અરુણ જેટલી : એક ચાણક્યની મોટી મસ જગ્યા ખાલી થઈ ગઈ - દૃષ્ટિકોણ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ડૉ. જયનારાયણ વ્યાસ
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઇ.સ. 1990નું વર્ષ લગભગ તેના અંત તરફ જઈ રહ્યું હતું. વિધાનસભામાં મારી આ પહેલી ટર્મ હતી. ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ ગુજરાતનું ગાડું ગબડી રહ્યું હતું.
સરકારી અધિકારીમાંથી ધારાસભ્ય બનવા પાછળનું મારું ધ્યેય વતન સિદ્ધપુર અને ઉત્તર ગુજરાતની સેવા કરવાનું હતું.
તેવા સમયે એક દિવસ હાલમાં ગુજરાત સરકારના એડવૉકેટ જનરલ અને તે સમયે મારા મિત્ર કમલભાઈ ત્રિવેદીની કૅબિનમાં મારી મુલાકાત એક વ્યક્તિ સાથે થઈ.
આકર્ષક વ્યક્તિત્વ, છટાદાર અંગ્રેજી અને હિન્દી અને કંઈક અંશે અધિકારપૂર્ણ કહી શકાય તેવા આત્મવિશ્વાસથી છલકતી ભાષા બોલતી એક વ્યક્તિ સાથે કમલભાઈએ મારો પરિચય કરાવ્યો:
"અરુણ, યે હમારે દોસ્ત ઔર આપ કી પાર્ટી કે વિધાયક શ્રી જયનારાયણ વ્યાસ હૈ."

ઇમેજ સ્રોત, Getty Images
મારી અરુણ જેટલી સાથેની આ પ્રથમ મુલાકાત. એ સમયે ભારતીય જનતા પાર્ટી હજુ ઊગું-ઊગું કરી રહી હતી.
અરુણ જેટલીથી હું સાવ અજાણ હતો એવું પણ નહોતું.
ભાજપમાં જોડાયો તે પહેલાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે વિદ્યાર્થીકાળથી મારો નાતો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અરુણ જેટલી નામની આ વ્યક્તિ દિલ્હી યુનિવર્સિટીના રાજકારણમાં નેતૃત્વ કરી રહી હતી.
1974માં એ દિલ્હી યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ અને ત્યાર બાદ ઇંદિરા ગાંધી દ્વારા લદાયેલી કટોકટી સમયે જેલવાસ ભોગવનાર પ્રતિભા હતી એ ખ્યાલ હતો.

ઇમેજ સ્રોત, Getty Images
1980થી આ માણસ ભાજપમાં જોડાયો હતો પણ એ જમાનો હજુ અટલ બિહારી વાજપેયી, અડવાણીજી, ડૉ. મુરલી મનોહર જોશી કે પછી મદનલાલ ખુરાના જેવા નેતાઓનો હતો.
અરુણ જેટલી ભાજપના નભોમંડળમાં ઉદિત જરૂર થઈ રહ્યા હતા, પણ એમની ખ્યાતિ જામવાને હજુ વાર હતી.
મોટા ભાગે તો તેઓ એક વકીલ તરીકે વધુ ખ્યાત હતા અને એટલે જ કમલ ત્રિવેદીના મિત્ર હતા.
આ વ્યક્તિ ભારતીય જનતા પાર્ટીમાં ઝડપથી આગળ વધી રહી હતી.
તેઓ વાજપેયીના મંત્રી મંડળમાં શરૂઆતમાં રાજ્યકક્ષાના મંત્રી તરીકે અને રામ જેઠમલમાણીના રાજીનામા બાદ 2000ની સાલમાં કાયદો, ન્યાય અને કંપની બાબતોના કૅબિનેટ મંત્રી બન્યા.

ઇમેજ સ્રોત, Getty Images
2002માં ભારતીય જનતા પાર્ટીમાં રાષ્ટ્રીય મહામંત્રી જેવા સંગઠનના ઉચ્ચ હોદ્દે તેમની નિમણૂક થઈ, પણ એ જમાનો પ્રમોદ મહાજન અને સુષમા સ્વરાજનો હતો.
આ કારણથી કદાચ 3 મે 2006ના રોજ પ્રમોદ મહાજનનું આકસ્મિક અવસાન થયું, ત્યાર સુધી અરુણ જેટલીની આભા આટલી નીખરી નહોતી.
પ્રમોદ મહાજનનું મોહક વ્યક્તિત્વ, અટલજી સાથેની નિકટતા તેમજ બધાં જ રાજકીય પક્ષોના અગ્રણીઓ અને ખાસ કરીને દેશના ઉદ્યોગપતિઓ સાથેનો ઘરોબો તેમને સાહજિક રીતે જ અરુણ જેટલીથી આગળ મૂકી દેતો હતો.
આ કારણથી જ ગુજરાતમાં પણ જ્યારે કેશુભાઈ સરકાર સામે શંકરસિંહના બળવાને કારણે કટોકટી ઉભી થઈ ત્યારે અટલજીના વિશ્વાસુ તરીકે પ્રમોદ મહાજન અને વૈંકેયા નાયડુએ ગાંધીનગરમાં ધામા નાખી આ કટોકટી ઉકેલવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
પણ પક્ષમાં પ્રમોદ મહાજનના નિધન બાદ જે શૂન્યાવકાશ ઉભો થયો તેણે 2006 બાદ અરુણ જેટલીને પક્ષના સંકટમોચક અને અટલ- અડવાણીના વિશ્વાસુ નેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા.
હવે પછીનો સમય અરુણ જેટલી માટે રાજકીય ક્ષિતિજે ઝડપથી નિખરવાનો કાળ હતો.
2002ની ગુજરાતની ઘટનાઓ અને સંગઠનમાં અરુણ જેટલીનું સ્થાન તેમજ અટલ-અડવાણીનો તેમના પર વિશ્વાસ નરેન્દ્ર મોદી સાથેની નિકટતાને વધુ બળ પૂરું પાડવાનું કામ કરી ગયો.
અરુણજી હવે ગુજરાતમાંથી રાજ્યસભાના સભ્યપદે પણ વરાયા. એ સમયે હું એમનો મતદાર હતો.

ઇમેજ સ્રોત, Getty Images
બહુચર્ચિત સોહરાબુદ્દીન, કૌસરબાનુ કે અન્ય કેસોમાં અરુણ જેટલીની સલાહ અને વ્યૂહરચનાનું મહત્ત્વનું પ્રદાન રહ્યું એવું મારું મંતવ્ય છે.
કદાચ આ કારણથી નરેન્દ્ર ભાઈ મોદીનો એમના પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો.
2014ની લોકસભાની ચૂંટણી ભલે અરુણ જેટલી પંજાબમાંથી હારી ગયા, પણ એમની વ્યૂહરચના વગેરેમાં એમનું પ્રદાન મહત્ત્વનું હતું એમાં કોઈ શંકા નથી.
ગુજરાતની ઘટનાઓ અને યૂપીએ સરકાર સામેની કાનૂની લડત તેમને બન્ને નેતાઓ સર્વશ્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહની વધુ નજીક લાવી.
તેને કારણે જ 2014માં વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એમના પહેલાં મંત્રી મંડળમાં અરુણ જેટલીને સંરક્ષણ અને નાણામંત્રાલય એવા બે અતિ મહત્ત્વના ખાતાં સોંપ્યા.

ઇમેજ સ્રોત, Getty Images
હવે અરુણ જેટલીનું રાજકીય કદ ઘણું વધ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં તેઓ મુખ્ય નિર્ણાયક ટીમમાં ગણાતા હતા.
વડા પ્રધાન મોદીના આ વિશ્વાસને આગળ વધારતા તેઓએ નાણામંત્રી તરીકે ગુડ્ઝ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ (જીએસટી) અને નોટબંધી જેવા મહત્ત્વના નિર્ણયો લીધા.

ઇમેજ સ્રોત, Getty Images
જીએસટી માટેની રાજ્ય સરકારો સાથેની જીએસટી કમિટીમાં જેટલી પણ મીટિંગ થઈ, તેમાં નિર્ણયો સર્વસંમતિથી જ લેવાય એવી પ્રણાલી ઊભી કરી.
આ સાથે જ અરુણ જેટલીએ વર્ષો સુધી જેનો અમલ નહોતો થઈ શક્યો, તે જીએસટીને રોલ-આઉટ કરવામાં મહત્ત્વનું પ્રદાન આપ્યું.
ભારતીય રિઝર્વ બૅન્ક સાથેના વ્યવહારોમાં પણ એમની ચાણક્ય બુદ્ધિને કારણે પરિસ્થિતિ સ્ફોટક બનતાં અટકી.
આ બધાંની સીધી અસર તેમના આરોગ્ય પર વરતાવા લાગી હતી. તેમણે સ્વૈચ્છિક રીતે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ટીમમાંથી નિવૃત્તિ લીધી.

ઇમેજ સ્રોત, Getty Images
કિડની ટ્રાન્સપ્લાન્ટ, બૅરિઆટ્રીક સર્જરી અને સતત કથળતા જતાં આરોગ્ય સામે એમણે ઝાક ઝીલી.
અરુણ જેટલીનો એક શોખ ક્રિકેટ હતો. તેઓ બીસીસીઆઈમાં તેમજ ડીસીએમાં પણ મહત્તવના હોદ્દા ભોગવી ચૂક્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
કદાચ એટલે જ તેમણે પેલી એક પ્રસિદ્ધ ક્રિકેટરની વાત - One should retire when people ask why rather than when- ને ચરિતાર્થ કરતા વડા પ્રધાન નરેન્દ્રભાઈના બીજી ટર્મના પ્રધાન મંડળમાંથી નિવૃત્તિ લીધી હતી.
પ્રમોદજીના નિધન બાદ સંકટ હોય કે વ્યૂહરચના કોઈ પણ ચર્ચા અરુણ જેટલીની હાજરી વગર અધુરી ગણાતી હતી.
એમના શબ્દોનું વજન દિવસે દિવસે અતિશય વધતું ગયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
અટલ બિહારી વાજપેયી હોય કે અડવાણી, પાર્ટીમાં કોઈ પણ સંકટ આવે અરુણ જેટલી તરફ આશાભરી મીટ માંડતા.
તેઓ છેલ્લા એક દાયકા કરતાં વધુ સમયથી પાર્ટીના સંકટમોચક હતા.
2014માં મોદી વડા પ્રધાન બને તે માટેની મહેનત કરનારાઓમાં અને ત્યાર બાદ એમના વિશ્વાસપાત્ર સહયોગી તરીકે કામ કરનારાઓમાં અરુણ જેટલી એક હતા.

ઇમેજ સ્રોત, Getty Images
એમની વિદાયથી અગાઉ જેમ પ્રમોદ મહાજનનો યુગ પૂરો થયો હતો અને એ જગ્યાએ અરુણ જેટલી ઉભર્યા તેમ હવે અરુણ જેટલીનો યુગ પૂરો થયો છે.
દિવંગત શ્રી અરુણ જેટલીને મારી શ્રદ્ધાંજલિ.
(ડૉ. જયનારાયણ વ્યાસ ગુજરાતમાં નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાન હતા, એ સમયે અરુણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય હતા.)
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














