શ્રીલંકાના મુસ્લિમોએ દેશભક્તિ માટે મસ્જિદ તોડી નાખી?

- લેેખક, સ્વામીનાથન નટરાજન
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
"ઈસ્ટરના દિવસે હુમલા બાદ અમારી કૉલોનીના બિનમુસ્લિમ લોકો અમને આતંકવાદીની જેમ જોઈ રહ્યા છે."
એમ. એચ. એમ અકબર એ કહેતા શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે થયેલા હુમલાનો ઉલ્લેખ કરે છે.
આ હુમલામાં 250 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને આ હુમલા પાછળ એક મુસ્લિમ કટ્ટરપંથી સંગઠનને જવાબદાર ગણાવવામાં આવ્યું હતું.
સમગ્ર દુનિયાના મુસ્લિમ રમજાન મહિનામાં ઉપવાસ કરે છે અને પ્રાર્થના કરે છે પરંતુ શ્રીલંકામાં મુસ્લિમોના એક નાના સમૂહે પોતાને હિંસક સમૂહોથી અલગ બતાવવા માટે એક મસ્જિદ તોડી નાખી.
અકબર ખાન મદતુંગમાની મુખ્ય મસ્જિદના ટ્રસ્ટી છે. તેમણે બીબીસીને જણાવ્યું કે આખરે અલ્લાહમાં વિશ્વાસ ધરાવતા લોકોએ આવું પગલું શા માટે ઉઠાવ્યું.

શંકાની નજરે જુએ છે લોકો
અકબર કહે છે, "આ હુમલા બાદ પોલીસ મસ્જિદની વારંવાર મુલાકાત લેતી હતી. તેમને જોઈને લોકો પરેશાન થતા હતા. આ હુમલાએ અમારા અને અન્ય સમુદાયના લોકો વચ્ચે વિશ્વાસ ખૂબ ઓછો કરી નાખ્યો છે."
કથિત રૂપે આ મસ્જિદનો ઉપયોગ પ્રતિબંધિત ઉગ્રવાદી સંગઠન તૌહિદ જમાતના સભ્યો દ્વારા કરવામાં આવતો હતો. સમૂહ પર એપ્રિલમાં થયેલા આત્મઘાતી વિસ્ફોટ કરાવવાની શંકા હતી.
શ્રીલંકામાં હુમલા બાદ શ્રીલંકાની સરકારે સમગ્ર દેશમાં તૌહીદ જમાતને ટાર્ગેટ કરતા કાર્યવાહી શરૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ સંગઠન તરફથી પૂર્વી શહેર કટ્ટનકુડીમાં એક મસ્જિદ ચલાવવામાં આવતી હતી જેને સીલ કરી દેવામાં આવી.
મદતુંગામામાં આ મસ્જિદ ઐતિહાસિક, ધાર્મિક કે સાંસ્કૃતિક રૂપે મહત્ત્વપૂર્ણ ન હતી.
આ એક અલગ અતિ રૂઢિવાદી સમૂહ દ્વારા સંચાલિત કરવામાં આવી રહી હતી જેનો આ હુમલા સાથે કોઈ સંબંધ ન હતો.
આ પગલાંથી જાણવા મળે છે કે ઉગ્રવાદીઓથી છૂટકારો મેળવવા માટે આ સમુદાય કેટલી હદ વટાવવા તૈયાર છે.

સર્વસંમતિથી લેવામાં આવેલો નિર્ણય

અકબર જણાવે છે, "અમારા વિસ્તારમાં પહેલેથી જ એક મસ્જિદ હતી, જેમાં લોકો નમાઝ પઢતા હતા. પરંતુ થોડાં વર્ષો પહેલાં કેટલાક લોકોના સમૂહે આ મસ્જિદને બનાવી હતી."
મે મહિનામાં જૂની મસ્જિદના એક સભ્યએ બેઠક બોલાવી જેમાં નક્કી થયું કે આ મસ્જિદ જે બધા વિવાદનું મૂળ છે તેને ખતમ કરી દેવામાં આવે.
સ્થાનિક લોકોએ હાથમાં હથોડા લીધા અને મસ્જિદને તોડી નાખી.
તેઓ કહે છે, "અમે તેના મીનારા અને નમાઝ પઢવાનો રૂમ તોડી નાખ્યો અને આ જગ્યાને એ લોકોના હવાલે કરી દીધી જેઓ તેના અસલી હકદાર છે."
શ્રીલંકાની 70% વસતી બૌદ્ધ ધર્મમાં માને છે અને આ બધા લોકો સિંહાલી ભાષા બોલે છે.
12% વસતી સાથે હિંદુઓ દેશમાં બીજો સૌથી મોટો સમુદાય છે. ત્યારબાદ 10% વસતી સાથે મુસ્લિમો ત્રીજા નંબરે અને 7% વસતી સાથે ખ્રિસ્તીઓ ચોથા નંબર પર આવે છે.
મોટા ભાગના મુસ્લિમો તમિલ ભાષા બોલે છે. પરંતુ જટિલ રાજકીય અને ઐતિહાસિક કારણોસર મુસ્લિમ પોતાને અન્ય તમિલ બોલતા લોકોથી અલગ જાતિય સમૂહના રૂપમાં જુએ છે.

ઇશ્વરનું ઘર

ઇમેજ સ્રોત, Getty Images
પરંતુ આ પગલાં સાથે ઘણાં લોકો સહમત નથી. ઇસ્લામના ધાર્મિક મુદ્દા પર મુખ્ય ઑથોરિટી મનાતી સંસ્થા સીલોન જમાયતુલ ઉલેમાનું માનવું છે કે પ્રાર્થનાની જગ્યાને આ રીતે તોડવી ન જોઈએ.
એક નિવેદનમાં તેમણે કહ્યું, "બધી મસ્જિદો અલ્લાહની છે. તેનું પ્રબંધન કોણ કરી રહ્યું છે, તેને નષ્ટ કરવી અથવા તો તેને નુકસાન પહોંચાડવું ઇસ્લામની વિરુદ્ધ છે."
સરકારી રેકર્ડ કહે છે કે શ્રીલંકામાં 2,596 મસ્જિદો રજીસ્ટર્ડ છે, જેમાંથી 2,435 કામ કરી રહી છે.
ઘણી એવી મસ્જિદો પણ છે જેનું રજીસ્ટ્રેશન થયું નથી. તેમાંથી કેટલીક મસ્જિદ કોણ ચલાવી રહ્યું છે તેના અંગે કોઈ જાણકારી નથી.

શું કહે છે જાણકારો?

શ્રીલંકાની સાઉથ ઇસ્ટર્ન વિશ્વવિદ્યાલયના મનોવિજ્ઞાન વિભાગના પ્રમુખ ડૉ. રમીઝ કહે છે, "સમુદાય તેમને પુસ્તકાલય અથવા સ્વાસ્થ્ય કેન્દ્ર જેવી જગ્યામાં પરિવર્તિત કરી શકે છે. જો આપણે મસ્જિદોને નષ્ટ કરવાના રસ્તા પર ચાલ્યા જઈએ છીએ તો સેંકડો મસ્જિદોને નષ્ટ કરવાની જરૂર પડશે."
તેમનું અનુમાન છે કે બધી મસ્જિદોમાંથી ઓછામાં ઓછી 10-15% કટ્ટરપંથી સમૂહો તરફથી ચલાવવામાં આવતી હશે.
છેલ્લા બે દાયકામાં વહાબી વિચારધારાના વિભિન્ન બનાવોથી પ્રેરિત થઈને મુસ્લિમોએ તેનું અનુસરણ કર્યું છે.
શ્રીલંકાના મુસ્લિમોએ વર્ષો સુધી પોતાની વિરુદ્ધ લોકોનાં વર્તનને જોયું છે, તેમને શંકાની નજરે જોવામાં આવે છે.

અત્યાર સુધી શું કાર્યવાહી?

ઇમેજ સ્રોત, Getty Images
ગરમીમાં મુસ્લિમ મહિલાઓ પોતાનો ચહેરો ઢાંકી દે છે. શ્રીલંકામાં મુસ્લિમ વસતી ધરાવતા ક્ષેત્ર કટ્ટનકુડીમાં ઘણા રસ્તા અને ઇમારતો પર અરબી ભાષામાં સાઇન બૉર્ડ લાગ્યાં છે.
જોકે, દેશમાં મોટા ભાગના લોકો અરબી વાંચી કે સમજી શકતા નથી.
સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે. હુમલા બાદ સાર્વજનિક સ્થળો પર મહિલાના ચહેરા ઢાંકવા પર પ્રતિબંધ લાગ્યો છે. સાથે જ સાઇન બૉર્ડ પર લખાણ બદલવાના આદેશ આપવામાં આવ્યા છે.
હવે સાઇન બૉર્ડ પર ઔપચારિક ભાષા સિંહાલી, તમિલ અને અંગ્રેજીમાં જ લખવામાં આવશે.
શ્રીલંકા સરકારે ઇમર્જન્સી લાગુ કરી દીધી છે, પરંતુ તેમનું કહેવું છે કે હુમલામાં સામેલ લોકો મૃત્યુ પામ્યા છે અથવા તો તેમની ધરપકડ થઈ ગઈ છે.
ઇમર્જન્સી 22 જૂનના રોજ સમાપ્ત થશે પરંતુ અહીં મુસ્લિમોને દરેક તરફથી દબાણનો અનુભવ થઈ રહ્યો છે.

મુસ્લિમો પર હુમલા

ઇમેજ સ્રોત, Getty Images
મે મહિનાના બીજા અઠવાડિયામાં સંગઠિત સિંહાલી લોકોએ પશ્ચિમી શ્રીલંકામાં બે ડઝન કરતાં વધારે શહેરો પર હુમલો કર્યો હતો. આ હુમલો મુસ્લિમોનાં ઘર અને તેમની દુકાનો પર કરવામાં આવ્યો હતો.
ડૉ. રમીઝ કહે છે, "અમારા પર હુમલા અને અમારી સાથે દુર્વ્યવ્હારની ઘટના સામાન્ય બની રહી છે."
"હાલ જ હું એક સહકર્મીને મળવા માટે અન્ય ચાર લોકો સાથે જેલ ગયો હતો. જ્યારે અમે બહાર આવ્યા તો એક વ્યક્તિએ અચાનક અમને ગાળો ભાંડવાનું શરૂ કરી દીધું."
"તેઓ કહી રહ્યા હતા કે તમે મુસ્લિમ લોકો પોતાની કારમાં બૉમ્બ લઈને જઈ રહ્યા છો. અમે એ જોઈને ત્યાંથી જલદી નીકળી જવું જ યોગ્ય સમજ્યું."
રમીઝ કહે છે કે ઇસ્લામમાં બીજા દેશોમાંથી આવેલી વિચારધારાને સામાજિક, રાજકીય અને ધાર્મિક સાધનોનો ઉપયોગ કરતા તેના પ્રમાણે ઢાળવાની જરૂર છે.
"મોટા ભાગના લોકો આવા ઉગ્રવાદી વિચાર ધરાવતા નથી પરંતુ તેઓ પોલીસ સાથે મળીને અપરાધીઓને પકડવામાં મદદ કરે છે."

મોહમ્મદ હિશામ એક સામાજિક કાર્યકર્તા છે, જેઓ હવે પોતાનો મોટા ભાગનો સમય લોકોને ઉગ્ર કટ્ટરતામાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરતા રહે છે.
તેઓ કહે છે, "યુવાનો ઇસ્લામ વિશે જાણવા માટે ગૂગલ, ચેટ ગ્રૂપ અને યૂટ્યૂબ વીડિયોનો ઉપયોગ કરે છે અને સાઇબરસ્પેસ પર કટ્ટરપંથીઓનું વર્ચસ્વ છે."
તેઓ માને છે કે મસ્જિદને તોડવી એક ખૂબ જ મજબૂત અને સાંકેતિક પ્રતિક્રિયા છે.
તેઓ કહે છે, "કદાચ ત્યાં રહેતા મુસ્લિમોને લાગે છે કે આતંકવાદ સામે લડવાની આ યોગ્ય રીત છે."
તેઓ માને છે કે શ્રીલંકાના મુસ્લિમોને કટ્ટરતામાંથી બહાર કાઢવા હવે પ્રાથમિકતા હોવી જોઈએ.
તેમનું કહેવું છે કે કોઈને પણ નફરતની વિચારધારાનો પ્રચાર કરવાની પરવાનગી ન મળવી જોઈએ અને સિંહાલી, બૌદ્ધ અને હિંદુ તમિલો વચ્ચે પણ ઉગ્રવાદી તત્ત્વોને સ્થાન મળવું ન જોઈએ.
"જો મુસ્લિમોને મુસ્લિમ હોવાના કારણે હેરાન કરવામાં આવશે તો તેઓ ઉગ્રવાદ તરફ વધારે આગળ વધશે."

સમુદાય વચ્ચે ડર

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાના રાજકારણમાં તણાવ વધતો જઈ રહ્યો છે. એક પ્રભાવશાળી બૌદ્ધ ભિક્ષુકે એક મુસ્લિમ સરકારી મંત્રી અને બે પ્રાંતીય રાજ્યપાલોને હટાવવામાં ન આવે ત્યાં સુધી ઉપવાસ કરવાની ધમકી આપી.
ત્યારબાદ બધા મુસ્લિમ મંત્રીઓએ રાજીનામું આપી દીધું અને આઠ અન્ય મંત્રીઓને પણ કૅબિનેટમાંથી હટાવી દેવામાં આવ્યા.
તો શું મસ્જિદ તોડીને મુસ્લિમ પોતાની દેશભક્તિ સાબિત કરવા માગે છે?
ઉગ્રવાદીઓના હુમલાની કિંમત અહીં મુસ્લિમ સમુદાય ચૂકવી રહ્યો છે.
આ એ મુસ્લિમો છે જેમની અવગણના થઈ છે અને હવે તેઓ ઘણા પડકારનો સામનો કરી રહ્યા છે.
મગાતુંગમાની વાત કરવામાં આવે તો અહીં ઘણા પરિવર્તન જોવા મળી રહ્યા છે.
અકબર ખાન કહે છે, "મસ્જિદ વિધ્વંસ બાદ અમારા પ્રત્યે દુશ્મનીનું વલણ ઓછું થયું છે. સિંહાલી અને તમિલોએ પાડોશી તરીકે અમારી સાથે હળવા મળવાનું શરૂ કરી દીધું છે. તણાવ ઓછો થયો છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












