You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રિટનમાં ચૂંટણી, વડા પ્રધાન બૉરિસ જૉન્સનની કિસ્મત નક્કી થશે
બ્રિટનમાં ગુરુવારે ચૂંટણી યોજાઈ રહી છે, પાંચ વર્ષથી ઓછા સમયમાં ત્રીજી ચૂંટણી છે. ગત બે ચૂંટણી વર્ષ 2015માં અને વર્ષ 2017માં યોજાઈ હતી.
છેલ્લાં 100 વર્ષ દરમિયાન ડિસેમ્બર મહિનામાં યોજાઈ રહેલી આ પ્રથમ ચૂંટણી છે.
ઇંગ્લૅન્ડ, વૅલ્સ, સ્કૉટલૅન્ડ અને નૉર્ધન આયર્લૅન્ડની 650 બેઠકો પર સ્થાનિક સમયાનુસાર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું.
એક દિવસ બાદ જ પરિણામ
આ મતદાન રાતના 10 વાગ્યા સુધી ચાલશે અને એ બાદ તત્કાલ મતોની ગણતરી શરૂ થઈ જશે. શુક્રવારની સવાર સુધી મોટા ભાગનાં પરિણામો આવી જશે.
આ પહેલાં વર્ષ 2017માં ન્યૂ કૅસલ સૅન્ટ્રલનું પરિણામ સૌથી પહેલા આવ્યું હતું. એ વખતે અહીંનું પરિણામ મતદાનના લગભગ એક કલાક પહેલાં જ આવી ગયું હતું.
પારંપરિક રીતે બ્રિટનમાં દર ચાર કે પાંચ વર્ષે ચૂંટણી યોજાતી હોય છે. જોકે, ઑક્ટોબરમાં સાંસદોએ 12 ડિસેમ્બરે ચૂંટણી યોજવાના બૉરિસ જૉન્સનના પ્રસ્તાવને ઔપચારિક મતો થકી સમર્થન આપ્યું હતું.
વર્ષ 1974 બાદ પ્રથમ વખત શિયાળામાં ચૂંટણી યોજાઈ રહી છે. જ્યારે ડિસેમ્બર મહિનામાં વર્ષ 1923 બાદ પ્રથમ વખત અહીં દેશમાં ચૂંટણી યોજાઈ રહી છે.
બ્રિટન, કૉમનવેલ્થ કે આયર્લૅન્ડના 18 વર્ષ કે તેનાથી મોટી ઉંમરના નાગરિકો મતદાન કરી શકશે. આ અંગેની નોંધણી 26 નવેમ્બરે પૂર્ણ થઈ ગઈ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
મતદાન ક્યાં કરવું એ અંગેની સૂચના આયોગની વેબસાઇટ અને મતદારોને તેમનાં ઘરે મોકલાયેલાં પૉલિંગ-કાર્ડમાં પણ અપાઈ છે.
જોકે, પૉલિંગ-કાર્ડ વગર પણ લોકો પોતાની ઓળખ અને સરનામાનું પ્રમાણ આપીને મતદાન કરી શકે છે.
લોકોને મતપત્રમાં માત્ર એક જ ઉમેદવારને મતદાન કરવાનો અધિકાર છે. આ નિયમનો ઉલ્લંઘન કરનારી વ્યક્તિના મતપત્રને ગણતરીમાં લેવામાં નહીં આવે.
પોસ્ટલ બૅલટ થકી મતદાન કરનારા લાખો મતદારો
કેટલાય લોકો આ ચૂંટણી પહેલાં જ પોસ્ટલ બૅલટ થકી મતદાન કરી ચૂક્યા છે. બ્રિટિશ ચૂંટણીઓમાં બે વર્ષ પહેલાં પોસ્ટલ બૅલટનો ઉપયોગ કરનારા મતદારોની સંખ્યા 20 લાખ હતી.
જે લોકોએ પોસ્ટલ બૅલટ માટે આવેદન કર્યું હતું પણ હજી સુધી તેને પરત નથી મોકલી શક્યા તેમણે રાતના દસ વાગ્યા સુધીમાં આવું કરવાનું રહેશે. મતદારો વૈકલ્પિક રૂપે તેને પોતાના સ્થાનિક મતદાનકેન્દ્રમાં સોંપી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો