IMF દ્વારા ભારતના વિકાસ દરનું અનુમાન ઘટાડાયું, મોદી સરકાર માટે વધુ એક ઝટકો

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (આઇએમએફ)ના જણાવ્યા પ્રમાણે એક દાયકા પહેલાં આવેલા નાણાકીય સંકટ બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થા અત્યાર સુધીની સૌથી ધીમી ગતિથી આગળ વધી રહી છે.

આઈએમએફે કહ્યું કે આ વખતે વૈશ્વિક વિકાસદર માત્ર 3 ટકા જ રહેશે.

જ્યારે ભારત અંગે આઈએમએફનું અનુમાન છે કે વર્તમાન નાણાકીય વર્ષમાં વિકાસદર 6.1 ટકા જ રહેશે.

આ પહેલાં આ જ વર્ષે એપ્રિલમાં આઈએમએફે ભારતનો વિકાસદર 7.3 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું હતું.

આ વર્ષે જુલાઈમાં વર્તમાન નાણાકીય વર્ષ માટે ભારતની આર્થિક વૃદ્ધિ 7 ટકાના દરે થશે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું.

વૈશ્વિક આર્થિક મંદીની ભારત પર અસર

આઈએમએફે વર્લ્ડ ઇકોનૉમિક આઉટલુકના પોતાના તાજા રિપોર્ટમાં ભારતના આર્થિક વૃદ્ધિ દરમાં કાપ મૂકતાં 2019-20 માટે તેને ઘટાડીને 6.1 ટકા કરી દીધો છે.

જોકે, આઈએમએફે 2020-21ના વર્ષ માટે આ દરમાં સુધારો થવાની આશા વ્યક્ત કરી છે.

આઈએમએફનાં મુખ્ય અર્થશાસ્ત્રી ગીતા ગોપીનાથે મંગળવારે એક પત્રકાર પરિષદમાં કહ્યું, "2020માં દેશનો આર્થિક વિકાસદર થોડો વધીને 7 ટકા સુધી પહોંચે તેવી આશા છે."

આઈએમએફે પોતાના રિપોર્ટમાં કહ્યું, "કેટલીક બૅંકિગ સિવાયની સંસ્થાઓની કમજોરી અને ગ્રાહકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગોની લૉન લેવાની ક્ષમતા પર પડેલી નકારાત્મક અસરને કારણે આર્થિક વિકાસદરના અનુમાનમાં કમી આવી છે."

તેમનું કહેવું હતું કે ભારત સરકાર અર્થવ્યવસ્થામાં સુધારો લાવવા માટે કામ કરી રહી છે, પરંતુ ભારતે પોતાની રાજકોષીય ખાધ પર નિયંત્રણ લાવવું પડશે.

આઈએમએફના કહેવા પ્રમાણે ઘરેલું માંગ અપેક્ષાથી પણ કમજોર રહી તે પણ સતત ઘટતા જતા વિકાસદરનું એક કારણ છે.

આઈએમએફે અનુમાન કર્યું છે કે વર્તમાન વર્ષમાં ચીનનો આર્થિક વિકાસ દર 6.1 અને 2020ના વર્ષમાં તે 5.8 ટકા રહેશે.

2018માં ચીનનો આર્થિક વિકાસદર 6.6 ટકા હતો.

વૈશ્વિક વિકાસદરમાં પણ ઘટાડો

આઈએમએફ અનુસાર વૈશ્વિક વિકાસ દર આ વર્ષે માત્ર 3 ટકા રહેશે પરંતુ 2020માં 3.4 પહોંચવાની આશા છે.

આઈએમએફે એમ પણ કહ્યું, "વૈશ્વિક અર્થવ્યવસ્થા સુસ્તીના ગાળામાં છે અને અમે 2019ના વિકાસદરને ફરી એકવાર ઘટાડીને 3 ટકા સુધી લઈ જઈ રહ્યા છીએ. જે એક દાયકા પહેલાં આવેલી મંદી બાદ સૌથી ઓછો છે."

આ જુલાઈ અને વૈશ્વિક વિકાસદરના અનુમાનથી પણ ઓછો છે. જુલાઈમાં આ 3.2 ટકા દર્શાવાયો હતો.

આઈએમએફે કહ્યું, "આર્થિક વિકાસદરમાં આવેલો ઘટાડા પાછળ ઉત્પાદન ક્ષેત્ર અને વૈશ્વિક વેપારમાં થયેલો ઘટાડો છે. આયાત કરોમાં થયેલો વધારો અને ઉત્પાદનની માગ મોટાં કારણો છે."

દુનિયાના અનેક દેશો પર કરશે અસર?

આઈએમએફનું માનવું છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં આવેલી સુસ્તીને કારણે આ વર્ષે દુનિયાના 90 ટકા દેશોમાં વિકાસદર ઓછો રહેશે.

આઈએમએફે કહ્યું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં 2020માં તેજી આવી શકે છે. જોકે, આઈએમએફે કેટલાક ખતરાઓની પણ ચેતવણી આપી છે.

આ વૃદ્ધિ ભારતમાં આર્થિક સુધારા પર નિર્ભર હોવાની સાથે સાથે વર્તમાનમાં ગંભીર સંકટનો સામનો કરી રહેલી આર્જેન્ટીના, તુર્કી અને ઈરાનની અર્થવ્યવસ્થા પર પણ નિર્ભર કરે છે.

આઈએમએફે કહ્યું, "આ સમયે કોઈ પણ પ્રકારની ખોટી નીતિ જેવી કે નો-ડીલ બ્રેક્સિટ અથવા વેપાર વિવાદોને વધારે ગૂંચવવા, વિકાસ અને રોજગારી માટે ગંભીર સમસ્યા પેદા કરી શકે છે."

આઈએમએફના અનુસાર અનેક મામલામાં મોટી પ્રાથમિકતા અનિશ્ચિતતા અથવા વિકાસ માટે ખતરા દૂર કરવાની છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો