વિજય રૂપાણી જે દેશમાં ગયા છે ત્યાંના લોકોનો તાજમહેલ પર દાવો કેમ કરે છે?

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણી હાલ ઉઝ્બેકિસ્તાનના પ્રવાસે છે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમમાં ભાગ લેવાના છે.

રૂપાણીએ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં સરદાર વલ્લભભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

આ ઉપરાંત મુખ્ય મંત્રીએ અહીં શારદા યુનિવર્સિટીના કૅમ્પસને પણ ખુલ્લું મૂક્યું હતું.

ઉઝ્બેકિસ્તાનનું ભારત સાથે વર્ષો જૂનું કનેક્શન છે અને છે મુગલ શાસકો. ભારતમાં સ્થાયેલા મુગલ શાસનની કડીઓ ઉઝ્બેકિસ્તાન સાથે જોડાયેલી છે.

ભારતમાં વિશાળ મુગલ શાસનનો પાયો નાખર બાબરનો જન્મ ઉઝ્બેકિસ્તાનના અંદિજાન શહેરમાં થયો હતો.

આ જ શહેરમાં ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ કર્યુ છે.

પરંતુ આ દેશના લોકો ભારતના તાજમહેલ પર કેમ દાવો કરે છે? વાંચો બીબીસી સંવાદદાતા ઝુબૈર અહેમદનો તાજમહેલ પરનો અહેવાલ.

તાજમહેલ પર ઉઝ્બેક લોકોનો દાવો

તાજમહેલ કોનો છે? હિંદુઓનો, મુસલમાનોનો કે પછી જેણે બનાવ્યો હતો એ મજૂરોનો? કે પછી દુનિયાભરના એ લોકોનો, જે આ સફેદ ઇમારત પર ફિદા છે.

આગ્રાની એક અદાલતમાં હિંદુ સમુદાયના કેટલાક લોકોના આ દાવા પર સુનાવણી ચાલી રહી છે કે તાજમહેલ પહેલાં એક મંદિર હતું.

બીજી તરફ, એક સામાન્ય ભારતીય મુસ્લિમ પોતાના મનમાં ગર્વથી વિચારે છે કે તાજમહેલ મુસ્લિમોનો છે.

તાજમહેલની બહાર એક મોટી વિશાળ વસાહત છે. ત્યાં એ મજૂરોના વંશજો રહે છે, જેમણે તાજમહેલ પોતાના હાથે બનાવ્યો હતો.

'તાજમહેલ એક તીર્થ સમાન'

શાહજહાંએ આ મજૂરોને ઈરાનથી બોલાવ્યા હતા જેઓ તાજમહેલ બનાવ્યા બાદ ઈરાન પરત ગયા નહીં.

તેમને એ વાતનું ગર્વ છે કે તાજમહેલ તેમના પૂર્વજોની કમાલ છે, જેના પર પહેલો હક તેમનો છે.

તાજમહેલ એક આંતરરાષ્ટ્રીય ધરોહર છે તેથી તેના પર કોઈ એક ચોક્કસ ધર્મ કે સમુદાયનો દાવો થઈ શકે નહીં, પરંતુ ભારત બહાર એક દેશ છે, જ્યાંના લોકો તાજમહેલ પર હકથી દાવો કરી શકે છે.

આ દેશ છે ઉઝ્બેકિસ્તાન.

ચાર વખત તાજમહેલ જોઈ ચૂકેલાં એક ઉઝ્બેક મહિલાએ મને કહ્યું, "ઉઝ્બેકિસ્તાનના લોકો માટે તાજમહેલ એક તીર્થ સમાન છે. આ એક આધ્યાત્મિક યાત્રા છે."

તેમણે જણાવ્યું, "ઉઝ્બેકિસ્તાનના લોકોને એ વાત પર ગર્વ છે કે તાજમહેલ બનાવનારા મુઘલ હતા જેઓ ઉઝ્બેકિસ્તાનના ફરગણા વિસ્તારમાંથી ભારત આવ્યા હતા."

મને એવી ખબર ન હતી કે ઉઝ્બેકિસ્તાનનાં લોકોને તાજમહેલ પર ગર્વ હશે.

મરતાં પહેલાં તાજ જોવાની ઇચ્છા

મને એ પણ જાણવા મળ્યું કે ઉઝ્બેકિસ્તાનના વૃદ્ધ લોકોની અંતિમ ઇચ્છા મરતાં પહેલાં એક વખત તાજ જોવાની હોય છે.

તેમણે એવું પણ કહ્યું કે ઉઝ્બેકિસ્તાનથી જ્યારે કોઈ ભારત આવે છે, તો તેને કહેવામાં આવે છે કે તાજમહેલ જરૂર જજો.

જો કોઈ ભારતથી ત્યાં જાય તો તેમને પૂછવામાં આવે છે કે તેમણે તાજની મુલાકાત લીધી કે નહીં? લાલકિલ્લો જોયો?

હું ઉઝ્બેકિસ્તાન ગયો ત્યારે લોકોએ મને વારંવાર સવાલ કર્યા હતા કે શું મેં તાજમહેલ જોયો છે? શું મેં બાબરનાા વાંચ્યું છે?

કુતુબમિનાર વિશે કોઈ પૂછતું નથી. જો તમે કોઈ ઉઝ્બેકના ઘરે જાઓ તો લગભગ દરેક ઘરમાં ટેબલ પર તમને નાનો તાજમહેલ અને બાબરનામા ચોક્કસ મળશે.

તાજમહેલ દરેકને પોતાનો લાગે છે

તાજમહેલ બન્યા બાદ તેની લોકપ્રિયતા ઝડપથી વધવા લાગી હતી. તેના કિસ્સા દૂર દૂર સુધી પહોંચવા લાગ્યા હતા.

કદાચ તેને જોઈને દરેકને એવું લાગતું હતું કે તાજમહેલ એમનો છે. તે બન્યાનાં લગભગ 20 વર્ષ બાદ ફ્રાન્સના એક મુસાફર ફ્રાન્શુઆ બર્નિઅર ભારત આવ્યા હતા.

તેમણે જ પહેલી વખત કહ્યું હતું કે દુનિયાની અજાયબીઓમાં ઇજિપ્તના પિરામિડ કરતાં તાજમહેલની ગણતરી વધારે થવી જોઈએ.

તાજમહેલથી પ્રભાવિત થઈને તેમણે કહ્યું હતું કે તેમને આ ઇમારત સાથે પ્રેમ થઈ ગયો છે.

ભાવનાત્મક રીતે હોય કે ધાર્મિક રીતે કે પછી રોમેન્ટિક દૃષ્ટિકોણથી આ સ્મારક કોઈ ને કોઈ સ્તર પર દરેકને પોતાનું લાગે છે અને તાજમહેલની આ જ ખૂબી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો