પાકિસ્તાનની સેનાએ જનતા ઉપર દમનના આરોપ નકાર્યા

પાકિસ્તાની સૈન્ય

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, એમ. ઇલિયાસ ખાન
    • પદ, બીબીસી ન્યૂઝ, ડેરા ઇસ્માઇલ ખાન

9/11ના આતંકવાદી હુમલા બાદ ઉગ્રવાદીઓ વિરુદ્ધ શરૂ કરાયેલું યુદ્ધ પાકિસ્તાનમાં હજારો લોકોને ભરખી ગયું છે, જેનો ભોગ કેટલાક નિર્દોષ નાગરિકો પણ બન્યા છે.

સૈન્યે ગુજારેલા અત્યાચારો વિરુદ્ધ પીડિતો હવે સામે આવી રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે, બીબીસી આવા જ લોકોને મળ્યું અને એમની કહાણી જાણી.

આવી જ એક કહાણીનો પ્રારંભ થાય છે વર્ષ 2014થી. એ વખતે ટીવી ન્યૂઝ નેટવર્ક પર જાહેરાત કરાઈ કે પાકિસ્તાની તાલિબાનના એક મોટા ઉગ્રવાદી કમાન્ડરને હણવામાં સૈન્યને સફળતા મળી છે.

આ પાકિસ્તાની તાલિબાની કમાન્ડરનું નામ અદનાન રશિદ હોવાનું જણાવાયું.

ઉત્તર વઝીરિસ્તાનમાં કરાયેલા હવાઈ હુમલામાં રશિદ અને તેમના પરિવારના પાંચ સભ્યોનાં મૃત્ય થયાં હોવાનું જણાવાયું હતું.

રશિદ પાકિસ્તાની ઍરફૉર્સના પૂર્વ ટેકનિશિયન હતા અને પાકિસ્તાનમાં તેમનું નામ પણ જાણીતું હતું. મલાલા યુસુફઝઈ પર કરાયેલા હુમલાને યોગ્ય ઠેરવતો પત્ર રશિદે મલાલાને લખ્યો હતો.

વર્ષ 2012માં મલાલાને તાલિબાનીઓએ માથામાં ગોળી મારી હતી. એ વખતે મલાલા શાળામાં અભ્યાસ કરતાં હતાં.

આ ઉપરાંત પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફની હત્યાના પ્રયાસમાં પણ રશિદ જેલમાં જઈ ચૂક્યા હતા.

line

તાલિબાનના બહાને સામાન્ય લોકો શિકાર

તાલિબાન

ન્યૂઝ ચૅનલોએ સુરક્ષા અધિકારીઓને ટાંકીને 22 જાન્યુઆરી, 2014ના રોજ જણાવ્યું કે હમઝોની વિસ્તારમાં રશિદનાં ઠેકાણાં પર હુમલો કરાયો છે.

9/11 બાદ અમેરિકાએ જ્યારે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે વઝીરિસ્તાન અને અન્ય પર્વતીય વિસ્તારોને પાકિસ્તાની સૈન્યએ પોતાના કબજામાં લઈ લીધા હતા.

એ વખતે તાલિબાની લડાકુ અને અલ-કાયદાના જેહાદીઓ સરહદ પાર કરીને આ જ પર્વતીય વિસ્તારોમાં સંતાઈ જતા હતા.

આ એવા વિસ્તારો છે કે જ્યાં પત્રકારોની પણ પહોંચ નથી, ત્યારે સુરક્ષાદળોના દાવાની હકીકત ચકાસવી બહુ કાઠું કામ છે.

એક વર્ષ બાદ માલૂમ પડ્યું કે સૈન્યે જે ઠેકાણાંને નિશાન બનાવ્યાં હતાં એ ખરેખર તો કોઈ નિર્દોષનું ઘર હતું. આ દરમિયાન રશિદનો એક વીડિયો બહાર આવ્યો, જેણે તેના મૃત્યુના સમાચારને ખોટા ઠેરવી દીધા.

વાત એમ હતી કે પાકિસ્તાની સૈન્યએ ટોચના ઉગ્રવાદીઓને મારવાને બદલે એક સ્થાનિકનું ઘર ઉડાવી દીધું હતું, પણ સુરક્ષાદળોએ ક્યારેય આ વાતનો સ્વીકાર કર્યો નહીં.

આ ઘટનાની તપાસાર્થે બીબીસી ડેરા ઇસ્માઇલ ખાન પહોંચ્યું. સિંધુ નદીના કિનારે આ શહેર વસેલું છે. જે વ્યક્તિનું ઘર પાકિસ્તાની સૈન્યને ઉડાવી દીધું હતું એ વ્યક્તિ પણ અહીં જ મળી.

નઝીરુલ્લાહ એ વખતે 20 વર્ષના હતા. એ બીનાને યાદ કરીને તેઓ જણાવે છે, "રાતના 11 વાગ્યા હશે કે એની આસપાસનો સમય થયો હતો."

"એવું લાગ્યું કે ઘરમાં વિસ્ફોટ થયો છે. હું અને મારી પત્ની અચાનક જ જાગી ગયાં. હવામાં દારૂની તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. અમારા ઘરના એક ઓરડાની છત પડી ગઈ હતી. આખા ઘરમાં માત્ર એ ખુણો જ બચ્યો હતો કે જ્યાં અમારું બિસ્તર લગાવાયેલો હતો."

આ ઘટનાના થોડા સમય પહેલાં જ નઝીરુલ્લાહએ નિકાહ કર્યા હતા. લગ્ન બાદ બે ઘરના ઓરડામાંથી એક નઝીરુલ્લાહને આપી દેવાયો હતો, જ્યારે બાકીના ઓરડામાં પરિવારના બીજા લોકો રહેતાં હતાં.

તેમનું આખું ઘર જમીનદોસ્ત થઈ ગયું હતું અને આગ પણ ફાટી નીકળી હતી. કાટમાળની અંદર એમના પરિવારજનો દટાઈ ગયાં હતાં. પત્ની અને પડોશીઓની મદદથી તેમણે એ પરિવારજનોને બહાર કાઢ્યાં. કોઈ ઘાયલ થયું હતું તો કોઈ મરણ પામ્યું હતું.

line

બે દાયકાનો અજંપો

નઝીરુલ્લાહ
ઇમેજ કૅપ્શન, નઝીરુલ્લાહ

એ હુમલામાં નઝીરુલ્લાહના પરિવારના ચાર સભ્યો માર્યા ગયાં હતાં. મૃતકોમાં એમની ત્રણ વર્ષની પુત્રી પણ સામેલ હતી.

આ ઉપરાંત હુમલો તેમની ભત્રીજી સુમાયા અને તેમનાં માતાને પણ ભરખી ગયો હતો.

કાટમાળમાંથી ચાર ઘાયલોને પણ બહાર કાઢવામાં આવ્યા હતા. હુમલા બાદ નઝીરુલ્લાહનો પરિવાર ડેરા ઇસ્માઇલ ખાન વસી ગયો. અહીંનું જીવન તેમને ઘણે અંશે શાંતિપૂર્ણ લાગે છે.

પાકિસ્તાનના આ વિસ્તારોમાં લોકોએ મોટી સંખ્યામાં હિજરત કરી છે. છેલ્લા બે દાયકા દરમિયાન આ આદિવાસી વિસ્તારમાં ભારે અજંપો જોવા મળ્યો છે.

સ્થાનિક તંત્ર અને સ્વતંત્ર રિસર્ચ ગ્રૂપના જણાવ્યા અનુસાર વર્ષ 2002માં ઉગ્રવાદને કારણે અહીં 50 લાખથી વધુ લોકોને પોતાનાં ઘરબાર છોડવાં પડ્યાં.

આ લોકો કાં તો શરણાર્થી છાવણીઓમાં જીવી રહ્યા છે કાં તો શાંત વિસ્તારોમાં ભાડાનાં ઘરોમાં.

ઉગ્રવાદ સામેના આ યુદ્ધમાં કેટલા લોકો માર્યા ગયા એનો અધિકૃત આંકડો ઉપલબ્ધ નથી.

જોકે, ઍકડેમિક અને સ્થાનિક તંત્રના મતે 50 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં છે. જેમાં સામાન્ય લોકો, ઉગ્રવાદીઓ અને સુરક્ષદળોના જવાનોનો સમાવેશ થાય છે.

સ્થાનિક કર્મશીલોનો આરોપ છે કે સૈન્યના હવાઈ હુમલા મોટા ભાગે સામાન્ય લોકો જ માર્યા ગયા છે.

આ મામલે તેઓ વીડિયો અને દસ્તાવેજી પુરાવા એકઠા કરી રહ્યા છે, જેથી પોતાના દાવાને મજબૂતી સાથે રજૂ કરી શકે. આ કર્મશીલોનો સંબંધ 'પશ્તૂન તહાફઝ મૂવમૅન્ટ'(પીટીએમ) સાથે હોવાનું જાણવા મળે છે.

આદિવાસીઓ સાથેના અત્યાચારના સતત અહેવાલો વચ્ચે ગત વર્ષે પીટીએમની શરૂઆત થઈ છે.

લાઇન

તમે આ વાંચ્યું કે નહીં?

લાઇન

'બંધારણીય હકોનું ઉલ્લંઘન'

મંઝુર પશ્તિન

ઇમેજ સ્રોત, GETTY IMAGES

પીટીએમના ટોચના નેતા મંઝુર પશ્તીનનું કહેવું છે, "અત્યાચાર અને અપમાન વિરુદ્ધ ઊભા થવામાં અમને 15 વર્ષનો સમય લાગ્યો. અમે જાગૃતી ફેલાવી કે સૈન્ય કઈ રીતે અમારા બંધારણીય અધિકારોનું હનન કરે છે."

પીટીએમનો આરોપ છે કે ઉત્તર વઝીરિસ્તાનમાં 26 મેના રોજ સૈન્યના ગોળીબારમાં તેમના 13 કાર્યકરો માર્યા ગયા હતા. એ વખતે કાર્યકરો રસ્તા પર વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા.

જોકે, સૈન્યનું કહેવું છે કે એ વખતે ચેક-પૉઇન્ટ પર હુમલો કરનારા ત્રણ કાર્યકારો માર્યા ગયા હતા, પણ પીટીએમ આ વાતનો ઇન્કાર કરે છે.

line

પાકિસ્તાનની પ્રતિક્રિયા

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

સ્ટોરીના પ્રકાશન બાદ પાકિસ્તાની સેનાના પ્રસાર વિભાગ ઇન્ટર સર્વિસીઝ પબ્લિક રિલેશન્સના અધિકારી મેજર જનરલ આશિફ ગફૂરે ટ્વિટર ઉપર નિવેદન મૂક્યું હતું, જેમાં બીબીસીના અહેવાલ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

બીબીસીની કહાણીને 'જૂઠાણાંથી ભરેલી' , 'પત્રકારત્વના મૂલ્યોથી વિપરીત', 'પુરાવા વગરની' અને 'સ્થિતિને સમજ્યા વગરની' ઠેરવી છે.

ગફૂરના કહેવા પ્રમાણે, આ મુદ્દો બીબીસીના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉઠાવવામાં આવ્યો છે.

પીટીએમના મામલાની બીબીસીએ સ્વતંત્ર તપાસ કરી અને આ અંગે પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાને સવાલ પૂછ્યો હતો, પણ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી

પાકિસ્તાની સૈન્ય આ પ્રકારના આરોપને એકતરફી ગણાવે છે અને કોઈ પ્રતિક્રિયા નથી આપતું.

નોંધનીય છે કે ઇમરાન ખાન જ્યારે વિપક્ષમાં હતા, ત્યારે તેઓ આદિવાસીઓ ઉપર દમન અંગે વારંવાર બોલતા હતા.

line

9/11 બાદ તાલિમાન પાકિસ્તાન કઈ રીતે પહોંચ્યું?

તાલિબાન

ઇમેજ સ્રોત, Getty Images

ન્યૂયૉર્ક અને વૉશિગ્ટનમાં સપ્ટેમ્બર, 2001માં કરાયેલા હુમલા બાદ આ તમામ બીનાની શરૂઆત થાય છે.

ઑક્ટોબર 2001માં અમેરિકાએ કરેલા હુમલાને પગલે અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને અફઘાનિસ્તાન છોડવું પડ્યું. અફઘાનિસ્તાનમાં લાદેનને તાલિબાને શરણું આપ્યું હતું.

1996માં અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કરનારા તાલિબાનને વિશ્વના ત્રણ દેશોએ માન્યતા આપી હતી અને પાકિસ્તાન એમાનું એક હતું.

અફઘાનિસ્તાનમાં ભારતનો પ્રભાવ ઘટાડવા પાકિસ્તાને આવું કર્યું હતું.

અહીં એ વાત પણ નોંધવી રહી કે પાકિસ્તાન વર્ષોથી અમેરિકાની સૈન્યમદદ પર નિર્ભર રહ્યું છે.

એ વખતના પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે જ્યારે આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં અમેરિકાનો સાથ આપવાની જાહેરાત કરી તો તાલિબાને ઉત્તર અને દક્ષિણ વઝીરિસ્તાન જેવા પાકિસ્તાનના અર્ધ-સ્વાયત્ત વિસ્તારોમાં ડેરો તાણ્યો.

જોકે, અફઘાન તાલિબાન એકલું જ સરહદ પાર કરીને પાકિસ્તાન નહોતું પ્રવેશ્યું. તેની સાથે ઉગ્રવાદીઓનાં એવાં ધાડાં પણ ઊતરી આવ્યાં કે પાકિસ્તાનનને પોતાનું કટ્ટર દુશ્મન ગણતાં.

વૈશ્વિક પ્રસારની મહત્વાકાંક્ષા ધરાવતા આ સમૂહોએ વજીરિસ્તાનમાં હુમલા કરવાનું શરૂ કરી દીધું. જેને પગલે ઉગ્રવાદીઓ વિરુદ્ધ કઠોર કાર્યવાહી કરવા અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ ઊભું થયું.

એવામાં હિંસા વધી. સરંક્ષણવિશ્લેષક અને 'મિલિટરી ઇંક : ઇનસાઇડપાકિસ્તાન મિલિટરી ઇકૉનૉમી' નામના પુસ્તકનાં લેખિકા આયશા સિદ્દિકાનું કહેવું છે કે પાકિસ્તાન આ યુદ્ધમાં પોતાની જાતને ફસાયેલું સમજતું હતું.

એક તરફ ઉગ્રવાદીઓ પર કાર્યવાહીનું દબાણ હતું, તો બીજી તરફ અમેરિકન મદદની લાલચ. વર્ષ 2014માં પાકિસ્તાને ઉત્તર વજીરિસ્તાનમાં એક નવું અભિયાન હાથ ધર્યું.

લાઇન
લાઇન

'તાલિબાન અને સૈન્યના કામમાં કોઈ ફેર નથી.'

અસદુલ્લાહની હત્યા તાલિબાને કરી હતી
ઇમેજ કૅપ્શન, અસદુલ્લાહની હત્યા તાલિબાને કરી હતી

વર્ષ 2001માં જ્યારે તાલિબાન આ આદિવાસી વિસ્તારમાં પ્રવેશ્યું તો સ્થાનિક લોકો તેના સ્વાગતને લઈને ઉત્સુક હતા. જોકે, ટૂંક સમયમાં તેમનો મોહભંગ થઈ ગયો.

તાલિબાને આદિવાસી સમાજ પર બળજબરી ઇસ્લામિક રીતરિવાજ થોપવા શરૂ કરી દીધું.

શરૂઆતમાં સ્થાનિક યુવકો તાલિબાન સાથેના હથિયારધારી ટોળાંમાં સામેલ થયા હતા. પરિણામ એ આવ્યું કે ઉગ્રવાદી નેટવર્કને કારણે આદિવાસીઓ વચ્ચે મનભેદ સર્જાવા લાગ્યા અને અહીંના વિવિધ સમુદાયો વચ્ચે આતંરીક દુશ્મની પણ વધી.

તો બીજા તબક્કામાં તાલિબાને આદિવાસી સમાજના એવા જાણીતા લોકોને મારવાનું શરૂ કર્યું કે જે તેમની પ્રગતિ સામે અવરોધ સર્જી શકે એમ હતા.

વર્ષ 2002 બાદ તાલિબાને ઓછામાં ઓછા 1000 આદિવાસી નેતાઓની હત્યા કરી નાખી.

જો બિનસત્તાવાર આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો હત્યાનો આ આંકડો બે હજાર સુધી પહોંચી જાય છે. આવી જ હત્યાનો સિલસિલો વર્ષ 2007માં પણ જોવા મળ્યો.

આદિવાસીઓને સમજાયું કે તાલિબાન એમના સમાજ માટે જોખમ સર્જી રહ્યું છે અને તેમનો આક્રોશ વધવા લાગ્યો.

ઉત્તર વઝીરિસ્તાનના રઝમાક વિસ્તારમાં આદિવાસી સમાજના મહંમદ આમીન જણાવે છે:

"જ્યારે તેમણે મારા ભાઈનું અપહરણ કર્યું અને તેને મારી નાખ્યો એ વખતે અમે કંઈ નબળા નહોતા. પણ સૈન્યનું એમને સમર્થન હતું એટલે અમે કંઈ કરી નહોતા શક્યા."

આમીનના ભાઈનો મૃતદેહ એક ટ્રકમાં મળી આવ્યો હતો.

પીટીએમના કાર્યકરો આવા કેટલાય મામલા અંગે દસ્તાવેજો તૈયાર કરી રહ્યા છે. આ દસ્તાવેજોમાં સુરક્ષાકર્મીઓ સ્થાનિક લોકો સાથે બર્બર બન્યા હોવાની પણ વાત છે.

આવી ઘટનાના ઉદાહરણમાં મે 2016ની એ બીના યાદ કરી શકાય કે જેમાં ઉત્તર વજીરિસ્તાનના ટેટી મદાખેલ વિસ્તારના એક સૈન્ય ઠેકાણા પર હુમલો કરાયો હતો, જેને પગલે સુરક્ષાકર્મીઓએ સમગ્ર ગામની તલાશી લીધી હતી.

સાક્ષીઓનું કહેવું છે કે સૈન્યના જવાનોએ લોકોને લાકડીથી ફટકાર્યા હતા અને રડી રહેલાં બાળકોનાં મોમાં કાદવ ફેંક્યો હતો. આ ઘટનામાં એક ગર્ભવતી મહિલાનું મૃત્યુ થયું હતું.

એ કાર્યવાહી બાદ ગુમ થયેલી એક વ્યક્તિની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

line

ડરામણી કહાણી

પશ્તુન

અહીંના કેટલાય લોકોની આપવીતી આવી જ ડરામણી છે.

સતાર્જન પણ આવા જ લોકોમાં એક છે. તેઓ કહે છે, "એ વખતે મારા ઘરમાં માત્ર મારો ભાઈ ઇર્દાજન, તેમનાં પત્ની અને બે વહુઓ હાજર હતાં."

સૈન્યના જવાનોએ દરવાજો ખટખટાવ્યો. સતાર્જનના ભાઈએ જેવો જ દરવાજો ખોલ્યો, એ લોકોએ એમને બંધક બનાવી લેવાયા. એમની આંખો પર પણ પાટો બાંધી દેવાયો.

એ બાદ એ લોકોના પરિવારના અન્ય પુરુષ સભ્યો અંગે પુછવામાં આવ્યું. સૈન્યના જવાનોએ ખીણમાંથી એમના ચારેય પુત્રોને પણ પકડી લીધા.

ઘટનાને નજરો જોનારાઓએ બાદમાં સતાર્જનને જણાવ્યું કે ચારેય છોકરાઓને માર મરાયો. તેમને મોટા ભત્રીજા રિજવરજાનને માથામાં ફટકારાયો હતો.

એ તમામને આર્મીના એક પિક-અપ ટ્રકમાં ફેકી દેવાયા અને આર્મી કૅમ્પ તરફ હંકારી જવાયા.

ટ્રકના ડ્રાઇવરે સતાર્જનને જણાવ્યું કે રિઝરવાનજાન અધમરેલો હતો એટલે તેને સૈન્યછાવણીમાં નહોતો લઈ જવાયો.

ડ્રાઇવરે જણાવ્યું સૈન્યએ તેમને ટ્રક રોકવા માટે કહ્યું અને રિઝરવાનને માથામાં ગોળી મારી દેવાઈ. મૃતદેહને રસ્તા પર ફેંકી દેવાયો.

સતાર્જન એ વખતે દુબઈના એક કારખાનામાં કામ કરતા હતા. ઘટનાની જાણ થતાં જ તેઓ વતન પરત ફર્યા.

સ્થાનિક લોકોએ સતાર્જનને જણાવ્યું કે કર્ફ્યુને કારણે રિઝરવાનનો મૃતદેહ તેમના ઘર સુધી લઈ જવાયો નહીં અને ત્યાં જ પવર્તો વચ્ચે દફન કરી દેવાયો.

સતાર્જનનો પરિવાર વેરવિખેર ગયું. સતાર્જનના ભાઈનાં પત્નીઓ અને ભત્રીજાને સંબંધીઓ પોતાના ઘરે લઈ ગયાં.

સતાર્જને જ્યારે પોતાનાં ભાભી સાથે વાત કરી તો તેમને માત્ર એટલી જ જાણ હતી કે તેમના પતિને સૈન્ય પકડીને લઈ ગયું છે અને નાનો ભાઈ ગુમ છે.

સતાર્જન એ વખતે દ્વિધામાં હતા કે આખી બીના અંગે તેમને જણાવવું કેમ? કારણ કે છોકરઓ સાથે શું થયું એ અંગે મહિલાઓને કશી પણ જાણકારી નહોતી.

સતાર્જને એક વાર્તા ઘડી કાઢી કે સૈન્યે ઘર પર દરોડો પાડ્યો હતો અને છોકરાઓને સુરક્ષિત કરાચી લઈ જવાયા છે. સતાર્જને ભાભીને એવો પણ વિશ્વાસ અપાવ્યો કે તેમના પતિને જલદી છોડી દેવાશે.

સતાર્જનના ભાઈ અને ભત્રીજાને સૈન્ય લઈ ગઈ એ ઘટનાને મહિનાઓ અને બાદમાં વર્ષો વીતી ગયાં પણ હજુ સુધી કોઈનો પત્તો લાગ્યો નથી.

સ્થાનિક કાર્યકરોનું કહેવું છે કે વર્ષ 2002થી લઈને અત્યાર સુધી લગભગ 8000 લોકોને સૈન્ય ઊઠાવી ગયું છે.

line

તમામ હદો પાર

પીટીએમ

સતાર્જનનાં ઘરની મહિલાઓ હજુ પણ સવાલ પૂછે કે તેઓ પોતાના ગામ પરત કેમ ફરી શકતી નથી?

સતાર્જન એમને સજાવે છે કે એમનું ઘર સૈન્યએ તોડી નાખ્યું છે એટલે ઘર પરત ફરી શકાય એમ નથી.

સતાર્જનને ડર છે કે જો મહિલાઓ પોતાના ઘરે જશે તો પડોશીઓ તેમને આખી બીના જણાવી દેશે.

સતાર્જનનું કહેવું છે કે પોતાનાં ભાભીને તેઓ એ જણાવી શકે એમ નથી કે તેમનાં બાળકો ગુમ કરી દેવાયાં છે કાં તો મારી નખાયાં છે.

આ બધી આપવીતી ચોંકાવનારી ચોક્કસથી પણ અહીંના લોકો માટે સામાન્ય છે.

પીટીએમનો આરોપ છે કે આદિવાસી વિસ્તારોમાં 100થી વધુ લોકોને કહાણી કંઈક આવી જ છે. જોકે, સરકાર દ્વારા આ મામલે ક્યારેય જવાબદારી સ્વીકારાઈ નથી.

આ યુદ્ધનાં એવાં ફળો છે, જેને છુપાવવા માટે પાકિસ્તાને તમામ હદો પાર કરી નાખી છે. અફઘાન સરહદ પર સંઘર્ષને લઈને વર્ષોથી માહિતી સંતાડાઈ છે.

જ્યારે પીટીએમે આ મામલાઓને ઉજાગર કરવાનું શરૂ કર્યું તો મીડિયા કવરેજ પર તમામ પ્રકારના પ્રતિબંધો લગાવી દેવાયા. જે મીડિયાએ આ પ્રતિબંધોનો ફગાવી દીધા તેમને ધમકીઓ મળી, આર્થિક રીતે દબાણ વધારાયું.

સૈન્યએ પીટીએમની દેશભક્તિ પર સવાલ ઊભા કર્યા છે અને ભારત-અફઘાનિસ્તાનની દુશ્મન ગુપ્તચર સંસ્થાઓ સાથે જોડાવાના આરોપ પણ લગાવ્યા છે.

એટલું જ નહીં, સોશિયલ મીડિયા પર આ મામલે અભિયાન ચલાવી રહેલા અને દસ્તાવેજીકરણ કરતા પીટીએમના કાર્યકરોને જેલમાં ધકેલી દેવાયા છે.

લાઇન
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો