અરુણ જેટલી જે બીમારીથી પીડાતા હતા તે સૉફ્ટ ટિશ્યૂ કૅન્સર શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીનું શનિવારની બપોરે નિધન થઈ ગયું. તેઓ કિડનીની બીમારી ઉપરાંત એક દુર્લભ કૅન્સરની બીમારીથી પીડાતા હતા.
શ્વાસ લેવા અને બેચેનીની ફરિયાદ બાદ નવ ઑગસ્ટના રોજ તેમને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા પરંતુ તેમની હાલતમાં કોઈ સુધારો થયો ન હતો.
AIIMSના હૅલ્થ બુલેટિનમાં કહેવામાં આવ્યું હતું કે તેમની હાલત નાજુક છે પરંતુ 'હીમૉડાઇનામિકલી' સ્થિર છે.
'હીમૉડાઇનામિકલી સ્થિર'નો અર્થ થાય છે કે હૃદય એટલી ઊર્જા ઉત્પન્ન કરી રહ્યું છે કે તે રક્તપ્રવાહને ધમનીઓમાં યોગ્ય રીતે મોકલી શકે છે.
તેનાથી લોહીનો પ્રવાહ યોગ્ય રહે છે અને શરીરના અંગોને ઑક્સિજન મળતું રહે છે.
મોદી સરકારના પહેલા કાર્યકાળમાં નાણામંત્રી રહી ચૂકેલા જેટલીને એક દુર્લભ પ્રકારનું કૅન્સર હતું જેને સૉફ્ટ ટિશ્યૂ સર્કોમા તરીકે ઓળખવામાં આવે છે.
આ કૅન્સર માંસપેશીઓ, ટિશ્યુ, તંત્રિકાઓ અને સાંધાઓમાં એટલું ધીરે-ધીરે ફેલાય છે કે તેના અંગે જાણકારી પણ મેળવવી ખૂબ અઘરી હોય છે.

ઇમેજ સ્રોત, Getty Images
સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે શરીરમાં ઘણા નૉન-કૅન્સરસ ટ્યુમર હોય છે અને એટલે જ શરીરના બાકીના ભાગમાં તેનો પ્રસાર થતો નથી. તે ટ્યુમર ઘાતક પણ હોતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતું જે ટ્યુમરમાં કૅન્સરની આશંકા હોય છે તે ધીમે-ધીમે અનિયંત્રિત બની જાય છે. તેને લોકો સૉફ્ટ ટિશ્યુ સર્કોમાના નામે ઓળખે છે.
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આ બીમારી શરીરના કોઈ પણ ભાગમાં થઈ શકે છે પરંતુ હાથ અને પગની માંસપેશીઓમાં તે સામાન્યપણે થાય છે.
આ બીમારીનાં લક્ષણોમાં માંસપેશીઓમાં સોજો રહે છે. આ સિવાય હાડકામાં દુખાવો અને લાંબા સમય સુધી ગાંઠ બની જવા જેવાં લક્ષણો જોવા મળે છે.

કિડની અને હૃદયની પણ બીમારી હતી

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટ પ્રમાણે અરુણ જેટલીનો ડાબો પગ સૉફ્ટ ટિશ્યુ કૅન્સરથી પ્રભાવિત હતો અને તેની સર્જરી માટે તેઓ જાન્યુઆરી 2019માં અમેરિકા ગયા હતા.
અરુણ જેટલી કિડનીની બીમારીથી પણ પીડિત હતા અને ગત વર્ષે જ તેમની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ થયું હતું.
તે સમયે તેઓ નાણામંત્રી હતા અને ઇલાજ દરમિયાન પીયૂષ ગોયલને નાણામંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી હતી.
ઑગસ્ટ 2018માં તેઓ ઇલાજ કરીને પરત ફર્યા અને નાણામંત્રાલયની જવાબદારી ફરી સંભાળી હતી.
કિડનીની બીમારી વિશે જેટલીએ જાતે ગત વર્ષે ટ્વીટ કરીને માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું, "કિડની સાથે જોડાયેલી સમસ્યા અને ઇન્ફૅક્શનના કારણે મારો ઇલાજ ચાલી રહ્યો છે."

હૃદયની સર્જરી પણ થઈ હતી

ઇમેજ સ્રોત, Getty Images
તેના થોડા દિવસ બાદ જ તેમને AIIMSમાં ડાયાલિસીસ માટે દાખલ કરવામાં આવ્યા હતા. આ સિવાય પણ જેટલી ઘણી બીમારીઓથી પીડિત હતા.
સપ્ટેમ્બર 2014માં ડાયાબિટીસના ઇલાજ માટે જેટલીની ગૅસ્ટ્રિક બાયપાસ સર્જરી પણ થઈ હતી.
અરુણ જેટલી હૃદય રોગથી પણ પીડાતા હતા અને વર્ષ 2005માં તેમના હૃદયની સર્જરી પણ થઈ હતી.
મોદી સરકારે જ્યારે બીજી વખત સત્તા સંભાળી તો જેટલીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સ્વાસ્થ્ય કારણોસર મંત્રીમંડળમાં કોઈ જવાબદારી ન સંભાળવાની વાત કરી હતી.
ત્યારબાદ તેમનું સ્થાન નિર્મલા સીતારમણને આપવામાં આવ્યું હતું.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












