પાકિસ્તાનમાં કઈ રીતે થઈ હતી બેનઝીર ભુ્ટ્ટોની હત્યા?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઓવેન બેનેટ-જોનેસ
- પદ, બીબીસી ન્યૂઝ
મુસ્લિમ દેશ પાકિસ્તાનનું નેતૃત્વ કરી ચૂકેલાં પ્રથમ મહિલા બેનઝીર ભુટ્ટોની એક દાયકા પહેલાં હત્યા કરવામાં આવી હતી.
હત્યાની તપાસમાં વ્યાપક ઢાંકપિછોડાની કેટલીક ચોંકાવનારી વાતો બહાર આવી છે.
બિલાલ નામના 15 વર્ષના એક આત્મઘાતી હુમલાખોરે 2007ની 27 ડિસેમ્બરે બેનઝીર ભુટ્ટોની હત્યા કરી હતી.
બેનઝીર રાવલપિંડીમાં એક ચૂંટણી સભાને સંબોધીને પાછા ફરતાં હતાં ત્યારે બિલાલ તેમના કાફલા સામે ધસી ગયો હતો.
બિલાલે પહેલાં બેનઝીર ભુટ્ટો પર ગોળીબાર કર્યો હતો અને પછી ખુદની જાતને ફૂંકી મારી હતી.
બેનઝીર ભુટ્ટોની હત્યાનો આદેશ બિલાલને પાકિસ્તાની તાલિબાને આપ્યો હતો.
બેનઝીર પાકિસ્તાનના લોકશાહી ઢબે ચૂંટાયેલા પહેલા વડાપ્રધાન ઝુલ્ફીકાર અલી ભુટ્ટોના પુત્રી હતાં.


ઇમેજ સ્રોત, Getty Images
જનરલ ઝિયા ઉલ હકના લશ્કરી શાસને ઝુલ્ફીકાર અલીને ફાંસી આપી દેતાં તેમની રાજકીય કારકિર્દીનો અકાળે અંત આવ્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
1990ના દાયકામાં બેનઝીર બે વખત પાકિસ્તાનના વડાંપ્રધાન બન્યાં હતાં. દરેક વખતે પાકિસ્તાની લશ્કરે તેમને પદ પરથી હટાવ્યાં હતાં.
બેનઝીર પાસેથી સત્તા છીનવી લેવા માટે લશ્કરે તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો હતો.
બેનઝીરની હત્યા કરવામાં આવી ત્યારે તેઓ ત્રીજી વખત વડાપ્રધાન બનવા માટે ચૂંટણી લડતાં હતાં.
બેનઝીરની હત્યાને પગલે પાકિસ્તાનમાં વ્યાપક અશાંતિ સર્જાઈ હતી.
બેનઝીરના ટેકેદારો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આગચંપી કરીને અને પાકિસ્તાન વિરોધી સુત્રોચ્ચાર કરવાની સાથે તેમણે રસ્તાઓ બ્લોક કરી નાખ્યા હતા.

લશ્કરી વડા અને 'ધમકીભર્યો' ફોનકોલ

બેનઝીરની હત્યાના એક દાયકા પછી જનરલ પરવેઝ મુશર્રફ પાકિસ્તાનમાં સર્વસત્તાધિશ હતા.
તેમણે એવું સૂચવ્યું હતું કે સરકારમાંના કેટલાક લોકો બેનઝીરની હત્યામાં સંડોવાયેલા હોઈ શકે છે.
બેનઝીરની હત્યા માટે સરકારમાંના તોફાની તત્ત્વ તાલિબાન સાથે સંપર્કમાં હતા કે કેમ એવા સવાલના જવાબમાં મુશર્રફે કહ્યું હતું કે ''એ શક્ય છે, કારણ કે સમાજમાં ધર્મ આધારિત ફાડિયાં પડેલાં છે.''
બેનઝીરની હત્યામાં એવાં તત્ત્વો સંડોવાયેલાં હોઈ શકે છે એવું મુશર્રફે જણાવ્યું હતું.
પાકિસ્તાનના એક ભૂતપૂર્વ વડાનું આ ચોંકાવનારું નિવેદન હતું.
હિંસક જેહાદી હુમલાઓમાં સરકારની સામેલગીરીને પાકિસ્તાનની લશ્કરી નેતાગીરી સામાન્ય રીતે નકારતી હોય છે.
બેનઝીરની હત્યામાં સરકારમાંના તોફાની તત્ત્વોની સંડોવણી વિશેની ચોક્કસ માહિતી બાબતે મુશર્રફને પૂછવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું હતું કે ''મારી પાસે નક્કર હકીકત નથી, પણ મારું આકલન એકદમ ચોક્કસ છે.''
''પશ્ચિમી દેશો ભણી ઢળેલા ગણાંતાં બેનઝીરને એવાં તત્ત્વો શંકાની નજરે નિહાળતાં હતાં.''
બેનઝીરની હત્યાના કેસમાં મુશર્રફ પર હત્યાના ષડયંત્ર અને હત્યામાં મદદનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
ફરિયાદપક્ષે જણાવ્યું હતું કે બેનઝીર ભુટ્ટોએ આઠ વર્ષના જાતે લીધેલા દેશનિકાલ પર પૂર્ણવિરામ મૂક્યું તેના ત્રણ સપ્તાહ પહેલાં 25 સપ્ટેમ્બરે મુશર્રફે તેમને વોશિંગ્ટન ફોન કર્યો હતો.
લાંબા સમય સુધી બેનઝીરના મદદનીશ તરીકે કામ કરી ચૂકેલા માર્ક સેઇગલ અને પત્રકાર રોન સુસ્કિંદે જણાવ્યું હતું કે મુશર્રફનો ફોન આવ્યો ત્યારે તેઓ બેનઝીરની સાથે હતાં.
સેઇગલના જણાવ્યા અનુસાર ફોન કોલ પછી તરત જ બેનઝીરે કહ્યું હતું, ''મુશર્રફે મને ધમકી આપી હતી. મને પાકિસ્તાન પાછા ન ફરવા કહ્યું હતું. તેમણે મને ચેતવણી આપી હતી.''
મુશર્રફે કહેલું કે બેનઝીર પાકિસ્તાન પાછાં ફરશે પછી તેમને કંઈ થશે તો એ માટે હું જવાબદાર નથી.
પોતે બેનઝીરને ફોન કર્યાનો મુશર્રફે ભારપૂર્વક ઇનકાર કર્યો હતો અને બેનઝીરની હત્યાનો આદેશ પોતે આપ્યાના આક્ષેપને ફગાવી દીધો હતો.
મુશર્રફે બીબીસીને તાજેતરમાં જણાવ્યું હતું કે ''ઈમાનદારીથી કહું તો એ સાંભળીને મને હસવું આવ્યું હતું. હું બેનઝીરની હત્યા શા માટે કરાવું?''

જીવલેણ ષડયંત્ર

ઇમેજ સ્રોત, DAWN NEWS TV
મુશર્રફ જાતે દેશનિકાલ લઈને દુબઈમાં વસવાટ કરી રહ્યા છે. તેથી તેમની સામેની કાયદાકીય કાર્યવાહી ખોરંભાયેલી છે.
બેનઝીરના દીકરા બિલાવલે કહ્યું હતું કે ''મારાં માતાની હત્યા માટે મુશર્રફે સમગ્ર પરિસ્થિતિનો લાભ લીધો હતો.''
''મારાં માતાની હત્યા કરી શકાય એટલા માટે મુશર્રફે મારાં માતાની સલામતી વ્યવસ્થા પાંગળી કરી નાખી હતી.''
મુશર્રફ સામેનો કેસ ખોરંભાયેલો છે ત્યારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય લોકોને છોડી મૂકવામાં આવ્યા છે.
ઘટનાના કેટલાક સપ્તાહોમાં જ પાંચ શકમંદોએ બેનઝીરની હત્યામાં પાકિસ્તાન તાલિબાન અને અલ કાયદા વતી હત્યારા બિલાલને મદદ કર્યાની કબૂલાત કરી હતી.
બેનઝીરની હત્યા સંબંધે સૌથી પહેલાં ઐતાઝ શેખની ધરપકડ કરવામાં આવી હતી.
બેનઝીરની હત્યા માટે આત્મઘાતી હુમલાખોરની પસંદગીની જવાબદારી પાકિસ્તાન તાલિબાને ઐતાઝ શેખને સોંપી હતી.
પહેલો પ્રયાસ નિષ્ફળ જાય તો રિઝર્વ હત્યારા તરીકેનું કામ પણ તેને સોંપવામાં આવ્યું હતું.
પોતે હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાની કબૂલાત રાશીદ અહમદ અને શેર ઝમાને કરી હતી.
રાવલપિંડીના હસ્નેન ગુલ અને રફાકત હુસૈને સત્તાવાળાઓને જણાવ્યું હતું કે તેમણે હત્યાની આગલી રાતે બિલાલને આશરો આપ્યો હતો.
બધા આરોપીઓની આ કબૂલાત સમય જતાં પાછી ખેંચી લેવામાં આવી હતી પણ બેનઝીરની હત્યાના કલાકો પહેલાં શકમંદો ક્યાં હતા અને તેમણે કોની સાથે વાત કરી હતી તેની માહિતી ફોન રેકોર્ડ્ઝ દર્શાવતા હતા.
હસ્નેન ગુલે તેના અપાર્ટમેન્ટમાંથી પોલીસને કેટલાક નક્કર પુરાવા પણ આપ્યા હતા.
બેનઝીરની હત્યાનું ષડયંત્ર ઘડનારાઓને સજા થવાની થોડા મહિના પહેલાં સુધી ફરિયાદ પક્ષને ખાતરી હતી.
જોકે, સપ્ટેમ્બરમાં આ કેસ ભાંગી પડ્યો હતો. ન્યાયમૂર્તિએ જણાવ્યું હતું કે પુરાવા એકઠા કરવામાં અને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં થયેલી પ્રક્રિયાત્મક ભૂલોને કારણે આરોપીઓને છોડી મૂકવા પડશે.
એક અપીલ પેન્ડિંગ હોવાથી પાંચેય આરોપીઓને હજુ અટકાયતમાં રાખવામાં આવ્યા છે.

કોણ હતાં બેનઝીર ભુટ્ટો?

ઇમેજ સ્રોત, MARY IUVONE/AFP/GETTY IMAGES
પાકિસ્તાનનાં પ્રભાવશાળી રાજકારણી બેનઝીર 1988થી 1990 અને 1993થી 1996 સુધી એમ બે વખત વડાંપ્રધાન બન્યાં હતાં. બેનઝીર ભુટ્ટોએ 1999માં પાકિસ્તાન છોડ્યું હતું.
તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે બેનઝીરને તથા અન્યોને ભ્રષ્ટાચારના આરોપોમાંથી મુક્તિ આપી પછી 2007ના ઓક્ટોબરમાં પાકિસ્તાન પાછાં ફર્યાં હતાં.
2008ના જાન્યુઆરીમાં ચૂંટણીનું આયોજન મુશર્રફ કર્યું હતું અને બેનઝીર એ ચૂંટણી લડવાનાં હતાં.
તેઓ પાછાં ફર્યાં ત્યારે કરાચીમાં તેમના આગમન સરઘસ પર ઉગ્રવાદીઓએ બોમ્બ વડે હુમલો કર્યો હતો.
એ હુમલામાં 150થી વધારે લોકોનાં મોત થયાં હતાં, પણ બેનઝીર બચી ગયાં હતાં. એ ઘટનાના બે મહિના બાદ તેમની હત્યા કરવામાં આવી હતી.

બેનઝીરના પતિ બન્યા રાષ્ટ્રપતિ

બેનઝીરની હત્યા તેમના પતિ આસિફ અલી ઝરદારીએ કરાવી હોવાની વાતો પાકિસ્તાનમાં સામાન્ય છે.
આ દાવાનું કારણ એ છે કે બેનઝીરની હત્યા પછી ઝરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા હતા અને બેનઝીરની હત્યાથી તેમને સૌથી વધુ ફાયદો થયો હતો.
જોકે, બેનઝીરની હત્યામાં ઝરદારીની સંડોવણીનો એકેય પુરાવો ક્યારેય મળ્યો નથી.
ઝરદારી પર એક અન્ય આક્ષેપ પણ કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ હોવા છતાં તેઓ તેમનાં પત્નીની હત્યાની તપાસ કરાવવામાં નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે.
બેનઝીરની હત્યાની તપાસ સંબંધી ગુપ્ત સત્તાવાર દસ્તાવેજો બીબીસીએ મેળવ્યા હતા.
તપાસ એટલી કંગાળ રીતે કરવામાં આવી હતી કે પોલીસને ખરા ગુનેગારોને શોધવામાં રસ જ ન હોય એવું દસ્તાવેજોનો અભ્યાસ કરતાં જણાય છે.
હત્યાના અઢી મહિના અગાઉ 2007ની 18 ઓક્ટોબરે બેનઝીરનો જીવ લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
એ ઘટનામાં સંડોવાયેલા બે આત્મઘાતી હુમલાખોરોની ઓળખ પોલીસ પ્રસ્થાપિત કરી શકી ન હતી.

ઢાંકપિછોડાના પ્રયાસ

બેનઝીરની હત્યાની તપાસમાં ઢાંકપિછોડો કરવામાં આવ્યો હતો એમાં કોઈ શંકા નથી.
બેનઝીર ભુટ્ટો સુધી હત્યારા બિલાલને પહોંચાડવામાં મદદ કરી ચૂકેલા બે પુરુષોને 2008ની 15 જાન્યુઆરીએ મિલિટરી ચેકપોઈન્ટ પર ઠાર કરવામાં આવ્યા હોવાનું સૂચવતા પુરાવા બીબીસીની તપાસમાં મળ્યા હતા.
નાદિર અને નસરુલ્લા ખાન નોર્થ-વેસ્ટ પાકિસ્તાનમાં તાલિબાનની મદદ વડે ચાલતી હક્કનિયા મદરેસાના વિદ્યાર્થી હતા.
હત્યાના ષડયંત્રમાં સામેલ મનાતા આ મદરેસાના અન્ય વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા હતા.
સિંધની પ્રાંતિય ધારાસભામાં રજૂ કરવામાં આવેલા એક દસ્તાવેજ અનુસાર, મદરેસાના ભૂતપૂર્વ વિદ્યાર્થી અબદ ઉર રહેમાને બેનઝીરની હત્યામાં વપરાયેલા સુસાઈડ જેકેટની વ્યવસ્થા કરી આપી હતી.

શ્રેણીબદ્ધ હત્યા

ઇમેજ સ્રોત, Getty Images
અબદ ઉર રહેમાન પાકિસ્તાનના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં 2010ની 13 મેએ માર્યો ગયો હતો.
સુસાઈડ જેકેટને રાવલપિંડી સુધી પહોંચાડવામાં સંકળાયેલો અબ્દુલ્લા નોર્ધન પાકિસ્તાનની મોહમ્મદ એજન્સીમાં 2008ની 31 મેએ થયેલા વિસ્ફોટમાં માર્યો ગયો હતો.
બેનઝીર ભુટ્ટોના સલામતી રક્ષકો પૈકીના એક ખાલિદ શહેનશાહનું મૃત્યુ સનસનાટીભર્યું હતું.
બેનઝીરની હત્યા વખતે ખાલિદ શંકાસ્પદ હિલચાલ કરતો જોવા મળ્યો હતો.
2008ની 22 જુલાઈએ ખાલિદને તેના કરાચીસ્થિત ઘરની બહાર ઠાર કરવામાં આવ્યો હતો.
એ પછી 2013ની ત્રીજી મેએ સરકારી વકીલ ચૌધરી ઝુલ્ફીકારની ઈસ્લામાબાદમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
એ વખતે તેઓ કેસની સુનાવણીમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.

માત્ર બે પોલીસ અધિકારીઓને સજા

ઇમેજ સ્રોત, Getty Images
બેનઝીર ભુટ્ટોની હત્યા સંબંધે અત્યાર સુધીમાં માત્ર બે પોલીસ અધિકારીઓને જ સજા કરવામાં આવી છે.
રાવલપિંડીમાં જે સ્થળે બેનઝીરની હત્યા કરવામાં આવી હતી એ સ્થળને પાણી વડે ધોવાનો આદેશ આ અધિકારીઓએ આપ્યો હતો.
પોલીસ અધિકારીઓને કરવામાં આવેલી સજાને ઘણા પાકિસ્તાનીઓ અયોગ્ય ગણે છે, કારણ કે લશ્કરના આદેશ વિના પોલીસ ઘટનાસ્થળને પાણી વડે ક્યારેય ધોવે નહીં એવું તેઓ માને છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













