કોરોના વાઇરસ : કયામતના દિવસ માટે પણ તૈયાર છે એવા અભેદ્ય બંકરની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, બ્રેડલી ગેરેટ
- પદ, બીબીસી ફ્યૂચર
દુનિયામાં અમુક લોકો માને છે કે વર્તમાન કટોકટી લાંબા ગાળાના લૉકડાઉનની કાચી તૈયારી જેવી છે. વિશ્વના કેટલાક ભાગોમાં સદનસીબ લોકો ભયંકર હોનારતમાં પણ હેમખેમ રહે એ માટે સમગ્ર વિશ્વમાં લક્ઝરી બંકર્સ એટલે કે અભેદ્ય ભોંયરાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.
અમેરિકાના કેન્સસ રાજ્યના પ્રાકૃતિક આકર્ષણવિહોણા પરિદૃશ્યમાં, ધૂળિયા રસ્તા પરથી મકાઈના ખેતરમાંના ઘાસ આચ્છાદિત ઢાળિયાઓ નજરે ચડે છે.
લશ્કરી દરજ્જાની ચેઇન વડે બનાવવામાં આવેલી વાડથી ધેરાયેલા અને મોટા વિન્ડ ટર્બાઇનના છાયામાં આવેલા આ પરિસર પર એક સિક્યૉરિટી ગાર્ડ અસૉલ્ટ રાઇફલ વડે ચાંપતી નજર રાખે છે.
ઝીણવટથી જુઓ તો નાનકડી ટેકરી પર કૉન્ક્રિટના નળાકાર બાંધકામ જેવું કંઈક દેખાય છે. તેની બન્ને બાજુ કૅમેરા છે. તેની અંદર બંકર છે, જે ઘણાને અકલ્પનીય અને અવિશ્વસનીય લાગે.
બહારના લોકોને તે ગુપ્ત સરકારી સ્થળ જેવું લાગે અને એક સમયે એવું ખરેખર હતું, પણ આ બંકર નાગરિકોને છૂપાવવા માટેના કે તેનું નિર્માણ કરાવનારા રાજકારણીઓના રક્ષણ માટેના નથી.
તે ઍટલાસ એફ મિસાઈલ સાઇલો એટલે કે કોઠી જેવું બાંધકામ છે. તેનું નિર્માણ અમેરિકાએ 1960ના દાયકામાં આશરે દોઢ કરોડ ડૉલરના ખર્ચે કર્યું હતું.
તે આંતરખંડિય બૅલેસ્ટિક મિસાઇલ્સ સામે રક્ષણ માટે બનાવવામાં આવેલાં 72 એકદમ મજબૂત સાઇલો સ્ટ્રક્ચર પૈકીનું એક છે.
તે નાગાસાકી પર ફેંકવામાં આવેલા પરમાણું બૉમ્બ કરતાં પણ 100 ગણા વધુ શક્તિશાળી હુમલા સામે અડીખમ રહી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાનો સામાન્ય નાગરિક આ બંકર્સ વિશે કશું જ જાણતો ન હતો, પણ આ બંકર્સે શીતયુદ્ધ દરમિયાનના ભૂ-રાજકીય ઍજન્ડામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
અલબત, એ તો ત્યારની વાત હતી. હવે આ બંકર્સની માલિક સરકાર નથી. એક ભૂતપૂર્વ સરકારી કૉન્ટ્રેક્ટર અને પ્રોપર્ટી ડૅવલપર લેરી હોલે આ બંકર્સ 2008માં ખરીદી લીધાં હતાં.
લેરી હોલ ખુદને 'પ્રેપર' ગણાવે છે. આ પ્રેપર્સ એવા લોકો હોય છે, જેઓ ભાવિ હોનારતને લીધે સર્જાનારી પરિસ્થિતિનું આકલન કરે છે અને ભાવિ પરિસ્થિતિને અનુકૂળ થવાનો પ્રયાસ કરે છે.
યુનિવર્સિટી ઑફ કૅન્ટના ક્રિમિનૉલૉજીસ્ટ માઇકલ મિલ્સના જણાવ્યા મુજબ, જ્યાં "ભોજન, મૂળભૂત સુવિધા તથા સરકારી મદદ ઉપલબ્ધ ન હોય અને બચી ગયેલા લોકોએ ખુદના સહારે જ ટકી રહેવાનું હોય," એવી પરિસ્થિતિ માટે પ્રેપર્સ નિર્માણ કરતા હોય છે.
એક દાયકા પહેલાં આ સાઇલોની ખરીદી કર્યા પછી લેરી હોલ આ ભૂમિગત મેગાસ્ટ્રક્ચરને 15 માળના ટાવર બ્લૉકમાં પરિવર્તિત કરી નાખ્યાં છે. જમીનની અંદર બનાવવામા આવેલા આ 'જીયોસ્ક્રૅપર્સ'ને હવે સર્વાવઇલ કોન્ડો તરીકે ઓળખવામાં આવે છે.
એક સાથે 75 લોકો સતત પાંચ વર્ષ સુધી તેમાં રહી શકે એવા આત્મનિર્ભર લક્ઝરી આવાસ સ્વરૂપે તેને ડિઝાઇન કરવામાં આવ્યા છે. હોનારતની અસર નિર્મૂળ થઈ જાય પછી લોકો જીયોસ્ક્રૅપરમાંથી બહાર નીકળીને નવેસરથી સમાજનું સર્જન કરી શકે છે.
ઑસ્ટ્રેલિયા, બ્રિટન, જર્મની, થાઇલૅન્ડ, કોરિયા અને અમેરિકા એમ છ દેશોના લગભગ 100 પ્રેપર્સ સાથે મળીને મેં ત્રણ વર્ષ એથનોગ્રાફિક રિસર્ચ કર્યું છે.
સપાટ મેદાનોની નીચે આવેલાં બંકરમાં, ગુપ્ત જંગલમાં ખાદ્યસામગ્રી ઉગાડતા લોકો સાથે, શસ્ત્રસજ્જ વાહનોનું નિર્માણ કરતા લોકો સાથે, અજાણ્યા જરૂરતમંદ લોકોને આપવા માટેની સામગ્રી સાથે તૈયાર ધાર્મિક સમુદાયો સાથે, હું રહ્યો છું.
આ પ્રેપર્સના જણાવ્યા અનુસાર, કોવિડ-19 મહામારી એ વધુ ભયંકર ભાવિનો સંકેત આપતી 'મધ્યમ સ્તર'ની ઘટના છે. પ્રેપર્સે આ પ્રકારની દુર્ઘટનાનું અનુમાન કર્યું હતું અને એ માટે તૈયારી પણ કરી હતી. આપણા પૈકીના મોટાભાગનાને દુર્ઘટનાથી આશ્ચર્ય થયું છે, પણ પ્રેપર્સને નથી થયું.

ઇમેજ સ્રોત, Bradley Garrett
વાસ્તવમાં મોટાભાગના પ્રેપર્સ કયામતના દિવસની તૈયારી કરતા નથી. તેઓ સામાન્ય લોકો જ હોય છે, જેઓ કુદરતી આફતનો અગાઉથી તાગ મેળવે છે અને એ પરિસ્થિતિને અપનાવવાનો પ્રયાસ કરે છે.
પ્રેપર્સ માને છે કે આવી આફતો સર્જાવાની જ છે અને માનવોના ઘમંડ અને વૈશ્વિક વ્યાપાર નેટવર્ક્સ તથા ટેકનૉલૉજી પરની વધતી નિર્ભરતાને લીધે પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે.
પેપર્સ માને છે કે હવે દુર્ઘટનાઓ અત્યંત વિનાશકારી હશે. ઑલઆઉટ અણુયુદ્ધને લીધે બધું ખતમ થઈ જાય કે પછી સૂર્યનાં પ્રચંડ વીજયુંબકીય કિરણો આપણાં તકલાદી ઇલેક્ટ્રોનિક્સ ભૂંજી નાખે એવું બની શકે.
આ પરિસ્થિતિમાં મોટાભાગના પ્રેપર્સ, આપણે અત્યારે જેનો સામનો કરી રહ્યા છીએ તેવી હળવા અથવા મધ્યમ સ્તરની કટોકટી માટે તૈયારી કરી રાખે છે.
વાસ્તવમાં સર્વાઇવલ કોન્ડોની વેબસાઇટ પરનું એક બેનર દાવો પણ કરે છે કે સાઇલોના અણુ, જૈવિક અને રાસાયણિક ઍર ફિલ્ટર્સ કોવિડ-19 વાઇરસને "સ્ક્રિન આઉટ" કરી શકે છે.
આપણા પૈકીના મોટાભાગનાએ કટોકટી માટે આ સ્તરની તૈયારી નહીં કરી હોય અથવા આપણને એવી તૈયારીની તક નહીં મળી હોય, પણ મને લાગે છે કે આ પ્રેપર્સના અભિગમમાંથી અને તેઓના વિશ્વ વિશેના દૃષ્ટિકોણમાંથી સમાજે કંઈક શીખવું જોઈએ.

અસ્તિત્વવાદનો સંક્ષિપ્ત ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રેપર્સ આવ્યા એ પહેલાં અસ્તિત્વવાદ હતો. શીતયુદ્ધના સમયમાં સંભવિત સાંસ્કૃતિક તથા પર્યાવરણીય દુર્ઘટનાઓ સામે વ્યવહારુ અભિગમ કેન્દ્રમાં હતો.
અસ્તિત્વવાદીઓની મૂળભૂત ચિંતાઓ પૈકીની એક અણુયુદ્ધની શક્યતા હતી. તેઓ માનતા હતા કે આ જોખમ વિજ્ઞાનીઓ, સમાજના ભદ્રવર્ગ તથા ભૂરાજકારણના નામે પોતાના નાગરિકોને હોમી દેવા તૈયાર રાજકારણીઓનું સર્જન છે.
તેના પરિણામે ઘણા અસ્તિત્વવાદીઓને માથાભારે સરકાર અને વૈશ્વિકીકરણમાં ભરોસો ન હતો. તેઓ અમેરિકાના બંધારણમાંની કથિત સ્વાયત્તતા પર મોટો આધાર રાખીને કર નિયમો તથા કાયદાના પાલનમાંથી ચાલાકીપૂર્વક છટકી જતા હતા.
અસ્તિત્વવાદ શબ્દની રચના કર્ટ સક્સોને કરી હતી. તેઓ સશસ્ત્ર ક્રાંતિની તરફેણ કરતા હતા અને તેમણે આધુનિક શસ્ત્રો તથા યુદ્ધસામગ્રીનું નિર્માણ કઈ રીતે કરવું એ વિશેના ગ્રંથો લખ્યા હતા.
કર્ટ સક્સોનના વિચારોનું અનુસરણ કરીને કેટલાક અસ્તિત્વવાદીઓ કટ્ટરપંથી બની ગયા હતા. તેમણે સરકારી નજરથી અલગ થઈને આત્મનિર્ભરતા વિકસાવવાનું કામ કર્યું હતું.
ઓક્લાહોમા સિટીમાં બૉમ્બવિસ્ફોટ કરનાર ટિમોથી મેકવે અને વાકો બ્રાન્ચ ડેવિડિયન નેતા ડેવિડ કોરેશ આ કામમાં વ્યાપક રીતે જોડાયેલા રહ્યા હતા.
1980 અને 1990ના દાયકામાં અમેરિકન સરકારે ચળવળ રોકવાના પ્રયાસમાં અનેક અસ્તિત્વવાદીઓની સતામણી કરી હતી અને તેમના પર કેસ ચલાવ્યા હતા.
એ સમયે તેમાં લગભગ 30 લાખ અમેરિકનોનો સમાવેશ થતો હતો. એ પૈકીના રેન્ડી વીવર (રૂબી રીજ), બો ગ્રીટ્ઝ (રેમ્બોના સંભવિત પ્રેરણાસ્રોત) અને મોન્ટાના ફ્રીમેનના વિલિયમ સ્ટેન્ટનનાં નામ ઘરેઘરે જાણીતાં થઈ ગયાં હતાં.
સરકારી દમનને કારણે વ્યાપક હતાશા સર્જાઈ હતી અને સરકારવિરોધી લાગણી ઉગ્ર બની હતી. લોકો 'પાગલ' બનતા જાય છે એવું ધારીને સરકારે નાગરિકો પરની જાપ્તો વધારે ઉગ્ર બનાવ્યો હતો અને એ કારણે ઉગ્રવાદ વકર્યો હતો.
તેનાથી વિપરીત, આજના મોટાભાગના પ્રેપર્સ પ્રારંભિક અસ્તિત્વવાદીઓના રાજકારણથી દૂર રહેવાના પ્રયાસમાં એક અલગ રક્ષણાત્મક વલણ અપનાવે છે.
તેઓ પક્ષપાતપૂર્ણ વૈચારિક ચર્ચાને બદલે વ્યવહારિકતા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરે છે. તેમ છતાં મીડિયાએ સર્જેલા દૃષ્ટિકોણમાં તેમને હંમેશા ભૂંડા જ ગણાવવામાં આવે છે.
કેન્સસ રાજ્યની સંપૂર્ણ પરવાનગી સાથે નિર્મિત અબજો ડૉલરના સર્વાઇવલ કોન્ડોની રચનાને સમજતાં સ્પષ્ટ થાય છે કે છેલ્લા કેટલાક દાયકાઓમાં ઘણુંબધું બદલાઈ ગયું છે.

સર્વાઇવલ કોન્ડો

ઇમેજ સ્રોત, Getty Images
લેરી હોલ 2018માં મને કોન્ડોની મુલાકાતે લઈ ગયા ત્યારે તેમણે સમજાવ્યું હતું કે "મૂળ વિચાર, કયામતને દિવસે અકલ્પનીય પરિસ્થિતિમાં જીવતાં રહી શકાય તેવું સ્થળ બનાવવાનો હતો, જે પર્યાવરણને અનુકૂળ હોય, લોકો તેનો સેકન્ડ હોમ તરીકે ઉપયોગ કરી શકે એવું હોય અને અણુહુમલામાં ટકી શકે તેવું પણ હોય." લેરી હોલે તેને સલામત, આત્મનિહિત અને ટકાઉ એવો "વાસ્તુકલાનો પ્રયોગ" ગણાવ્યું હતું. એરિઝોના સ્ટેટ યુનિવર્સિટીના બાયોસ્ફિયર ટુ પ્રોજેક્ટના ભૂમિગત સમોવડિયા જેવો પ્રકલ્પ.
'ગ્રીનહાઉસ આર્ક' તરીકે પણ ઓળખવામાં આવતો બાયોસ્ફીયર 2 પ્રોજેક્ટ, સાંપ્રદાયિક અલગાવની મહત્વાકાંક્ષી યોજનાઓ પૈકીનો એક છે. ત્રણ એકર જમીનમાં ફેલાયેલા કૉમ્પ્લેક્મમાં કાચની નીચ સાત 'બાયોમ' હતા.
આ બંધ સિસ્ટમમાં બે વર્ષ સુધી જીવંત રહી શકાય કે કેમ એ ચકાસવા માટે ચાર પુરુષ અને ચાર મહિલાની ટીમ તેમાં ઉતરી હતી. મૂળ ટીમના એક સભ્યના જણાવ્યા અનુસાર, "વિજ્ઞાનીઓ વચ્ચેની સાઠમારી, કુપોષણ અને અન્ય સામાજિક તથા પર્યાવરણીય નુકસાન" સાથે એ પ્રયોગ પૂર્ણ થયો હતો. જોકે, લેરી હોલને ખાતરી હતી કે તેઓ આ મોડેલમાં સુધારો કરી શકે તેમ છે.
તેમણે કહ્યું હતું કે "આ સંપૂર્ણપણે બંધ સિસ્ટિમ છે. લોકો તેમના ફાર્મ હાઉસમાં આ પ્રકારની સિસ્ટિમના નિર્માણના પ્રયાસ કરી રહ્યા છે, પણ તેમાં જીવજંતુ ઘૂસી જાય છે. વરસાદ અને પવનથી તેને નુકસાન થાય છે. અમે આ બધી ખામીઓને દૂર કરી છે."
લેરી હોલે જણાવ્યું હતું કે અંતરિક્ષ યાત્રા જેવી ક્લોઝ્ડ સિસ્ટિમના અભ્યાસ માટે તેમનું બંકર સારું ઉદાહરણ છે.
થાઈલૅન્ડમાં દૂરના ગામોમાં જોવા મળતાં સર્વાઇવલ કોન્ડો જેવાં બંકર્સ વિશિષ્ટ રીતે ખાનગી પ્રયાસ છે, જે સરકારના બુનિયાદી માળખા પરની નિર્ભરતા ઘટાડવા માટે અક્ષય ટેકનૉલૉજીનો ઉપયોગ કરવા ધારે છે.
સર્વાઇવલ કોન્ડો મૂડીવાદની સુવિધાઓને છોડ્યા વિના સાતત્યસભર જીવનની તૈયારીની વધતી ઇચ્છાનો એક હિસ્સો પણ છે. આ અજ્ઞાતના ભયમાં ડૂબેલો વૈશ્વિક દૃષ્ટિકોણ છે.
જોકે, સર્વાઇવલ કોન્ડોમાં પોતાની જગ્યા સસ્તા ભાવે ખરીદી શકાય તેમ નથી. આ કોન્ડોમાં 'પેન્ટ હાઉસ' માટે 45 લાખ ડૉલર ખર્ચવા પડે, જ્યારે અર્ધા ફ્લોરના એક યુનિટનો ભાવ 15 લાખ ડૉલરની આસપાસ છે.
માત્ર રોકડેથી ખરીદવા ઇચ્છતા લોકો જ આવકાર્ય હોય છે. લેરી હોલે તેમના પહેલા સાઇલોમાંના તમામ યુનિટ્સ વેચી નાખ્યાં છે એટલું જ નહીં, તેઓ પહેલા સાઇલોથી 20 મિનિટ દૂરના અંતરે એક બીજા સાઇલોનું નિર્માણ કરી રહ્યા છે.
આ હકીકત ભવિષ્ય વિશેની સ્પષ્ટ અને વધતી જતી ચિંતાને દર્શાવે છે.
સાઉથ ડાકોટામાંનું બીજું લોકેશન એક્સપૉઇન્ટ નામે ઓળખાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં મેં તેની અનેક વખત મુલાકાત લીધી છે.
ગ્રેટ પ્લેઇન્સની મધ્યમાં કૉન્ક્રિટનાં ખાલી બંકર્સ માટે લોકોએ 25,000થી 35,000 ડૉલર્સ ચૂકવ્યા છે.
આ બંકર્સનું નિર્માણ પહેલા વિશ્વયુદ્ધ વખતે શસ્ત્રોના સંગ્રહ માટે કરવામાં આવ્યું હતું. આ 575 બંકર્સ ઝડપભેર પૃથ્વી પરનો સૌથી મોટો પ્રેપર સમુદાય બનતાં જાય છે.
કેન્સસમાં હું લેરી હોલ સાથે 7.2 ટન વજનના બ્લાસ્ટ ડોર્સ સુધી ગયો હતો. આ દરવાજા એક જ પળમાં બંધ કરી શકાય છે.
તેમણે મને કોન્ડોના પરમાણુ, જૈવિક અને રસાયણિક ઍર ફિલ્ટરૅશનની વાત કરી હતી અને મને સમજાવ્યું હતું કે તેમાં લશ્કરી દરજ્જાના ત્રણ ફિલ્ટર્સ છે અને એ પૈકીનું પ્રત્યેક ફિલ્ટર દરેક મિનિટે 2,000 ક્યૂબિક મિટર ફૂટ ફિલ્ટરૅશનની ક્ષમતા ધરાવે છે.
તે પ્રત્યેકની કિંમત 30,000 ડૉલર છે, એમ જણાવતાં લેરી હોલે કહ્યું હતું કે "મેં આ પ્રોજેક્ટમાં બે કરોડ ડૉલરનું રોકાણ કર્યું છે. તમે સરકાર પાસેથી લશ્કરી ગ્રેડના ઉપકરણો ખરીદવાનું શરૂ કરો પછી તમે આંકડે કેટલા ઝડપથી પહોંચી જાઓ એ તમે માની ન શકો."
લેરી હોલે 45,300 ફીટ ઉંડા ભૂમિગત જિયોથર્મલ કૂવા ખોદાવ્યા છે અને એક વૉટર ફિલ્ટરેશન સિસ્ટિમનું નિર્માણ કર્યું છે. એ સિસ્ટિમમાં યુવી સ્ટરીલાઇઝેશન અને કાર્બર પેપર ફિલ્ટર્સનો ઉપયોગ કરવામાં આવે છે.
આ સિસ્ટિમની દૈનિક પાણી ફિલ્ટર ક્ષમતા 45,400 લિટરની છે. એ પાણી 1,13,500 લિટરની ક્ષમતા ધરાવતી ત્રણ ઇલેક્ટ્રોનિકલી મોનિટર્ડ ટાંકીમાં ઠાલવવામાં આવે છે.
પાંચ અલગ-અલગ સિસ્ટિમ મારફત બંકરમાં વીજળી પૂરી પાડવામાં આવે છે. તેથી એક સિસ્ટિમ બંધ થાય તો બીજી ચાર તેના બૅકઅપ માટે તૈયાર હોય છે.
આ વ્યવસ્થા મહત્વની છે, કારણ કે તે લાઇફ સપોર્ટ સિસ્ટિમ છે અને વીજળી ગુલ થઈ જાય તો બંકરમાંના તમામ લોકોનું મોત થઈ શકે.
લેરી હોલે કહ્યું હતું કે "અમારી પાસે 15-16 વર્ષની આવરદા ધરાવતી 386 સબમરીન બેટરીઝની બેન્ક છે. અમે હાલ 50-60 કિલોવોટ વીજળી વાપરીએ છીએ. એ પૈકીની 16થી 18 કિલોવોટ વિન્ડ ટર્બાઇનમાંથી આવે છે."
"જોકે, અમે અહીં સોલારનો ઉપયોગ કરી શકતા નથી, કારણ કે તેની પેનલ્સ તકલાદી હોય છે અને આ વિસ્તારમાં વારંવાર તોફાનો ત્રાટકે છે."
"એક તબક્કે વિન્ડ ટર્બાઇન પણ નકામા થઈ જશે. હું એમ કહેવા ઇચ્છું છું કે તે બરફના તોફાન અને કરાના વરસાદ સામે તે પાંચ વર્ષ ટકી નહીં શકે."
"તેથી અમે 100 કિલોવોટનાં બે ડીઝલ જનરેટર્સ પણ તૈયાર રાખ્યાં છે. એ પૈકીના પ્રત્યેક વડે કોન્ડોને અઢી વર્ષ સુધી વીજળી પૂરી પાડી શકાય તેમ છે."
સર્વાઇવલ કોન્ડોમાં, કોઈ પણ બહુમાળી ઇમારતની માફક પ્રાઇવેટ અને કૉમ્યુનિટી એમ બન્ને પ્રકારના એરિયા છે, પણ આ ટાવર બ્લૉકમાં સંપૂર્ણ લૉકડાઉનના સમયગાળામાં બહારથી કોઈ સુવિધા મળી શકે તેમ નથી.
આ ટાવર બ્લૉક એક ક્લોઝ્ડ સિસ્ટિમ તરીકે કાર્યરત રહેવો જોઈએ કે જેમાં, પરિસ્થિતિ પૂર્વવત થાય ત્યાં સુધી, લોકોને સ્વસ્થ અને વ્યસ્ત રાખી શકાય.
એન્ક્લોઝ્ડ લાઇફ સપોર્ટ સિસ્ટિમ સંબંધે સૈન્ય (સબમરીન માટે) અને વિજ્ઞાનીઓ (અવકાશયાન માટે) દ્વારા કરવામાં આવેલા પ્રયોગોમાં લૉકડાઉન પછીની સામાજિક વ્યવસ્થાની મોટેભાગે અવગણના કરવામાં આવી છે.
લેરી હોલના કહેવા મુજબ, સાતત્ય એ માત્ર ટેક્નિકલ કાર્યક્ષમતાની વાત નથી. મારી એક મુલાકાત દરમિયાન તેમણે રૉક વૉટરફોલ, લાઉન્જ ચેર્સ અને એક પિકનિક ટેબલ સાથેના 2,27,000 લિટરના ઇન્ડોર સ્વિમિંગ-પૂલનો દરવાજો ઉઘાડ્યો હતો.
એ દૃશ્ય હોલિવૂડના કોઈ રિસોર્ટ જેવું જ હતું, પણ તેમાં સૂર્ય ન હતો.
થિયેટર અને લાઉન્જ લેવલ પર અમે લેધર રિક્લાઇનરમાં બેસીને જૅમ્સ બૉન્ડની 'સ્કાયફોલ' ફિલ્મનું 4K સ્ક્રીનિંગ નિહાળ્યું હતું.
સિનેમાની બાજુમાં જ બાર હતો. તેમાં બીયર કેજ સિસ્ટિમ હતી અને એક મહિલા રહેવાસીએ વાઇન રૅકમાં રાખવા માટે પોતાની રેસ્ટોરાંમાંથી વાઇનની 2,600 બોટલ્સ પૂરી પાડી હતી.
લેરી હોલે ભારપૂર્વક જણાવ્યું હતું કે એક ટેક્નિકલ સિસ્ટિમ તરીકે કોન્ડોની ડિઝાઇન અને મૅનેજમૅન્ટની માફક મનોરંજન, આદાનપ્રદાન અને સમુદાય પણ મહત્વનાં છે.
ભૂમિગત રહેણીકરણીની અનેક મર્યાદા હોય છે. તેને ધ્યાનમાં લેતાં તેમાં કોઈ અસંબદ્ધ વસ્તુ હોવી જોઈએ નહીં. આખી ઇમારતનો વિચાર એક સિંગલ યુનિટ તરીકે કરવો જોઈએ, જેમાં પ્રત્યેક રહેવાસીના વ્યવહારની અસર તમામ રહેવાસીઓને થતી હોય.
આ કારણસર જ બંકર ટાવર બ્લૉકને બદલે એક સબમરીન જેવું વધારે લાગે છે. કોઈ મોટી દુર્ઘટના થાય ત્યારે બ્લાસ્ટ ડોર્સની બીજી બાજુ પર આવેલો વિશ્વના સાથેના સંપર્કનો માર્ગ બંધ થઈ જાય અને રિસપ્લાયની દિશામાં કામ ફરી શરૂ થઈ જશે.
સર્વેલન્સ એટલે કે જાપ્તાના આ યુગમાં ભૂગર્ભમાંની આ રચના સંપૂર્ણ પારદર્શકતાના સંદર્ભમાં માનવજાતનું અંતિમ આશ્રયસ્થાન, કમસેકમ અત્યારે હોઈ શકે છે એ.
એક પ્રેપરે મને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ પૂર્વ અમેરિકામાં જે બંકર બનાવી રહ્યા છે તે બચી જવાની કદાચ સૌથી શ્રેષ્ઠ યોજના છે.
તેમણે કહ્યું હતું કે "આપણે એલોન મસ્કની માફક અવકાશી આશ્રયસ્થાનનું નિર્માણ કરી શકવાના નથી, પૃથ્વીને છોડી શકવાના નથી. આપણે પૃથ્વી પર જ રહેવાનું છે. હું પૃથ્વીમાં જ એક અંતરિક્ષયાનનું નિર્માણ કરી રહ્યો છું."

સલાહકારની સેવા

ઇમેજ સ્રોત, Bradley Garrett
લેરી હોલના જણાવ્યા મુજબ, સર્વાઇવલ કોન્ડોમાં પાંચ-પાંચ વર્ષ નોકરીની રોટેટિંગ વ્યવસ્થા હશે, જેથી લોકો વ્યસ્ત રહી શકે અને બંકર માટેનાં મહત્વનાં વિવિધ કામ વ્યક્તિગત રીતે શીખી શકે.
આ એએસયુના બાયોસ્ફીયર-2 પ્રોજેક્ટમાંથી ભણવામાં આવેલો પાઠ છે. વાસ્તવમાં સર્વાઇવલ કોન્ડો યોજનામાં સહાયતા માટે લેરી હોલે એક સલાહકારને નોકરીએ રાખ્યા હતા.
એ સલાહકારે બાયોસ્ફીયર-2 પ્રોજેક્ટમાં કામ કર્યું હતું. તેમણે દિવાલ પરના રંગ, રચના અને એલઈડી લાઇટિંગ સહિતની દરેક ઝીણામાં ઝીણી વિગતને ધ્યાનમાં રાખી હતી.
લેરી હોલે કહ્યું હતું તેમ, "જે લોકો અહીં આવે છે તેઓ જાણવા ઇચ્છે છે કે સિનેમા, રૉક ક્લાઇમ્બિંગ વૉલ, ટેબલ ટેનિસ, વીડિયો ગેમ્સ, શૂટિંગ રેન્જ, સૌના બાથ, લાઇબ્રેરી વગેરે જેવી લક્ઝરીની જરૂર શા માટે છે. તેઓ એ નથી સમજી શકતા કે આ લક્ઝરીની વાત નથી. આ બધું અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ છે."
લેરી હોલ માને છે કે આવી સુવિધાઓનું નિર્માણ કરવામાં ન આવ્યું હોય તો માનવ મન અસામાન્ય બાબતોની ગણતરી અભાનપણે કરવા માંડે છે અને એ સમયે ડિપ્રેશન તથા કેબિન ફીવરનું આગમન થાય છે.
એ પછી લેરી હોલે જે કહ્યું હતું તેમાં, કોવિડ-19 લૉકડાઉનનો સામનો કરી રહેલા તમામ લોકોના વિચારનો પડઘો સંભળાશે.
લેરી હોલે કહ્યું હતું કે "તમે લાકડામાં કોતરણી કામ કરતા હો કે કૂતરાને ટહેલવા લઈ જતા હો, તમે અપેક્ષા મુજબનું સામાન્ય જીવન જીવી રહ્યા હો એવી અનુભૂતિ સૌથી મહત્ત્વની વાત છે. બહારની દુનિયા ભલે સળગતી હોય. પોતે સલામત છે એવી અને એકસમાન હેતુ માટે સાથે મળીને કામ કરી રહ્યા છે એવી અનુભૂતિ માટે લોકો સારી ગુણવત્તાવાળું ભોજન અને પાણી ઇચ્છતા હોય છે."
લોકો ભૂમિગત અવસ્થામાં કેટલા દિવસ ફસાયેલા રહી શકે છે એ જાણવા માટે શીતયુદ્ધના પ્રારંભિક દિવસોમાં સરકારો, લશ્કરો અને યુનિવર્સિટીઓએ અનેક પ્રયોગો કર્યા હતા.
અમેરિકાના કેલિફોર્નિયાના પ્લેઝન્ટ હિલ વિસ્તારમાં 1959માં 99 કેદીઓને બે સપ્તાહ સુધી એક ભૂગર્ભ કારાગારમાં પૂરી દેવામાં આવ્યા હતા. જોકે, એ પ્રયોગને નૈતિક અનુમોદન ક્યારેય મળ્યું ન હતું.
એ જૂથના પ્રવક્તાના જણાવ્યા મુજબ, તે કેદીઓ બહાર આવ્યા ત્યારે "બધા સ્વસ્થ અને ખુશહાલ હતા." લોકો જાણતા હોય કે ચોક્કસ પરિસ્થિતિ કાયમ રહેવાની નથી ત્યારે તેઓ જે જે પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધી લેતા હશે.
એ પરિસ્થિતિ એક સબમરીનના જલમગ્ન થવાની અવધિ જેવી હતી. તંગ અને અસુવિધાજનક હતી, પણ એક નિયત સમય પછી ફરી સપાટી પર આવવાની નિશ્ચિત યોજનાને લીધે તે સહ્ય હતી. લેરી હોલ
બરાબર આ યોજનાને ધ્યાનમાં રાખીને જ આગળ ધપતા હતા. જોકે, તેમાં બે સપ્તાહના સમયગાળાને બદલે લેરી હોલે પાંચ વર્ષના લૉકડાઉનનું આયોજન કર્યું હતું.

ગર્ભાશય અને કબર બન્ને

ઇમેજ સ્રોત, Bradley Garrett
પૃથ્વીની સપાટીથી 60 મિટર એટલે કે 200 મીટર નીચે અમે સંપૂર્ણ સુપર માર્કેટ જોઈ હતી. 25 વર્ષ સુધી ખરાબ ન થાય તેવી સામગ્રી સાથે તમામ રૅક્સ ભરેલી હતી. તેમાં સુપર માર્કેટની માફક શૉપિંગ બાસ્કેટ્સ હતાં, કાઉન્ટરની પાછળ કૉફીનાં મશીન પણ હતાં.
લેરી હોલે જણાવ્યું હતું કે તેઓ કાળા રંગની છત, આછા ખાખી રંગની દીવાલો, ફ્લોર પર ટાઇલ્સ અને આકર્ષક કેસીસ ઇચ્છતા હતા, કારણ કે આ બિલ્ડિંગમાં પૂરાયેલા લોકોએ અહીં આવીને ખાદ્યસામગ્રી માટે ખોખાં ફંફોસવાં પડે તો તેઓ ટૂંક સમયમાં જ હતાશ થઈ જાય.
દરેક રહેવાસી એક વખતે મહત્તમ ત્રણ દિવસ ચાલે તેટલી ખાદ્યસામગ્રીની ખરીદી જ કરી શકે એવા નિયમનો અમલ જરૂરી હતો, કારણ કે શૉપિંગ એ એક 'સામાજિક ઘટના' છે.
લેરી હોલે જણાવ્યું હતું કે "અહીં દરેક વસ્તુ માટે કિંમત ચૂકવવી પડતી હોવાથી લોકોને અહીં આવવા માટે, બ્રેડ અને કૉફીની સુગંધ માણવા માટે અને સેવાસામગ્રીનો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવા પડે."
અમે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયેલા 1800 ચોરસ ફૂટના એક કોન્ડોની મુલાકાત લીધી હતી, જે એક હોટેલના ધારણા અનુસારના રૂમ જેવો હતો. મેં બારીની બહાર નજર કરી ત્યારે હું ચોંકી ઉઠ્યો હતો, કારણ કે બહાર રાત પડી ગઈ હતી. પછી મેં વિચાર્યું હતું કે અમે ઘણા કલાકોથી અંદર જ છીએ.
અમે અન્ડરગ્રાઉન્ડ છીએ તે હું ભૂલી જ ગયો હતો. લેરી હોલે રિમોટકન્ટ્રોલ ઉઠાવ્યું અને એલઈડી સ્ક્રીન પર વીડિયો ચાલુ કર્યો હતો.
એ બધું એક ફ્યૂચરિસ્ટિક ફિલ્મમાં જોવા મળે તેવું હતું. બ્લાસ્ટ ડોર્સની બહાર રાખવામાં આવેલી અમારી મોટરકારોના આગળના ભાગમાં અચાનક ઓકના પાંદડાનો ઢગલો થઈ ગયો હતો. થોડે દૂર એક ચોકીદાર ઉભો હતો. અમે અહીં આવ્યા ત્યારે પણ એ ત્યાં હતો.
સ્ક્રીનમાં જાતજાતની જોવાલાયક સામગ્રી લોડેડ હોય છે. તેના પર જીવંત પ્રસારણ પણ નિહાળી શકાય છે, પણ મોટાભાગના લોકોને સાન ફ્રાન્સિસ્કોનો સમુદ્ર તટ કે બીજું કંઈ જોવા કરતાં બહાર અત્યારે કેટલા વાગ્યા હશે એ જાણવામાં વધારે રસ હોય છે.
લેરી હોલે સમજાવ્યું હતું કે "એક ડેવલપર તરીકે મારું કામ આ જગ્યાને શકય તેટલી વધારે નોર્મલ બનાવવાનું છે એ વાત સલાહકારને ભારપૂર્વક જણાવવામાં આવી હતી."
"સલામતીની બધી વ્યવસ્થા કઈ રીતે કામ કરે છે અને તેને દુરસ્ત કઈ રીતે કરવી એ બધા લોકોએ જાણવું જોઈએ, પણ બધા મૂળભૂત રીતે એક અંતરિક્ષયાન કે સબમરીનમાં રહે છે એ વાત તેમને સતત યાદ કરાવવામાં આવે એ લોકોને ગમતું નથી."

કોશેટોમાંથી બહાર આવ્યા પછી

ઇમેજ સ્રોત, SurvivalCondo.com
આ તો બધી લૉકડાઉન દરમિયાનના જીવવાની વાત થઈ. બ્લાસ્ટ ડોર્સ ફરી ઉઘડે પછીના જીવન વિશે કોઈ તૈયારી કરવામાં આવે છે કે નહીં?
થાઇલૅન્ડમાં મોટાપાયે બંકરનું નિર્માણ કરી રહેલા ઓગ્ગી નામના એક પ્રેપરે મને કહ્યું હતું કે "આ બધું પૂરું થઈ જશે પછી હું દરવાજાની બહાર આવવાની અને મારી તમામ ચિંતા ખંખેરી નાખવાની કલ્પના કરું છું. મારા પરિવાર સાથે સલામત સમય પસાર કરવાની અને વધારે બહેતર માણસ બની ગયાનું પણ હું વિચારું છું."
તમે તમારા બંકરમાં શું કરી શકો એવો સવાલ સાઉથ ડાકોટામાંના એક પ્રેપરને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે "તમે ઇચ્છો એ કરી શકો. તમે ધ્યાન કરતાં શીખી શકો. હવામાં ઉડવાનું શીખી શકો. આસપાસની બધી ખલેલમાંથી છૂટકારો મેળવી લઈએ પછી ખબર પડે કે આપણે કેટકેટલી સિદ્ધિઓ મેળવી શકીએ છીએ."
આ બંકરોને કેટલાક લોકો પોતાની જાતને બહેતર બનાવવાના કોશેટો જેવાં ગણે છે.
આપણા પૈકીના ઘણા લોકોએ કોવિડ-19ના શરૂઆતના સપ્તાહોમાં આ પરિસ્થિતિનો અનુભવ કર્યો હશે, જેમાં કેટલાક લોકોને અનિચ્છનીય પ્રવાસમાંથી રાહત મળી અને બીજા કેટલાકને એકલતા અને પ્રાઇવસીનો ફળદાયક સમય મળ્યો.
જે લોકો પાસે સંસાધન ન હતાં, તેઓ બેરોજગાર થયા હતા, માંદા પડ્યા હતા અને મૃત્યુ પામ્યા હતા તેમના માટે કલ્પિત સુખનો આ સમયગાળો દુર્ઘટના જેવો પૂરવાર થયો.
તેથી એ અર્થમાં બંકરની તર્કસંગત, ક્રમબદ્ધ, નિયોજિત વ્યવસ્થાને ઘણા લોકો આધુનિક જીવનનો નિરર્થક સંચય ગણે છે. મારા સંશોધનમાં જાણવા મળ્યું હતું કે પ્રેપિંગ થોડું સ્વાર્થસભર હોય તો પણ આખરે આશાસ્પદ છે.
સ્વાર્થસભર એટલા માટે કે પ્રેપર્સ સરકારનો ભરોસો કરતા નથી અને માત્ર પોતાના માટે જ વ્યવસ્થા કરે છે. જોકે, વર્તમાન મહામારી દરમિયાન એ પૈકીના ઘણાએ સ્પષ્ટતા કરી હતી કે તેઓ આત્મનિર્ભર હોવાથી મહત્વપૂર્ણ સંસાધનો તથા આરોગ્ય સુવિધાઓ પરનો બોજ ઓછો થયો છે.
વાસ્તવમાં તેમનો અભિગમ સ્વાર્થી નહીં, પણ પરોપકારપૂર્ણ છે. અસ્તિત્વવાદીઓથી વિપરીત રીતે આ પ્રેપર્સનું લક્ષ્ય સમાજની બહાર નીકળી જવાનું નથી, પણ વ્યક્તિગત તૈયારી વડે તેને મજબૂત થવામાં મદદ કરવાનું છે.
કૅલિફોર્નિયામાંના એક બંકર બિલ્ડરે મને જણાવ્યું હતું કે લોકોમાં બંકરની બહાર રહેવાની ઇચ્છા વધુ હોય છે. વાસ્તવમાં બંકર પરિવહનનું એક સ્વરૂપ છે, પણ શરીર અને સામગ્રીનું અવકાશમાં પરિવહન કરવાને બદલે એ તેને સમયના માધ્યમથી સ્થાનાંતરિત કરે છે.

ભયમાંથી આશા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પ્રેપર્સ માટે બંકર એક નિયંત્રિત પ્રયોગશાળા અને કોશેટો બન્ને છે. ખુદને બહેતર બનાવવા માટેની પ્રયોગશાળા અને જરૂરી સુધારાવધારા બાદ આ વિશ્વમાં ફરી અવતરવા માટેનો કોશેટો.
કોવિડ-19 મહામારીમાં સ્પષ્ટ થઈ ગયું છે કે પ્રેપર્સ સામાજિક વિસંગતિ નથી, પણ ભૂતકાળના અસ્તિત્વવાદીઓ જે રીતે શીતયુદ્ધની ચિંતાના પ્રતિબિંબ હતા તેમ પ્રેપર્સ સમકાલીન માનવ પરિસ્થિતિના દ્વારપાળ છે.
સર્વાઇવલ કોન્ડો જેવાં સ્થળો અસંભવિત લાગે છે. અસંભવિત ન હોય તો પણ તેમના નિર્માણનો નિર્ણય મહત્વનો છે, કારણ કે કોઈ પગલાં લેવાય તો ભયમાંથી આશા પ્રગટી શકે છે.
અમારી મુલાકાતને અંતે લેરી હોલે કહ્યું હતું તેમ, "કોન્ડો આશાનું સ્થાન નથી. આ માળખાની રક્ષાત્મક ક્ષમતા એક વેપન સિસ્ટિમ, એક મિસાઇલના સામના પૂરતી મર્યાદિત છે. તેથી અમે સામૂહિક વિનાશના હથિયારને તેની અસરથી સંપૂર્ણ વિપરીત અવસ્થામાં પરિવર્તિત કરી નાખ્યું છે."
અસમાનતા, કઠોર નીતિઓ, સરકારમાં ઘટતો વિશ્વાસ, વૈશ્વિકરણ સંબંધી નિરાશા અને ટેકનૉલૉજીકલ તથા સામાજિક પરિવર્તનની ગતિમાંથી જન્મેલી ચિંતા આ પ્રેપિંગમાં પ્રતિબિંબિત થાય છે એ સમજવું વધારે જરૂરી છે.
પ્રેપર્સ જેનું નિર્માણ કરી રહ્યા છે એ ઓછું મહત્વનું છે. કોવિડ-19 મહામારીને કારણે લોકોમાંનો ખોફ વધવાની શક્યતા છે. તેથી પ્રેપિંગને સર્વસામાન્ય બનાવવું જોઈએ. માનવજાતનું ભવિષ્ય આકાશમાં નહીં, પણ પૃથ્વીની સપાટીના ઉંડાણમાં છે.
(બ્રેડલી ગેરેટ લિખિત નવા પુસ્તક 'બંકરઃ બિલ્ડિંગ ફૉર ધ ઍન્ડ ટાઇમ્સ'નું પ્રકાશન એલેન લેન દ્વારા ઑગસ્ટમાં કરવામાં આવશે)


- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












