મહાઅભિયોગની કાર્યવાહી ખોરંભે ટ્રમ્પે કાસિમ સુલેમાનીની હત્યા કરાવી?

ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાએ શુક્રવારે હવાઈ હુમલો કરીને ઈરાનની સેનાના ટોચના કમાન્ડર કાસિમ સુલેમાનીને ઠાર કર્યા હતા.

અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનની હત્યા પછી ઈરાની કુદ્સ દળના કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતથી થયો તેવો વિવાદ જગતમાં ભાગ્યે જ બીજા કોઈના મોતથી થયો છે.

છેલ્લા ઘણા દાયકામાં અમેરિકાએ મધ્ય-પૂર્વમાં કરેલો આ સૌથી મોટો હુમલો છે.

વિવાદાસ્પદ ઈરાની કમાન્ડરનો કાફલો જઈ રહ્યો હતો તે વાહનો પર બૉમ્બમારો કરવાનો હુકમ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો તેનાથી ઘણા ચોંક્યા છે.

સુલેમાની મધ્ય પૂર્વમાં કાર્યવાહી સંભાળતા હતા અને તેમના મોતના કારણે વૉશિંગ્ટન અને તેહરાન વચ્ચે તંગદિલી ખૂબ વધી ગઈ છે.

બીબીસીના સંરક્ષણ અને રાજદ્વારી બાબતોના સંવાદદાતા જોનાથન માર્કસે આ ઘટના સાથે સંબધિત સવાલોના જવાબો આપ્યા છે.

line

'શું ડોનાલ્ડ ટ્રમ્પ સામેની મહાઅભિયોગની કાર્યવાહીને ખોરંભે ચડાવવાથયું?'

સુલેમાની

ઇમેજ સ્રોત, FARS

આવા આક્ષેપો કરવા સહેલા હોય છે, અને સ્થાનિક રાજકીય પરિબળો ધ્યાને લેવાતા જ હોય છે.

ખાસ કરીને ટ્રમ્પ માટે આ ચૂંટણીનું વર્ષ છે ત્યારે આ ઘટના બે કારણોસર થઈ હતીઃ તક અને સંજોગો.

ઇરાકમાં રહેલા અમેરિકી થાણાઓ પર હુમલા વધી રહ્યા હતા તે સંદર્ભ હતો અને નજીકના ભવિષ્યમાં હુમલાની અસ્પષ્ટ વાતો પૅન્ટાગોને કરી છે તે પણ હતી. આ સંજોગોમાં તક મળી ગઈ અને અમેરિકાના જાસૂસી તંત્રની કામગીરી ફરી અચૂક નીવડી.

ઈરાન કોઈ પ્રતિસાદ આપવા માગતું હોય ત્યારે તેણે આ જાસૂસી તંત્રની તાકાતને પણ ધ્યાને લેવી પડશે.

ચૂંટણીનું વર્ષ છે ત્યારે પ્રમુખ ટ્રમ્પ વધારે અમેરિકી સૈનિકોનો ભોગ લેવાય તેમ નહીં ઇચ્છતા હોય.

આ નાટકીય હુમલો પ્રમુખની કાર્યશૈલીથી થોડો જુદો પણ જોવા મળે છે.

તેઓ મોટી મોટી વાતો કરવા તો જાણીતા છે, પણ કોઈ ધ્યાનાકર્ષક કાર્યવાહી તેમણે કરી નથી.

line

શું આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે આ રીતે કોઈની હત્યા યોગ્ય છે? - ઇમોન ડોના

કાસીમ સુલેમાની

ઇમેજ સ્રોત, EPA

અમેરિકા એવી દલીલ કરી શકે છે કે ઇરાકમાં અમેરિકાના દળો હતા તેના પર વિના ઉશ્કેરણીએ હુમલો કરવા માટે સુલેમાની જવાબદાર હતા. આ દળો ઇરાકમાં ત્યાંની સરકારની વિનંતીને કારણે છે.

અમેરિકા માને છે કે સુલેમાની ઘણાં બધા અમેરિકાના લોકોનાં મૃત્યુ માટે જવાબદાર છે. તેમની આગેવાની હેઠળનું કુદ્સ સંગઠન આતંકવાદી છે એવું અમેરિકા માને છે. તેથી અમેરિકા તેમની હત્યાને કાનૂની ગણાવશે.

નોત્રા ડેમ લૉ સ્કૂલના પ્રોફેસર અને કાનૂનવિદ મેરી એલન ઓકોનેલે કાનૂની મુદ્દા વિશે આ પ્રમાણે જણાવ્યું હતું:

"હત્યાના બનાવમાં સંરક્ષણ માટે પ્રિ-એમ્પટિવ હુમલો ક્યારેય બચાવ બની શકે નહીં. તેના માટે કોઈ આધાર નથી."

"અહીં લાગુ પડતો કાયદો સંયુક્ત રાષ્ટ્રસંઘ ચાર્ટર છે, જેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ખરેખર હુમલો થયો હોય કે ઠીક ઠીક પ્રમાણમાં સશસ્ત્ર હુમલો થયો હોય ત્યારે જ પ્રતિસાદ તરીકે સેલ્ફ ડિફેન્સનો અધિકાર મળે છે."

"બગદાદમાં ડ્રોનનો ઉપયોગ કરીને ઈરાની જનરલ સુલેમાનીની હત્યા કરવામાં આવી, તે કંઈ અમેરિકા પર થયેલા કોઈ સશસ્ત્ર હુમલાનો પ્રતિસાદ નહોતો."

"ઈરાને અમેરિકાના સાર્વભૌમ વિસ્તાર પર હુમલો કર્યો નહોતો," એમ તેઓ કહે છે.

"આ કિસ્સામાં અમેરિકાએ ગેરકાયદે હત્યાનું કૃત્ય કર્યું છે, એટલું જ નહીં ઇરાકમાં ગેરકાયદે હુમલો કર્યો છે."

line

શું આના કારણે ત્રીજું વિશ્વયુદ્ધ થઈ શકે ખરું? - લેવીસ આલ્કોટ

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ અને ઈરાનના રાષ્ટ્રપ્રમુખ

ઇમેજ સ્રોત, Reuters

કેટલાક લોકોએ સુલેમાનીની હત્યા થઈ તેને અમેરિકા તરફથી ઈરાન સામે 'યુદ્ધની જાહેરાત' તરીકે વર્ણવ્યું છે, પણ આ ઘટનાને નાની કે મોટી બેમાંથી એકેય રીતે ગણવાની જરૂર નથી.

આના કારણે ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થશે નહીં. તેમાં મહત્ત્વની ભૂમિકા જેમની હોઈ શકે તે રશિયા કે ચીન આ ઘટનામાં ક્યાંય નથી.

જોકે આ ઘટના મધ્ય પૂર્વ અને અમેરિકાની ત્યાં ભૂમિકા માટે બહુ મહત્ત્વની સાબિત થઈ શકે છે.

ઈરાનની વળતી મોટી કાર્યવાહી સાથે બંને દેશો વચ્ચે મોટા પાયે સંઘર્ષ થાય તેવી શક્યતા છે.

ઈરાન આ વિસ્તારમાં રહેલી અમેરિકી સેના પર હુમલો કરી શકે છે અને ઈરાનને લાગતું હોય કે કોઈ ટાર્ગેટ અમેરિકા સાથે સંકળાયેલો છે તેના પર પણ હુમલો કરી શકે છે.

line

આવી હત્યાઓમાં સંયુક્ત રાષ્ટ્રસંઘનું શું માનવું છે? - સારા

યુનાઇટેડ નેશન્સ

ઇમેજ સ્રોત, Getty Images

વ્યક્તિગત પ્રતિનિધિઓ દ્વારા વ્યક્ત થયેલા અભિપ્રાય સિવાય સંયુક્ત રાષ્ટ્રસંઘ શું માને છે તે કહેવું મુશ્કેલ હોય છે, કેમ કે સંયુક્ત રાષ્ટ્રસંઘના અભિપ્રાય જેવું વાસ્તવમાં કશું હોતું નથી.

શું સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિના અભિપ્રાયને આવો અભિપ્રાય માની શકાય? સમિતિમાં સૌનો જુદો જુદો અભિપ્રાય હશે અને સર્વસંમતિ નહીં હોય.

મહામંત્રી એન્ટોનિયો ગોટેર્સનું નિવેદન હતું કે મધ્ય પૂર્વમાં તંગદિલી વધતા તેઓ ઊંડી ચિંતામાં છે.

"આ ક્ષણે નેતાઓએ સંયમ રાખવો જોઈએ. ગલ્ફમાં વધુ એક યુદ્ધ દુનિયાને પરવડે તેમ નથી," એમ તેમના પ્રવક્તા ફરહાન હકે એક નિવેદનમાં જણાવ્યું હતું.

line

શું ઈરાન અણુપ્રતિસાદ આપે તેવું જોખમ ખરું? શું તેની પાસે અણુક્ષમતા છે? - હેરી રિકમેન

અણુ કાર્યક્રમ

ઇમેજ સ્રોત, AFP

ના, ઈરાન પાસે સત્તાવાર રીતે અણુશસ્ત્રો નથી. પરંતુ તેની પાસે એવી તૈયારીઓ છે ખરી કે અણુક્ષમતાના કાર્યક્રમ તરફ આગળ વધી શકે.

ઈરાને હંમેશા ભારપૂર્વક કહ્યું છે કે તે અણુબૉમ્બ બનાવવા માગતું નથી.

જોકે ઈરાને જાહેરાત કરી છે કે 2015માં થયેલા કરાર પ્રમાણે તેના પર મૂકવામાં નિયંત્રણોનું પાલન તે કરશે નહીં.

તહેરાનમાં ઈરાનના પ્રધાનમંડળની બેઠક મળી તે પછી આ જાહેરાત થઈ હતી.

ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન સાથેના કરારને ક્યારનોય તોડી નાખ્યો છે અને તે નિર્ણયને ઘણા વિશ્લેષકો બેજવાબદાર પણ ગણાવશે.

line

જનરલ સુલેમાની ઇરાકમાં શું કરી રહ્યા હતા? આ વિશે રાકી સરકારનું શું કહેવું છે? - ટોમ

ક્રૂડઑઈલ ઉત્પદાનની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇરાકમાં તેઓ શા માટે હતા તે સ્પષ્ટ નથી. ઈરાન ત્યાં રહેલા ઘણા શિયા સંગઠનોને સમર્થન આપે છે.

તેમની સાથે માર્યા ગયેલામાં એક હતા અબુ મહદી અલ-મુહાંદિસ, જે કતૈબ હિજબુલ્લાહ સંગઠનના નેતા હતા.

આ જૂથને હાલમાં અમેરિકાના થાણા પર થયેલા હુમલા માટે જવાબદાર માનવામાં આવે છે.

અબુ મહદી ઇરાકમાં રહેલા ઈરાનતરફી સશસ્ત્ર જૂથોના સંગઠનના ડેપ્યુટી કમાન્ડર પણ હતા.

પોતાની ભૂમિ પર હુમલો થયો તેના કારણે ઇરાકી સરકાર મુશ્કેલીમાં મૂકાઈ ગઈ છે.

ઇરાક ઈરાન અને અમેરિકા બંને સાથે સારા સંબંધો ધરાવે છે. સરહદે ઇસ્લામિક સ્ટેટ સામે લડવા માટે ઇરાકની મદદ માટે અમેરિકી દળો દેશમાં રહેલા છે.

અમેરિકાના થાણા પર હુમલા થતા હતા તેના કારણે ઇરાકી સરકાર મુશ્કેલીમાં હતી જ.

આવા હુમલા સામે બચાવ માટે પગલાં લેવાશે તેમ સરકારે કહ્યું હતું, પણ સાથે જ આ ઉદ્દામવાદી જૂથ સામે અમેરિકાએ ભરેલા વળતાં પગલાંની ઇરાકે ટીકા પણ કરી હતી.

ઇરાકી વડા પ્રધાનના કાર્યાલયે સુલેમાનીને ઠાર કરાયા તે બનાવની ટીકા કરી હતી અને તેમને તથા તેમની સાથે માર્યા ગયેલા જૂથના નેતાને શહીદ ગણાવ્યા હતા.

'આઈએસ સામેની લડાઈમાં મોટી જીત' અપાવનારા તેઓ શહીદ હતા તેમ જણાવાયું હતું.

ઇરાકે એવું પણ જણાવ્યું કે જે શરતોને આધારે અમેરિકાના દળોને દેશમાં રાખવામાં આવ્યા છે તેનાથી આગળ વધીને આ કાર્યવાહી થઈ છે.

line

રાકમાં અમેરિકા અને ઈરાનની ભૂમિકા છે? - કેકિન્ગા મોઝેસ

ઈરાનમાં સુલેમાનીના જનાજામાં લોકો પ્લેકાર્ડ લઈને આવ્યા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાનમાં સુલેમાનીના જનાજામાં લોકો આ પ્રકારના પ્લેકાર્ડ લઈને આવ્યા

ઇરાકની શિયાઓની આગેવાની હેઠળની સરકાર માટે ઈરાન નિકટનું સાથી રાષ્ટ્ર છે.

ઈરાન પોતાની રીતે પણ મહત્ત્વની ભૂમિકા ભજવાનારો દેશ છે અને ઉપર જણાવેલા જૂથો મારફતે તે કામગીરી બજાવતું હતું.

અમેરિકાના 5,000 જેટલા સૈનિકો ઇરાકમાં છે, જે બચી ગયેલા આઈએસ જૂથોને ખતમ કરવા માટે ઇરાકી સેનાને તાલીમ અને સહાય કરે છે.

આ બે બહારના દેશો અમેરિકા અને ઈરાન, મૂળભૂત રીતે ઇરાકમાં રહીને એક બીજા સામે કાર્યવાહી કરી રહ્યા હતા.

હવે સૌથી મોટો સવાલ એ છે કે ઊભી થયેલી કટોકટીમાં અમેરિકાના દળો ઇરાકમાં રાખવામાં કેટલી મુશ્કેલી આવી શકે છે?

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો