Trump in india : જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા અમરેન્દ્ર 'બાહુબલી'

ભારત યાત્રા માટે રવાના થવાના થોડા કલાક પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ભારતમાં મારા મિત્રોને મળવા માટે હું આશાન્વિત છું.

પરંતુ વાત માત્ર એટલી જ નથી. તેમણે આ વાત એક ટ્વીટના માધ્યમથી કહી છે અને સાથે જ એક વીડિયો રીટ્વીટ કર્યો છે જેમાં તેમને બાહુબલી તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

ટ્રમ્પના ટ્વીટ બાદ ટ્વિટર પર આ વીડિયો ખૂબ વાઇરલ થવા લાગ્યો છે.

તેનું અનુમાન એ વાતથી પણ લગાવી શકાય છે કે આ વીડિયો ટ્વીટ થયા બાદ માત્ર 24 કલાકની અંદર તેને 18 લાખ કરતા વધારે લોકો જોઈ ચૂક્યા હતા.

ટ્વિટર હેન્ડલ @Somemes1 પરથી પોસ્ટ થયેલા આ વીડિયોમાં ભારત અને અમેરિકાની એકતાની વાત કરવામાં આવી છે.

વીડિયોમાં શું છે?

આ ફોટોશૉપ્ડ વીડિયોમાં સુપરહીટ ફિલ્મ બાહુબલીના કેટલાક શૉટ્સમાં અમરેન્દ્ર બાહુબલીના ચહેરા પર ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર લગાવી દેવામાં આવી છે. તેનાથી અભિનેતા પ્રભાસના બદલે અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ એક્શન સીનમાં જોવા મળી રહ્યા છે.

વીડિયો ક્લિપમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ સિવાય ફર્સ્ટ લેડી મૅલેનિયા ટ્રમ્પ અને તેમનાં દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ દેખાય છે.

થોડા દિવસ પહેલા રાષ્ટ્રપતિ ટ્રમ્પે 'શુભ મંગલ જ્યાદા સાવધાન' ફિલ્મના વખાણમાં પણ એક ટ્વીટ કર્યું હતું.

આ ફિલ્મના હીરો આયુષ્માન ખુરાનાએ એક સમલૈંગિક વ્યક્તિની ભૂમિકા ભજવી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો