ઑસ્ટ્રિયાના વિએનામાં સૅલ્ફી માટે મ્યુઝિયમ શરૂ કરાયું, કેવું છે આ મ્યુઝિયમ

ઑસ્ટ્રિયાના વિએનામાં ઇન્સ્ટાગ્રામ-ફ્રેન્ડલી સૅલ્ફી મ્યુઝિયમ શરૂ થયું છે. ઇન્ટરૅક્ટિવ સ્પેસ ધરાવતા આ મ્યુઝિયમમાં યુવાનોને અનોખી સૅલ્ફી લેવાની ઘણી તકો મળશે.

ચમકદાર દીવાલો અને મસમોટા ઑબ્જેક્ટથી બનેલા આ મ્યુઝિયમમાં એક પરફેક્ટ સૅલ્ફી લેવા માટે જરૂરી બધી જ વસ્તુઓ છે.

નોફિલ્ટર મ્યુઝિયમનાં કૉ-ક્રિયેટર પેટ્રા સ્કેરિંજરે આ અંગે કહ્યું હતું કે, "મ્યુઝિયમમાં આવતા લોકોની સંખ્યા સતત ઘટી રહી હતી, તેથી અમે આ ઘટાડાનો સામનો સોશિયલ મીડિયા મારફતે કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

"આજના યુવાનોને વાસ્તવિક વિશ્વમાં રહેવા કરતાં ઑનલાઇન પ્લૅટફૉર્મ પર ઍક્ટિવ રહેવામાં વધારે રસ હોય છે."

સોશિયલ મીડિયા સાઇટ્સના મોટા ભાગના યૂઝર્સ યુવાનો જ છે. યુકેમાં 10માંથી 9 યુવાનો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વૉટ્સઍપ જેવી સોશિયલ મીડિયા સાઇટનો ઉપયોગ કરે છે.

આ મ્યુઝિયમ છ મહિના સુધી વિએનામાં ખુલ્લું મુકાશે. ત્યાર બાદ તેને અન્ય શહેરોમાં પણ લઈ જવાય તેવી શક્યતા છે.

મિસ સ્કેરિંજરે આ મ્યુઝિયમ વિશે વધુ જણાવતાં કહ્યું હતું કે આ મ્યુઝિયમમાં ઘણી ઇન્ટરૅક્ટિવ સ્પેસ છે જે લોકોને જીવનની અદભુત મજા માણવાની તક આપશે.

આ મ્યુઝિયમમાં કુલ 24 રૂમ છે. મુલાકાતીઓ આ રૂમમાં જઈને તેમની રંગબેરંગી દીવાલો સામે ઊભા રહીને તેમનાં કપડાં સાથે મેચ થાય તેવા બેકગ્રાઉન્ડવાળી સૅલ્ફી લઈ શકશે.

આ મ્યુઝિયમમાં કેટલાક રૂમને ક્રિયેટિવ સૅલ્ફી લેવા માટે બૉલ પિટ, ફ્લોરલ વૉલ અને રંગબેરંગી કાગળથી સજાવવામાં આવ્યા છે.

તેમજ એક રૂમમાં તો ફેક ફૂડ-આઇટમ જેમ કે, કપકેક અને બિસ્કિટ પણ મુકાયા છે.

આ સાથે જ નોફિલ્ટર મ્યુઝિયમનો સમાવેશ એવી કેટલીક સંસ્થાઓમાં થઈ ગયો છે, જેમની શરૂઆત સોશિયલ મીડિયા યૂઝર્સને ધ્યાનમાં રાખીને કરાઈ છે.

ઘણા સોશિયલ મીડિયા સ્ટાર્સે તો આ મ્યુઝિયમમાં શૂટિંગ માટે આવવાની ઇચ્છા પણ વ્યક્ત કરી છે.

યુએસમાં આવેલું આઇસક્રીમ મ્યુઝિયમ ઇન્સ્ટાગ્રામ સ્ટાર્સની મદદથી ખૂબ જ લોકપ્રિય પણ બની ગયું છે.

આ મ્યુઝિયમના પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 3,90,000 કરતાં વધારે ફૉલૉઅર થઈ ગયા છે.

એટલું જ નહીં વૉલ સ્ટ્રીટ જર્નલે તો આ મ્યુઝિયમની કિંમત 200 મિલિયન ડૉલર હોવાનું જણાવ્યું હતું.

અન્ય સોશિયલ મીડિયા-ફૅન્ડલી મ્યુઝિયમની સફળતાને જોતાં મિસ સ્કેરિંજરે આ મ્યુઝિયમમાં દરરોજ 300-500 મુલાકાતીઓ આવશે એવી શક્યતા વ્યક્ત કરી છે.

તેમણે આ મ્યુઝિયમની વિશેષતાઓ વિશે વાત કરતાં કહ્યું કે, "આ મ્યુઝિયમ માત્ર સારી સૅલ્ફી લેવા માટે જ મહત્ત્વપૂર્ણ છે એવું નથી, પરંતુ લોકો અહીં આવીને જીવનની કેટલીક સારી પળો માણી શકશે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો