આત્મહત્યામાં સ્ત્રીઓ કરતાં પુરુષોનાં મોત વધારે કેમ થાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
છ વર્ષ પહેલાં મારા ભાઈએ આત્મહત્યા કરી લીધી હતી. તે 28 વર્ષનો જ હતો.
કોઈ વિચારતું હોય કે આપઘાત ભાગ્યે જ થતો હોય છે, તો એ વાત સાચી નથી તે પણ એક કરુણતા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના આત્મહત્યા અંગેના છેલ્લા આંકડા 2016ના છે. તે વર્ષે દુનિયાભરમાં અંદાજે 7,93,000 લોકોએ આત્મહત્યા કરી હતી. તેમાં મોટું પ્રમાણ પુરુષોનું હતું.
યૂકેમાં 1981 પછીનો પુરુષોની આત્મહત્યાનો દર સૌથી નીચે આવ્યો છે - દર એક લાખની વસતિએ 15.5 પુરુષો આત્મહત્યા કરે છે.
આમ છતાં 45થી નાની ઉંમરના પુરુષોમાં આત્મહત્યાથી સૌથી વધુ મોત થાય છે.
અહીં પણ સ્ત્રી-પુરુષોનો ભેદ સ્પષ્ટ દેખાઈ આવે છે. યુકેમાં મહિલા આત્મહત્યાનું પ્રમાણ પુરુષોની સરખામણીએ ત્રીજા ભાગનું છે - એક લાખની વસતિએ 4.9 સ્ત્રીઓ આત્મહત્યા કરે છે.
ઘણા બધા દેશોમાં આવી જ સ્થિતિ છે. સ્ત્રીઓની સરખામણીએ પુરુષોની આત્મહત્યાની શક્યતા ઑસ્ટ્રેલિયામાં ત્રણ ગણી, અમેરિકામાં 3.5 ગણી અને રશિયા તથા આર્જેન્ટિનામાં 4 ગણી હોય છે.
WHOના આંકડા દર્શાવે છે કે 40% જેટલા દેશોમાં પુરુષોની આત્મહત્યાનું પ્રમાણ એક લાખની વસતિ સામે 15થી વધારેનું છે. માત્ર 1.5% દેશોમાં જ પુરુષો કરતાં સ્ત્રીઓ વધારે આપઘાત કરે છે. આ ટ્રૅન્ડ બહુ જૂનો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

તમે આ વાંચ્યું કે નહીં?

આ અસમાનતા શા માટે?

ઇમેજ સ્રોત, Getty Images
મનોવૈજ્ઞાનિક જિલ હાર્કેવી ફ્રાઇડમૅન કહે છે, "આપણે નોંધ કરતા થયા ત્યારથી આવો જ ભેદ દેખાતો રહ્યો છે."
જિલ હાર્કેવી ફ્રાઇડમૅન આપઘાતના કારણે મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને સહાય કરવાનું કામ કરતી સંસ્થા અમેરિકન ફાઉન્ડેશન ફૉર સ્યુસાઇડ પ્રિવેન્શનના સંશોધન વિભાગના વાઇસ પ્રેસિડન્ટ તરીકે કામ કરે છે.
આપઘાત એ બહુ ભાવનાત્મક અને સંકુલ વિષય છે. તેની સાથે બહુ બધા પરિબળો સંકળાયેલા હોય છે.
બીજું આત્મહત્યા થઈ ગયાં પછી તેનું અસલી કારણ શું હતું તે પૂર્ણપણે જાણવાનો કોઈ રસ્તો આપણી પાસે રહેતો નથી.

અવસાદ વધારે, આત્મહત્યા ઓછી

ઇમેજ સ્રોત, Getty Images
આમ છતાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ વધી, તે પછી હવે આપઘાત પ્રેરનારાં સંભવિત પરિબળો વિશે જનતા વધારે જાણતી થઈ છે.
જોકે, આ બાબતમાં સ્ત્રી અને પુરુષો વચ્ચે ફરક કેમ છે તે સવાલ યથાવત છે. સવાલ વધારે અગત્યનો એટલા માટે બને છે કે સ્ત્રીઓમાં ડિપ્રેશનનું નિદાન વધારે જોવા મળે છે.
આપઘાત માટેનો પ્રયાસ પણ પુરુષો કરતાં સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. દાખલા તરીકે અમેરિકામાં પુરુષો કરતાં 1.2 ગણી સ્ત્રીઓ આત્મહત્યા માટે પ્રયાસો કરે છે.
જોકે, પુરુષો આત્મહત્યાની રીત પસંદ કરે છે તે વધારે ઘાતક હોય છે. તેના કારણે કોઈ બચાવવા આવે તે પહેલાં તેમનું મૃત્યુ થઈ જાય છે.
આત્મહત્યાના સાધનો ઉપલબ્ધ હોય તેની પણ અસર થાય છે. દાખલા તરીકે અમેરિકામાં ગન ધરાવનારી વ્યક્તિમાં 10માંથી 6 પુરુષો હોય છે.
આત્મહત્યાના મોટભાગના કિસ્સામાં ગનનો જ ઉપયોગ થયો હોય છે.
પુરુષો આવા ઘાતક રસ્તા પસંદ કરે તેનું કારણ એ પણ ખરું કે તે જીવ આપી દેવા માટે બહુ મક્કમ થઈ જતો હોય છે.
સ્વંયને ઈજા પહોંચાડીને હૉસ્પિટલમાં દાખલ થયેલા 4,000થી વધુ દર્દીઓનો અભ્યાસ કરાયો, તેમાં જણાયું હતું કે આત્મહત્યા માટેની મક્કમતા સ્ત્રીઓ કરતાં પુરુષોમાં વધારે જોવા મળતી હતી.


પુરુષો શા માટે મૂંઝાય છે - અને તેનો ઉકેલ શું?

ઇમેજ સ્રોત, Getty Images
જોખમી પરિબળો
એક મહત્ત્વનું પરિબળ છે સંવાદ. સ્ત્રીઓ પોતાની હૈયાવરાળ કાઢતી હોય છે, જ્યારે પુરુષો મનોમન મૂંઝાતા હોય છે.
પેઢીઓથી સમાજે પુરુષોને 'મજબૂત' થવા અને પોતે મુશ્કેલીમાં છે એવી વાતો ન કરવા પ્રેર્યા છે.
બાળપણથી જ આ વાત શરૂ થઈ જતી હોય છે. બાળસહાય અને આપઘાત નિવારણ માટે કામ કરતી ઑસ્ટ્રેલિયાની સ્વંયસેવી સંસ્થા લાઇફલાઇનના ભૂતપૂર્વ ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર કૉલમૅન ઑ'ડ્રિસ્કોલ કહે છે, "આપણે છોકરાને કહેતા હોઈએ છીએ કે 'છોકરા કદી રડે નહીં'. આપણે નાનપણથી જ છોકરાને લાગણીને વ્યક્ત ન કરવાનું શીખવીએ છીએ. લાગણીવેડા કરવા તે 'નબળાઈ' ગણાય."
કૅનેડાના સેન્ટર ફૉર સ્યુસાઇડ પ્રિવેન્શનના ઍક્ઝિક્યુટિવ ડિરેક્ટર મેરા રુનાઉ એ વાત તરફ ધ્યાન દોરે છે કે આપણે કઈ રીતે સંતાનો સાથે વાત કરીએ છીએ અને કઈ રીતે તેમને પોતાના વિશે વાતચીત કરવા માટે પ્રેરીએ છીએ.
તેઓ કહે છે, "માતા પોતાના છોકરા કરતાં છોકરી સાથે વધારે વાત કરે છે. તેઓ લાગણી પારખી શકે છે અને એકબીજા સાથે શૅર કરી શકે છે. આપણે એવી અપેક્ષા રાખતા હોઈએ છીએ કે મહિલાઓ વધારે ભાવુક હોય."
મનમાં મૂંઝવણ હોય ત્યારે પુરુષ જાત સાથે પણ સંવાદ કરતા નથી. મિત્રો કે ડૉક્ટર સાથે પણ ખૂલીને વાત કરતો નથી. ડૉક્ટરને મળવાની બાબતમાં પણ સ્ત્રીઓ કરતાં વધારે ટાળે છે.
યૂકેમાં પ્રસિદ્ધ થતા બ્રિટિશ મેડિકલ જર્નલના અભ્યાસમાં જોવા મળ્યું હતું કે પ્રાથમિક રીતે કન્સલ્ટેશન લેવાનું પ્રમાણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં 32% ઓછું હોય છે.
ડિપ્રેશનની બાબતમાં કન્સલ્ટેશન લેવાનું પ્રમાણ પણ સ્ત્રીઓ કરતાં પુરુષોમાં 8% ઓછું જોવા મળ્યું હતું. ઍન્ટિડ્રિપેસન્ટ પ્રિસ્કિપશનના આધારે પ્રમાણ નક્કી કરાયું હતું.


મદદ માગો

ઇમેજ સ્રોત, Getty Images
હાર્ક્વે-ફ્રાઇડમેન કહે છે, "પુરુષો માનસિક સ્થાસ્થ્ય માટે સારવાર લેવાનું ઓછું પસંદ કરે છે."
"સ્ત્રીઓ જેવી સમસ્યા પુરુષોને નથી હોતી એમ નથી - પરંતુ આપઘાતનું જોખમ વધે તે પ્રકારનો સ્ટ્રેસ કે માનસિક સમસ્યા પોતાને છે તેવું પારખવામાં પુરુષો ઊણા ઊતરતા હોય છે."
પોતે તણાવ થાય તેવી સ્થિતિમાં છે તેનો ખ્યાલ ના આવે ત્યાં સુધી વ્યક્તિને એ પણ નથી સૂઝતું કે તેની સારવાર કરાવી શકાય છે.
હાર્ક્વે-ફ્રાઇડમૅન જણાવે છે કે આપઘાત કરનારામાંથી માત્ર ત્રીજા ભાગના લોકો જ માનસિક સારવાર લઈ રહ્યા હતા.
વધારે ખતરનાક વાત એ છે કે કેટલાક પુરુષો સ્થાપિત પદ્ધતિ પ્રમાણે સારવાર લેવાના બદલે પોતાની રીતે સારવાર કરવાની કે દવા લેવાની કોશિશ કરતા હોય છે.
હાર્ક્વે-ફ્રાઇડમૅન કહે છે, "પુરુષોમાં નશીલા પદાર્થો અને દારૂ પીવાનું પ્રમાણ વધારે હોય છે, તેનાથી તણાવનો થોડો અંદાજ આવતો હોય છે. જોકે તેના કારણે ઊલટાનું આત્મહત્યાનું પ્રમાણ વધે છે તે આપણે જાણીએ છીએ."
સ્ત્રીઓ કરતાં પુરુષો બેગણી સંખ્યામાં શરાબના શરણે જતા રહેતા હોય છે. પરંતુ દારૂનાં સેવનના કારણે ડિપ્રેશન ઘેરું થાય છે અને ઇમ્પલસીવ બિહેવિયરને પ્રેરે છે. દારૂ સ્યુસાઇડના રિસ્ક ફૅક્ટર તરીકે પણ જાણીતું છે.


મંદી અને નોકરી

ઇમેજ સ્રોત, Getty Images
અન્ય જોખમી પરિબળો કૌટુંબિક કે વ્યવસાયને લગતા હોઈ શકે છે. આર્થિક મંદીના કારણે બેરોજગારી વધે ત્યારે આત્મહત્યા પણ વધે તેવું જોવા મળ્યું છે.
સામાન્ય રીતે મંદી પછીના 18થી 24 મહિના પછી આત્મહત્યાનું પ્રમાણ વધતું હોય છે.
2015માં થયેલા એક અભ્યાસ અનુસાર બેકારીમાં 1%નો વધારો થાય ત્યારે આપઘાતના દરમાં 0.79%નો વધારો થતો હોય છે.
નાણાકીય ભીડ અને નોકરી ન મળવાની ચિંતાને કારણે માનસિક આરોગ્યની સમસ્યા ઊભી થતી હોય છે.
આ ઉપરાંત સામાજિક દબાણ પણ હોય છે. સ્વઓળખની બાબત પણ મુશ્કેલી ઊભી કરી શકે છે.
કૅમ્પેન અગેઇન્સ્ટ લિવિંગ મિઝરેબલી (Calm)ના સિમોન ગનિંગ કહે છે, "આપણો ઉછેર એવી રીતે થયો હોય છે કે બીજાની સાથે જાતની સરખામણી કરતાં રહીએ છીએ અને આર્થિક રીતે સફળ થવું જોઈએ તેવું કહેવાતું હોય છે."
Calm યૂકેની એવૉર્ડ વિજેતા ચૅરિટી સંસ્થા છે, જે પુરુષોમાં આત્મહત્યા અટકાવવા માટે કામ કરે છે.
તેઓ ઉમેરે છે, "આપણા નિયંત્રણમાં ના હોય તેવા આર્થિક પરિબળો ઊભા થાય ત્યારે સ્થિતિ વધુ મુશ્કેલ બનતી હોય છે."

ઇમેજ સ્રોત, Getty Images
આર્થિક સ્થિતિની આડકતરી અસર પણ થઈ શકે છે. દાખલા તરીકે અમેરિકામાં આરોગ્ય વીમો નોકરી સાથે જોડાયેલો છે.
કોઈ વ્યક્તિ ડિપ્રેશન કે વ્યસન માટેની સારવાર કરાવતી હોય અને તેની નોકરી જતી રહે તો સારવાર બંધ થઈ જાય છે.
જોખમનું બીજું પરિબળ એકલતા છે, જેની વાત ડૉક્ટર થોમસ જોઈનરે પોતાના પુસ્તક 'વ્હાય પિપલ ડાઈ બાય સ્યુસાઇડ'માં કરી છે.
રુનાઉ કહે છે, "જીવનમાં દરેક તબક્કે આવું જોખમ ઊભું થઈ શકે છે. બહારથી સફળ દેખાતા પ્રૉફેશનલ માણસે કરિયરને આગળ લઈ જવા માટે બીજી બધી બાબતોને છોડી દીધી હોય છે."
"સામાજિક સંબંધોને એક કોરાણે કરી દેવાયા હોય ત્યારે પિરામિડ પર પહોંચ્યા પછી પણ વ્યક્તિ પોતાને એકલી જુએ છે."
જોકે એ વાત યાદ રાખવી જોઈએ કે પહેલાંથી જ જોખમી સ્થિતિમાં હોય, તેવી વ્યક્તિ માટે બહારનાં પરિબળો આત્મઘાતી વિચારો પ્રેરે ખરા, પણ તે એકમાત્ર કારણ નથી હોતું.
હાર્ક્વે-ફ્રાઇડમૅન કહે છે, "લાખો લોકો નોકરી ગુમાવતા હોય છે, આપણે બધાને સંબંધો તૂટ્યાનો અનુભવ થતો હોય છે, પણ આપણે બધા કંઈ આપઘાત કરીને જીવનનો અંત લાવતા નથી."


સંભવિત ઉપાયો

ઇમેજ સ્રોત, Getty Images
આ સંકુલ સમસ્યા માટે કોઈ સીધાસરળ ઉપાયો નથી. પરંતુ ઘણાં બધાં કાર્યક્રમો, નીતિઓ અને સ્વંયસેવી સંસ્થાઓ એ માટે કામ કરે છે.
દાખલા તરીકે ઑસ્ટ્રેલિયામાં માનસિક આરોગ્ય અને આત્મહત્યા અટકાવવા માટે કામ કરતાં જૂથો સાંસ્કૃતિક પરિપ્રેક્ષ્ય બદલવા કોશિશ કરી રહ્યા છે.
એક ઝુંબેશ જેને સારો પ્રતિસાદ મળ્યો છે, તે છે 'RU OK? day'.
આ ઝુંબેશ હેઠળ જીવનમાં સંઘર્ષોનો સામનો કરી રહેલા લોકો સાથે સંવાદ કરવા માટે લોકોને પ્રેરવામાં આવે છે.
અન્ય એક અભિગમ "ખભાથી ખભો મિલાવીને" ("shoulder-to-shoulder principle") કામ કરવાનો છે. તે હેઠળ અન્ય પ્રવૃત્તિઓ(જેમ કે ફૂટબૉલ જોતા હોઈએ ત્યારે અથવા બાઇક રાઇડ પર નીકળ્યા હોઈએ ત્યારે) સાથે વાતચીત કરવા માટે પ્રેરણા આપવામાં આવે છે.
'Mates in Construction' (સર્જનના સાથી) એવા નામે તાલીમનો કાર્યક્રમ પણ ચાલે છે, જેમાં ઊંચા આપઘાત દર અંગે જાગૃતિ ફેલાવવામાં માટે બાંધકામના સ્થળે કામ કરતા કામદારોને આવરી લેવામાં આવે છે.
તેમને સમજાવવામાં આવે છે કે કઈ રીતે તમે પણ સમસ્યા નિવારણમાં સાથ આપી શકો છો.

ઇમેજ સ્રોત, Getty Images
ઑ'ડ્રિસ્કોલ કહે છે, સરવાળે એવું વાતાવરણ ઊભું કરવાની કોશિશ છે કે "પોતાની પરિસ્થિતિ વિશે વાત કરવામાં કશું ખોટું નથી - તે પણ મનની મક્કમતાની એક નિશાની જ છે."
ટૅક્નૉલૉજીને કારણે પણ વિકલ્પો મળી રહ્યા છે. દરેક વ્યક્તિ બીજા સમક્ષ પોતાનું દિલ હળવું કરવા તૈયાર હોતી નથી. હેલ્પલાઇન પર ફોન પણ કરવાની તૈયારી નથી હોતી.
પરંતુ ચૅટબૉટ્સ જેવી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની ટૅક્નૉલૉજી વ્યક્તિને વાતચીત કરવા પ્રેરી શકે છે. પોતાના વિશે કશુંક ધારી લેવામાં આવશે તેવા ભય વિના વ્યક્તિ પોતાનું દિલ ખોલી શકે છે.

મદદના હાથ

ઇમેજ સ્રોત, Getty Images
બીજી એક સ્ટ્રેટેજી આત્મહત્યાને કારણે સ્નેહીઓ પર શું અસર થાય છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવાની છે.
Calm સંસ્થા Project 84 એવા નામે ઝુંબેશ ચલાવે છે. યૂકેમાં દર અઠવાડિયે 84 પુરુષો આત્મહત્યા કરે છે તેના પરથી આવું નામ રખાયું છે. આ કાર્યક્રમમાં આપઘાત પછી પાછળ સગાઓની શું હાલત થાય છે તેના પર ભાર મૂકવામાં આવે છે.
અન્ય ઉપાયોમાં આપઘાત કરવો મુશ્કેલ બને તેવી સ્થિતિ ઊભી કરવાનો છે. દાખલા તરીકે, બ્રિસ્ટોલના ક્લિફ્ટન સસ્પેન્શન બ્રીજ પર આડશ ઊભી કરવામાં આવી તે પછી ફરક પડ્યો હતો.
એક અભ્યાસ અનુસાર બ્રીજ પરથી કુદી પડનારાની સંખ્યા અડધી થઈ ગઈ હતી. સાથે જ એવા કોઈ પુરાવા નહોતા મળ્યા કે અન્ય જગ્યાએ કુદીને આત્મહત્યા કરનારાની સંખ્યા વધી હતી.
એક વાત નક્કી છે કે હજી પણ ઘણા પ્રયાસો કરવા જરૂરી છે.


સરકારનું ધ્યાન

ઇમેજ સ્રોત, Getty Images
ઑ'ડ્રિસ્કોલ એ બાબત તરફ ધ્યાન દોરે છે કે માર્ગ અકસ્માતો ઘટાડવા પર જેટલું ધ્યાન અપાય છે, તેટલું આપઘાત નિવારણ પર અપાતું નથી.
દાખલા તરીકે ઓસ્ટ્રેલિયામાં અકસ્માત કરતાં આપઘાતમાં વધુ લોકો માર્યા જાય છે.
એક લાખની વસતિએ માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલાનું પ્રમાણ 4.7 ટકા હતું, તેની સામે 2015માં સરેરાશ આપઘાતનું પ્રમાણ એક લાખની વસતિએ 12.6નું હતું.
આ દિશામાં વધુ સંશોધનની પણ જરૂર છે.
હાર્ક્વે-ફ્રાઇડમૅન કહે છે, "બાયૉલૉજીની રીતે સ્ત્રી અને પુરુષમાં ફરક છે, આપણાં હૉર્મોન અને આપણા મગજ કઈ રીતે વિકસે છે અને કામ કરે છે તેમાં ફરક છે."
આમ છતાં પુરુષ અને સ્ત્રીઓનો સાથે જ અભ્યાસ કરવામાં આવે છે. તેઓ માને છે કે સ્ત્રી અને પુરુષોનો અલગથી અભ્યાસ કરવો જરૂરી છે.
તેઓ કહે છે, જોકે, કેટલાક સકારાત્મક ચિહ્નો પણ છે. હાર્ક્વે-ફ્રાઇડમૅને નોંધ્યું છે તેમના પ્રૉફેશનમાં મોટો સુધારો આવ્યો છે.

ઇમેજ સ્રોત, Getty Images
તેમણે કરિયરની શરૂઆત કરી ત્યારે સ્યુસાઇડ વિશેના તેમના અભ્યાસને પ્રગટ કરવા કોઈ તૈયાર નહોતું, કેમ કે આપઘાત રોકી શકાય છે તેવું માનવા કોઈ તૈયાર નહોતું. તે વાત સાચી તેવું આજે આપણે જાણીએ છીએ.
સરકારો પણ દિશામાં વધારે સક્રીય થઈ છે તે વાત તરફ પણ તેઓ ધ્યાન દોરે છે. 2018માં વર્લ્ડ મૅન્ટલ હૅલ્થ ડેના દિવસે યૂકે સરકારે પ્રથમવાર સ્યુસાઇડ પ્રિવેન્શન મિનિસ્ટરની નિમણૂંકની જાહેરાત કરી હતી.
તેમનું એવું પણ માનવું છે કે આ બાબતમાં યૂકે ઘણો આગળ છે, દરેક ડગલે તે આગળ રહ્યો છે. રાષ્ટ્રીય નીતિને અમલમાં મૂકવામાં આવી તેના કારણે યૂકેમાં આત્મહત્યાનું પ્રમાણ ઘટ્યું છે.
રુનાઉ પણ માને છે કે સ્થિતિ સારી થઈ રહી છે.
તેઓ કહે છે, "અગાઉ ક્યારેય જોવા નહોતી મળી તેવી ગતિવિધિ જોવા મળી રહી છે. તમે હવે આપઘાતના વિષય પર વાત કરી શકો છો. હજી પણ લોકો અચકાતા હોય છે, પણ પહેલાં કરતાં વાત કરવા થોડા વધુ તૈયાર હોય છે."
તેના કારણે હકારાત્મક અસર થઈ છે, અને યૂકેમાં આત્મહત્યા ઘટી છે તે વાત તેની સાક્ષી પૂરે છે.
આમ છતાં તેનાથી સંતોષ માની લેવાય તેવું નથી. સ્ત્રી કે પુરુષ કોઈનાં પણ જીવનનો અંત આત્મહત્યાને કારણે આવે તે મોટી હાની જ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












