'તમારી આસપાસ રહેલો દરેક પુરુષ તમારી સાથે સેક્સ કરવા ઇચ્છે છે...'

આ પૂર્વ સરકારી કર્મચારી કહે છે કે એક વરિષ્ઠ મંત્રીએ તેમના પર સેક્સ માટે દબાણ કર્યું.
ઇમેજ કૅપ્શન, આ પૂર્વ સરકારી કર્મચારી કહે છે કે એક વરિષ્ઠ મંત્રીએ તેમના પર સેક્સ માટે દબાણ કર્યું.
    • લેેખક, યોગિતા લિમાયે
    • પદ, બીબીસી ન્યૂઝ, કાબુલ

અફઘાનિસ્તાનમાં વહિવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા પર રહેલા અધિકારીઓ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપથી હોબાળો મચી ગયો છે.

અધિકારીઓ આ આક્ષેપને નકારે છે પરંતુ બીબીસીએ કરેલી તપાસમાં અમુક મહિલાઓ સાથે વાત કરવામાં આવી જેઓ સતામણીની પરંપરા વિશે વાત કરે છે.

ધુળીયા પહાડો વચ્ચે આવેલા કાબુલના એક ઘરમાં હું સરકારના એક પૂર્વ કર્મચારીને મળી. તેઓ ઇચ્છે છે કે દુનિયા તેમની કહાણી જાણે પરંતુ તેઓ પોતાનું નામ જાહેર કરવા તૈયાર નથી કારણ કે, તેમના જીવને જોખમ હોવાનું તેઓ માને છે.

તેઓ કહે છે, તેમના પૂર્વ બૉસ, સરકારના એક વરિષ્ઠ મંત્રીએ વારંવાર તેમનું શોષણ કર્યું અને એક વખત જ્યારે તેઓ એ મંત્રીની ઑફિસ ગયા ત્યારે તેમણે આ મહિલાનું શારીરિક શોષણ કરવાની કોશિશ કરી.

"તેમણે સીધી જ મારી પાસે ગેરવ્યાજબી માંગણી કરી. મેં તેમને કહ્યું, મારી પાસે લાયકાત અને અનુભવ છે. મેં ક્યારેય વિચાર્યું પણ નહોતું કે તમે મારી સાથે આવી વાત કરશો."

"હું ઊભી થઈ અને ચાલવા લાગી. તેમણે મારો હાથ પકડી લીધો અને તેમની ઑફિસની પાછળની રૂમમાં મને હાથ ખેંચીને લઈ જવા લાગ્યા. તેઓ મને રૂમ તરફ ધકેલવા લાગ્યા અને મને કહ્યું, "થોડી જ વાર લાગશે, ચિંતા ન કરો, મારી સાથે ચાલો.""

"મેં તેમને છાતી પર ધક્કો માર્યો અને કહ્યું, બસ. મને બૂમો પાડવા મજબૂર ન કરો. બસ એ અમારી છેલ્લી મુલાકાત હતી. હું બહુ જ ગુસ્સામાં અને વ્યથિત હતી."

line

શું તેમણે આ ઘટનાની ફરિયાદ નોંધાવી?

"ના, મેં મારી નોકરી છોડી દીધી. મને સરકાર પર વિશ્વાસ નથી. તમે પોલીસ કે કોર્ટમાં જશો તો તમને ખ્યાલ આવશે કે એ લોકો કેટલાં ભ્રષ્ટ છે. તમારી પાસે ફરિયાદ કરવા માટેનું કોઈ સુરક્ષિત સ્થળ નથી. જો તમે બોલશો તો બધાં એક સ્ત્રીને જ જવાબદાર માનશે."

એક પૂર્વ સરકારી કર્મચારી કહે છે કે મને અન્ય બે મહિલાઓએ પણ કહ્યું હતું કે એ જ મંત્રીએ તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો. જોકે, બીબીસી પોતાની તપાસમાં આ નિવેદન અંગે કોઈ ખાતરી કરી શક્યું નથી.

"તેઓ બહાદુરીથી અને કોઈ ડર વિના આ કામ કરી રહ્યા છે કારણ કે સરકારમાં તેઓ એક વગદાર વ્યક્તિ છે."

અફઘાનિસ્તાન મહિલાઓ માટે સતત સૌથી ખરાબ દેશ ગણાતો રહ્યો છે. 2018નો યૂએનનો એક અહેવાલ વિગતે જણાવે છે કે, કઈ રીતે જાતીય ગુનાઓ અને હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને પોતાની ફરિયાદો પાછી ખેંચવા માટે દબાણ કરવામાં આવે છે. ઘણા કેસમાં તેમની વિરુદ્ધ થયેલા ગુનામાં તેમને જ જવાબદાર ગણવામાં આવે છે.

આ માહોલમાં એક પહોંચ ધરાવતી વ્યક્તિ દ્વારા થયેલી જાતીય ગેરવર્તણૂંકની વાત જાહેર કરવી એ સરળ વાત નથી.

તેથી અમે જે છ મહિલાઓ સાથે વાત કરી તેઓ બધાં જ પોતાનું નામ આપતાં ખૂબ ડરતી હતાં. પરંતુ આ મહિલાઓ સાથે વાત કરતાં અમને જાણવા મળ્યું કે જાતીય સતામણીની સમસ્યા એ અફઘાનિસ્તાનની સરકાર કે કોઈ એક વ્યક્તિ સુધી સીમિત નથી.

line

'હવે તે સંસ્કૃતિનો ભાગ બની ગયું છે'

રાષ્ટ્ર પ્રમુખ ધાનીની કચેરી આ આક્ષેપોને નકારે છે.
ઇમેજ કૅપ્શન, રાષ્ટ્ર પ્રમુખ ધાનીની કચેરી આ આક્ષેપોને નકારે છે.

એક બગીચાની બાજુમાં આવેલી એક ઑફિસમાં હું વધુ એક મહિલાને મળી, જે પોતાની કહાણી જણાવવાં માગતા હતાં.

તેમણે એક સરકારી નોકરી માટે અરજી કરેલી અને લાયકાત પણ હતી પરંતુ જ્યારે તેઓ રાષ્ટ્ર પ્રમુખ અશરફ ઘાનીની નજીકની એક વ્યક્તિને મળ્યા પછી જ નોકરી મેળવી શક્યા.

તેમણે કહ્યું, "રાષ્ટ્ર પ્રમુખ સાથે આ વ્યક્તિની તસવીરો જોઈ શકાય છે. તેમણે મને તેમની પ્રાઇવેટ ઑફિસમાં મળવા કહ્યું. તેમણે કહ્યું, આવો અને બેસો, હું તમારા દસ્તાવેજો મંજુર કરી આપીશ. તેઓ મારી નજીક આવ્યા અને મને કહ્યું, ચાલો પીએ અને સેક્સ કરીએ."

"મારી સામે બે વિકલ્પો હતા, એમનો પ્રસ્તાવ સ્વીકારું કે ત્યાંથી નીકળી જાઉં. જો મેં એમનો પ્રસ્તાવ સ્વીકાર્યો હોત તો એ વાત ત્યાં અટકી ન હોત. પણ ઘણાં પુરુષોએ મને સેક્સ માટે પૂછ્યું હોત. મને આંચકો લાગેલો. હું ડરી ગઈ અને નીકળી ગઈ."

મે પૂછ્યું, તો નોકરીનું શું. તેમણે કહ્યું, તેમણે સરકારી વિભાગમાં આ અંગે જાણ કરવા કૉલ કર્યો અને તેમને કહેવામાં આવ્યું,"વિચારો તમારા બૅન્કના ખાતામાં પૈસા આવી ગયા હોત પણ તમે તે ન સ્વીકારવાનું નક્કી કર્યું."

વાત કરતા કરતાં તેઓ રડી પડે છે. "આ વાતોથી મને આખી રાત ઊંઘ નથી આવતી. ગુસ્સો આવે છે અને ડિપ્રેશન પણ અનુભવાય છે."

"જો તમે જજ પાસે જાઓ અને ફરિયાદ કરો તો પોલીસ, વકીલ અને એમના જેવા બીજા પણ તમને સેક્સ માટે પૂછશે. જો તેઓ પણ આવું કરે તો તમે કોની પાસે જશો? જાણે એ હવે અમારી સંસ્કૃતિનો ભાગ બની ગયું છે, હવે તમારી આસપાસના દરેક પુરુષને તમારી સાથે સેક્સ કરવું છે."

અફઘાની મહિલાઓ

ઇમેજ સ્રોત, AFP

ગયા વર્ષે મે મહિનામાં રાષ્ટ્ર પ્રમુખના પૂર્વ સલાહકાર હબીબુલ્લાહ અહેમદઝાઈ રાજકીય વિરોધી બની ગયા અને એક અફઘાની ન્યૂઝ ચૅનલને આપેલાં ઇન્ટરવ્યુમાં તેમણે આ મુદ્દે વાત કરી ત્યાં સુધી આવી અનેક મહિલાઓની કહાણી વણકહી જ રહી અથવા તે અંગે માત્ર ગણગણાટ જ થતો.

તેમણે વરિષ્ઠ અધિકારીઓ અને રાજકારણીઓ સામે વેશ્યાવૃત્તિને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કર્યો હતો.

રાષ્ટ્ર પ્રમુખના કાર્યાલયે આ મુદ્દે ઇન્ટરવ્યુની અમારી રજૂઆતને નકારી કાઢી અને અમે મોકલેલા ઇમેઇલનો જવાબ પણ આપ્યો નહીં. તેના બદલે તેમણે અમને એક જૂનું નિવેદન પકડાવી દીધું, જેમાં તેમણે કહેલું કે જનરલ અહેમદઝાઈ દ્વારા કરવામાં આવેલા આક્ષેપો સંપૂર્ણપણે ખોટા છે, તેઓ જૂઠું બોલતા હતા, તેમજ તેમણે અંગત લાભ લેવા આવું કર્યું.

એક સરકારી મંત્રી નરગીસ નેહાને ટ્વીટ કર્યું, "નેશનલ યૂનિટી ગવર્નમેન્ટનાં એક મહિલા સભ્ય તરીકે હું વિશ્વાસપૂર્વક કહું છું કે આ આક્ષેપો પાયાવિહોણા છે."

પરંતુ મહિલા અધિકારોના જાણીતા કાર્યકર અને અત્યાર સુધી એક ધારાસભ્ય રહી ચૂકેલાં ફવઝિયા કૂફી કહે છે કે હાલની સરકારમાં રહેલા અનેક અધિકારીઓ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદો તેમની પાસે આવી છે.

તેઓ કહે છે, "સરકારનો અભિગમ રક્ષણાત્મક છે. આ મુદ્દાને અફઘાનિસ્તાનની દરેક સ્ત્રીનો મુદ્દો સમજવાને બદલે તેઓ તેને રાજકીય મુદ્દો સમજે છે."

"સજામુક્તિ જાણે એક પરંપરા બની ગઈ છે. જે પુરુષો આ ગુનો કરે છે તેઓ આ સરકારમાં સુરક્ષિત અનુભવે છે, તેથી તેમને વારંવાર આવા ગુના આચરવાનું પ્રોત્સાહન મળે છે."

ફવઝિયા કૂફી 2005 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.
ઇમેજ કૅપ્શન, ફવઝિયા કૂફી 2005 માં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.

સરકારે આ આક્ષેપો મુદ્દે તપાસનો આદેશ આપ્યો છે. રાષ્ટ્ર પ્રમુખ દ્વારા નિમણૂંક કરાયેલા એટર્ની જનરલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

હું એટર્ની જનરલના પ્રવક્તા જમશીદ રસૂલીને તેમની કાબુલ ખાતેની ઑફિસમાં મળી. તેમની ખુરશીની પાછળ રાષ્ટ્ર પ્રમુખનું ચિત્ર જોઈ શકાય છે.

મે તેમને પૂછ્યું, આ તપાસ ન્યાયપૂર્ણ જ હશે એવું લોકો શું કામ માને?

"બંધારણે એટર્ની જનરલને સ્વતંત્ર થવાનો હક આપ્યો છે. અમે સામાજિક કાર્યકરો, મુસ્લિમ મૌલવીઓ અને માનવ અધિકાર સંસ્થાઓને પણ તપાસમાં સામેલ કર્યા છે. જેથી લોકોને વિશ્વાસ બેસે કે તપાસ ન્યાયપૂર્ણ હશે."

મે તેમને કહ્યું કે અમે જે મહિલાઓ સાથે વાત કરી તેમને સરકારી તંત્ર સુધી પોતાની ફરિયાદ લઈને જવામાં વિશ્વાસ નથી.

"અમે જાહેર કર્યું છે કે દરેક ફરિયાદીની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. જે લોકો અમને સહકાર આપશે, તેમના અને તેમના પરિવારની સુરક્ષાની જવાબદારી અમે લઈશું."

અફઘાનિસ્તાનમાં લાખો લોકોએ શહીદી વ્હોરી ત્યારે લોકશાહી પામ્યા છે. આ યુદ્ધનું એક કારણ તાલિબાનના શાસન હેઠળ ક્રુરતાનો ભોગ બનેલી મહિલાઓને અધિકારો અને સન્માનની ખાતરી કરાવવાનું પણ હતું.

અફઘાનિસ્તાનના ટેકેદારો ગણાતા એવા નાટોની આગેવાની હેઠળની સમિતિએ આ મુદ્દાને અફઘાનિસ્તાનની આંતરિક બાબત ગણાવીને એ અંગે કોઈ નિવેદન આપવાનું ટાળ્યું. યૂએન વિમેનમાં પણ વારંવાર અરજીઓ કરવામાં આવી પરંતુ તેનો પણ કોઈ જવાબ મળ્યો નહીં. બ્રિટિશ દૂતાવાસે પણ આ અંગે કોઈ નિવેદન આપ્યું નહીં.

અફઘાની મહિલાઓ માટે આ એક અનિશ્ચિત કાળ જેવી સ્થિતિ છે. હાલ યૂએસ અને તાલિબાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાઓમાં તેઓ આ અંગે વાત કરવા ઇચ્છે છે. 2001માં તાલિબાનના સકંજામાંથી બહાર આવ્યા બાદ આ પ્રદેશની કેટલીક મહિલાઓએ ખૂબ લાંબી મજલ કાપી છે.

પરંતુ જો સરકારી તંત્રમાં જાતીય સતામણીની કોઈ સજા ન થાય તો આ વિકાસ પણ અનિશ્ચિત થઈ જશે.

એક મહિલાએ અમને કહ્યું, "મારે રાષ્ટ્ર પ્રમુખને કહેવું છે કે અમારી વાત સાંભળે અને સ્વીકારે એ તેમની જવાબદારી છે. જો તેઓ દેશને સુરક્ષિત બનાવવા માગતા હોય તો આ પ્રશ્નનો હલ લાવવો પણ જરૂરી છે."

"એક દિવસ સત્ય બહાર આવશે. પણ હજુ એ સપનું દૂર લાગે છે."

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો