અમેરિકા-ચીન તણાવ : અમેરિકાએ ચીનના ચેંગડુનો દૂતાવાસ છોડ્યો, લોકોએ ચીની ધ્વજ ફરકાવી સેલ્ફીઓ લીધી

ઇમેજ સ્રોત, Reuters
ચીને 72 કલાકમાં દૂતાવાસ બંધ કરવાની સૂચના આપ્યા પછી અમેરિકન અધિકારીઓએ ચેંગડુ શહેરનો દૂતાવાસ છોડી દીધો છે.
સોમવાર સુધી સ્ટાફે બિલ્ડિંગ ખાલી કરી અને દૂતાવાસનુ પાટિયું હઠાવી લેવામાં આવ્યું.
ચીનના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે સમયમર્યાદા પૂરી થશે એ પછી ચીની સત્તાધિકારીઓ બિલ્ડિંગમાં પ્રવેશ કરશે.
અમેરિકન દૂતાવાસ બંધ થવા પર સ્થાનિક લોકોએ ચીનના ઝંડા ફરકાવ્યા અને સેલ્ફીઓ પણ લીધી.
અગાઉ અમેરિકાએ હ્યુસ્ટન સ્થિત ચીનનો દૂતાવાસ બંધ કરવાનો આદેશ આપ્યા બાદ ચીને પશ્ચિમમાં આવેલા ચેંગડુ શહેર સ્થિત અમેરિકન કૉન્સ્યુલેટ એટલે કે વાણિજ્ય દૂતાવાસ બંધ કરવાના આદેશ આપ્યો હતો.
અમેરિકા અને ચીન વચ્ચે છેલ્લા થોડાક દિવસોથી માહોલ ગરમાયો છે, એ સંજોગોમાં ચીન દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે.
આ અગાઉ યુએસ દ્વારા હ્યુસ્ટન સ્થિત ચીની દૂતાવાસ બંધ કરવાના આદેશ અપાયા હતા.
ચીને કહ્યું છે કે યુએસને જવાબ આપવો જરૂરી હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પૉમ્પિયોએ કહ્યું કે યુએસ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો હતો કેમ કે ચીન બૌદ્ધિક સંસાધનની 'ચોરી' કરતું હતું.
ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ નવો નથી. ટ્રેડ-વૉર બાદ કોરોના વાઇરસના સંક્રમણ મામલે યુએસ દ્વારા ચીન પર આક્ષેપો કરાયા હતા.
એ પછી ચીને હૉંગકૉંગમાં લાદેલા વિવાદાસ્પદ સુરક્ષાકાનૂનથી પણ વિવાદ વકર્યો હતો.

ચીને શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, EPA
ચીનના વિદેશમંત્રીએ તેમના નિવેદનમાં કહ્યું, "યુએસ લીધેલાં ગેરવાજબી પગલાંનો આ કાયદેસર અને આવશ્યક જવાબ છે."
આની માટે ચીન યુએસએને જવાબદાર ઠેરવી રહ્યું છે.
ચેંગડુમાં સ્થિત અમેરિકન દૂતાવાસની સ્થાપના 1985 કરવામાં આવી હતી, ત્યાં 200થી વધારે લોકો કામ કરતા હતા.
રણનીતિની દૃષ્ટિએ આ જગ્યાને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણકે તે સ્વાયત્ત ક્ષેત્ર છે અને તિબેટથી ભૌગૌલિક દૃષ્ટિએ નજીક છે.

ચીને આવો આદેશ કેમ આપ્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ગત અઠવાડિયે યુએસ દ્વારા આદેશ આપવામાં આવ્યા હતા કે અઠવાડિયાના અંત સુધીમાં ચીન હ્યુસ્ટન અને ટેક્સાસ સ્થિત તેમનાં દૂતાવાસ હઠાવી લે.
એ સાંજે હ્યુસ્ટન બિલ્ડિંગના કૉર્ટયાર્ડમાં અજાણ્યા શખ્સો કચરાપેટીમાં કાગળ બાળતાં કૅમેરામાં કેદ થયા હતા.
પૉમ્પિયોએ કહ્યું યુએસએ આવો નિર્ણય લીધો કેમ કે ચીન "માત્ર અમેરિકા જ નહીં પણ યુરોપનું બૌદ્ધિક ધન ચોરતું હતું. જેની કિંમત સેંકડો-હજારો નોકરીઓ છે."
તેમણે કહ્યું, "અમે ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી પાસેથી સ્પષ્ટ અપેક્ષાઓ રાખીએ છીએ. જ્યારે તેઓ એવું નહીં કરે, ત્યારે અમે પગલાં લઈશું."
યુએસમાં હ્યુસ્ટન સહિત ચીનનાં પાંચ કૉન્સ્યુલેટ છે, જેમાં વૉશિંગ્ટન ડીસી સ્થિત ઍમ્બેસી પણ સામેલ છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












