You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બોરિસ જોન્સનને બ્રિટનના મોદી કેમ કહે છે ત્યાં વસતા ભારતીયો?
- લેેખક, ઝુબૈર અહમદ
- પદ, બીબીસી સંવાદદાતા, લંડન
બ્રિટનના ભારતીયો બોરિસ જોન્સનને નરેન્દ્ર મોદી સાથે કેમ સરખાવે છે?
'બોરિસ જોન્સન બ્રિટનના મોદી છે.' આ વિચાર બ્રિટનમાં વસતા સામાન્ય પ્રવાસી ભારતીયોના છે.
તેઓ જણાવે છે કે બ્રિટનના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જેમ લોકપ્રિય નથી, પરંતુ વૈચારિક સમાનતા બંનેને એકબીજાની નજીક લાવી છે.
તેમનું માનવું છે કે બોરિસ જોન્સન ભવિષ્યમાં પણ ચૂંટણી જીતવાની ક્ષમતા ધરાવે છે.
જોન્સને પોતાની પાર્ટીને 25 વર્ષોમાં પહેલી વાર જોરદાર વિજય અપાવ્યો છે.
જોકે, આ વિચારો સાથે બધા સહમત નથી. બ્રેડફર્ડના એક મંદિરના મૅનેજમૅન્ટના અધ્યક્ષ મુકેશ શર્મા જણાવે છે કે, "અમે ખાતરીપૂર્વક નથી કહી શકતા કે બંને નેતાઓમાં કોઈ સમાનતા છે."
"અમે કંઝર્વેટિવ પાર્ટીને મત આપ્યા તેથી અમે સંતુષ્ટ છીએ."
"પરંતુ ઘણા લોકોએ બોરિસને બ્રેક્સિટના કારણે મત આપ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બોરિસ જોન્સને ભારતીય મૂળના લોકોને આકર્ષવાના ઘણા પ્રયત્નો કર્યા હતા, કારણ કે તેઓ આ સમુદાયનું મહત્ત્વ જાણે છે.
ભારતીય મૂળના સંસદસભ્યોની સંખ્યામાં વધારો
કંઝર્વેટિવ પાર્ટીના ભારતીય મૂળના સાંસદોની સંખ્યા પાંચથી વધીને સાત થઈ ગઈ છે.
લેબર પાર્ટીના પણ સાત ઉમેદવારો ચૂંટણીમાં વિજય થયા છે.
ભારતીય મૂળનાં પ્રીતિ પટેલને ગૃહમંત્રી તરીકે ચાલુ રાખી શકાય છે. બોરિસના નવા મંત્રિમંડળમાં પણ ભારતીય મૂળના સાંસદ હશે અને વિપક્ષમાં પણ.
બોરિસ જોન્સને ચૂંટણીપ્રચાર દરમિયાન લંડનના નીસડેન મંદિર ગયા હતા. જેનો હેતુ એ સ્પષ્ટ કરવાનો હતો કે કંઝર્વેટિવ પાર્ટી ભારત અને ભારતીય મૂળના લોકોના મિત્ર છે.
મંદિરમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યક્તિગત મિત્રતા હોવાનો દાવો કર્યો હતો.
તેમજ તેમણે એ વાતનો પણ સ્વીકાર કર્યો હતો કે ભારતીય મૂળના 15 લાખ લોકોએ બ્રિટનના વિકાસમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
બ્રિટનમાં થયેલી ચૂંટણીમાં ગુરુવારે ચૂંટણીપરિણામ આવ્યું હતું અને તેમાં કંઝર્વેટિવ પાર્ટીને ભારે બહુમતી હાંસલ થઈ.
કહેવાઈ રહ્યું છે કે 1987 બાદ તેમની આ સૌથી મોટી જીત છે.
બ્રેક્સિટ સરળ હશે?
આ ચૂંટણીપરિણામો બ્રેક્સિટના વાયદાના કારણે આવ્યાં.
કંઝર્વેટિવ પાર્ટીએ વાયદો કર્યો હતો કે જો તેઓ સત્તામાં આવશે તો યુરોપિયન સંઘમાંથી બ્રિટન તરત જ બહાર નીકળી જશે.
બ્રિટનનાં ભારતીય મૂળનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલે બુધવારે રાત્રે કહ્યું હતું કે આવતા મહિને તેઓ યુરોપિયન સંઘમાંથી બહાર નીકળી જશે.
આનો અર્થ એ થયો કે હવે બ્રિટન કોઈ પણ દેશ સાથેના સંબંધો પોતાની ઇચ્છા અનુસાર જાળવી શકશે.
પરંતુ વિશ્લેષકો જણાવે છે કે આ વિચ્છેદન સરળ નહીં હોય. માનચેસ્ટર લેબર પાર્ટીના એક સમર્થક દિલબાગ તનેજા પ્રમાણે આ વિચ્છેદન બાદ એવી પરિસ્થિતિ સર્જાવાની છે જેવી વર્ષો સુધી ટકી રહેલાં લગ્ન બાદ છૂટાછેડા લેનાર દંપતીની થાય છે.
છૂટાછેડા બાદ બંનેને સમાનપણે એકલતાનો અનુભવ થશે. બ્રિટનને નવા મિત્રોની શોધ કરવી પડશે.
અમેરિકન રાષ્ટ્રપ્રતિ ડૉનાલ્ડ ટ્રમ્પે બ્રિટન સાથે ઘનિષ્ઠ વેપારી સંબંધોની વાત કરી છે.
બોરિસ જોન્સનના પ્રથમ પગલા તરીકે અમેરિકા સાથે વેપારી સંબંધો બનાવવા સામેલ હશે.
ભારત સાથે કેવા સંબંધ રહેશે
લેબર પાર્ટી સાથે લાંબા સમયથી જોડાયેલા લૉર્ડ મેઘનાદ દેસાઈ કહે છે કે ભારત અને બ્રિટન વચ્ચે સંબંધો મજબૂત છે અને હજી વધારે મજબૂત થઈ શકે છે.
બ્રિટનમાં વસી રહેલા ભારતીય મૂળના લોકોને લાગે છે બોરિસ જોન્સન બ્રેક્સિટ પછી પહેલો વિદેશ પ્રવાસ ભારતનો જ કરશે.
લંડનના એક દુકાનદાર ઈશ્વર પ્રધાનની ઇચ્છા છે કે બ્રિટનના વડા પ્રધાન સૌથી પ્રથમ ભારતની મુલાકાત કરે.
તેઓ કહે છે તેમને ભારત સાથે જૂનો સંબંધ છે. તેમના પહેલાં પત્ની ભારતીય હતાં. તેઓ લંડનના મેયરની હેસિયતથી ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે અને બુનિયાદી રીતે ભારતના હિમાયતી છે.
ભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક સંબંધ જરૂર છે પરંતુ તેમાં ઊંડાણની કમી દેખાય છે. જોશ પણ ક્યારેક જ જોવા મળે છે.
જો બેઉ દેશો વચ્ચે વેપારની વાત કરીએ તો ઘણાં વર્ષોથી તે 15-17 અબજ ડૉલરની આસપાસ રહે છે.
આવામાં બ્રિટન સાથે વેપાર સમજૂતી કરવામાં ભારતને કોઈ ખાસ લાભ નહીં થાય. આ સમયે બ્રિટનને ભારતની જરૂર છે નહીં કે ભારતને બ્રિટનની.
ભારતીય મૂળના વીરેન્દ્ર શર્મા લેબર પાર્ટીમાં છે અને પાંચ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેમના મતે ભારતીય મૂળના લોકો ભારત અને બ્રિટન વચ્ચે એક પુલની ભૂમિકા ભજવી શકે છે.
તેઓ કહે છે સત્તામાં ભલે કોઈ પણ પાર્ટી આવે, તેમને ભારત સાથે મજબૂત સંબંધ બનાવી રાખવો પડે. અમારા નેતા જેરમી કૉર્બિને જે સ્ટેન્ડ લીધું હતું તેને મેં પોતે રદ કર્યું હતું.
એમના મતે ભારત એક મોટું બજાર છે અને તેની સાથેની વેપારી સમજૂતી બેઉ દેશોના પક્ષમાં હશે.
ભારતની લગભગ 900 કંપનીઓએ કાં તો અહીં રોકાણ કર્યું છે અથવા તો ત્યાં ઑફિસો ખોલીને યુરોપમાં વેપાર કરે છે.
જલિયાંવાલ બાગ માટે માફી માગશે
શુક્રવારે આવેલા પરિણામો પછી અનેક ભારતીય મૂળના લોકો સાથે વાત કરતા એ સમજાયું કે ભારત અને બ્રિટન વચ્ચે વેપાર વધી શકે છે તેમજ ભારતીય યુવાનોને માટે અહીં નોકરીની તકો વધી શકે.
જોકે, આટલું બેઉ પક્ષ માટે પૂરતું નથી.
એક રેસ્ટોરાંના માલિક સુરજિત સિંહના મતે જો બોરિસ જોન્સને જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે ઔપચારિક રીતે માફી માગી લીધી તો તે બ્રિટન અને ભારતના સંબંધમાં નવો પ્રાણ ફૂંકી શકે છે.
લેબર પાર્ટીએ જલિયાંવાલા બાગ હત્યાકાંડ માટે ઔપચારિક રીતે માફી માગવાનું વચન આપ્યું હતું.. હવે બોરિસ જોન્સનની ભારે બહુમતીવાળી સરકાર એ વચન નિભાવી શકે છે.
બીજી તરફ પાકિસ્તાની મૂળના લોકો પણ એવું જ વિચારે છે કે બોરિસ જોન્સન ભારત સાથે સંબંધો મજબૂત કરવા પર ભાર મૂકશે. બીબીસીના સાજિદ ઇકબાલ અનુસાર બોરિસ અને મોદીની દોસ્તી બેઉ દેશોના સંબંધોમાં રંગ પૂરશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો