અક્ષય કુમાર અને બૅયર ગ્રિલ્સ લેશે જંગલ ઍડવેન્ચરની મજા

    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

અક્ષય કુમાર અચાનક સોશિયલ મીડિયા પર છવાયા છે, તેનું કારણ છે ડિસ્કવરી ચૅન્લનો શો IntoThe Wild, જેમાં અક્ષય કુમાર સાહસિક અંદાજમાં જોવા મળશે.

આજે અક્ષય કુમાર તેમજ શોના હોસ્ટ બૅયર ગ્રિલ્સે શોનું મોશન પોસ્ટર રિલીઝ કર્યું હતું અને તેના અંગે જાહેરાત કરી હતી.

આ મોશન પોસ્ટરમાં બન્ને કલાકારો જંગલમાં ફરતા તો ક્યાંક દોરડા પર લટકતા જોવા મળી રહ્યા છે.

અક્ષય કુમારે પોસ્ટર સાથે ટ્વીટમાં લખ્યું છે, "તમને લાગે છે કે હું પાગલ છું, પણ હું માત્ર જંગલમાં જવા માટે પાગલ છું."

આ ઍપિસોડ ડિસ્કવરી પ્લસ પર 11 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે તેમજ ડિસ્કવરી ચેનલ પર 14 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગ્યે જોવા મળશે.

બૅયર ગ્રીલ્સના આ શોમાં અગાઉ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત દુનિયાની અનેક હસ્તીઓ સામેલ થઈ ચૂકી છે.

બૅયર ગ્રીલ્સ કોણ છે?

બૅયર ગ્રીલ્સની સત્તાવાર વેબસાઇટ મુજબ તેમનો જન્મ 7 જૂન, 1974ના રોજ યુકેના લંડન ખાતે થયો હતો.

જન્મના એક અઠવાડિયા પછી તેમનું નામકરણ થયું. બૅયર નામ તેમને મોટી બહેને આપ્યું છે.

બૅયરના પિતા મિકી ગ્રીલ્સ રૉયલ મરીન કમાન્ડો અને રાજકારણી હતા. તેમણે બૅયરને પર્વતારોહણ અને નૌકાવિહાર કરતા શીખવ્યું હતું.

બૅયરના ઍડવેન્ચર પ્રત્યેના પ્રેમ માટે તેમના પિતા દ્વારા મળેલી તાલીમ જવાબદાર છે.

પિતા સાથે દરિયાકાંઠે ડુંગરો ચઢવા અને હોડી બનાવવી એ તેમનાં સૌથી યાદગાર સંસ્મરણો છે.

બૅયર યુકેની સ્પેશિયલ ફોર્સિસ રિઝર્વની 21મી રેજિમૅન્ટ એસએએસમાં ત્રણ વર્ષની સઘન તાલીમ લીધી.

દક્ષિણ આફ્રિકામાં ફ્રી ફૉલ પૅરાશૂટિંગ કરતી વખતે એક ભૂલના કારણે તેમનો ગંભીર અકસ્માત થયો અને તેમની કરોડરજ્જુમાં ત્રણ ફ્રૅક્ચર થયાં.

ડૉક્ટરો કહ્યું હતું કે તેઓ કદાચ ક્યારેય ચાલી શકશે નહીં. આ સમય બૅયરના જીવનનો સૌથી કપરો સમય હતો.

પરંતુ પીડાનો સામનો કરીને બૅયર એક જ વર્ષની અંદર ઊભા થયા અને નેપાળનો સૌથી ઊંચો પહાડ આમા ડેબલ્મ સર કર્યો.

16 મે, 1998ના રોજ એમણે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કર્યું. 23 વર્ષે સૌથી નાની ઉંમરના એવરેસ્ટ સર કરનાર તરીકે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મેળવ્યું.

વર્ષ 2000માં અકસ્માતમાં પગ ગુમાવનાર પોતાના મિત્ર માટે તેમણે નગ્ન અવસ્થામાં બાથ ટબમાં થેમ્સ નદી પાર કરી હતી.

બ્રિટિશ રૉયલ નેશનલ લાઇફબૉટ ઇન્સ્ટિટ્યૂટશન માટે તેમણે જેટ સ્કિઈંગની એક ટીમ તૈયાર કરી.

તેમની એવરેસ્ટની સફર સૌથી પહેલાં એક જાહેરખબરમાં દર્શાવાઈ, ત્યાંથી તેમણે ટીવીની દુનિયામાં પ્રવેશ કર્યો.

વર્ષ 2005માં તેમણે 'ધ ડ્યૂક્સ ઍવૉર્ડ' માટે દાન મેળવવા માટે સૌથી વધુ ઊંચાઈ પર 25,000 ફૂટ પર હૉટ ઍરબલૂનમાં ફોર્મલ ડીનરનો વર્લ્ડ રેકર્ડ બનાવ્યો.

તેમણે વર્ષ 2006માં હિમાલયના પહાડો ઉપર 29,250 ફૂટની ઊંચાઈ પર -60 ડિગ્રી તાપમાનમાં પૅરામોટર ફ્લાઇંગ કરીને એક નવો રેકર્ડ બનાવ્યો.

ત્યારબાદ તેમનો Man Vs Wild શો માટે સંપર્ક કરવામાં આવ્યો.

વર્ષ 2008-09માં એન્ટાર્કટિકમાં પણ હિમાલય જેવો પૅરામોટર ફ્લાઇંગનો પ્રયોગ કરવા જતાં તેઓ બરફના પહાડ સાથે ટકરાયા અને તેમના ખભે ગંભીર ઈજા થઈ.

ફરી બે મહિનાના આરામ બાદ તેઓ પરત ફર્યા.

વર્ષ 2010માં તેમણે આર્કટિક સમુદ્રના બર્ફીલા ઉત્તર-પશ્ચિમ ભાગમાં ખુલ્લા જહાજમાં 2,500 માઇલની સફર કરીને નવો વિક્રમ સ્થાપ્યો.

2011માં તેમણે સર્વાઇવલ એકૅડેમી શરૂ કરી.

તેમના શો વાઇલ્ડ વિકેન્ડ્ઝમાં યૂકેના જાણીતા લોકો ભાગ લેતા.

2013માં તેમણે પુસ્તક લખ્યું, 'એ સર્વાઇવલ ગાઇડ ફોર લાઇફ'.

2014માં તેમણે 'ચિલ્ડ્રન્સ સર્વાઇવલ' બુક લખી.

વર્ષ 2015માં યૂએસના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ બૅયરના શોમાં ભાગ લીધો.

2017માં તેમણે ચીન માટે 'ઍબ્સોલ્યૂટ વાઇલ્ડ' નામનો શો કર્યો જેમાં જાણીતા ચાઇનીઝ લોકો ભાગ લેતા હતા.

તેમણે 2018માં નવું પુસ્તક લખ્યું, 'હાઉ ટુ સ્ટે અલાઇવ'.

Man Vs Wild શું છે?

વર્ષ 2006માં ડિસ્કવરી ચેનલ પર શરૂ થયેલા આ શોમાં તેના સંચાલક બૅયર ગ્રીલ્સ સામે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં ટકી રહેવાનો પડકાર હોય છે.

શરૂઆતમાં યૂકેમાં ચેનલ 4 પર આ દર્શાવાતો હતો જે પાછળથી ડિસ્કવરી પરથી દર્શાવવાનું શરૂ થયું.

આ શોમાં બૅયર ગ્રીલ્સને તેમના ક્રૂ સાથે કોઈ પણ એક જંગલ કે અંતરિયાળ સ્થળે છોડી દેવામાં આવે છે જ્યાંથી તેમણે વિવિધ પરિસ્થિતિઓ અને પડકારો સામે ટકી રહીને એક વસાહતી વિસ્તાર સુધી પહોંચવાનું હોય છે.

અત્યાર સુધીમાં આ શોની સાત સિઝન થઈ ચૂકી છે. જેમાં બોર્ન સર્વાઇવરઃ બૅયર ગ્રીલ્સ, અલ્ટિમેટ સર્વાઇવલ, સર્વાઇવલ ગેમ, રિયલ સર્વાઇવલ હીરો જેવા સિઝનનો સમાવેશ થાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો