ઘરમાં જાતે જ કેવી રીતે નાનું-મોટું કડિયાકામ કરશો? આ યુવતી પાસેથી જાણો

ઇમેજ સ્રોત, Arquivo Pessoal
- લેેખક, માયરા સાર્ટોરાટો
- પદ, બીબીસી ન્યૂઝ બ્રાઝીલ, સાઓ પાઓલો
પાલોમા સેન્ટોઝ... એક એવી યુવતી કે જેમણે ચાર વર્ષ પહેલાં એક સપનું જોયું હતું.
તેમનું સપનું હતું કે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રાવેલ અને ફૅશન પર ટિપ્સ આપીને પ્રસિદ્ધિ મેળવવી.
તેમના રસ્તામાં માત્ર એક અડચણ હતી, તેમણે ક્યારેય સેટે લાગોસની બહાર પગ મૂક્યો ન હતો. બ્રાઝીલના અગ્નિખૂણે આવેલા આ શહેરમાં તેઓ મોટાં થયાં અને આજે પણ તેઓ ત્યાં જ રહે છે.
આ શહેરની વસતી આશરે 2,37,000 જેટલી છે.
બીજી સમસ્યા એ હતી કે તેમને એ પણ ખબર ન હતી કે મેકઅપ કેવી રીતે કરવો. તેમ છતાં આજે તેમની યૂટ્યૂબ ચેનલ (Paloma Cipriano)ના 6,25,000 સબસ્ક્રાઇબર્સ છે. કેવી રીતે?
વાત એમ છે કે 25 વર્ષીય પાલોમા યૂટ્યૂબ પર ફરવા કોઈ બીચ વિશે કે લિપસ્ટીકની વાતો કરવાને બદલે હવે લોકોને કડિયાકામ વિશે જાણકારી આપે છે.
આવા વિષય પર વીડિયો બનાનનારાં પાલોમા બ્રાઝીલનાં એકમાત્ર યુવતી છે.
તેમનાં માતા ઇવોને આપેલી સલાહના કારણે તે મૂળ વિચાર કર્યો હતો એનાથી સાવ અલગ આ વિષય તરફ વળ્યાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
માતા-પુત્રીની જોડી

ઇમેજ સ્રોત, YouTube/Paloma Cipriano
બીબીસી ન્યૂઝ બ્રાઝીલ સાથે વાત કરતાં પાલોમા જણાવે છે, "તેમણે સૂચન કર્યું કે ફ્લોર ટાઇલ્સ લગાવવાનો વીડિયો બનાવીને મૂકવો જોઈએ. પહેલાં તો મને આ વિચાર કંઈ ખાસ લાગ્યો નહોતો, પણ મેં વીડિયો બનાવ્યો અને મૂક્યો."
'દીવાલ પર પ્લાસ્ટર કઈ રીતે કરવું' વિશેનો તેમનો વીડિયો સૈથી લોકપ્રિય છે. આ વીડિયોને આજ સુધીમાં 75 લાખથી વધારે લોકો જોઈ ચૂકયા છે.
બ્રાઝીલમાં સિવિલ કન્સ્ટ્રક્શનના વિષય સાથે જોડાયેલી યૂટ્યૂબની ચેનલ્સ કરતાં પાલોમાની ચેનલ વધારે જોવાય છે.
ઇન્સ્ટાગ્રામ પર પણ તેમનાં 45,000થી વધારે ફૉલોઅર્સ થઈ ગયા છે.

ઇમેજ સ્રોત, Getty Images
પોતાની ચેનલમાં તેઓ ઘરના નાનાં-મોટાં કડિયાકામ કેવી રીતે જાતે કરી લેવા તેના વીડિયો મૂકે છે.
ટાઇલ્સ લગાવવી, તિરાડ પડી હોય તેને પૂરી દેવી કે પછી દીવાલ કેવી રીતે ચણવી તેના વીડિયો પણ બનાવ્યા છે.
પાલોમાના વીડિયો એકદમ સરળ અને સીધી સૂચનાઓ આપનારા હોય છે.
તેઓ કહે છે, "હું લોકોને દેખાડતી હોઉં છું કે હું આ કામ કરી શકું તો તમે પણ કરી શકો."
જરૂરિયાતના કારણે શીખેલો વ્યવસાય
પાલોમા કડિયાકામ જરૂરિયાતને કારણે શીખ્યાં હતાં.
તેમનાં પરિવાર પાસે પૈસા નહોતા અને બે રૂમના ઘરને મોટું કરવા માટે તેઓ અને તેમનાં માતા ઇવોને જાતે બાંધકામ કરવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ હતી.
તેમનાં માતાનાં મિત્રોએ 25 વર્ષનાં પાલોમાને સમજાવ્યું કે કેવી રીતે બાંધકામ થઈ શકે. પાલોમાને તો આવા કામમાં મજા પડી ગઈ.
આ રીતે કડિયા કામ શીખ્યા પછી તેમણે 2013માં સિવિલ એન્જિનિયરિંગમાં પ્રવેશ પણ લીધો. જોકે, એક સેમેસ્ટર પૂરું થાય તે પહેલાં જ તેમણે ભણવાનું છોડી દીધું, જેથી પોતાની યૂટ્યૂબ ચેનલને ચલાવવા પર ધ્યાન આપી શકાય.
પાલોમા માને છે કે તેમણે જાતે જ કડિયાકામ અને ઘરની સજાવટ કરીને લગભગ 7,000 ડૉલર બચાવ્યા હશે.
તેઓ કહે છે, "મેં જે કામ જાતે કર્યાં તે બીજા પાસે કરાવી શકવાની મારી ક્ષમતા નહોતી."
પુરુષનું વર્ચસ્વ ધરાવતા આ ક્ષેત્રમાં પ્રવેશ માટે માતા ઇવોને તેમને પ્રેરણા આપી હતી. ઇન્ટરનેશનલ લેબર ઑર્ગેનાઇઝેશનના આંકડા જણાવે છે કે બ્રાઝીલમાં બાંધકામ ક્ષેત્રમાં માત્ર 3.2% મહિલાઓ જ કામ કરે છે.
પાલોમા જણાવે છે, "મારી માતા નાનું મોટું બધું જ કામ જાતે કરી નાખે. અમે નાના હતાં ત્યારે તેઓ સવારે પાંચ વાગ્યો ઊઠી જતાં હતાં અને ખેતરમાં નિંદામણના કામે જતાં હતાં, જેથી કમાણી થઈ શકે."
"તેમનો વિલપાવર મને પણ શક્તિ પ્રદાન કરે છે."
જોકે, પાલોમાનાં બે બહેનો બાંધકામના કામકાજમાં રસ લેતાં નથી, પણ તેમનો 13 વર્ષનો ભાઈ પાઉલો તેમને વીડિયો બનાવવામાં મદદ કરે છે.

ઇમેજ સ્રોત, Getty Images
"ભાઈ પણ પોતાના હાથ ગંદા થવા દેતો નથી. જોકે, હું હવે તેને કામ શીખવી રહી છું."
તેમની ચેનલના ઘણા ફૉલોઅર્સ આ બાબતે નવાઈ પણ વ્યક્ત કરી છે કે પાઉલોએ નહીં, પણ પાલોમાએ આ બાબતમાં પહેલ કરી.
જાતીય ટિપ્પણી સાથે ટ્રોલિંગ
એક ઘટનાને યાદ કરતાં પાલોમા કહે છે, "લોકો એવું કહેવા લાગ્યા હતા કે હું આ કામ નહીં કરતી હોઉં, પણ કોઈ પુરુષ હશે જે પાછળ રહીને કામ કરતો હશે, ત્યારે મને બહુ દુખ થતું હતું."
તે પછી તેની સામે સેક્સિસ્ટ કૉમેન્ટ્સ પણ થવા લાગી. ખાસ કરીને બાંધકામના ક્ષેત્રમાં કામ કરતાં પુરુષો તેમની સામે જાતીય ટીપ્પણી કરતા હતા.
"દાખલા તરીકે હું કહું કે અમુક કામ અમુક રીતે થવું જોઈએ, ત્યારે કેટલાક પુરુષો સહમત ન થાય અને કહે કે મારી વાત ખોટી છે."
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ
"જોકે અંતે હું જ સાચી ઠરતી હતી. કોઈ ભૂલ ન થઈ હોય ત્યારે પણ ભૂલ થઈ છે તેવું દેખાડવાનો પ્રયાસ ઘણા કરતા હોય છે."
પાલોમા હવે આવી કમેન્ટ્સ ડિલીટ કરી નાખે છે કે પછી અવગણના કરે છે.
જોકે, હજુ પણ ઘણી વાર તેમના પર કેટલાક લોકો જાતીય ટિપ્પણીઓ કરે છે.
તેમનાં ફૉલોઅર્સમાં 60% જેટલા પુરુષો છે. જોકે, હવે સ્ત્રી ફૉલોઅર્સની સંખ્યા વધી રહી છે.
આવા મહિલા ફૉલોઅર્સ હિમ્મત વધારે તેવા ફિડબેક આપતાં હોય છે.
એક મહિલા ફૉલોઅરે લખ્યું હતું, "તમારા કામ બદલ અભિનંદન. તમારા વીડિયોના કારણે મેં કડિયાની મદદ લીધા વિના જ મારા ઘરનું કામ પૂરું કરી નાખ્યું છે."
અન્ય એક મહિલાએ લખ્યું હતું, "મારા પતિ કામ કરે તેવી રાહ જોઈને કંટાળી એટલે મેં જાતે જ તે કામ કરી નાખવાનું નક્કી કર્યું હતું."
તમારું કામ જાતે કરો, નારીઓ

ઇમેજ સ્રોત, Arquivo pessoal
પાલોમાએ પોતાનો બિઝનેસ વધારવા માટે વ્યૂહરચના તૈયાર કરી લીધી છે. તેઓ મહિલાઓ આ પ્રકારના કામો સ્વયં કરવા લાગે (ડૂ ઇટ યોરસેલ્ફ) તે માટે તેમને સક્ષમ બનાવવા માગે છે.
તેઓ પૂછે છે, "હું એન્જિનિયરિંગના ડિપ્લોમા વિના કૉન્ક્રિટનો પિલર બનાવી શકું, તો પછી તેઓ કેમ ઇલેક્ટ્રિક શાવર બેસાડી ના શકે."
તેઓ માને છે કે મહિલાઓ જાતે જ કડિયાકામ ન કરી લેવા માગતી હોય તો પણ આ પ્રકારના કામો શીખી જાણી તો શકે જ છે.
"સવાલ એ નથી કે તેઓ જાતે જ બધું કામ કરતા શીખી જશે કે કેમ. પરંતુ તેમની પાસે પૂરતી જાણકારી હશે તો કોઈ તેમને છેતરી શકશે નહીં."
હસતાં-હસતાં પાલોમા પોતાની બીજી પણ એક માન્યતા વિશે વાત કરે છે.
"અમે પુરુષોને એ પણ બતાવવા માગીએ છીએ કે તમારી કલ્પના છે એટલી અમારે તમારી જરૂર નથી."

પ્રોફેશનલ યૂટ્યૂબર

ઇમેજ સ્રોત, Facebook/Paloma Cipriano
પાલોમાની ચેનલમાં હવે 150થી વધુ વીડિયો થઈ ગયા છે અને તેઓ હવે પ્રોફેશનલ યૂટ્યૂબર બની ગયાં છે.
તેઓ કહે છે, "હું શૂટિંગ કરું છું, એડિટ કરું છું અને વીડિયો તૈયાર કરું છું."
તેમણે ટાઇપિસ્ટ, સેલ્સવૂમન અને શેરીમાં ચોપાનિયા વહેંચીને પણ કમાણી કરવાનો અનુભવ લીધેલો છે.
એક જ કૅમેરાથી તેઓ વીડિયો તૈયાર કરે છે. એક વીડિયો તૈયાર કરતાં સરેરાશ એકથી ત્રણ દિવસ લાગે છે.
પોતાના મકાનમાં જે કામ કરવાની જરૂર ઊભી થઈ હોય તે પ્રમાણે પાલોમા વિષયની પસંદગી કરે છે.

ઇમેજ સ્રોત, Arquivo pessoal
તેઓ કહે છે, "મકાનમાં અમારે કોઈ કામ કરવાનું હોય ત્યારે હું જ તે કરી નાખું છું. મેં દીવાલોને આ રીતે રંગી છે, માળિયાં બનાવ્યાં છે અને સ્વિમિંગ પુલ પણ તૈયાર કરી નાખ્યો છે
ટ્રાવેલ અને ફેશન માટે બ્લોગિંગ કરવાનું સપનું ધરાવનારી પાલોમા હવે 'ડૂ ઇટ યોર સેલ્ફ' માટેના સ્પોન્સર્ડ કાર્યક્રમો આપવા માટે પ્રવાસ પણ કરતાં રહે છે.
તેઓ કમાણી કરે છે, તેમાંથી એડવર્ટાઇઝિંગની ડિગ્રી મેળવી રહ્યાં છે તથા પોતાના સગાઓને તેમાંથી મદદ પણ કરે છે.
"હું જાણું છું કે મારા જેવો અનુભવ બધી સ્ત્રીઓને નથી થયો. પણ મને લાગે છે કે પોતાના વિશે શંકા કરવા કે વધારે પડતા વિચારો કરવાના બદલે લોકોએ પોતાની ઇચ્છા પ્રમાણેનું કામ કરવાનું શરૂ કરી દેવું જોઈએ."
"તમારું કામ તૈયાર થઈ જાય ત્યારે તેનું મૂલ્યાંકન કરો અને તેમાંથી શીખો."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












