શું બોફોર્સ સોદા સાથે જોડાયેલા હતા સ્વિડનના વડા પ્રધાનની હત્યાના તાર?

ઇમેજ સ્રોત, GETTY IMAGES
- લેેખક, ટોબી લકહર્સ્ટ
- પદ, બીસીસી ન્યૂઝ સંવાદદાતા
સ્વિડનના વડા પ્રધાન ઓલેફ પામની આજથી ત્રીસ વર્ષ પહેલાં હત્યા કરાઈ હતી. શુક્રવારની એ રાતે તેઓ પોતાનાં પત્ની લિસબેટ સાથે ફિલ્મ જોઈને પરત ફરતા હતા. એ સમયે હત્યારાઓએ તેમને ગોળી મારી હતી અને તેમનું મૃત્યુ થયું હતું.
આજ સુધી તેમની હત્યાની ગૂંચ ઉકેલાઈ નથી. જ્યારે રાજીવ ગાંધી ભારતના વડા પ્રધાન હતા ત્યારે સ્વિડનની હથિયાર કંપની બોફોર્સ સાથે તોપ આપવા મામલે સોદો થયો હતો. ઘણા લોકોનું માનવું છે કે તેમની હત્યા બોફોર્સના આ હથિયાર સોદા સાથે જોડાયેલી છે.
ઓલેફ પામ બીજી વાર સ્વિડનના વડા પ્રધાન તરીકે પસંદ થયા હતા. તેમની સૌથી મોટી ખાસિયત એ હતી કે તેઓ એક સામાન્ય જિંદગી જીવતા હતા.
તેઓ મોટા ભાગે પોલીસસુરક્ષા લેવાથી ઇન્કાર કરતા હતા. હત્યાની રાતે પણ તેઓ કોઈ પણ પોલીસસુરક્ષા વિના સામાન્ય નાગરિકની જેમ ફિલ્મ જોવા ગયા હતા. ઓલેફ તેમની નીડરતા માટે જાણીતા હતા.
સ્વિડનના ભીડભાડવાળા વિસ્તારમાં જાહેરમાં ગોળી માર્યા પછી પણ આજસુધી તેમના હત્યારાનો પત્તો લાગ્યો નથી. અનેક લોકો આ ઘટનાના સાક્ષી પણ હતા, જેઓએ પોતાની સામે આ હત્યાને થતા જોઈ હતી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
34 વર્ષ પછી સ્વિડનના સંબંધિત અધિકારીઓએ જાહેરાત કરી કે તેઓ આ ઘટનાની તપાસનાં પરિણામ અંગે તેઓ બુધવારે પ્રેસ-કૉન્ફરન્સ કરીને માહિતી આપશે.
મુખ્ય પ્રૉસિક્યૂટર ક્રિસ્ટન પીટરસને સ્વિડનની સરકારી ટીવી ચેનલ પર કહ્યું હતું "મને આશા છે કે મર્ડર અને તેના માટે કોણ જવાબદાર છે એ સામે લાવી શકાશે."
એવી કંઈ ખબર નથી કે કોના પર કેસ દાખલ કરવામાં આવ્યો છે કે કયા સંદિગ્ધનું નામ સામે આવ્યું છે, પરંતુ આશા રખાય છે કે પોલીસ દશકોથી વણઉકેલ્યા આ કોયડાને ઉકેલી નાખશે અને ઘણાં કાવતરાંઓની કહાણીઓ પર પૂર્ણવિરામ લાગી જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'બ્લડ ઑન ધ સ્નો : ધ કિલિંગ ઑફ ઓલેફ પામ' નામના પુસ્તકના લેખક ડૉક્ટર જેન બૉનડેસન બીબીસીને કહે છે, "આ એવું છે જે રીતે કોઈ માર્ગરેટ થૈચરને પિકાડિલી સર્કસમાં ગોળી મારીને ગાયબ થઈ જાય અને પછી ક્યારેય પકડાય નહીં."
ઓલેફના પુત્ર માર્ટિન પામ એ લોકોમાં સામેલ છે જેણે તેમને અંતિમ સમયે જોયા હતા. તેઓએ આ વર્ષની શરૂઆતમાં કહ્યું હતું, "પોલીસ પાસે પુરાવા છે, પણ તેને સામે લાવતી નથી."
તેઓએ સ્વિડનના આફટબ્લેટ અખબાર સાથેની વાતચીતમાં કહ્યું, "જો કોઈ પાસે ઠોસ પુરાવો છે અને અત્યાર સુધી સામે આવ્યો નથી તો આ તેને સામે લાવવાનો યોગ્ય સમય છે

કોણ હતા ઓલેફ પામ?

ઇમેજ સ્રોત, Getty Images
ઓલેફ પામનો જન્મ એક ઊંચા ખાનદાનમાં 1927માં થયો હતો. તેઓએ 1949માં સોશિયલ ડૅમોક્રૅટિક પાર્ટી જોઇન કરી હતી.
1969માં તેઓ પોતાના મેન્ટર ટૈગ ઍરલેન્ડરની જગ્યાએ પાર્ટીપ્રમુખ બન્યા. તેઓ બે વાર સ્વિડનના વડા પ્રધાન બન્યા હતા.
તેઓએ પોતાના કાર્યકાળમાં મજૂર સંગઠનોને મજબૂત કર્યાં. સ્વાસ્થ્યસેવાઓનો વિસ્તાર કર્યો અને એક લોકકલ્યાણકારી રાજ્ય તરીકે મહત્ત્વના નિર્ણયો લીધા.
તેઓએ રાજાશાહી સાથે જોડાયેલી તમામ રાજકીય તાકતોને હઠાવી. શિક્ષણના ક્ષેત્રમાં પણ મહત્ત્વનું કામ કર્યું.
ઓલેફ પામ ઇન્ટરનેશનલ સેન્ટરનાં મહાસચિવ સન્ડસ્ટૉર્મે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "ઓલેફ પામને ટૈગ ઍરલેન્ડરના પગલેપગલે ચાલનારા કહેવામાં આવે છે. ટૈગ ઍરલેન્ડરે તેમને રાજકારણના પાઠ ભણાવ્યા. ટૈગ સ્વિડનમાં લોકકલ્યાણકારી રાજ્યના સંસ્થાપક હતા. પામે તેમની નીતિઓને આગળ વધારી.
તેઓએ નર્સરી અને પ્રી-સ્કૂલની શરૂઆત કરી. મહિલાઓને પહેલી વાર કામ કરવાની રજા આપી અને જેન્ડરના ભેદભાવને દૂર કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી."
આંતરરાષ્ટ્રીયસ્તરે પણ તેઓ એક સશક્ત અવાજ હતા. તેઓએ અમેરિકા અને સોવિયત સંઘ બંનેની ટીકા કરી.
તેઓએ સોવિયત સંઘનો 1968માં ઝેકોસ્લોવેકિયામાં અતિક્રમણ કરવાનો વિરોધ કર્યો અને ઉત્તરી વિયેતનામમાં અમેરિકી બૉમ્બમારોની બીજા વિશ્વયુદ્ધ દરમિયાનનાં નાઝીઓના કૅમ્પ સાથે તુલના કરી.
દેશમાં અને બહાર ઘણી જગ્યાએ તેમના નિર્ણયોને કારણે તેમના ઘણા દુશ્મનો અને સમર્થકો પણ બન્યા.
તેમનાં સુધારાત્મક પગલાંઓને કારણે દેશનો વ્યાવસાયિક વર્ગ તેમનાથી નારાજ હતો, તો વિેદેશી સરકારોને ચોખ્ખું સંભળાવી દેવાને કારણે દુનિયાભરના નેતાઓ તેમનાથી પ્રભાવિત થયા.
1973માં ન્યૂયૉર્ક ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં તેઓએ કહ્યું હતું, "મને એ વાત પર કોઈ દુઃખ નથી, કેમ કે દુનિયાને તમારી વાત સંભળાવવી હશે તો ખૂલીને બોલવું જ પડશે. કોઈ મુદ્દા પર હું ચૂપ ન રહી શકું અને ન તો કોઈ મને ચૂપ કરાવી શકે છે."

કેવી રીતે ઓલેફ પામની હત્યા થઈ?

ઇમેજ સ્રોત, Getty Images
28 ફેબ્રુઆરી, 1986ના દિવસે તેમની હત્યા થઈ હતી. એ દિવસે તેઓએ તેમના સુરક્ષાકર્મીઓને રજા આપી દીધી હતી.
જ્યારે તેઓ ઘરે આવ્યા તો તેમનાં પત્નીએ તેમને સિેનેમાઘર જવાનું કહ્યું. લિસબેટે અગાઉથી તેમના પુત્ર માર્ટિનને ટિકિટ માટે કહી રાખ્યું હતું.
માર્ટિને પોતાની અને તેની ગર્લફ્રેન્ડ માટે પણ ટિકિટ લીધી હતી.
પામ અને તેમનાં પત્ની ઘરેથી તેમના પુત્ર સાથે નહોતાં નીકળ્યાં. પામ અને લિસબેટ સાથે માર્ટિન અને તેમની ગર્લફ્રેન્ડની મુલાકાત હૉલની બહાર નવ વાગ્યા આસપાસ થઈ હતી.
ફિલ્મ જોયા પછી પણ તેઓ બંને પોતાના પુત્ર અને તેની ગર્લફ્રેન્ડથી અલગ જ ઘરે જવા નીકળ્યાં હતાં.
ત્યારે એક ભીડવાળી જગ્યાએ પસાર થતાં અંદાજે 11 વાગ્યા ને 21 મિનિટે એક લાંબો માણસ પામની પાછળથી આવે છે અને પૉઇન્ટ બ્લૅન્ક રેન્જથી તેમની પીઠમાં ગોળી મારે છે. પછી બીજી ગોળી લિસબેટને મારે છે.
પછી હત્યારો ભાગીને રસ્તો પાર કરે છે અને પાસેની ગલીમાં સીડી ચડીને ગાયબ થઈ જાય છે.
પામની હત્યાની ખબરથી આખું સ્વિજડન સ્તબ્ધ રહી ગયું. શૈરલોટ વૉલસ્ટૈન ત્યારે માત્ર 12 વર્ષના હતા જ્યારે તેમના પિતાએ તેને કહ્યું કે બહુ ભયાનક ઘટના ઘટી ગઈ છે.
તેઓ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, "અમે તરત ટીવી ચાલુ કર્યું. ટીવી પર પામની હત્યાના સમાચાર આવતા હતા. આખો દેશમાં આઘાતમાં હતો."
તેઓ યાદ કરે છે કે તેમની સ્કૂલમાં પામની યાદમાં કૅન્ડલ પ્રગટાવી હતી.
તેઓ કહે છે, "તેમની હત્યા થઈ ત્યારે રાજનીતિ મહત્ત્વની નહોતી. બધા આઘાતમાં હતા. સ્વિડનમાં અગાઉ આવું થયું નહોતું."
એવું લાગતું હતું કે પોલીસ પણ આઘાતમાં હતી. પોલીસ અધિકારીઓએ ઘટનાસ્થળની યોગ્ય રીતે ઘેરાબંધી કરી નહોતી. ઘટનાના કલાકો પછી શહેરના નાના વિસ્તારને બંધ કર્યો હતો.
શોક વ્યક્ત કરતા લોકો ત્યાંથી પસાર થતા રહ્યા અને ફૂલો ચઢાવતાં રહ્યા, જ્યાં જમીન પર હજુ પણ પામનું લોહી વહેતું હતું. મોજૂદ સાક્ષીઓને સવાલ પુછાય એ પહેલાં તેઓ ત્યાંથી નીકળી ગયા હતા.
ઘણા દિવસો સુધી એ એક ગોળી પણ શોધી શકાઈ નહોતી, જેના પર બાદમાં એક રાહદારીની નજર પડી હતી.

ઓલેફ પામની હત્યાનું કારણ શું હોઈ શકે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટર જેન બૉનડેસન જણાવે છે કે જે ગોળીઓ ઘટનાસ્થળેથી મળી હતી તેનાથી ખબર પડે છે કે હત્યારાએ 0.357 મૈગનમ ગનનો ઉપયોગ કર્યો હતો.
તેઓ કહે છે, આ એક ઘણી શક્તિશાળી ગન હોય છે. જો તેઓ બુલેટપ્રૂફ જૅકેટ પહેરતાં તો પણ માર્યા જતા. આથી તેમને ખરેખર જાનથી મારી નાખવાની કોશિશ હતી. આ એક સંપૂર્ણ યોજનાબદ્ધ હતું."
પહેલી વાર આ મામલે મુખ્ય તપાસકર્તાને લાગ્યું કે તેમની હત્યાના તાર કુર્દ ચરમપંથી પીકેકે સાથે જોડાયેલા છે. આ ચરમપંથી તુર્કી વિરુદ્ધ ગોરિલ્લાયુદ્ધ લડી રહ્યા છે. પામની સરકારે આ સંગઠનને ચરમપંથી સંગઠન જાહેર કર્યું હતું.
1988માં પોલીસે ક્રિસ્ટર પીટરસન નામના એક ગુનેગારની ધરપકડ કરી હતી. તેણે સ્ટૉકહોમના રસ્તા પર એક માણસની કારણ વિના હત્યા કરી હતી અને તેનો ચહેરો આ માણસ સાથે મળતો હતો જેણે સિનેમાહૉલ પાસે પામની હત્યા કરી હતી.
ઓળખ સમયે પણ લિસબેટે પીટરસનની હત્યારાના રૂપમાં ઓળખ કરી હતી. તેમને દોષી ઠેરવીને 1989માં આજીવનકેદની સજા સંભળાવાઈ. પરંતુ તેમના વકીલે સામે અપીલ કરી અને અકારણ અને હત્યામાં સામેલ હથિયાર ન મળવાને કારણે તેમને છોડી મૂક્યા.
તેઓ માત્ર ત્રણ મહિના માટે કેદમાં રહ્યા. તેમને રાહતપેટે 50 હજાર ડૉલર અપાયા. પીટરસનનું 2004માં મૃત્યુ થઈ ગયું.

ભારતને તોપ વેચવાનો સોદો

ઇમેજ સ્રોત, Getty Images
ઓલેફની હત્યાને લઈને અનેક કહાણીઓ સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ પોલીસ અધિકારીએ 1996માં દાવો કર્યો હતો કે પામની હત્યા એટલા માટે થઈ કે તેઓએ વંશભેદ સામે અવાજ ઉઠાવવામાં સાથ આપ્યો હતો અને આફ્રિકન નેશનલ કૉંગ્રેસને ફંડ પણ આપ્યું હતું. સ્વિડનના તપાસકર્તા બાદમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા, પરંતુ તેઓને આ દાવા સિવાય કોઈ અન્ય સાબિતી મળી નહોતી.
જોકે ડૉક્ટર જેન બૉનડેસનનું માનવું છે કે ઓલેફ પામની હત્યા ભારત સાથેની આર્મ્સ ડીલ સાથે જોડાયેલી હતી.
સ્વિડનની હથિયાર વેચતી કંપની બોફોર્સનો ભારત સાથે 80-90ના દાયકામાં તોપ વેચવાનો સોદો થયો હતો. પરંતુ બાદમાં ખબર પડી કે બોફોર્સે ભારતમાં ઘણા લોકોને આ સોદાને પાક્કો કરવા માટે લાંચ આપી હતી.
તેમાં એ સમયે ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીનું નામ પણ સામે આવ્યું હતું. ઘણાં વર્ષો સુધી ભારતની કોર્ટોમાં તેના પર સુનાવણી પણ થઈ હતી, પરંતુ કોઈ પરિણામ અત્યાર સુધી સામે આવી શક્યું નથી.
બૉનડેસન કહે છે, "એવું બની શકે કે ઓલેફને હત્યાના દિવસે ખબર પડી ગઈ હોય કે બોફોર્સે ગોટાળો કર્યો છે. બોફોર્સ સોદામાં સામેલ વચેટિયાઓ માટે તેમની હત્યા કરવાનું આ એક મજબૂત કારણ હોઈ શકે છે. જોકે પોલીસે હંમેશાં તેને નજરઅંદાજ કર્યું."
આ સિવાય એક સ્કૈંડિયન વ્યક્તિ પર પણ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. તેમનું નામ હતું સ્ટિગ ઍંગ્સટ્રૉમ.
તેઓ સ્કૈંડિયાની એક વીમા કંપનીમાં કામ કરતા હતા. આ કંપનીનું મુખ્યાલય ઘટનાસ્થળ પાસે જ હતું. તેઓ એ 20 લોકોમાં સામેલ હતા જેમણે હત્યા થતા જોઈ હતી. તેઓએ વર્ષ 2000માં જાતને મારી નાખી હતી.

હથિયાર ચલાવવાની ટ્રેનિંગ

ઇમેજ સ્રોત, Getty Images
સ્વિડનના એક પત્રકાર થૉમસ પીટરસને સૌથી પહેલા તેમને એક સંદિગ્ધના રૂપમાં ઓળખ્યા હતા. તેઓએ આરોપ લગાવ્યો હતો કે ઍંગ્સટ્રૉમે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ લીધી હતી અને તેમની મિત્રતા એક એવા શખ્સ સાથે હતી જેમની પાસે બંદૂકોનો સંગ્રહ હતો. તેઓ મૈગનમ ગનનો પણ શોખ ધરાવતા હતા.
ઍંગ્સટ્રૉમે હત્યાના સમયે વડા પ્રધાનની મદદ કરવાનું ખોટું નિવેદન પણ આપ્યું હતું.
બૉનડેસન કહે છે, "સ્વિડનના ઘણા લોકો એવું માને છે કે ઍંગ્સટ્રૉમને બલિનો બકરો બનાવ્યો હશે. તે દેખાવે બહુ નાનો અને નબળો લાગતો હતો, જ્યારે હત્યારો લાંબો અને મજબૂત કદ-કાઠીનો હતો. એક વાત એ પણ કે ઍંગ્સટ્રૉમે ક્યારેય કોઈ હત્યા કરી નહોતી."
જોકે બૉનસેડનને બુધવારે થનારી પ્રેસ-કૉન્ફરન્સથી કોઈ ખાસ ઉમેદ નથી.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












