માનસિક બીમારી સામે ઝઝૂમતી એક યુવતીની દિલચસ્પ કહાણી

ઇમેજ સ્રોત, BBC three
- લેેખક, મેગી વેન ઇઝ્ક
- પદ, બીબીસી થ્રી
મારી નવજાત બાળકીને મળવાનું મારા માટે કોઈ સેલિબ્રિટીને મળવા જેવું હતું. હું તેને મળવાનું લાંબા સમયથી વિચારી રહી હતી. મને એવું લાગ્યું હતું કે હું તેને પહેલાંથી જ જાણું છું.
મેં તેની નજરમાં નજર પણ મેળવી ન હતી અને મને તેની સાથે પ્રેમ થઈ ગયો હતો.
એ સમયે હું એટલું જ જાણતી હતી કે હું તેની સલામતીના દરેક સંભવીત પ્રયાસ કરીશ. જોકે, એ બધું હું મારા પોતાના માટે કેમ કરીશ, તેની મને ત્યારે ખબર ન હતી.
2018ના શિયાળામાં મને ખબર પડી હતી કે હું ગર્ભવતી છું. હું અને મારો બૉયફ્રેન્ડ આશ્ચર્યચકિત હતાં. એ સમાચાર અમારા માટે એક જોરદાર ઝટકા સમાન હતા.
અમે બન્ને એક વર્ષથી પણ ઓછા સમયથી રિલેશનશીપમાં હતાં. અમે સાથે રહેતાં ન હતાં અને હું મારી આજીવિકા મુશ્કેલીથી રળી શકતી હતી.
આ બધા ઉપરાંત એક અન્ય સમસ્યા પણ હતી. હું છેલ્લાં બે વર્ષથી માનસિક બીમારી સામે ઝઝૂમતી હતી.
પ્રેગ્નન્સી વિશે સાંભળ્યા પછી હું તથા મારો બૉયફ્રેન્ડ થોડા સ્વસ્થ થયાં ત્યારે અમે બાળકને જન્મ આપવાનો નિર્ણય કર્યો હતો.
અલબત, એ વખતે અમે માબાપ બનવા વિશે કશું વિચાર્યું ન હતું, પણ અમને બન્નેને બાળકો ગમતાં હતાં અને અમે પરિવાર બનાવવા ઇચ્છતાં હતાં. એટલે મેં થોડા ડર, ઉત્સુકતા અને અસહજતા સાથે મા બનવાની યાત્રા શરુ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

બોર્ડલિન પર્સનાલિટી ડિસોર્ડર

ઇમેજ સ્રોત, BBC three
હું 26 વર્ષની હતી ત્યારે મને મારી બીમારી બોર્ડલિન પર્સનાલિટી ડિસોર્ડર (બીપીડી) વિશે ખબર પડી હતી.
બીપીડીને ભાવનાત્મક સ્વરૂપે અસ્થિર વ્યક્તિત્વ વિકાર (ઇમોશનલ ઇનસ્ટેબલ પર્સનાલિટી ડિસોર્ડર) પણ કહેવામાં આવે છે.
બહારથી હું બહુ શાંત દેખાઉં છું, પણ મારા દિમાગના કેટલાય હિસ્સાઓમાં ભાવનાત્મક લડાઈ ચાલતી રહે છે.
મારી જિંદગીમાં જે કંઈ સારું કે ખરાબ થાય છે - જેમ કે હું એક યોગ્ય યુવાનને મળું કે મને મનવાંચ્છિત નોકરી મળે તો મને નકારાત્મક વિચારો આવવા લાગે છે.
એવા વિચાર આવે છે કે હું આ બધાને પાત્ર નથી અથવા આ બધું એટલું સારું પણ નથી. તેથી ખુદને બેવકૂફ ન બનાવો.
જે વર્ષે મને બીપીડીની ખબર પડી એ વર્ષે મારું યૌન શોષણ પણ થયું હતું. હું 15 વર્ષની વયથી મારી જાતને નુકસાન પહોંચાડતી રહી હતી અને યૌન શોષણ થયા પછી હું ખુદને બચકાં ભરવા લાગી હતી.
એ ખરાબ સ્મૃતિને ભૂલવા માટે મેં કેઝ્યુઅલ સેક્સ માણવાનું, વધારે પ્રમાણમાં દારુ પીવાનું શરૂ કરી દીધું હતું. કોઈ પ્રોફેશનલની મદદ લેવાનું હું નકારતી રહી હતી.

ઉતાર-ચડાવના અનુભવ

ઇમેજ સ્રોત, BBC three
મારું શરીર મારી શરમને બહાર કાઢવાનો કૅન્વાસ બની ગયું, કારણ કે આ શરીર એક નવા જીવને જન્મ આપવાનો વિચાર એક ઝટકા જેવો હતો.
હું પહેલીવાર મારા પ્રેમીને મળી ત્યારે તેની સાથે પુરુષો પ્રત્યેની મારી નફરત વિશે મજાક કરતી હતી.
આવી બાબતોને મજાકનું સ્વરૂપ આપીને હું ખુદને સંભાળવાના પ્રયાસ કરતી હતી.
તેણે આખરે મને પૂછી લીધું કે પુરુષો પ્રત્યેની મારી આટલી કડવાશનું કારણ શું છે? આ સવાલ સાંભળતાનીં સાથે મારી અંદર કશુંક તૂટી ગયું અને મેં તેને મારી સાથે બનેલી એ ઘટના વિશે જણાવ્યું. મને ખબર હતી કે હું તેના પર ભરોસો કરી શકું છું અને એ અદભૂત અનુભૂતિ હતી.
મારી ગર્ભાવસ્થા આગળ વધી તેમ-તેમ મને ખરા ઉતાર-ચડાવના અનુભવ થયા હતા. ઘણીવાર હું બહુ ખુશ રહેતી હતી.
મારા બૉયફ્રેન્ડે મને પારાવાર પ્રેમ આપ્યો હતો. મારું ધ્યાન રાખ્યું હતું. મારા બદલતા મૂડ સાથે તેણે તાલમેલ સાધ્યો હતો, પણ ખરાબ દિવસોમાં જાણે કે બધું બગડી ગયું હતું.
તેનું કારણ હતું મારા સહકર્મચારીએ કરેલી એક વાત. તેણે માત્ર એટલું જ કહ્યું હતું કે મારો બેબી બમ્પ (ગર્ભાવસ્થાને લીધે ઉપસેલું પેટ) બહુ નાનો છે. આ સાંભળીને હું બાથરૂમમાં જઈને રડવા લાગી હતી.
હું વિચારવા લાગી હતી કે શું મારું શરીર બાળકને સલામત રાખી નહીં શકે? શું આ ખરાબ મા બનવાની એક નિશાની છે?
આ વાત બેવકૂફીભરી લાગી શકે છે, પણ મારું દિમાગ સામાન્ય રીતે વિચારવા ટેવાયેલું નથી.
હું આ જ વાતોમાં ફસાઈ ગઈ અને લોકોને કહેવા લાગી કે મારી સાથે શું થઈ રહ્યું છે. મેં જોશીલી, ઉત્સાહિત અને ખુશખુશાલ મા બનવાનું વિચાર્યું હતું, પણ એવી મા હું બની શકી નહીં એ વાતની મને શરમ આવવા લાગી હતી.
લગભગ છ મહિના પછી મારી હાલત બદથી બદતર થઈ ગઈ હતી. મિડવાઈફ સાથે હોય ત્યારે કાં તો હું ગૂંગળામણનો અનુભવ કરતી હતી અથવા મારી તમામ ચિંતા ખતમ કરી નાખતી હતી.

માનસિક સ્વાસ્થ્ય માટે ઝઝૂમતી સ્ત્રીઓ
પ્રેગ્નેન્ટ થયાના ત્રણ મહિના પછીથી જ મેં એક કાઉન્સેલરને પાસે જવાનું શરૂ કરી દીધું હતું.
મને એમ હતું કે મારો બૉયફ્રેન્ડ મને એ જણાવશે કે મારી બીમારીની તેના પર કેવી અસર થાય છે? તેને મારી કેટલી ચિંતા છે અને મને તેની કેટલી વધારે જરૂર છે?
મારા જેવી માતાઓ જ ગર્ભધારણ અને પ્રસવ પછી માનસિક સ્વાસ્થ્ય સંબંધી મુશ્કેલીઓનો સામનો કરતી હોય છે એવું નથી.
બીબીસી લાઇવ-ફાઇવના 2017ના એક સર્વેક્ષણ અનુસાર, પહેલીવાર માતા બનેલી એક તૃતિયાંશ સ્ત્રીઓ માતૃત્વ સંબંધી સમસ્યાઓનો સામનો કરતી હોય છે.
જોકે, મેં મારા પાર્ટનરની મદદ લીધી કે તરત બધું બદલાઈ ગયું હતું. મેં લોકો સાથે હળવામળવાનું, મારી આસપાસ એક સપોર્ટ નેટવર્ક બનાવવાનું અને મારી જેવી બીજી માતાઓને મળવાનું શરૂ કરી દીધું હતું.
ગર્ભાવસ્થાના બાકીના દિવસો બહુ આસાન ન હતા, પણ તે પસાર કરી શકાય તેવા હતા.
પ્રસવ પછીના શરૂઆતના કેટલાંક અઠવાડિયાં અત્યંત લાગણીભર્યાં હતાં. હું બહુ ઓછું ઊંઘી શકતી હતી, કારણ કે મારી દીકરી બરાબર શ્વાસ લઈ રહી છે કે નહીં એ મારે જોવું હતું.
અમે હૉસ્પિટલથી ટેક્સીમાં ઘરે આવ્યાં હતાં અને જ્યારે પણ ટેક્સી ઊછળતી ત્યારે મને મારી દીકરી પર જીવના જોખમ જેવું લાગતું હતું.
દીકરી માટે નાની-નાની બાબતોનું જેમ કે તેને દૂઘ પીવડાવવાનું, તેના રૂમનું ટેમ્પરેચર યોગ્ય રાખવાનું, તેને ઘોડિયામાં જરાય ગૂંગળામણ ન થાય તેનું ધ્યાન રાખવું પડતું હતું.
દીકરી માટે થતી ચિંતાને દૂર કરવાની યોગ્ય એક જ રીત તેની સાથે 24 કલાક રહેવાની હતી.

ખુદમાં પ્રેમની અનુભૂતિ
મારા અને મારી દીકરી વચ્ચે ધીમે-ધીમે આકર્ષણ વધવા લાગ્યું હતું. દીકરી જીવતી રહેશે કે કેમ એ બાબતે વધારે પડતું ગભરાવાનું છોડીને મેં તેને જાણવાનું શરૂ કર્યું હતું - ખાસ કરીને એ લાંબી રાતોમાં, જ્યારે અમે બન્ને જાગતા રહેતા હતા.
માતૃત્વના દિવસોમાં અનુભવાતી એકલતાને દૂર કરવા માટે મેં ઘરની બહાર નીકળવાના કારણો શોધી કાઢ્યાં હતાં. હું પ્લેગ્રૂપમાં જતી, સુપર માર્કેટમાં જતી અને પાર્કમાં આંટો મારવા જતી હતી.
મા બન્યા પહેલાંની ચિંતાને કારણે હું ઘરમાં જ રહેતી હતી, પણ હવે માતૃત્વએ મને બહારની દુનિયા જોવાની પ્રેરણા આપી હતી.
ધીમે-ધીમે મેં નવા દોસ્ત બનાવ્યા. તેમાં રોઝી અને મરીયમ ખાસ હતાં. એમને હું ઇન્સ્ટાગ્રામ પર મળી હતી.
મારા બૉયફ્રેન્ડ સાથેનો મારો સંબંધ પણ વધારે મજબૂત થતો ગયો હતો. અમે એક મજબૂત ટીમ બની ગયાં હતાં, પણ ક્યારેક બન્ને જણાં બહુ થાકેલાં હોય ત્યારે કોઈ જીભાજોડીને રોકવાનું મુશ્કેલ બની જાય છે.
એકવાર પાર્કમાં કોઈ નાનકડી વાતમાં અમારી વચ્ચે ઝઘડો થયો હતો અને હું બરાડા પાડીને ત્યાંથી ચાલી ગઈ હતી. દીકરીને તેની પાસે જ છોડી દીધી હતી.
થોડીવાર પછી મને લાગ્યું કે કોઈ મારી પાછળ આવી રહ્યું છે. પાછળ ફરીને જોયું તો એ બૉયફ્રેન્ડ હતો.
તેણે કહ્યું કે તું નેપીવાળી બૅગ લઈને ચાલી નીકળી છો. આ સાંભળીને અમે બન્ને હસી પડ્યાં હતાં. અમારી નવી દુનિયા કેટલી મનોરંજક છે. અમે બન્ને ઝઘડો ભૂલી ગયાં હતાં.
મેં આ લખ્યું ત્યારે હું મા બની તેને વધુ સમય થયો ન હતો. (પ્રસવના 10 મહિના બાદ આ લખ્યું હતું) હું એટલું જરૂર કહી શકું કે મને જે અશક્ય લાગતું હતું એ રીતે મને જીવનને જોવાનું મને પોતાને તેણે શીખવ્યું છે.
હવે વધારે ચીજોની ચિંતા છે, કારણ કે મારો પોતાનો એક પરિવાર છે. માનસિક બીમારીના દર્દીઓ ઝડપથી સાજા થતા નથી એવું મેં જાણ્યું હતું. તેમાં લવચિકતા હોય છે અને તમારી જિંદગી સાથે એ પણ બદલાઈ જતી હોય છે.
એક સમય એવો હતો જ્યારે મારી બીમારી મારું વ્યક્તિત્વ, મારી ઓળખ બની ગઈ હતી, પણ માતૃત્વએ મને શીખવાડ્યું કે તમે બદલશો, તમે સ્વીકારશો અને ખુદમાં વિશ્વાસ રાખશો.
મારી દીકરીને પ્રેમ કરતાં-કરતાં મેં મારી જાતને એક નવા પ્રકાશમાં નિહાળી છે. હવે હું ખુદને નુકસાન કરતી, જખમ ભરેલી સ્ત્રી નથી. હું એક કાબેલ વ્યક્તિ છું, જેની પાસે આપવા માટે પુષ્કળ પ્રેમ છે. એ બધાની ઉપર હું એક મા છું.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












