You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિરાટ કોહલીના વાર્ષિક પગાર જેટલું તો એક છોકરો કમ્પ્યૂટર ગેઇમ ટુર્નામેન્ટ જીતીને કમાયો
- લેેખક, જો ટિડી
- પદ, સાયબર સિક્યૉરિટી રિપોર્ટર
યૂએસમાં એક છોકરાએ કમ્પ્યૂટર ગેઇમ ચૅમ્પિયનશિપમાં 3 મિલિયન ડૉલર એટલે કે લગભગ 20,62,51,500 રૂપિયા જેટલી રકમ ઇનામમાં મેળવી છે.
આ રકમ ક્રિકેટ વિશ્વ કપમાં વિજેતા ટીમ કરતાં સહેજ ઓછી છે અને વિમ્બલડનમાં અપાતી ઇનામી રકમ કરતાં પણ વધારે છે. આ રકમ વિરાટ કોહલીના વાર્ષિક પગારની સમાંતર કહી શકાય એવી છે.
યૂએસના ન્યૂયૉર્કમાં આર્થર એશ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ફોર્ટનાઇટ ગેઇમની વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં કુલ 30 મિલિયન ડૉલરના ઇનામો આપવામાં આવ્યા.
જે ઇ-સ્પોર્ટ્સના ઇતિહાસની સૌથી વધુ રકમ છે.
ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ટીમથી વધુ રકમ એક ટીનેજરને
આ વર્ષે ક્રિકેટ વર્લ્ડ કપમાં ઇનામની રકમ વધ્યાની ખૂબ ચર્ચા હતી. જેમાં આ વખતે જીતનાર ટીમને 4 મિલિયન ડૉલર એટલે કે લગભગ 27,49,96,000 મળ્યા હતા.
તેમજ સેમિ ફાઇનલમાં પહોંચનાર ટીમને 2 મિલિયન ડૉલર મળ્યા હતા. જોકે, આ રકમ ટીમ તરીકેના ઇનામની છે અને વ્યકિતગત નથી. મૅન ઑફ ધ સિરીઝ બનનારને પણ આટલી મોટી રકમ આપવામાં નથી આવતી.
ભારત સૌથી વધારે કમાણી કરનારા કૅપ્ટન વિરાટ કોહલીનો પગાર બીસીસીઆઈ સાથેના કરાર મુજબ વાર્ષિક 1 મિલિયન ડૉલરનો છે.
આ પગાર તેમને તમામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મૅચ રમવા બદલ મળે છે. આ ઉપરાંત તેઓને આઈપીએલની સિઝન રમવા બદલ વર્ષે 2.5 મિલિયન ડૉલર મળે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દુનિયાભરમાં સૌથી વધુ પ્રાઇઝ મની માટે જાણીતી વિમ્બલડન ટુર્નામેન્ટમાં પણ મૅન્સ કે વિમૅન્સ શ્રેણીમાં લગભગ 2.35 મિલિયન પાઉન્ડનું ઇનામ આપવામાં આવ્યું હતું.
યૂએસ ઑપન ટેનિસ ટુર્નામેન્ટના સ્ટેડિયમમાં ફોર્ટનાઇટ ચૅમ્પિયનશિપ
ન્યૂયોર્કના આર્થર એશ સ્ટેડિયમમાં યોજાયેલી ટુર્નામેન્ટમાં 16 વર્ષના કાઇલ ગિઅર્સડોર્ફ પ્રથમ વિજેતા રહ્યા.
જ્યારે લંડનના 15 વર્ષના જેડન એશમૅન લગભગ 1 મિલિયન પાઉન્ડના ઇનામ સાથે બીજા સ્થાને રહ્યા હતા.
અન્ય બ્રિટિશ ટીનેજર 14 વર્ષના કાઇલ મોંગરાલને પણ ઇનામમાં મોટી રકમ મળી હતી.
વિજેતા કાઇલે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "મારે ઇનામની બધી જ રકમ બચાવવી છે, મારે માત્ર મારી ટ્રૉફી મુકવા માટે એક ડેસ્કની જરૂર છે."
કમેન્ટેટર્સના જણાવ્યા અનુસાર ફાઇનલ રાઉન્ડમાં ખૂબ રસાકસી હતી. વિજેતા ચહેરા પર સ્મિત સાથે બીજા લોકોને હરાવી રહ્યા હતા.
સ્પર્ધા માટે 4 કરોડ અરજી
આ સ્પર્ધામાં પ્રવેશ મેળવવા માટે પણ 10 અઠવાડિયાની ઓનલાઇન સ્પર્ધા થઈ હતી જેમાં 4 કરોડ ટીનેજર્સે પ્રયત્ન કર્યા હતા.
આ લોકો પૈકી ફાઇનલમાં ફક્ત 100 સ્પર્ધકો પહોંચી શક્યા હતા.
આ સ્પર્ધામાં યૂએસના 70, ફ્રાન્સના 14 અને યૂકેના 11 સ્પર્ધકો સહિત 30 દેશના ખેલાડીઓએ ભાગ લીધો હતો.
આ ઇ-ગેઇમમાં સ્પર્ધકને એક ટાપુ પર છોડી દેવામાં આવે છે, જ્યાં તેમણે હથિયારો શોધીને, સુરક્ષિત ઇમારતો બનાવવાની છે અને બીજા ખેલાડીઓને હરાવવાના છે. ખેલાડીઓ મોટા કમ્પ્યુટર સ્ક્રીન પર ગેઇમ રમે છે.
આ ગેઇમ કોણ રમે છે?
દુનિયાભરમાં લગભગ 200 મિલિયન લોકો આ ગેઇમ રમે છે કારણ કે તેને ફ્રીમાં ડાઉનલૉડ કરી શકાય છે. જોકે, લોકો ઇનગેમ ખરીદી પણ કરી શકે છે.
આ ગેઇમ એક વ્યકિતથી લઈને 4 કે 20 લોકોની ટીમ સુધી રમવામાં આવે છે.
આ ગેઇમની ઇનામી રકમનો રેકર્ડ તૂટશે
3 મિલિયન ડૉલરની ઇનામી રકમને કારણે આ ચૅમ્પિયનશીપ ચર્ચામાં હતી. પરંતુ હવે તેનો આ ઐતિહાસિક રેકર્ડ પણ તૂટવા જઈ રહ્યો છે.
ઑગસ્ટ મહિનામાં ધ ઇન્ટરનેશનલ નામની ટુર્નામેન્ટ રમાવાની છે. જેમાં આથી પણ વધુ રકમના ઇનામ આપવામાં આવશે.
ઇ-સ્પોર્ટ્સનો ઉદ્યોગ 2019માં બિલિયન ડૉલર સુધી પહોંચે તેવા અંદાજ નિષ્ણાતો લગાવી રહ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો