આસિફ અલી ઝરદારી : પ્લેબૉયથી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ અને જેલ સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સહ-પ્રમુખ આસિફ અલી ઝરદારીની નેશનલ એકાઉન્ટબિલિટી બ્યૂરો (એનએબી)ની ટીમે ધરપકડ કરી છે.
ઇસ્લામાબાદ હાઈકોર્ટે સોમવારે મની લૉન્ડરિંગના કેસમાં ઝરદારી અને તેમનાં બહેન ફરયાલ તાલપુરની આગોતરા જામીનની અરજી ફગાવી દીધી હતી.
જસ્ટિસ આમિર ફારુક અને જસ્ટિસ મોહસિન અખ્તર કિયાનીની બેંચે જામીન અરજીને ફગાવ્યા બાદ તેમની ધરપકડનો આદેશ આપ્યો હતો.
ઝરદારી અને તેમનાં બહેન મની લૉન્ડરિંગના કેસમાં મુખ્ય આરોપી છે. તેમના પર ગેરકાયદે બૅન્ક એકાઉન્ટ અને દેશની બહાર પૈસા મોકલવાના આરોપ છે.
ઇસ્લામાબાદ સ્થિત ઝરદારીના ઘર પર મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓ પહોંચ્યા હતા.
પાકિસ્તાનના મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે શરૂઆતમાં ઝરદારીના ઘરમાં એનએબીની ટીમને આવતી રોકી દેવામાં આવી હતી. ધરપકડ પહેલાં ટીમને પાકિસ્તાનની સંસદના સ્પીકરની મંજૂરી લેવી પડી હતી.
કોર્ટનો ચુકાદો આવ્યા પહેલાં જ ઝરદારી અને તેમનાં બહેન બહાર નીકળી ગયાં હતાં. ઝરદારી પાસે ઇસ્લામાબાદ હાઈકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવાનો વિકલ્પ છે.
આસિફ અલી ઝરદારીના પુત્ર બિલાવલ ભુટ્ટોએ ધરપકડ બાદ પોતાના કાર્યકર્તાઓને શાંત રહેવાની અપીલ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઝરદારીની ધરપકડ થઈ તે કેસ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાની મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે તપાસકર્તાઓનું કહેવું છે કે ઝરદારીના નકલી બૅન્ક એકાઉન્ટનો ઉપયોગ વિદેશમાં પૈસા મોકલવા માટે થયો હતો. અહેવાલ મુજબ આ કૌભાંડમાં ડઝન જેટલી કંપનીઓ અને સેંકડો લોકો સંકળાયેલાં હતાં.
ઝરદારી અને તેમનાં બહેન પર નકલી બૅન્ક એકાઉન્ટ દ્વારા 4.4 અબજ રૂપિયા દેશ બહાર મોકલવાનો આરોપ છે.
2015થી આ નકલી બૅન્ક એકાઉન્ટ કેસની તપાસ ચાલી રહી છે. જોકે, ઝરદારીએ પોતાના પરના આરોપોને નકાર્યા છે.
ઝરદારી અને તેમનાં બહેનના વચગાળાના જામીનની મુદત અનેક વખત વધારવામાં આવી હતી. જે બાદ સોમવારે કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો.
બંનેએ સોમવારે કડક સુરક્ષા બંદોબસ્તની વચ્ચે કોર્ટમાં હાજરી આપી હતી. જોકે, તાલપુરને હજી સુધી કસ્ટડીમાં લેવામાં આવ્યાં નથી.
સોમવારે પાકિસ્તાનના ગૃહમંત્રી એજાઝ શાહે સંસદને કહ્યું હતું કે ઝરદારીની ધરપકડમાં સરકારનો કોઈ હાથ નથી.

ઝરદારીનું વિવાદિત જીવન

ઇમેજ સ્રોત, Getty Images
1987માં પાકિસ્તાનના પૂર્વ વડાં પ્રધાન બેનઝીર ભુટ્ટો સાથે લગ્ન બાદ આસિફ અલી ઝરદારીની કારકિર્દી ઘણા નાટકીય વળાંકોમાંથી પસાર થઈ છે.
બેનઝીર ભુટ્ટોની હત્યા બાદ તેઓ પાકિસ્તાનમાં રાજકારણમાં આવ્યા હતા.
તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા ત્યારે તેમના પર ત્રાસ ગુજારાયાના આરોપોથી લઈને તેમનાં પત્નીની હત્યા બાદ દેશના સર્વોચ્ચ પદ પર આરૂઢ થવા સુધી તેમના જીવનમાં ઘણા ઉતારચઢાવ આવ્યા.
તેમના રાજકીય દુશ્મન અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુર્શરફને 2008માં રાજીનામું અપાવવામાં તેમણે મુખ્ય ભાગ ભજવ્યો હતો.
જોકે, વર્ષ 2010માં તેઓ એક મોટા વિવાદના કેન્દ્રમાં પણ આવ્યા હતા. એ સમયે પાકિસ્તાનમાં ભયાનક પૂર આવ્યું હતું. આ સમયે દેશમાં રહેવાને બદલે તેઓ યુરોપના પ્રવાસે હતા. જે મામલે દેશમાં તેમની આકરી ટીકા થઈ હતી.
નવેમ્બર 2011માં અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત હુસેન હક્કાણી અને ઝરદારી એક વિવાદિત મેમો ડ્રાફ્ટ કરવાના મામલામાં ફસાયા હતા.
કથિત રીતે એવું કહેવામાં આવ્યું હતું કે આ મેમોમાં પાકિસ્તાનમાં મિલિટરી બળવા માટે મદદ માગવામાં આવી હતી.

પ્લેબૉયથી રાષ્ટ્રપતિ સુધીની સફર

ઇમેજ સ્રોત, Getty Images
આસિફ અલી ઝરદારીનો જન્મ કરાચીમાં હકીમ અલી ઝરદારીના ઘરે થયો હતો. સિંધી આદિવાસી સમાજમાં જન્મેલા ઝરદારીએ ગ્રામ્યજીવનને બદલે શહેરીજીવનને પસંદ કર્યું.
તેઓ કરાચીમાં મોટા થયા અને સેન્ટ પેટ્રરિક સ્કૂલમાં તેમણે અભ્યાસ કર્યો હતો.
યુવાન ઝરદારી પ્લેબૉય તરીકે જાણીતા હતા અને એવો પણ દાવો છે કે તેમના ઘરે પ્રાઇવટ ડિસ્કોથેક હતો.
18 ડિસેમ્બર, 1987ના રોજ આસિફ અલી ઝરદારી અને બેનઝીર ભુટ્ટો સાથે લગ્ન કર્યાં હતાં.
બેનઝીરના અવસાન પહેલાં ઝરદારીની વ્યક્તિગત છબી એટલી ખરાબ હતી કે તેમની પાર્ટી જાહેરજીવન અને પ્રચારથી તેમને મોટા ભાગે દૂર રાખતી હતી.
એ સમયે આસિફ અલી ઝરદારીને રાજકીય જવાબદારી તરીકે જોવામાં આવતા હતા.
તેમણે ભ્રષ્ટાચારના આરોપમાં અનેક વર્ષો જેલમાં પસાર કર્યાં હતાં. તેમને 'મિ. 10%' તરીકે ઓળખવામાં આવતા હતા.
તેમના પર એવો આરોપ હતો કે અનેક મામલામાં તેમને 10% જેટલી રકમ મળતી હતી.

જ્યારે બિઝનેસમેનના પગે બૉમ્બ બાંધવાનો આરોપ લાગ્યો

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ એ સમયે ખૂબ મોટા વિવાદમાં સપડાયા જ્યારે તેમના પર આરોપ મૂકવામાં આવ્યો કે એ બિઝનેસમેનને પગે રિમૉટ કન્ટ્રોલ બૉમ્બ બાંધીને બૅન્કમાં પૈસા ઉપાડવા માટે મોકલ્યા હતા.
કથિત રીતે એવું કહેવામાં આવતું હતું કે બિઝનેસમૅન પાસેથી તેમને પૈસા લેવાના થતા હતા. જોકે, આ આરોપો ક્યારેય પુરવાર કરી શકાયા ન હતા.
જ્યારે 1993માં પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ ગુલામ ઇશાક ખાને તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફની સરકારને બરખાસ્ત કરી દીધી ત્યારે ઝરદારીને જેલમાંથી સીધા જ રાષ્ટ્રપતિ પાસે શપથ માટે લઈ જવામાં આવ્યા હતા.
આ વચગાળાની સરકારમાં ઝરદારીએ મંત્રી તરીકે શપથ લીધા હતા.
બાદમાં જ્યારે 1993માં પીપીપીની સરકાર બની તો ઝરદારી તેમનાં પત્ની બેનઝીર ભુટ્ટો સાથે વડા પ્રધાન આવાસમાં રહેવા જતા રહ્યા, જ્યાં તેઓ 3 વર્ષ સુધી રહ્યા.
જોકે, 1996માં જ્યારે અન્ય રાષ્ટ્રપતિએ ભુટ્ટોની સરકારને બરખાસ્ત કરી દીધી ત્યારે ઝરદારીની અનેક આરોપસર ધરપકડ કરી લેવામાં આવી હતી.
જેમાં તેમનાં પત્નીના ભાઈ એટલે કે સાળા મીર મુર્તઝા ભુટ્ટોની હત્યા કરાવવાનો પણ આરોપ હતો. બાદમાં તેમનાં પત્ની સાથે તેમને ભ્રષ્ટાચારના મામલામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
તેઓ 2004માં જેલમાંથી બહાર આવ્યા હતા, એ સમયે તેમણે આરોપ લગાવ્યો કે તેમના પર ત્રાસ ગુજારાયો હતો.
2008માં તેઓ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા અને 2019માં તેઓ ફરી જેલમાં ગયા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












