ભારતની ઇંગ્લૅન્ડ સામેની હારે સેમિફાઇનલનાં સમીકરણો બદલ્યાં, ખુદ ભારત પણ અટક્યું

ઇમેજ સ્રોત, Getty Images
વર્લ્ડ કપ 2019માં ભારતની હાર બાદ હવે સેમિફાઇનલનાં સમીકરણો બદલાઈ ગયાં છે. રવિવારે ભારત ઇંગ્લૅન્ડ સામે હાર્યું તો સૌથી વધારે દુખ પાકિસ્તાનને થયું.
પાકિસ્તાનને દુખ એટલા માટે થયું કે જો ભારત સામે ઇંગ્લૅન્ડ હારી જતું તો સેમિફાઇનલમાં પાકિસ્તાન માટે રસ્તો આસાન થઈ જતો.
અત્યાર સુધીમાં સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયાની જ જગ્યા નક્કી થઈ શકી છે. તે 14 અંકો સાથે પૉઇન્ટ ટેબલમાં સૌથી ઉપર છે.
ઑસ્ટ્રેલિયાની નેટ રન રેટ 1.00 છે જે ખૂબ સારી કહી શકાય. ઑસ્ટ્રેલિયા ભલે સેમિફાઇનલમાં પહોંચી ગયું પરંતુ તેનો મુકાબલો કોની સાથે થશે તે પણ હજી નક્કી થઈ શક્યું નથી.
ઑસ્ટ્રેલિયાને ન્યૂઝીલૅન્ડ, ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન અથવા બાંગ્લાદેશ સામે રમવું પડે તેવી પણ શક્યતાઓ છે.

ભારત : 11 પૉઇન્ટ (NRR: 0.85)

ઇમેજ સ્રોત, Getty Images
ભારતે સાત મૅચ રમી છે અને પૉઇન્ટ ટેબલમાં તે 11 પૉઇન્ટ સાથે બીજા નંબરે છે.
ભારતે હજી બે મૅચ રમવાની છે, બે જુલાઈએ બાંગ્લાદેશ સામે અને છ જુલાઈએ શ્રીલંકા સામે.
જો ઇંગ્લૅન્ડ સામે ભારતની જીત થઈ હોત તો સેમિફાઇનલમાં જગ્યા નક્કી થઈ ગઈ હોત. ભારતની એક હારે વર્લ્ડ કપમાં સેમિફાઇનલનાં સમીકરણો બદલાવી નાખ્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હવે ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકાની મૅચનાં પરિણામોની રાહ જોવી પડશે.
ભારત બે માંથી એક પણ મૅચ જીતી જશે તો પણ સેમિફાઇનલ પ્રવેશ નક્કી થઈ જશે.
ભારતને સેમિફાઇનલમાં જગ્યા ત્યારે નહીં મળે જ્યારે તે બે માંથી એક પણ મૅચ ના જીતી શકે.
જો ન્યૂઝીલૅન્ડ ઇંગ્લૅન્ડને મોટા અંતરથી હરાવી દે તો તે બાંગ્લાદેશ અથવા પાકિસ્તાનના હકમાં જશે.

ન્યૂઝીલૅન્ડ : 11 પૉઇન્ટ (NRR-0.57)

ઇમેજ સ્રોત, Getty Images
ન્યૂઝીલૅન્ડે અત્યાર સુધી કુલ આઠ મૅચ રમી છે અને તેના 11 પૉઇન્ટ છે. તે પૉઇન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે.
ન્યૂઝીલૅન્ડનો આગળની મૅચ ઇંગ્લૅન્ડ સામે છે જે ત્રણ જુલાઈએ રમાવાની છે. સેમિફાઇનલમાં જવા માટે ન્યૂઝીલૅન્ડે આખરી મૅચ ઇંગ્લૅન્ડ સામે જીતવી જ પડશે.
જો ન્યૂઝીલૅન્ડ આ મૅચ હારી જશે તો તેનો સેમિફાઇનલમાં જવાનો રસ્તો અન્ય ટીમની હાર-જીત પર આધાર રાખશે.
જે બાદ મામલો રનરેટ પર આવશે અને તેમાં બાંગ્લાદેશ પડકાર ફેંકશે. જોકે, બાંગ્લાદેશે ભારત અને પાકિસ્તાન સામેની બંને મૅચ જીતવી પડશે.

ઇંગ્લૅન્ડ : 10 પૉઇન્ટ (NRR-1.00)

ઇમેજ સ્રોત, Getty Images
ભારતને હરાવ્યા બાદ ઇંગ્લૅન્ડ ફરી એકવાર સેમિફાઇનલની રેસમાં આવી ગયું છે. જોકે, હજી તેને જગ્યા મળશે કે કેમ તે નક્કી થયું નથી.
બુધવારે ઇંગ્લૅન્ડનો ન્યૂઝીલૅન્ડ સામે મુકાબલો છે અને સેમિફાઇનલમાં જવા માટે બંને ટીમોએ આ મૅચ જીતવી જરૂરી છે.
આ બંને માંથી જે પણ મૅચ હારશે તેમણે બીજી ટીમોનાં પરિણામો પર આધાર રાખવો પડશે.
ઇંગ્લૅન્ડ જો ન્યૂઝીલૅન્ડ સામે હારી જાય અને બાંગ્લાદેશ પાકિસ્તાન સામે હારી જાય તો ઇંગ્લૅન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
બીજી શક્યતા એ છે કે ઇંગ્લૅન્ડ હારી જાય અને બાંગ્લાદેશ ભારત અને પાકિસ્તાન બંનેને હરાવી દે તો પણ તે ટુર્નામેન્ટની બહાર થઈ જશે.

પાકિસ્તાન : 9 પૉઇન્ટ (NRR-0.79)

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાને આઠ મૅચ રમી છે અને તેના હાલ કુલ 9 પૉઇન્ટ છે. પાકિસ્તાનની છેલ્લી મૅચ પાંચ જુલાઈના રોજ બાંગ્લાદેશ સામે છે.
પાકિસ્તાનને આશા છે કે ઇંગ્લૅન્ડને ન્યૂઝીલૅન્ડ હરાવી દેશે અને બાંગ્લાદેશ તેની સામે હારી જશે.
જો ન્યૂઝીલૅન્ડ ઇંગ્લૅન્ડને ના હરાવી શકે તો પાકિસ્તાનને આખરી તક ત્યારે જ મળી શકશે જ્યારે મામલો નેટ રન રેટ પર આવે અને તે બાંગ્લાદેશને મોટા અંતરથી હરાવી દે.

બાંગ્લાદેશ : 7 પૉઇન્ટ (NRR- 0.13)

ઇમેજ સ્રોત, Getty Images
બાંગ્લાદેશની સેમિફાઇનલની આશા એ હાલતમાં જીવતી રહેશે જ્યારે તે ભારત અને પાકિસ્તાન બંનેને હરાવી દે.
બંનેને હરાવ્યા બાદ જો ન્યૂઝીલૅન્ડ ઇંગ્લૅન્ડને હરાવી દે તો બાંગ્લાદેશ સેમિફાઇનલમાં પહોંચી શકે છે.
બીજી તરફ જો ઇંગ્લૅન્ડ જીતી જાય તો મામલો નેટ રન રેટ પર જશે.
શ્રીલંકા, વેસ્ટ ઇન્ડીઝ, દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન પહેલાંથી જ સેમિફાઇનલની રેસની બહાર થઈ ગયાં છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













