You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ધવન બાદ વિજય શંકર ઈજાને લીધે ટીમમાંથી બહાર, કોણ લેશે સ્થાન?
શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર બાદ હવે વિજય શંકરને પણ વર્લ્ડ કપ ટીમમાંથી ઈજાને કારણે બહાર કરવામાં આવ્યા છે.
વર્લ્ડ કપમાં વિજય શંકર બહુ સારું પ્રદર્શન કરી શક્યા નહોતા, જ્યારે ભુવનેશ્વર કુમારને બદલે ટીમમાં આવેલા મોહમ્મદ શમીનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે.
મંગળવારે રમાનારી બાંગ્લાદેશ સામેની મૅચમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર જોવા મળશે તે નિશ્ચિત બાબત છે.
આમ છતાં ભારતીય ટીમ સામે કેટલી સમસ્યાઓ છે જેને ઉકેલવા તેઓ મથી રહ્યા છે.
વિજય શંકર ઈજાગ્રસ્ત
ભારતીય ટીમના મૅનેજમૅન્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(આઈસીસી)ને વિજય શંકરને બદલે મયંક અગ્રવાલને ટીમમાં સમાવવાની અપીલ કરી છે.
ટીમે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે વિજય શંકરના ડાબા પગના અંગૂઠામાં ફ્રૅકચર થયું છે, જેને ઠીક થતાં ત્રણ અઠવાડિયાં જેટલો સમય લાગશે.
ઈજાને લીધે તેમને વર્લ્ડ કપમાંથી બાકાત રાખવામાં આવશે.
વિજય શંકરને બેટિંગ લાઇનઅપમાં મિડલ ઑર્ડરમાં રાખવામાં આવ્યા હતા, તેઓ ભારતીય ટીમ માટે ત્રણ મૅચ રમ્યા હતા અને મોટા ભાગની મૅચમાં તેઓ ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોથા સ્થાનની સમસ્યા હલ થશે?
મયંક અગ્રવાલે 2018માં ઑસ્ટ્રેલિયા સામેની બૉક્સિંગ ડે ટેસ્ટથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કર્યો હતો. આ મૅચમાં તેમણે 76 રન કર્યા હતા.
28 વર્ષના આ યુવા ખેલાડી કર્ણાટકની ટીમ માટે ઓપનિંગ બૅટ્સમૅન તરીકે રમે છે.
જ્યારે આઈપીએલમાં તેઓ કિંગ્સ ઇલેવન પંજાબ માટે રમી ચૂક્યા છે.
જોકે, મયંક અગ્રવાલ પાસેથી એવી પણ આશા રાખવામાં આવે છે કે તેમના આવવાથી ચોથા ક્રમના બૅટ્સમૅનની સમસ્યા હલ થઈ જશે.
આગામી મૅચમાં મયંક અગ્રવાલને ઓપનર તરીકે ઉતારવામાં આવે અને લોકેશ રાહુલને ચોથા ક્રમે ઉતારવામાં આવે એવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
શંકરે ધવનની જગ્યા લીધી
ભારતીય ટીમના ઓપનિંગ બૅટ્સમૅન શિખર ધવનના અંગૂઠામાં ઈજા થતા તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા અને તેમના રિપ્લેસમેન્ટ તરીકે વિજય શંકરને સમાવવામાં આવ્યા હતા.
શિખર ધવનને ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં બેટિંગ કરતી વખતે હાથના અંગૂઠામાં ઈજા થઈ હતી, એ મૅચ બાદ તેમને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા.
જોકે, શિખર ધવનના રિપ્લેસમેન્ટ તરીકે 11 ખેલાડીઓમાં સમાવેલા વિજય શંકર ત્રણ મૅચમાં 15, 29 તથા 14 રન જ કરી શક્યા હતા.
વિજય શંકર ઈજાગ્રસ્ત થતા રવિવારે યોજાયેલી ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં તેમના બદલે રિષભ પંતને સમાવવામાં આવ્યા હતા, તેઓ પણ ચોથા ક્રમે બેટિંગ કરવા આવ્યા હતા અને તેમણે 29 બૉલમાં 32 રન કર્યા હતા.
ભુવનેશ્વર પણ ઈજાગ્રસ્ત
ભારતીય ટીમના સ્વિંગ બૉલર ભુવનેશ્વર કુમાર પણ ઈજાગ્રસ્ત થતા તેમને ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા અને તેમના બદલે ટીમમાં મોહમ્મદ શમીને સમાવવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીયે છે કે મોહમ્મદ શમી અત્યારે સારા ફૉર્મમાં છે. તેઓ ત્રણ મૅચ રમ્યા હતા, એ તમામમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું.
ઇંગ્લૅન્ડ સામેની મૅચમાં તેમણે 10 ઓવરમાં 69 રન આપીને 5 વિકેટ ઝડપી હતી, એક ઓવર મૅડન પણ રહી હતી.
અફઘાનિસ્તાન સામેની મૅચમાં ભારત છેલ્લી ઓવર સુધી વિજય માટે સંઘર્ષ કરી રહ્યું હતું, ત્યારે જ શમી ત્રાટક્યા હતા અને ત્રીજા, ચોથા તથા પાંચમા દડે વિકેટ લઈને હેટ્રિક મેળવી હતી.
વર્લ્ડ કપમાં પહેલી જ મૅચમાં હેટ્રિક લેવાનું પરાક્રમ આંગળીના વેઢે ગણી શકાય તેટલા ખેલાડી જ આ પરાક્રમ કરી શક્યા છે.
વેસ્ટ ઇન્ડીઝ સામેની મૅચમાં પણ તેમણે ચાર વિકેટ ઝડપી હતી.
આમ છતાં આ તમામ મૅચમાં તેઓ પ્લેયર ઑફ ધ મૅચનો ખિતાબ ચૂક્યા હતા.
મિડલ ઑર્ડર ચિંતાનો વિષય
ભારતીય ટીમના બેટિંગ લાઇન અપમાં મિડલ ઑર્ડર ચિંતાનો વિષય છે.
સાઉથ આફ્રિકા સામેની મૅચમાં લોકેશ રાહુલ 26 રન, ધોની 34 રન અને હાર્દિક પંડ્યા 15 રન કરીને આઉટ થઈ ગયા હતા.
ઑસ્ટ્રેલિયા સામેની મૅચમાં હાર્દિક પંડ્યાએ 48 રન કર્યા હતા, એ સિવાય ધોનીએ 27 રન, રાહુલે 11 રન અને કેદાર જાધવ શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા.
મિડલ ઑર્ડર બૅટ્સમૅન અંગે હજી ટીમને મથવું પડી રહ્યું છે. ચોથા ક્રમે કયા બૅટ્સમૅનને ઉતારવા એ અંગે પણ ભારતીય ટીમ માટે સમસ્યા છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો