'આતંકવાદીઓની યાદીમાંથી હાફિઝનું નામ દૂર નહીં થાય', યુએને અરજી ફગાવી

યુનાઇટેડ નેશન્સે ગુરુવારે હાફિઝ સઈદને 'આંતરરાષ્ટ્રીય આતંકવાદીના લિસ્ટ'માંથી બહાર કરવાની અરજી ફગાવી દીધી હતી.

જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદે એવી અરજી કરી હતી કે 'આતંકવાદી' તરીકેના લિસ્ટમાંથી તેનું નામ દૂર કરવામાં આવે.

મુંબઈમાં થયેલા 2008ના હુમલા બાદ હાફિઝ સઈદનું નામ આ લિસ્ટમાં ઉમેરવામાં આવ્યું હતું.

હાફિઝને મુંબઈમાં થયેલા હુમલાનો માસ્ટર માઇન્ડ પણ માનવામાં આવે છે.

ભારતે પુલવામાં હુમલા બાદ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહરનું નામ પણ આ લિસ્ટમાં સામલે કરવાની માગ કરી છે.

અયોધ્યા વિવાદને મધ્યસ્થી માટે મોકલવાનો નિર્ણય આજે

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદના જમીન વિવાદને મધ્યસ્થી માટે મોકલવો કે નહીં, તેના પર આજે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે.

અદાલત આજે એ નક્કી કરશે કે જો આ મામલાને મધ્યસ્થી માટે મોકલવામાં આવે તો તેના માટે કોણ મધ્યસ્થી કરશે?

મધ્યસ્થી માટે આ કેસના પક્ષકારોએ પોતાના તરફથી કોર્ટને નામો પણ મોકલ્યાં છે.

મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બૅન્ચ શુક્રવારે એ નક્કી કરશે કે આ વિવાદનો ઉકેલ એકબીજાની અંદરોઅંદરની સમજૂતીથી લાવવો જોઈએ કે નહીં.

નિર્મોહી અખાડાને છોડીને લગભગ તમામ હિંદુ પક્ષકાર અને ઉત્તર પ્રદેશ સરકાર આ મામલે મધ્યસ્થીની વિરુદ્ધમાં છે.

સોનિયા રાયબરેલીથી જ લડશે ચૂંટણી, પ્રિયંકા મામલે કોઈ નિર્ણય નહીં

લોકસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે ઉત્તર પ્રદેશ અને ગુજરાતના એમ કુલ 15 ઉમેદવારોની પ્રથમ સૂચિ જાહેર કરી દીધી છે.

જેમાં ઉત્તર પ્રદેશની 11 અને ગુજરાતની 4 બેઠકો પર ઉમેદવારોનાં નામ ઘોષિત કરવામાં આવ્યાં છે.

જેમાં એ નક્કી થઈ ગયું છે કે સોનિયા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે જ્યારે કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડશે.

ગુજરાતની ચાર બેઠકોની વાત કરીએ તો યૂપીએ સરકારમાં રાજ્યકક્ષાના પ્રધાન રહેલા ભરતસિંહ સોલંકીને આણંદ, જ્યારે પ્રશાંત પટેલને વડોદરાની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

છોટા ઉદેપુર (શિડ્યુલ્ડ ટ્રાઇબ)ની બેઠક માટે રણજીત રાઠવાને ઉમદેવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે અમદાવાદ પશ્ચિમ (શિડ્યુલ્ડ કાસ્ટ) બેઠક ઉપરથી રાજુ પરમારને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.

બીસીસીઆઈના નવા કૉન્ટ્રેક્ટમાં ક્યા ખેલાડીને શું મળ્યું?

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે(બીસીસીઆઈ) પુરુષ અને મહિલાઓના નવા વાર્ષિત કોન્ટ્રાક્ટ જારી કરી દીધા છે. જેમાં ચાર ગ્રેડમાં અલગ અલગ ખેલાડીઓને રાખવામાં આવ્યા છે.

ટોપ ગ્રેડ A+માં ત્રણ ખેલાડીઓ સામેલ છે. જેમાં કપ્તાન વિરાટ કોહલી, ઉપકપ્તાન રોહિત શર્મા અને ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહનું નામ છે.

આ ગ્રેડમાં સામેલ ખેલાડીઓને વર્ષે સાત કરોડ રૂપિયા મળશે.

આ બાદ ગ્રેડ Aમાં 11 ખેલાડીઓનાં નામ સામેલ કરવામાં આવ્યાં છે. જેમાં વર્ષે પાંચ કરોડ રૂપિયા મળશે.

આ ગ્રેડમાં અશ્વિન, જાડેજા, ભુવનેશ્વર, પૂજારા, રહાણે, ધોની, ધવન, શમી, ઇશાંત શર્મા, કુલદીપ યાદવ અને ઋષભ પંતનો સમાવેશ થાય છે.

જે બાદ ગ્રેડ બીમાં ત્રણ ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષે ત્રણ કરોડ રૂપિયા મળે છે.

આ ઉપરાંત ગ્રેડ સીમાં સાત ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. જેમાં વર્ષે 1 કરોડ રૂપિયા મળે છે.

ટ્રમ્પના પૂર્વ ચૂંટણી પ્રચાર મૅનેજરને જેલની સજા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ કૅમ્પેન મૅનેજરને છેતરપિંડીના આરોપમાં જેલની સજા કરવામાં આવી છે.

પોલ મેનફોર્ટને ટૅક્સ અને બૅન્ક મામલે કરાયેલી છેતરપિંડીના મામલે 47 મહિનાની સજા કરવામાં આવી છે.

તેમને ગયા ઉનાળામાં યુક્રેનમાં રાજકીય સલાકાર તરીકે મળેલા કરોડો રૂપિયા સંતાડવા મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા.

આવતા અઠવાડિયે લોબિંગના એક અન્ય મામલામાં પણ તેમને સજા સંભળાવવામાં આવશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો