મોબાઇલ, કમ્પ્યૂટરના ઉપયોગથી થાય છે ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસ?

    • લેેખક, અસ્મિતા દવે
    • પદ, બીબીસી ગુજરાતી

રાત્રે ઊંઘમાં કે સવારે ઊઠીને ગરદન ને પીઠના ભાગમાં ઘણાને દુઃખાવો થતો હોય છે. આ તકલીફ યુવાનોમાં સૌથી વધુ જોવા મળે છે.

તેથી માનવામાં આવે છે કે, યુવાનોના લાંબા સમય સુધી મોબાઇલ ફોનનો ઉપયોગ કરવાથી અથવા તો લાંબા સમય સુધી ઓફિસમાં કમ્પ્યૂટરનો ઉપયોગ કરવાથી આ તકલીફ થઈ હોવાનું માનવામાં આવે છે.

તેથી તેને ગંભીરતાથી લેવામાં આવતું નથી.

મોબાઇલ-કમ્પ્યૂટર જ જવાબદાર નહીં

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ માત્ર દુઃખાવો નથી પણ ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસની બીમારી હોઈ શકે છે.

અમદાવાદની વી. એસ. (વાડીલાલ સારાભાઈ) હૉસ્પિટલના રૂમેટોલોજી વિભાગના ફૅકલ્ટી અને સાંધાના રોગોના નિષ્ણાત ડૉ. સપન પંડ્યાએ જણાવ્યું:

"આ તકલીફ કેમ થાય તેના માટેના કોઈ ચોક્કસ કારણો નથી જાણી શકાયા, પણ શરીરમાં એચએલએ-બી27 જિન્સમાં ઘટાડો થવાથી આ બીમારી થાય છે."

"ખાસ કરીને 20 થી 30 વર્ષના યુવાનોમાં આ બીમારી વધુ જોવા મળે છે. પુરુષોમાં આ તકલીફ વધારે થાય છે."

ઘણા લોકો એવું માનતા હોય છે કે, વધુ પડતા મોબાઇલ ફોનના ઉપયોગથી આ બીમારી થાય છે, પરંતુ ડૉ. પંડ્યા જણાવે છે કે આ મિકેનિકલ પ્રૉબ્લેમ છે અને આ બીમારી તો જન્મથી હોઈ શકે છે.

આ જિનેટિક અસર છે, મોબાઇલના કે કમ્પ્યૂટરના ઉપયોગથી થાય છે એ માત્ર એક શક્યતા છે. વધુ પડતા શારીરિક શ્રમથી પણ તેમાં વધારો થઈ શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે ઍન્કીલૉઝીંગ સ્પૉન્ડીલાઈટીઝ?

આ એક એવી આનુવાંશિક બીમારી છે, જે કરોડરજ્જૂના સાંધામાં થાય છે. કરોડરજ્જૂના સાંધા વચ્ચેની પેશીઓમાં તિરાડો પડવાથી તે નબળા પડે છે અને જકડાય જાય છે.

તેના કારણે શરીર જકડાય જાય છે, કરોડરજ્જૂ વળી જાય છે.

ગરદનથી લઈને પીઠ અને કમર સુધી દુઃખાવો થાય છે. ખાસ કરીને રાત્રે ઊંઘમાં કે પડખું ફરતી વખતે તે તકલીફ વધી થાય છે.

સવારે ઊઠીને પણ ગરદન અને કમર જકડાઈ ગયાનો અનુભવ થાય છે.

લાંબા સમય સુધી સારવાર ન થવાથી તે ગંભીર સ્વરૂપ લઈ શકે છે. આ બાળપણથી માંડીને યુવા વયમાં થતી બીમારી છે.

કામ કરતા યુવાનોમાં વધતું ઍન્કીલૉઝીંગ સ્પૉન્ડીલાઈટીઝનું પ્રમાણ

બિઝનેસ સ્ટાન્ડર્ડમાં પ્રકાશિત થયેલાં એક અહેવાલ મુજબ કરોડરજ્જૂના સાંધામાં સતત દુઃખાવાને કારણે યુવાનોની કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે.

તેમની વ્યસ્ત જીવનશૈલીના કારણે આ તકલીફની અસરો વધી શકે છે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હૉસ્પિટલના રુમેટોલોજીના નિષ્ણાત આ તકલીફના વહેલાં નિદાન અંગે કહે છે:

"ભારતમાં 30થી 40 લાખ લોકો ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસથી પીડાય છે."

