વાયગ્રા કોરોના વાઇરસની દવા બનાવવામાં કેવી રીતે ઉપયોગી?

    • લેેખક, લૉરા પ્લીટ
    • પદ, બીબીસી મુંડો

બે દાયકા પહેલાં અમેરિકામાં વાયગ્રાની શોધ થઈ ત્યારે એ બાબતે જોરદાર ધમાલ થઈ હતી. પુરુષોમાં નપુંસકતા દૂર કરતી આ દવા એક ક્રાંતિ હોવાનું જણાવવામાં આવ્યું હતું.

અસરના સંદર્ભમાં તેની સરખામણી, ગર્ભનિરોધક ગોળીની શોધથી સર્જાયેલા પ્રભાવ સાથે કરવામાં આવી હતી.

વાયગ્રા બનાવનારી કંપની ફાઇઝરે તેનું નિર્માણ વાસ્તવમાં હૃદયમાં રક્તનો પ્રવાહ સરળતાથી ચાલુ રહે એ માટે કર્યું હતું?

હૃદયમાં રક્તનો પ્રવાહ ઓછો થવાને લીધે થતી પીડાને એન્જાઇના કહેવામાં આવે છે.

વાયગ્રાની ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી ત્યારે તેની દિલચસ્પ આડઅસર જોવા મળી હતી. એ પુરુષોના શરીરમાં ઉત્તેજના પેદા કરવા લાગી હતી.

વાયગ્રાનો ઉપયોગ

આ દવા હૃદયસંબંધી સમસ્યાઓને દૂર કરવાની બાબતમાં બીજી દવાઓ જેવી જ છે, એવું પરિણામ મળ્યું ત્યારે શોધકર્તાઓએ વધુ સંશોધન નહીં કરવાનો નિર્ણય લઈ લીધો હતો.

જોકે, તેમને વાયગ્રાની આડઅસર બાબતે ખબર પડી ત્યારે તેમણે સંશોધન આગળ ધપાવવાનો નિર્ણય કર્યો હતો.

હવે વાયગ્રાનો ઉપયોગ માત્ર પુરુષોમાં નપુંસકતા દૂર કરવા માટે જ નથી થતો. હૃદયસંબંધી રક્તચાપની સમસ્યામાં પણ તેનો ઓછી માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે.

જે દવા કોઈ બીજા હેતુસર તૈયાર કરવામાં આવી હોય અને એ કોઈ અન્ય બીમારી માટે રામબાણ સાબિત થયાનું આ દિલચસ્પ ઉદાહરણ છે.

ટરફેરોન જેવી દવાઓ

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેના ઘણા ફાયદા થાય છે.

હાલ કોવિડ-19ની વૅક્સિન બનાવવા માટે અનેક દવાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

તેમાં ક્લૉરોક્વિન તથા તેની સાથે જોડાયેલી હાઇડ્રોક્લૉરોક્વિન, રેમડેસિવિયર અને બીટા ઇટરફેરોન જેવી દવાઓનો સમાવેશ થાય છે.

સવાલ એ છે કે કોરોના માટે જે બનાવવામાં નથી આવી, એવી આ દવાઓ કેટલી સફળ સાબિત થઈ શકે?

આ તરકીબનો ઉપયોગ ક્યારથી સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે અને તેનાથી શું ફાયદો થાય છે?

સમયની બચત

આ પ્રક્રિયાને ડ્રગ રિપોઝિશનિંગ કહેવામાં આવે છે. આ પ્રક્રિયાનો સૌથી મોટો ફાયદો સમયની બચતનો હોવાનું નિષ્ણાતો જણાવે છે.

બ્રિટનની લીવરપુલ યુનિવર્સિટીના ક્લિનિકલ ઍન્ડ મોલેક્યુલર ફાર્મેકૉલૉજીના પ્રોફેસર મુનીર પીર મોહમ્મદે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ પ્રક્રિયામાં સમયની બચત થાય છે.

તેમણે કહ્યું હતું કે "કોઈ પણ દવાને તૈયાર કરવાની પ્રક્રિયાના પ્રારંભે તેને લૅબોરેટરીમાં બનાવીને કોશિકાઓ પરની તેની અસરનું પરીક્ષણ કરવામાં આવે છે."

"એ પછી તેની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવે છે. માણસો પર તેનું પરીક્ષણ કરવામાં આવે એ પહેલાં દવાએ બીજી પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે છે."

તેમણે ઉમેર્યું હતું કે "એ પછી દવાનું લાયસન્સ લેવા માટેના અનેક તબક્કા હોય છે. તેમાં 10થી 17 વર્ષ સુધીનો સમય લાગી શકે છે."

"કોરોનાના વર્તમાન સંકટને ધ્યાનમાં લઈને આ તમામ પ્રક્રિયા ઝડપભેર હાથ ધરવામાં આવે તો પણ નવી દવા બજારમાં લાવવામાં કમસેકમ પાંચ વર્ષ થશે. અત્યારે આપણી પાસે એટલો સમય નથી."

ક્લિનિકલ ટ્રાયલ

પ્રોફેસર મુનીર પીર મોહમ્મદે કહ્યું હતું કે "ડ્રગ રિપોઝિશનિંગનો સૌથી મોટા લાભ એ છે કે એ દવાનું પરીક્ષણ માણસ પર થઈ ચૂક્યું હોય છે."

"તેથી તે સલામત હોવાનો તથા તે દવા કઈ રીતે કામ કરે છે તેનો ડૅટાબેઝ ઉપલબ્ધ હોય છે."

"માત્ર એટલું જ જાણવાનું હોય છે કે એ દવા કોઈ બીમારીમાં વિશેષ અસરકારક છે કે નહીં."

પીર મોહમ્મદે સ્પષ્ટતા કરી હતી કે એ દવા માણસોને આપતાં પહેલાં તેની ક્લિનિકલ ટ્રાયલ જરૂરી હોય છે, કારણ કે એ દવા અપેક્ષિત અસર કરશે કે નહીં તેની કોઈ ગેરન્ટી હોતી નથી.

જે તે દવા અલગ-અલગ પરિસ્થિતિમાં કેટલી અસરકારક છે, તેની માહિતી તો ક્લિનિકલ ટ્રાયલ દ્વારા જ મેળવી શકાય છે.

આ પ્રક્રિયામાં સમયની સાથે-સાથે પૈસાની બચત પણ નિશ્ચિત રીતે થતી હોય છે.

ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ મર્ડોકના ફાર્મેકૉલૉજીના પ્રોફેસર ઇયાન મુલાનેએ કહ્યું હતું કે "ઔષધ ઉત્પાદક કંપની એક દવાની શોધ માટે બે અબજ ડૉલર ખર્ચતી હોય છે અને એ દવા બજારમાં પહોંચવામાં વર્ષો લાગતાં હોય છે."

પૈસાની બચત

અગાઉથી તૈયાર દવાની તુલનામાં આ સોદો બહુ મોંઘો હોય છે.

પ્રોફેસર ઇયાન મુલાનેએ કહ્યું હતું કે "શોધના ખર્ચ ઉપરાંત પૅટન્ટ એક નિશ્ચિત સમયગાળા બાદ પૂર્ણ થઈ જતાં હોય છે. અલબત, એ દરેક કિસ્સામાં અલગ-અલગ હોય છે, પણ એ સમયગાળો મોટેભાગે નવી દવાના રજિસ્ટ્રેશનથી 20 વર્ષ સુધીનો હોય છે."

એ સમયસીમા પૂર્ણ થયા બાદ કોઈ પણ કંપની એ દવા બનાવી શકે છે અને તેની જેનરિક દવા વેચી શકે છે.

આ પ્રકારના પ્રયોગમાં સૌથી પહેલી સફળતા એસ્પિરિન માટે મળી હતી.

એસ્પિરિનનો ઉપયોગ એક સદીથી દર્દશામક દવા તરીકે થતો રહ્યો છે, પણ હવે તેનો ઉપયોગ કેટલાક દર્દીઓ પર હાર્ટઍટેકનું જોખમ ઘટાડવા માટે થાય છે, જેમાં તેની માત્રા ઓછી હોય છે.

હવે એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે એસ્પિરિન કેટલાંક ખાસ પ્રકારના કૅન્સરને રોકવામાં પણ અસરકારક સાબિત થઈ શકે છે.

જૂની દવાનો નવો ઉપયોગ

બીજું મહત્ત્વનું ઉદાહરણ થેલિડૉમાઇડનું છે. આ દવા 1950 અને 60ના દાયકામાં જર્મન કંપની ગ્રેનથલે તૈયાર કરી હતી.

ગર્ભવતી મહિલાઓને ગર્ભાધાનના પહેલા ત્રણ મહિનામાં આવતાં ચક્કર રોકવા માટે આ દવા તૈયાર કરવામાં આવી હતી.

એ દવાને 60ના દાયકામાં બજારમાંથી પાછી ખેંચી લેવામાં આવી હતી, કારણ કે 10,000થી વધુ બાળકોમાં તેમના જન્મ બાદ કેટલીક સમસ્યાઓ જોવા મળી હતી.

તેના ઘણા દાયકા બાદ એ દવા રિપોઝિશન કરવામાં આવી ત્યારે એ અસ્થિ મજ્જાના કૅન્સર તથા રક્તપીતની સારવારમાં અસરકારક સાબિત થઈ હતી.

આ દવાઓ અગાઉ યોગાનુયોગે કોઈ અન્ય બીમારીની સારવારમાં અસરકારક સાબિત થઈ હતી, પછી સમજી-વિચારીને આવી દવાઓનું રિપોઝિશનિંગ શરૂ થયું હતું.

સહેતુક યોગાનુયોગ

જોકે, વર્તમાન વર્ષોમાં ટેક્નીકના વિકાસને કારણે આ શક્ય બન્યું છે.

અમેરિકાના બિનસરકારી સંગઠન ક્યોર્સ વિધિન રીચના ડિરેક્ટર બ્રુસ બ્લૂમે બીબીસીને કહ્યું હતું કે "વિચારપૂર્વકનું ડ્રગ રિપોઝિશનિંગ બિગ ડેટા અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના જમાનામાં વધારે આસાન થઈ ગયું છે."

દવાની પસંદગી કઈ રીતે?

કોવિડ-19ના કિસ્સામાં થઈ રહ્યું છે તેમ વિચારપૂર્વક દવાની પસંદગી કરવામાં આવતી હોય તો કઈ દવાની પસંદગી કરવી એ કેવી રીતે નક્કી થતું હશે?

કોરોનાના કેસમાં સૌથી પહેલાં જે દવાઓ રિપોઝિશનિંગ માટે પસંદ કરવામાં આવી હતી તેને બીજા વાઈરસ માટે તૈયાર કરવામાં આવી હતી.

દાખલા તરીકે રેમડેસિવિર. આ દવા ઈબોલાના ઈલાજ માટે બનાવવામાં આવી હતી, પણ તેનું પરિણામ નકારાત્મક આવ્યું હતું.

અલબત, ઘણીવાર એવું થાય છે કે જે દવાને વાઈરસ સાથે સંબંધ નથી હોતો, એ પણ ઍન્ટિવાયરલ સાબિત થતી હોય છે.

પીર મોહમ્મદે જણાવ્યું હતું કે દવાની પસંદગી માટે અનેક માપદંડનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે "આ કોઈ જાદુઈ લાકડી જેવું નથી હોતું. રેમડેસિવિરના કિસ્સામાં થયું તેમ કેટલીક દવા અસરકારક સાબિત થઈ શકે છે અને એ તમને હૉસ્પિટલે જવામાંથી બચાવી શકે છે, પણ એ તમને સંપૂર્ણપણે સાજા કરતી નથી."

ડ્રગ રિપોઝિશનિંગની સૌથી મોટી સમસ્યા એ છે કે માર્કેટ તેમાં રસ લેતું નથી.

બ્રુસ બ્લૂમે જણાવ્યું હતું કે આ કવાયતને વ્યાવસાયિક રીતે પ્રોત્સાહિત કરવામાં આવતી નથી. તેથી રિપોઝિશનિંગને પ્રારંભિક તબક્કામાં ટેકો મળી શકતો નથી.

જોકે, તેમાં ખર્ચ ઓછો થાય છે તેથી એ મહત્ત્વપૂર્ણ છે. કોઈ દવાના રિપોઝનિંગમાંથી તેનો ખર્ચ પણ નહીં નીકળે એવું કોઈ કંપનીને લાગે તો એ રિપોઝિશનિંગની પ્રક્રિયા હાથ ધરતી નથી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.