બેનઝીર ભુટ્ટોના ગામની મહિલાઓ આવી સમસ્યાઓ સાથે જીવે છે

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુમાઇલા જાફરી
- પદ, બીબીસી સંવાદદાતા, લરકાના(સિંધ), પાકિસ્તાન
બલૂચિસ્તાનના બર્ફીલા પહાડોમાં '#BBCShe' કાર્યક્રમ અંતર્ગત યુવતીઓ સાથે રૂબરૂ થયા પછી અમે અમારા આગળના પડાવ સિંધ પ્રાંત તરફ પ્રયાણ કર્યું. ત્યાં અમે લરકાનાની યુવતીઓને મળવા ઇચ્છતા હતાં.
કરાચીથી લગભગ સાડા ચારસો કિલોમીટર દૂર આવેલું લરકાના પંજાબના રાજકીય ફલક ઉપર સૌથી શક્તિશાળી શહેરોમાંનું એક ગણાય છે કારણકે આ ભુટ્ટોપરિવારનું પૈતૃક નિવાસસ્થાન છે.
શહેરથી લગભગ દોઢ કલાકના અંતરે આવેલા ગઢી ખુદા બખ્શ ગામથી ભુટ્ટો પરિવારની કબરવાળી ઊંચી ઇમારત નજરે પડે છે.
આ ઇમારતના ઊંચા સફેદ ગુબંજ અંધારામાં પણ મોતીની જેમ ચમકે છે.
આ ગામમાં ભુટ્ટો પરિવારના લોકોને સંતો જેવું સન્માન મળ્યું છે અને તેમની કબરની જગ્યા એક તીર્થસ્થાન બની ગઈ છે. જ્યાં રોજ ડઝનેક લોકો આવે છે.

ભુટ્ટોના ગામમાં વિકાસ ક્યાં?

આ ગામમાંથી નીકળેલો ભુટ્ટો પરિવાર એક લાંબા ગાળા સુધી પાકિસ્તાનની સત્તા ઉપર બિરાજમાન રહ્યો છે.
આમ છતાં આ વિસ્તારમાં આધારભૂત માળખાનો અભાવ અને ગરીબી સ્પષ્ટ નજરે ચઢે છે.
લરકાના જ નહીં, સિંધ પ્રાંતના અંદરના વિસ્તારોમાં ઘણી જગ્યાએ કંઈક આવાં જ દૃશ્યો દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ જ વિસ્તારે મુસ્લિમ દુનિયા અને પાકિસ્તાનને તેમના પ્રથમ મહિલા વડાં પ્રધાન આપ્યાં હતાં.


આ સ્થિતિમાં અમને એ જાણવામાં રસ હતો કે આ વિસ્તારની છોકરીઓ કેટલી જાગૃત છે.
અમે શહીદ ઝુલ્ફીકાર અલી ભુટ્ટો ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એન્ડ ટેકનૉલૉજીમાં યુવતીઓને મળવાનું આયોજન કર્યું.
અમારા આ આયોજનમાં લગભગ પચાસ યુવતીઓએ ભાગ લીધો.
આ દરમિયાન તેમણે સમાજમાં વર્જિત મનાતા મહિલા સ્વાસ્થ્ય, પ્રજનનના અધિકાર અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ ઉપર વાત કરી.

સિંધની મહિલાઓનો સાહસી અંદાજ

મહિલાઓમાં માસિક કંઈક એવો મુદ્દો રહ્યો છે કે શહેરોમાં રહેનારી ભણેલી-ગણેલી મહિલાઓ પણ આ મુદ્દાઓ ઉપર વાત કરવામાં અચકાય છે.
જયારે #BBCSheના આ કાર્યક્રમ દરમિયાન એક યુવા વિદ્યાર્થિનીએ આ મુદ્દાને ઉઠાવ્યો ત્યારે તો હું અચંબિત થઈ ગઈ.
આ છોકરી કહે છે કે સિંધ પ્રાંતમાં હજારો મહિલાઓ મૌન રાખીને આ બધું સહન કરી રહી છે.
તેઓ સ્વચ્છ સૅનિટરી ઉત્પાદનો પણ ખરીદી શકતી નથી.
કોઈ પ્રકારની સમસ્યા ઉપસ્થિત થાય ત્યારે તેઓ તબીબી મદદ લઈ શકતી નથી.
સિંધ પ્રાંતની અંદરના વિસ્તારોમાં તેઓ પોતાના હોર્મોનલ ડિસોર્ડર અને સ્તન કૅન્સર જેવી બીમારીઓ વિશે વાત કરવામાં પણ ખચકાટ અનુભવે છે.
આ જ છોકરી ઉદાહરણ આપીને સમજાવે છે કે જો કોઈ અવિવાહિત છોકરી મહિલા રોગ નિષ્ણાત પાસે જાય છે તો સમાજ તેનું જીવવું મુશ્કેલ કરી દે છે.
ત્યાં, એક બીજી છોકરી કહે છે કે, જો કોઈ છોકરી આ વિષયમાં વાત કરે તો તેમના પરિવારજનો તેમને જબરદસ્તી ચૂપ કરાવી દે છે.
આ છોકરી પોતાના અનુભવ જણાવીને કહે છે, "અમને એ પણ જણાવવામાં આવે છે કે અમે બેશરમ છીએ, આવી વાતો ઉપર ચર્ચા કરવી અમારા ધર્મ અને રીત-રસમો વિરુદ્ધ છે."

મહિલાઓના અધિકાર

સિંધ પ્રાંતના કાંડકોટ વિસ્તારથી આવતી એક છોકરી કહે છે કે મહિલાઓનો તેમના મન અને શરીર ઉપર કોઈ પ્રકારનો અધિકાર નથી.
તેમને નાની ઉંમરે લગ્ન કરીને બાળકો પેદા કરવા માટે મજબૂર કરવામાં આવે છે.
એ પછી જો તે દીકરાને જન્મ ન આપે તો તેમના પતિ તેમને તરછોડીને બીજા લગ્ન કરી લે છે.
કાંડકોટથી આવતી આ છોકરી જણાવે છે, "ગર્ભધારણ દરમિયાન જો પતિને એવી ખબર પડી જાય કે તે દીકરીને જન્મ આપવાની છે તો પતિ તેને છોડી દે છે."
"તેમને જરૂર મુજબ ભોજન અને દાકતરી મદદ આપવામાં આવતી નથી."


સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ મુજબ સિંધ પ્રાંતમાં મહિલાઓની મોટી સંખ્યા કુપોષણની શિકાર છે.
આ અહેવાલ જણાવે છે કે કુપોષણની દષ્ટિએ સિંધ પ્રાંતના ગરીબ પરિવારોની મહિલાઓની હાલત આખા પાકિસ્તાનના અન્ય કોઈપણ સમાજથી બદતર છે.
અમારા કાર્યક્રમમાં ભાગ લેવા આવેલી એક યુવતી જણાવે છે કે મહિલાઓની ખરાબ શારીરિક અને માનસિક હાલત સમાજ ઉપર ખરાબ અસર પેદા કરી રહી છે.
તેમણે કહ્યું, "જો તમે પ્રસવ દરમિયાન મહિલાઓ અને નવજાત શિશુઓના મૃત્યુના આંકડાઓ ઉપર નજર નાખશો તો તમને આશ્ચર્ય થશે."
તેમણે અમને અહીંની મહિલાઓ જે તાણનો સામનો કરે છે એ વિશે જણાવ્યું.

ઘરેલુ હિંસાનો મુદ્દો

એક છોકરી જણાવે છે કે પુરુષ પોતાના કામ દરમિયાન જે પડકારોનો સામનો કરે છે, તેની હતાશાઓ તેઓ મહિલાઓ ઉપર ઉતારે છે.
પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ સમાજમાંથી આવતી એક છોકરી કહે છે કે સિંધ પ્રાંતમાં મુસ્લિમ પુરુષ હિંદુ મહિલાઓને ધર્મપરિવર્તન કરવા માટે જબરદસ્તી મજબૂર કરે છે.
તે જણાવે છે કે આ કારણોને લીધે જ હિંદુસમાજ પોતાની છોકરીઓને આગળ ભણવા નથી દેતો.
તે કહે છે, "અમે પણ પાકિસ્તાની છીએ અને સિંધી સમાજમાં સારી રીતે ઓતપ્રોત છીએ."
"આ સ્થિતિમાં જબરદસ્તી થતું ધર્મપરિવર્તન બંધ થવું જોઈએ. આ મુદ્દાને કારણે સામાજિક તાણાવાણાને થતા નુકસાનથી આપણે બચવું જોઈએ."
આ આયોજનમાં સામેલ થયેલી કેટલીક યુવતીઓએ મુખ્યપ્રવાહના મીડિયા સમક્ષ એ અપેક્ષા વ્યક્ત કરી કે તેમણે બાળશોષણના મુદ્દે વાત કરવી જોઈએ.
એ સાથે જ મહિલાઓને તેમની શારીરિક સુરક્ષા બાબતે શિક્ષિત કરવી જોઈએ.
યૌનશિક્ષણને પાઠ્યક્રમનો ભાગ બનાવવું જોઈએ કારણકે તેનાથી બાળકોના યૌનશોષણ ઉપર લગામ રાખી શકાશે.
આ યુવતી કહે છે, "મીડીયાએ બાળકોને સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ (ગુડ ટચ- બૅડ ટચ) બાબતે શિક્ષણ આપવું જોઈએ."

સારી છોકરી વિરુદ્ધ ખરાબ છોકરી

ઘણી યુવતીઓએ એમ પણ જણાવ્યું કે પુરુષો કેવી રીતે મહિલાઓની પસંદ અને નાપસંદને આધારે તેમને સારી મહિલા અને ખરાબ મહિલા જેવા ઢાંચાઓમાં ખપાવી દે છે.
આમાંથી ઘણી યુવતીઓ એ વાત ઉપર એકમત હતી કે મહિલાઓ વિરુદ્ધની વિચારધારાને વિકસિત કરવા માટે સમાજ જ જવાબદાર છે.
આ દરમિયાન ઑફિસો, શિક્ષણસંસ્થાઓના પરિસરો અને ગલીઓમાં જાતિય શોષણ, છેડતી, સોશિયલ મીડિયા ઉપર લૈંગિક ભેદભાવ અને નિર્ણય લેવાના અધિકાર જેવા મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા.
આ આયોજન બાદ એકવાર ફરી હું આ છોકરીઓની બહાદુરી ઉપર વારી ગઈ.
આમાંથી ઘણી છોકરીઓ પહેલીવાર કૅમેરાનો સામનો કરી રહી છે પરંતુ આ મહિલાઓ સંકોચ વગર પોતાના વિચારો વ્યક્ત કરી રહી હતી.
મેં તેમના અવાજમાં નિરાશા અનુભવી. મને લાગે છે કે આ જ ગુસ્સો લોકોને નિર્ભય બનાવે છે.
આ છોકરીઓ નિશ્ચિતપણે સમાજ તરફથી મળી રહેલા વર્તાવ ઉપર નારાજ હતી.
સિંધની મહિલાઓ અંગેના મારા વિચારો સંપૂર્ણપણે બદલાઈ ગયા.
BBCShe કાર્યક્રમ દરમિયાન અત્યાર સુધીમાં મારી મુલાકાત એવી મહિલાઓ સાથે થઈ છે જેમનું સાહસ જોઈને હું દંગ થઈ ગઈ છું.
જોઈએ હવે BBCSheની સફરમાં અમારા આગલા પડાવ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શું થાય છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