"આ બીમારીને વધતી રોકવા માટે રોગને નિયંત્રણમાં લેવો જરૂરી છે, તેના માટે નાની ઉંમરે નિદાન થઈ જાય તે જરૂરી છે."

"જીવનશૈલીમાં ફેરફાર અને સારવારથી આ તકલીફને કાબૂમાં રાખી શકાય છે, પણ સંપૂર્ણપણે મુક્તિ મેળવી શકાતી નથી."

ઇન્ડિયન જર્નલ ઑફ રુમેટૉલૉજીના જૂન 2018ના અંકમાં ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ, લખનઉના સંજય ગાંધી પોસ્ટ ગ્રૅજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્લિનિકલ ઇમ્યુનૉલૉજીનાં ડૉ. લતિકા ગુપ્તાએ દુર્ગા પ્રસન્ના મિશ્રા, સાકીર અહેમદ અને વિકાસ અગ્રવાલની મદદથી એક અભ્યાસ લેખ રજૂ કર્યો છે.

ભારતના ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસના દર્દીઓની ખરાબ જીવનશૈલી પરના આ અભ્યાસમાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનની પ્રશ્નાવલીની મદદ લીધી હતી.

આ અભ્યાસમાં એએસ ધરાવતા 99 પુખ્ત લોકો, 72 તંદુરસ્ત લોકો અને 22 સંધિવા ધરાવતા લોકો હતાં.

તેમાં 99માંથી પાંચ મહિલાઓ હતી અને છ બાળકો હતાં. તેમની સરેરાશ ઉંમર 32 હતી અને બીમારીના સરેરાશ 6 વર્ષ થયાં હતાં.

આ અભ્યાસમાં મળેલાં તારણો મુજબ ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસ ધરાવતાં લોકોની જીવનશૈલી યોગ્ય નહોતી.

નિદાન અને જાગૃતિ વધ્યા છે

અમદાવાદમાં ખાનગી હૉસ્પિટલમાં ઑર્થોપેડિક વિભાગના ડૉ. દેવમ દવેએ જણાવ્યું:

"કોઈ પણ દુઃખાવો લઈને દર્દી અમારી પાસે આવે તો અમે ઍક્સ-રેની સલાહ આપતાં હોઈએ છીએ."

"પીઠના કે ગરદનના દુઃખાવામાં એચએલએ બી-27નો ટેસ્ટ કરાવવાની સલાહ આપતાં હોઈએ છીએ, જેથી વહેલું નિદાન અને સારવાર થઈ શકે."

જ્યારે ડૉ. સપન પંડ્યા જણાવે છે, "હવે લોકોમાં જાગૃતિ આવી છે, લોકો હવે દુઃખાવામાં તરત નિદાન ઇચ્છે છે. તકલીફ તો પહેલાં પણ હતી પરંતુ હવે લોકોમાં જાગૃતિ આવી છે."

ઇકોનૉમિક ટાઇમ્સના એક અહેવાલમાં ક્વેસ્ટ ક્લિનિક, મુંબઈના કન્સલ્ટન્ટ ફિઝિશિયન ડૉ. સુશાંત શિંદેએ જણાવ્યું:

"કસરત જેવી પ્રવૃત્તિઓમાં આ તકલીફ ખાસ વધી જતી હોય છે."

"જો સમયસર તેની સારવારન થાય તો લાંબા ગાળાની ગંભીર તકલીફ ઊભી થઈ શકે છે, કેટલાક કેસમાં વ્યક્તિ વ્હીલચેર આધારિત બની જાય છે."

જ્યારે નોઈડાની ફોર્ટિસના સિનિયર કન્સલ્ટન્ટ રૂમેટૉલૉજિસ્ટ ડૉ. બમલેશ ધર પાંડેએ જણાવ્યું કે, "સામાન્ય પેઇન કિલર્સથી ટૂંકા ગાળાની રાહત થઈ શકે છે."

"હવે બાયૉલૉજિકલ સારવાર આવી ગઈ છે, જે ભારતમા પણ ઉપલબ્ધ છે, તેનાથી ઍન્કિલૉઝિંગ સ્પૉન્ડિલાઇટિસનાં દર્દીઓને ઘણી રાહત મળી રહે છે."

તે ઉપરાંત દર્દીઓ ફિઝિયૉથૅરપી, હાઇડ્રૉથૅરપી અને સામાન્ય કસરત કરી શકે છે.

હુંફાળા પાણીથી સ્નાન, યોગ્ય વજન જાળવી રાખવાખી પણ તકલીફમાં રાહત મેળવી શકાય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો