ICC World Cup : સ્મિથ-કોલ્ટર હોય કે સ્ટાર્ક, ઑસ્ટ્રેલિયા ધબડકા પછી પણ ધાક જમાવી શકે છે

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સ્ટિવ સ્મિથ અને કોલ્ટર-નાઇલે મજબૂત બૅટિંગ કરીને જોરદાર પ્રતિકાર કરતાં ઑસ્ટ્રેલિયાએ આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપની મૅચમાં વેસ્ટ ઇન્ડીઝ સામે 15 રનથી વિજય હાંસલ કર્યો હતો. ગમે તેવો ધબડકા પછી પણ ઑસ્ટ્રલિયા વિશ્વ કપમાં ધાક જમાવી જ શકે છે એ ગઈ કાલની મૅચમાં જોવા મળ્યું.

બૅટિંગમાં સ્મિથ અને કોલ્ટર-નાઇલની કમાલ બાદ મિશેલ સ્ટાર્કે ઝંઝાવાતી બૉલિંગ કરીને પાંચ વિકેટ ખેરવીને ટીમને સફળતા અપાવી હતી. વર્તમાન ટૂર્નામેન્ટમાં ઑસ્ટ્રેલિયાનો આ બીજો વિજય હતો.

ટ્રૅન્ટ બ્રિજ ખાતે રમાયેલી મૅચમાં પ્રથમ બૅટિંગ કરતાં ઑસ્ટ્રેલિયાએ 49 ઓવરમાં 288 રનનો સ્કોર નોંધાવ્યો હતો જેના જવાબમાં વેસ્ટ ઇન્ડીઝ 50 ઓવરમાં નવ વિકેટે 273 રન કરી શક્યું હતું. વેસ્ટ ઇન્ડીઝે લડત આપી હતી પરંતુ સાથે સાથે નિયમિત અંતરે વિકેટો પણ ગુમાવી હતી.

289 રનના લક્ષ્યાંક સામે રમતાં વેસ્ટ ઇન્ડીઝના ઓપનર એવિન લેવિસ તો તરત જ આઉટ થઈ ગયા હતા જ્યારે બે વખત રિવ્યૂમાં બચી ગયેલા ક્રિસ ગેઇલ 17 બોલમાં 21 રન કરીને આઉટ થયા હતા.

ટીમના યુવાન અને પ્રતિભાશાળી બૅટ્સમેન શાઈ હોપ એક છેડે ટકી ગયા હતા. તેમણે 105 બૉલમાં શાનદાર 68 રન ફટકારીને વેસ્ટ ઇન્ડીઝની આશા જીવંત રાખી હતી. નિકોલસ પૂરને પણ હોપને ટેકો આપ્યો હતો. બંનેએ ત્રીજી વિકેટ માટે 68 રન ઉમેર્યા હતા. નિકોલસ પૂરન 40 રનના અંગત સ્કોરે સ્પિનર એડમ ઝમ્પાની બૉલિંગમાં આઉટ થયા હતા.

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન ઍરોન ફિંચે બૉલિંગમાં ચતુરાઈભર્યા પરિવર્તન કર્યા હતા અને ટીમને તેનો લાભ પણ મળ્યો હતો. પૅટ કમિન્સે લેવિસ અને હોપને આઉટ કર્યા હતા. મિશેલ સ્ટાર્ક તેના બીજા સ્પેલમાં ચુસ્ત બોલિંગ કરી હતી. તેમણે આન્દ્રે રસેલની મહત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી. રસેલે 11 બૉલમાં 15 રન કર્યા હતા.

કૅપ્ટન જેસન હોલ્ડરે જવાબદારીપૂર્વક બૅટિંગ કરી હતી. જોકે સ્ટાર્કે એક જ ઓવરમાં હોલ્ડર અને બ્રાથવેટને આઉટ કરતાં વેસ્ટ ઇન્ડીઝની લડત શમી ગઈ હતી.

અગાઉ ઑસ્ટ્રેલિયા 100 રન સુધી પણ પહોંચી શકે તેવી સ્થિતિ ન હતી પરંતુ સ્ટિવ સ્મિથ અને કોલ્ટર નાઇલે શાનદાર બૅટિંગ કરી હતી. તેમણે ઇનિંગ્સ જમાવીને ટીમનો રકાસ અટકાવ્યો હતો.

ડેવિડ વોર્નર અને ઍરોન ફિંચ જેવા બેટ્સમેન સસ્તામાં આઉટ થઈ જતાં ઑસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી.

ઉસ્માન ખ્વાજા માત્ર 13 રન કરી શક્યા હતા તો ગ્લેન મેક્સવેલ તો શૂન્ય પર જ આઉટ થઈ ગયા હતા. વેસ્ટ ઇન્ડીઝના ઝડપી બોલરોએ આ તબક્કે ખતરનાક બૉલિંગ કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

ઑસ્ટ્રેલિયાની વળતી લડત

સ્ટોઇનિસની મદદથી ઑસ્ટ્રેલિયાએ 16મી ઓવર સુધીમાં સ્કોર 79 સુધી પહોંચાડી દીધો હતો. જેસન હોલ્ડરે વેસ્ટ ઇન્ડીઝને પાંચમી સફળતા અપાવી ત્યાર બાદ ઑસ્ટ્રેલિયાની વળતી લડતનો પ્રારંભ થયો હતો.

એલેક્સ કેરીએ સ્મિથ સાથે મળીને 68 રન ઉમેરીને ટીમનો રકાસ અટકાવ્યા બાદ સ્મિથ અને નાથાન કોલ્ટર નાઇલે સ્કોર આગળ ધપાવવાની શરૂઆત કરી હતી. કોલ્ટર-નાઇલે આક્રમક બૅટિંગ કરી હતી.

સ્મિથ ચાર ઓવર બાદ રમવા આવ્યા હતા જ્યારે કોલ્ટર-નાઇલ 34મી ઓવરમાં રમવા આવ્યા હતા. આમ છતાં એક સમયે કોલ્ટર-નાઇલ પોતાના સિનિયર પાર્ટનરના સ્કોરની નજીક પહોંચી ગયા હતા.

સ્મિથે 103 બૉલમાં સાત બાઉન્ડ્રી સાથે 73 રનની મક્કમ ઇનિંગ્સ રમી હતી તો કારકિર્દીની 28મી વન-ડે રમી રહેલા કોલ્ટર-નાઇલે પોતાની પ્રથમ અડધી સદી ફટકારતાં 60 બૉલમાં 92 રન નોંધાવ્યા હતા જેમાં ચાર સિક્સર અને આઠ બાઉન્ડરીનો સમાવેશ થતો હતો.

એલેક્સ કેરીએ પણ મહત્વનું યોગદાન આપીને 55 બૉલમાં 45 રન ફટકાર્યા હતા જેમાં સાત બાઉન્ડરીનો સમાવેશ થતો હતો.

47મી ઓવરમાં પેટ કમિન્સ આઉટ થયા બાદ ઑસ્ટ્રેલિયન ઇનિંગ્સ પૂરી થઈ ગઈ હતી.

વેસ્ટ ઇન્ડીઝ માટે કાર્લોસ બ્રાથવેટે છેલ્લી ત્રણ વિકેટ ઝડપી હતી તો પ્રારંભમાં ઓશાને થોમસ, શેલ્ડન કોટ્રેલ અને આન્દ્રે રસેલે બે બે વિકેટ ઝડપી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો