી શકે. તે કહે છે કે બાળકો સામાન્ય લોકોની જેમ રહી રહ્યા છે.
પુતિને પોતાની દીકરીઓ વિશે કહ્યું કે તે બંને મૉસ્કોમાં રહે છે અને વિજ્ઞાન તેમજ શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તે રાજકારણમાં કોઈપણ પ્રકારની દખલ દેતી નથી.
પુતિને 1983મા લ્યૂડમીલા પુતિના સાથે લગ્ન કર્યા હતા. મારિયા અને યેકાતેરીનાને લ્યૂડમીલાની દીકરી કહેવામાં આવે છે. વર્ષ 2013 અથવા 2014માં બંને અલગ થઈ ગયા.
લ્યૂડમીલા લાઇમલાઇટથી દૂર જ રહે છે. જોકે, રશિયાની પ્રથમ મહિલા તરીકે તેમણે અનેક વિદેશ પ્રવાસ કર્યા છે. તે વર્ષ 2004માં રાષ્ટ્રપતિ પુતિનની સાથે ભારત પ્રવાસ પર પણ આવ્યા હતાં. બંને તાજમહલ જોવા માટે પણ ગયા હતાં.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












