બે વખત બળાત્કારનો ભોગ બનેલાં મૉડલે કહી તેમના જીવનના સંઘર્ષની કહાણી

ઇમેજ સ્રોત, DWORKS
ગયા વર્ષે યુગાન્ડાની એક અગ્રણી મોડલ જ્યુડિથ હર્ડના ન્યૂડ ફોટો પબ્લિશ થયા. આ ફોટો તેની પરવાનગી વગર જ પબ્લિશ થયા હતા.
તેમને એરેસ્ટ કરવામાં આવ્યાં, માત્ર એટલું જ નહીં, મીડિયા અને ઑનલાઈન જગતમાં તેની ઉપર ફિટકાર વરસાવવામાં આવ્યો.
આવા કિસ્સામાં વાંક પીડિતાનો જ છે તેવું સમાજનું વલણ હોય છે.
સમાજના આ વલણને બદલવા માટે જ્યુડિથે યુગાન્ડાની મહિલાઓને તેમની સાથે થતા જાતીય દુર્વ્યવહાર અંગે ખૂલીને બોલવાની અને ભોગ બનેલી સ્ત્રીઓ સાથે હમદર્દીથી રહેવાની હાકલ કરી.
સોફી હેમ્રે અને એલિસ મેકકુલ સમક્ષ અહીં તેમણે પોતાના જીવનની કહાણી વર્ણવી છે.
નોંધ: આ ઘટનાનું વર્ણન કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.
ઇન્ટરવ્યૂ માટે તેઓ ઉધાર લીધેલો 50,000 પાઉન્ડનો ડ્રેસ પહેરીને આવે છે.
લંડનના સમૃદ્ધ સમાજમાં તેની બોલબાલા છે. લંડનમાં તે મૉડલિંગ અને ચેરિટી કામ સાથે જોડાયેલાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

'મારે મારી વાતો લોકોને કહેવી છે'

ઇમેજ સ્રોત, iStock
પૂર્વ આફ્રિકાની સરેરાશ મહિલાઓનું બાહ્ય રીતે જીવન ઘણું અલગ હોય છે.
જોકે, એક બાબત એવી છે જેમાં જ્યુડિથ હર્ડ અને યુગાન્ડાની ઘણી મહિલાઓનું જીવન સરખું છે.
2016 ના એક સર્વે મુજબ, યુગાન્ડાની 15થી 49 વર્ષની લગભગ 50% મહિલાઓ તેમના પાર્ટનર દ્વારા કરાતી શારીરિક કે જાતીય હિંસાનો ભોગ બની છે.
હર્ડનું લગ્ન પહેલાનું નામ કાન્ટેંગ્વા છે. તેમણે આ બંને પ્રકારની હિંસાનો અનુભવ કર્યો છે.
(આ લખાણમાં તેમનું લગ્ન પહેલાનું નામ વાપરવું કે લગ્ન પછીનું તે અંગે અમે જ્યુડિથ સાથે ચર્ચા કરી હતી. અમે નક્કી કર્યું કે અમે કાન્ટેંગ્વા નામ વાપરીશું. જોકે, પ્રૉફેશનલ કારણોસર તે વ્યક્તિગત રીતે હર્ડ નામનો ઉપયોગ કરે છે.)
તેમને લાગે છે કે પબ્લિશીંગ કંપનીને તેમના ન્યૂડ ફોટોગ્રાફ્સ કોઈ ચોરેલા કમ્પ્યુટર કે મોબાઈલ ફોનમાંથી મળ્યા હોવા જોઈએ.
તેઓ કહે છે કે પુરુષોના આવા તો ઘણા અત્યાચારોનો તેઓ ભોગ બન્યા છે.
જોકે, ઘણાં વર્ષો સુધી તેઓ ચૂપ રહ્યાં કારણ કે તેને શરમિંદા થવાનો અને અપમાનિત થવાનો ડર હતો.
તેઓ કહે છે, "તમે આ અંગે કંઈ કહો તો લોકો તમને જ ખરાબ માનવા લાગે છે અને આખરે તમે માનસિક રીતે વિક્ષિપ્ત થઈ જાવ છો."
"જોકે, મેં મારી વાત લોકો સામે મૂકવાનું નક્કી કર્યું, કારણ કે હું એક મુક્ત સ્ત્રી બનવા માગું છું. હું આખી જીંદગી માથા પર મોટો બોજ લઈને ફરવા માંગતી નથી."

તમે આ વાંચ્યું કે નહીં?

બાળપણમાં બળાત્કાર

કાન્ટેંગ્વા તેમના બાળપણને યાદ કરે છે. તેમના પિતા તેમનાં માતાને મારતા હતા.
આખરે, પોતાનું જીવ બચાવવા તેમનાં માતાએ ઘર છોડવું પડ્યું હતું.
આઠ વર્ષનાં કાન્ટેંગ્વા રવાન્ડામાં તેમના પિતાના પારિવારિક ઘરે રહેવા જતાં રહ્યાં હતાં.
1994 માં ટુત્સી લોકોની સામૂહિક કત્લેઆમ કરવામાં આવી, જેમાં તેમના પિતાનું મોત થયું.
ત્યારબાદ મહદઅંશે તેમનાં દાદીમાએ તેમનો ઉછેર કર્યો હતો. તેઓ 15 વર્ષનાં હતાં.
સ્કૂલની ફાઇનલ એક્ઝામની આગલી રાત્રે રવાન્ડામાં તેમના પરિવારના જ એક સભ્યએ તેમની ઉપર બળાત્કાર કર્યો.
બીજા દિવસે એક્ઝામ આપ્યા પછી તેઓ ઘર છોડીને ભાગી નીકળ્યાં. ભાગીને રવાન્ડાના પાટનગર કિગાલીમાં આવી ગયાં.
તેમણે ન્યામિરામ્બો જિલ્લાની એક વસાહતમાં આશ્રય લીધો. તેઓ કહે છે કે આ એક અત્યંત વિચિત્ર જગ્યા હતી.

"ઈંગ્લીશ બોલી શકતી યુગાન્ડાની સુંદર યુવતી"
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 1
અહીં કાન્ટેંગ્વા એક મ્યુઝિક ગ્રૂપમાં જોડાયાં.
શાનીઆ ટ્વેઈનનું એક ગીત સંભળાવીને કાન્ટેંગ્વાએ હસીને કહ્યું, "અહીં જેને પણ જોડાવું હોય તે જોડાઈ શકતું હતું. અહીં સૂવા માટે જગ્યા અને થોડું ખાવાનું મળી રહેતું."
ગાવા માટે તેમને કોઈ મહેનતાણું મળતું નહોતું.
કાન્ટેંગ્વા કહે છે, "અહીં બસ વ્યક્તિએ આસપાસના લોકો સાથે સારો વ્યવહાર રાખવાનો હોય છે."
"અને બસ તેમને થોડી રોટલી અને ખાવાનું મળી જાય છે.. તેમનું ગુજરાન ચાલી જાય છે."
"મને કંઈ મળે તો હું બધા સાથે વહેંચીશ અને તમને કંઈ મળે તો તમે બધા સાથે વહેંચો - એવા ભાવ સાથે અહીં બધા રહેતા હતા."
17 વર્ષની ઉંમરે કાન્ટેંગ્વાને ધનિક અને પ્રખ્યાત લોકોની એક ક્લબમાં વેઇટ્રેસ તરીકે નોકરી મળી ગઈ.
ત્યાં તેઓ 'ઇંગ્લીશ બોલી શકતી યુગાન્ડાની સુંદર યુવતી' તરીકે બધામાં જાણીતાં બન્યાં.
તેમની કમાણીથી તેઓ પોતાના માટે ઘર ખરીદી શક્યાં હતાં.
જીવન હવે સારી રીતે ગોઠવાઈ રહ્યું હતું.
તેવામાં ક્લબમાં એક રાત્રે કોઈ મહિલા કાન્ટેંગ્વાને મળી અને કહ્યું કે એ તેમને વધારે સારું જીવન આપી શકે એમ છે.
કાન્ટેંગ્વાને લાગ્યું કે બસ હવે તેમનું નસીબ ખૂલી ગયું છે. તેઓ પેલી મહિલા સાથે કોંગોના શહેર ગોમા પહોંચ્યાં.
ત્યાં તેમને કહેવામાં આવ્યું, "એક સારી વ્યક્તિ સાથે તમારી મુલાકાત થશે... જે તમારી કાળજી રાખશે."



આશાનું કિરણ?
આ લેખમાં Instagram દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Instagram કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
Instagram કન્ટેન્ટ પૂર્ણ, 2
કાન્ટેંગ્વાનું જીવન હવે થાળે પડવાનું હતું એટલે આ તક ગુમાવવા જેવી નહોતી.
તેઓ કહે છે, "હું એક નાની છોકરી હતી. મારે બસ મારા માટે સુંદર જીવન જોઈતું હતું."
"જેમાં મારી પાસે પૈસા હોય અને મારો પોતાનો એક પરિવાર હોય."
કોંગોમાં તેની પહેલી રાત હતી.
તેમણે સ્પેગેટી સ્ટ્રેપમાં સાઇડ કટવાળો આસમાની રંગનો બહુ સુંદર ડ્રેસ પહેર્યો હતો.
પેલી મહિલા તેમને એક રેસ્ટોરામાં લઈ ગઈ.
ત્યાં મહિલાના મિત્રો તથા રેસ્ટોરન્ટના માલિક સાથે તેમણે ડિનર લીધું.
ડિનર બાદ બધી મહિલાઓએ એક નાઇટ ક્લબમાં જવાનું નક્કી કર્યું.
કાન્ટેંગ્વાને મહિલાઓની સાથે નાઇટ ક્લબમાં જવું હતું.
જોકે, બાકીના લોકોએ કહ્યું કે રેસ્ટોરાનો માલિક પછી તેમને ગાડીમાં મૂકી જશે.

હિંસાનો ભોગ બની

ઇમેજ સ્રોત, ANDRE VALENTE/BBC BRAZIL
કાન્ટેંગ્વાને થોડો ડર તો લાગ્યો પણ તેને થયું કે કદાચ બાકીની બધી મહિલાઓ મોટી ઉંમરની હતી એટલે કદાચ તેમણે આવું કહ્યું હશે.
રેસ્ટોરાના માલિકની સાથે તેઓ ગાડીમાં નીકળ્યાં. નાઇટ ક્લબ આવી ગઈ પણ ગાડી રોકાઈ નહીં.
કાન્ટેંગ્વા એ બૂમ પાડીને કહ્યું, રોકો, રોકો, ક્લબ આવી ગઈ છે!
પેલાએ કહ્યું કે તે એક પરણેલો પુરુષ છે. તે ઇચ્છતો નથી કે ક્લબના લોકો તેમને જુએ, એટલે એ થોડે આગળ જઈને કૉર્નર પર ગાડી ઊભી રાખશે
ગાડીમાંથી ઊતરીને કાન્ટેંગ્વા ક્લબ તરફ જઈ રહી હતી.
ત્યાં તો કોઈએ તેના માથા પર જોરથી માર્યું. તે બેહોશ થઈ ગઈ.
આગળનું દ્રશ્ય એવું છે કે કાન્ટેંગ્વા એ વિશે વાત કરવાનું ઠીક તેને યાદ કરવાનું પણ ટાળે છે.
તેમણે કહ્યું, "હું જ્યારે ઊઠી ત્યારે માથા પર એકે-47 હતી." બંદૂકના નાળચે બે આર્મી ઑફિસરે વારાફરથી તેમની ઉપર બળાત્કાર કર્યો.
ગંદી અને લોહી નીતરતી હાલતમાં તેઓ હોટલ પરત પહોંચ્યાં.
તેમને લાગે છે કે કદાચ આવું કરવા માટે પેલી મહિલાઓએ રેસ્ટોરાના માલિક પાસેથી પૈસા લીધા હશે.


તેમણે પોલીસ સમક્ષ તેમની પર રેપ કરનારા લોકોને ઓળખી કાઢ્યા અને પછી ત્યાંથી કિગાલી પરત ફર્યાં.
તેમને ત્યાંથી યુગાન્ડાના કમ્પાલા શહેર જઈને પોતાનાં માતા અને બહેનને શોધવા હતાં અને પોતાનું જીવન સ્થિર કરવું હતું.
ગોમા શહેરમાં તે મેક્સ(આ તેનું સાચું નામ નથી) નામની એક વ્યક્તિને મળી હતી.
તેની મદદથી તેમણે પોતાનાં માતા અને બહેનને શોધી કાઢ્યાં.
મેક્સે તેમને કહ્યું, "મેં તમારાં બહેન અને માતાને શોધી આપ્યાં. હવે બધુ સારું થઈ ગયું છે."
"મારી ઇચ્છા છે કે તું કમ્પાલા પાછી આવે અને મારી ગર્લફ્રેન્ડ બનીને રહે."
મેક્સ એક ડાયનેમિક માણસ હતો. તેઓ મેક્સ પ્રત્યે આકર્ષાયાં.
કાન્ટેંગ્વા કહે છે, "આ એક નવા પ્રકારની આગમાં ઝંપલાવવા જેવું હતું."
"આ આગ કોઈએ બળાત્કાર કર્યો હોય એ પ્રકારની નહોતી પણ કોઈ માણસ તમારા માટે પાગલ થયો હોય તે પ્રકારની હતી."
મેક્સ કાન્ટેંગ્વાને આર્થિક રીતે મદદ કરતો હતો પણ સામે એવી અપેક્ષા રાખતો હતો કે તે એકલી બહાર ન નીકળે.
તે કાન્ટેંગ્વાને ફોનનો ઉપયોગ કરવા ન દેતો અને નોકરી કરવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.
કાન્ટેંગ્વા કહે છે, "મારે તેના નિયમોનું પાલન કરવાનું હતું. મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો."

પ્રેમ અને મારપીટ

મેક્સ તેમની સાથે હોય ત્યારે જ તેઓ ફરવા જઈ શકતાં. મેક્સ તેમને તેમની બહેનને મળવા લઈ જતો.
અથવા તેઓ મેક્સની સાથે કોઈ મોટી રેસ્ટોરાં કે ક્લબમાં જતાં.
આ સમય દરમિયાન કાન્ટેંગ્વાનું પોતાનું એક સામાજિક વર્તુળ બનવા લાગ્યું.
કમ્પાલાની ફૅશન અને ફોટોગ્રાફી સાથે જોડાયેલા લોકોનું ધ્યાન તેની તરફ ખેંચાયું.
જોકે, આના લીધે મેક્સ તેમની પર રોષે ભરાયો. એક રાત્રે તેમણે જાહેરમાં ગન કાઢીને કાન્ટેંગ્વા સામે તાકી.
ત્યારબાદ ઘરે જઈને મેક્સે કાન્ટેંગ્વાને માર માર્યો.
કાન્ટેંગ્વા ત્યારબાદ પોતાનાં બહેનના ત્યાં જતાં રહ્યાં પણ પછી મેક્સે માફી માંગી એટલે પરત આવ્યાં.
કાન્ટેંગ્વા કહે છે, "હું યુવાન છોકરી હતી એટલે મને લાગ્યું કે તે મારી સાથે એટલે ઝઘડે છે કારણ કે તે મને પ્રેમ કરે છે."
"આજે જ્યારે હું વિચારું છું ત્યારે લાગે છે કે ઓહ આ કેટલો અત્યાચારભર્યો સબંધ હતો."
મેક્સને કાન્ટેંગ્વાની એક કઝીન સાથે સેક્સ સબંધ બંધાયો હતો.
આ જાણમાં આવ્યું ત્યારે કાન્ટેંગ્વા આખરે મેક્સને છોડીને જતી રહી.
મેક્સ ઘણીવાર કાન્ટેંગ્વાને શોધવા તેની બહેનના ઘેર આવતો.
મેક્સ આવે ત્યારે બંને બહેનો એવો દેખાવ કરતી કે જાણે તે ઘરે હોય જ નહીં.
જીવનમાંથી મેક્સના ગયા બાદ કાન્ટેંગ્વાને હવે રિલેક્સ થઈને જીવવાની તક મળી.
તેઓ કેટલીક મહિલા મિત્રોની સાથે એક નવા ઘરમાં રહેવા જતાં રહ્યાં.
તેઓ ઘણીવાર ક્લબમાં ડાન્સ માટે જતાં અને સવારના પાંચ-પાંચ વાગ્યા સુધી ત્યાં જ રહેતાં.

મૉડલિંગનું કૅરિયર

ઇમેજ સ્રોત, Getty Images
એની મૉડલિંગ કેરિયર પણ હવે જામી રહી હતી. આ સ્વતંત્રતામાં તેમને મજા પડી રહી હતી.
એટલે જ્યારે એક 54 વર્ષના ધનિક અમેરિકન રિચાર્ડ હર્ડ ને 19 વર્ષની કાન્ટેંગ્વામાં રસ પડ્યો ત્યારે શરૂઆતમાં તો તેણે કોઈ ભાવ ન આપ્યો.
હર્ડ ને જોકે ખબર હતી કે કાન્ટેંગ્વાને શેની જરૂર હતી. તેમનાં માતાની તબિયત ખૂબ ખરાબ રહેતી હતી.
હર્ડે કહ્યું કે તેઓ તેમની માતાની કાળજી રાખશે.


તેઓ કાન્ટેંગ્વાની બહેનની યુનિવર્સિટી ફી પણ ભરશે અને તેમના આખા પરિવારને મદદ કરશે.
કાન્ટેંગ્વા કહે છે, "તેઓ જે રીતે મારી સાથે વ્યવહાર કરતા તેનાથી હું આકર્ષાઈ."
ભૂતકાળમાં તો વર્ષો સુધી તેમનું જીવન બસ હિંસા અને અસુરક્ષાથી ભરેલું હતું.
તેમને થયું કદાચ હવે આખરે તેમને એક સંઘર્ષ વિનાનું સારું અને શાંતિપૂર્ણ જીવન મળશે.
તેમને લાગ્યું કે આર્થિક રીતે સ્થિર થવાથી તેમને પોતાની રીતે કામ કરવાની સ્વતંત્રતા મળશે.
તેમણે કહ્યું, "એક વ્યક્તિ મારી કાળજી લઈ રહી હતી, તે વાત મારા માટે ઘણી આશ્વાસન આપનારી હતી."

સ્વતંત્રતાની શોધ

ઇમેજ સ્રોત, ISTOCK
એક ધનિક ગોરા માણસને પરણવાથી કાન્ટેંગ્વા એકદમ જ સ્પોટલાઈટમાં આવી ગયાં.
જોકે, આના લીધે તેની ઉપર ટીકાઓની વર્ષા પણ થઈ.
તે કહે છે, "લોકો મને પૈસા માટે પરણનારી સ્ત્રી કહેવા લાગ્યા. હું જ્યાં જઉં ત્યાં લોકો મારું ખરાબ બોલતા."
કાન્ટેંગ્વા અને હર્ડને ત્રણ બાળકો થયાં, જેમાંથી એક બાળક દત્તક લીધું હતું.
તેમની પાસે સરસ ઘર અને કાર હતાં. કાન્ટેંગ્વાને હજી સ્વતંત્રતાનો અહેસાસ થતો નહોતો.
તેમના પતિ ઇચ્છતા નહોતો કે તેઓ એકલાં ઘરેથી બહાર જાય.
તેઓ કહે છે, "હું જાણે બંધાઈ ગઈ હોવું તેવું લાગતું હતું. રોજ હું મારી જાતને કહેતી કે, ઓહ હું પેલો ડ્રેસ નહી પહેરી શકું કેમકે તેમને એ ગમશે નહી."
"હું સોશિયલ મીડિયા પર આ નહી લખી શકું, કેમકે તેમને એ ગમશે નહીં."
11 વર્ષ સાથે રહ્યા પછી તેઓ છુટાં પડ્યાં.

ન્યૂડ ફોટો

ઇમેજ સ્રોત, iStock
કાન્ટેંગ્વા કહે છે કે તેઓ હવે કોઈ જાતના બંધન વિના પોતાની જાતને વ્યક્ત કરવા માંગતા હતાં.
જોકે, કાન્ટેંગ્વાના ન્યૂડ ફોટોગ્રાફ છપાયા પછી તો તેની ઉપર ટીકાઓનો મારો પહેલાં કરતાં ઘણો વધી ગયો.
આ ફોટોગ્રાફ પહેલાં 2013 માં બહાર આવ્યા હતા અને ગયા મે 2018માં ફરી પ્રકાશિત થયા.
જેના લીધે યુગાન્ડાના કડક એન્ટી-પોર્નોગ્રાફી કાયદા હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી.
તેઓ અત્યારે જામીન પર છે અને કોર્ટની તારીખની રાહ જોઈ રહ્યાં છે. તેમને કદાચ બે વર્ષની સજા થશે.
તેઓ કહે છે, "ઘણા લોકોએ મારા વિશે ખરાબ વિચાર્યું છે. મીડિયાએ મારી ખૂબ ટીકા કરી છે."

સરાહના અને ટીકા

ઇન્સ્ટાગ્રામ પર તેમના 1,60,000 ફૉલોઅર્સ છે.
કેટલાક તેની પડખે છે, તો બીજા તેમની પસંદગીઓની આલોચના કરીને અપમાનજનક કૉમેન્ટ્સ કરે છે.
મે મહિનામાં તેમના ફોટોગ્રાફ લીક થયા ત્યારે એક કૉમેન્ટરે આરોપ મૂક્યો હતો કે તેમણે પ્રખ્યાત થવા માટે પોતે પોતાના ફોટો લીક કરાવ્યા છે.
એક જણે કહ્યું કે તેમના જનન અંગો એબનોર્મલ છે. હવે તો ઘણા લોકો તેમની બૌદ્ધિકતાથી લઈને તેમના વજન સુધીની દરેક વાતે તેમના પર હુમલો કરે છે.
કાન્ટેંગ્વા કહે છે, "કેટલાક લોકો બસ તમને બહારથી જોતા હોય છે, તેમને તમારા જીવનની કહાણીની ખબર હોતી નથી."
"લોકો જ્યારે મારી ટીકા કરે છે ત્યારે હું મારી જાતને પૂછું છું કે શું આ લોકો જાણે પણ છે કે હું કેવા સંજોગોમાંથી પસાર થઈ છું?"
"જો તમે આ બધા વિશે બોલો તો તમને પ્રશંસકોના બદલે દુશ્મનો જ વધારે મળશે."
"દુનિયાભરમાં મહિલાઓ સામે થતી હિંસા બદલ તેમને જ દોષિત ઠેરવવામાં આવે છે."

એન્ટી-પોર્નોગ્રાફી કાયદા હેઠળ મિનીસ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ
યુગાન્ડામાં તો કાયદા જ એવા છે કે આ વલણને બળ મળે છે.
સરકારે એન્ટી-પોર્નોગ્રાફી કાયદા હેઠળ મહિલાઓને મિનીસ્કર્ટ પહેરવા પર પ્રતિબંધ ફરમાવ્યો.
પછી મહિલાઓ પર હુમલા થવા લાગ્યા અને જાહેર રસ્તાઓ પર તેમનાં કપડાં ઊતરાવવામાં આવ્યાં ત્યારે સરકારે ફેરવી તોળ્યું.
ઘણીવાર લોકો બદલો લેવા માટે તેમના પાર્ટનર સાથેની ક્ષણોનાં દૃશ્યો પબ્લિશ કરતા હોય છે.
તાજેતરમાં જ સરકારે આવા કિસ્સામાં પીડિતાઓની ધરપકડ કરવાનું શરૂ કર્યું છે.
કાયદા અત્યંત જૂના સમયના છે, જે હેઠળ પતિ બળજબરીથી પત્ની સાથે સેક્સ કરે તેવા કિસ્સામાં કોર્ટ પુરુષની તરફેણમાં જ ફેંસલો કરે છે.

'મી ટુ' અભિયાન

કાન્ટેંગ્વાને #Metoo અભિયાન વિશે ખ્યાલ છે.
તેમને આશા છે કે તેઓ વધુને વધુ મહિલાઓને પોતાની વાત જાહેર કરવા માટે પ્રેરિત કરી શકશે.
તેઓ કહે છે, "મહિલાઓ બળવો કરી રહી છે, કારણ કે પુરુષોએ તેમને આમ કરવાની ફરજ પાડી છે."
"સ્ત્રીઓને પુરુષો પાસેથી સ્વીકૃતિ જોઈએ છે પણ આપણે પોતે જ પોતાની જાતને સ્વીકૃતિ આપવી જોઈએ."
કાન્ટેંગ્વા કહે છે, "આજીવન જેની સાથે સુખેથી રહી શકાય તેવા પુરુષની તલાશ મેં લાંબા સમય સુધી કરી પણ હવે હું મારું શ્રેષ્ઠ જીવન જીવી રહી છું, જે મારા ભૂતકાળ દ્વારા કે કોઈ પુરુષ દ્વારા નિયંત્રિત નથી."
તેમની ઇચ્છા છે કે સ્ત્રીઓ પુરુષો પાસેથી સુરક્ષા મેળવવાની કામના ન રાખે.
એના બદલે તેઓ એમ વિચારે છે, "હું મારી જાતને પ્રેમ કરીશ, હું મારા મિત્રોને પ્રેમ કરીશ... અમે બધા એકબીજાની સાથે રહીને અમારા દરેકનું જીવન બહેતર બનાવીશું."
કાન્ટેંગ્વા કહે છે, "હું પીડા ભોગવી રહેલી અને પોતાની વ્યથા ન કહી શકનારી દરેક સ્ત્રીની પડખે ઊભી રહેવા માંગુ છે. હું તેમનો હાથ પકડવા માગું છું, હું તેમની મદદ કરવા માગું છું."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












