માનવશરીર કોરોના વાઇરસના ચેપ સામે કઈ રીતે લડી રહ્યું છે?

માનવશરીરની રોગપ્રતિકારકક્ષમતા કોરોના વાઇરસનો મુકાબલો કઈ રીતે કરે છે તેની જાણકારી મેળવી લીધી હોવાનો દાવો ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ કર્યો છે. આ સંશોધનની વિગત નેચર મેડિસિન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવી છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે ચીન સહિતના ઘણા દેશોમાં લોકો કોરોના વાઇરસના ચેપમાંથી ઊગરી રહ્યા હોવાના સમાચાર આવી રહ્યા છે ત્યારે માનવશરીરનું સુરક્ષાતંત્ર આ વાઇરસ સામે કઈ રીતે લડે છે અને તેના હરાવે છે તે જાણવાનો પ્રયાસ શોધકર્તાઓએ કર્યો છે.

શોધકર્તાઓનું કહેવું છે કે આ શોધનો હેતુ વાઇરસને ટક્કર આપી રહેલા કોષોના કાર્ય બાબતે માહિતી મેળવવાનો હતો. આ માહિતીની જાણકારી મળવાથી કોરોના વાઇરસ માટેની વૅક્સિન તૈયાર કરવામાં મદદ મળશે, એવું શોધકર્તાઓ માને છે.

વિશ્વભરમાં કોરોના વાઇરસના કેસો વધીને બે લાખ કરતાં વધુ થઈ ગયા છે. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી કુલ કેસો બે લાખ, એક હજાર 530 નોંધાયા છે અને મૃતકોની સંખ્યા વધીને આઠ હજાર થઈ ગઈ છે.

આ શોધમાં સામેલ થયેલાં પ્રોફેસર કૅથરિન કેડજિએર્સ્કાના જણાવ્યા અનુસાર, આ શોધ અત્યંત મહત્ત્વની છે, કારણ કે આપણું શરીર કોરોના વાઇરસ સામે કઈ રીતે લડી છે તે પ્રથમ વાર જાણી શકાયું છે.

મેલબર્નના પીટર ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શન ઍન્ડ ઇમ્યુનિટીના શોધકર્તાઓએ કરેલા આ કામનાં વખાણ બીજા અનેક શોધકર્તાઓએ કર્યાં છે. એક શોધકર્તાએ આ કામને મોટી સફળતા ગણાવ્યું છે.

શું જાણવા મળ્યું?

એક તરફ કોરોના વાઇરસનો ચેપ લાગ્યાના કેસની સંખ્યા ઝડપભેર વધી રહી છે ત્યારે બીજી તરફ ઘણા લોકો તેના ચેપમાંથી મુક્ત થયાના સમાચાર પણ છે.

શોધકર્તાઓનું કહેવું છે કે ચેપ લાગ્યો હોય તેવા અનેક લોકોને બધાથી અલગ, એકલા રાખવામાં આવ્યા હતા અને હવે તેઓ સ્વસ્થ થઈને પોતપોતાના ઘરે પાછા ફર્યા છે. તે દર્શાવે છે કે માનવશરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા આ ચેપ સામે લડવાનું જાણે છે.

આ બાબત પર અત્યાર સુધી ખાસ ધ્યાન આપવામાં ન આવ્યું હોવાનું શોધકર્તાઓ માને છે.

પોતાની શોધ બાબતે તેમણે જણાવ્યું હતું કે કોવિડ-19 સામે લડવાની ક્ષમતા ધરાવતા ચાર પ્રતિરક્ષા કોષોની ઓળખ સંશોધન મારફત કરવામાં આવી હોય એવી આ પહેલી ઘટના છે.

કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો એવી એક મહિલાના પરીક્ષણથી આ કોષોની માહિતી મળી હતી. એ મહિલાને મામૂલી ચેપ લાગ્યો હતો અને એ સિવાય તેમને બીજી કોઈ બીમારી ન હતી.

ચીનના વુહાન શહેરનાં એક મહિલાને ચેપ લાગ્યા બાદ ઑસ્ટ્રેલિયાની એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં. હૉસ્પિટલમાં એડમિટ કરાયાના 14 દિવસમાં એ મહિલા એકદમ સ્વસ્થ થઈ ગયાં હતાં.

પ્રોફેસર કેડજિએર્સ્કાએ બીબીસીને જણાવ્યું હતું કે તેમની ટીમે એ મહિલાની વિગતવાર તપાસ કરી હતી.

તેમની તપાસનું કેન્દ્ર એ મહિલાના શરીરની રોગપ્રતિકારક વ્યવસ્થા (ઇમ્યુન સિસ્ટમ) હતી.

એ મહિલાની ઇમ્યુન સિસ્ટમ કોરોના વાઇરસના ચેપ સામે કેવી પ્રતિક્રિયા આપે છે એ જાણવાનો પ્રયાસ તપાસમાં કરવામાં આવ્યો હતો.

પ્રોફેસર કેડજિએર્સ્કાએ કહ્યું હતું, "મહિલાની સ્થિતિ સુધરવા લાગી ત્યારે તેના રક્તના પ્રવાહમાં વિશિષ્ટ પ્રકારના કોષો જોવા મળ્યા હતા. ઍન્ફ્લુએન્ઝાના દર્દીઓ સાજા થાય એ પહેલાં તેમનામાં જોવા મળે છે એવા જ કોષો એ મહિલામાં જોવા મળ્યા હતા."

કઈ રીતે મદદરૂપ થશે?

સ્વિનબર્ન યુનિવર્સિટી ઑફ ટેક્નૉલૉજીમાં હેલ્થ સાયન્સિસ વિભાગના ડીન પ્રોફેસર બ્રુસ થોમ્પસનના જણાવ્યા મુજબ, આ શોધ વાઇરસ ઓળખવામાં મદદ કરી શકે છે.

પ્રોફેસર બ્રુસે એમ પણ જણાવ્યું હતું કે અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા ક્યારે થશે તે તમે જાણતા હો ત્યારે વાઇરસ અને તેની કાર્યપદ્ધતિને જાણવાની તમે કેટલા નજીક પહોંચી ગયા છો એ જાણવામાં સરળતા રહે છે.

ઑસ્ટ્રેલિયાના આરોગ્યમંત્રી ગ્રેગ હન્ટે જણાવ્યું હતું કે આ શોધથી કોરોના વાઇરસ માટે વૅક્સિન બનાવવાની પ્રક્રિયાને વેગ મળશે અને લોકોને વહેલામાં વહેલી તકે ઇલાજ ઉપલબ્ધ કરાવી શકાશે.

પ્રોફેસર કેડજિએર્સ્કાનું કહેવું છે કે તેમની ટીમ હવે એ જાણવાનો પ્રયાસ કરશે કે જે લોકોમાં ચેપનું પ્રમાણ વધારે હતું એ સમયે તેમની ઇમ્યુન સિસ્ટમ કેમ નિર્બળ કે નિષ્ફળ સાબિત થઈ હતી?

તેમણે જણાવ્યું હતું કે જે લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં તેમના શરીરમાં કોઈ કમી હતી કે કશું ઓછું હતું અથવા જેમને કોઈ ઘાતક બીમારી હતી એ લોકો જ મૃત્યુ પામ્યા હતા કે કેમ, એ સમજવું જરૂરી છે.

આ સવાલોના જવાબ મળી જશે તો લોકોને કઈ રીતે બચાવી શકાય એ સમજવાનું પણ આસાન થઈ જશે.

આ સંશોધન પછી પીટર ડોહર્ટી ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શન ઍન્ડ ઇમ્યુનિટીને સરકાર તરફથી વધારાની આર્થિક સહાય આપવામાં આવી છે. ઉપરાંત વિશ્વના સૌથી ધનવાન લોકો પૈકીના એક જેક માએ પણ આ સેન્ટરને દાન આપ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો