વિરાટ કોહલીએ ઈતિહાસ રચ્યો, એકસાથે મળ્યા ICCના આ ત્રણ ઍવૉર્ડ

ઑસ્ટ્રેલિયામાં સફળતા પૂર્વક શ્રેણી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીએ હવે ઍવૉર્ડમાં પણ હેટ્રીક લગાવી દીધી છે.

તેમની ICC Men's Cricketer of the Year 2018ના ઍવૉર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ખેલાડીને આ સર ગારફિલ્ડ સોવર્સ ટ્રોફીથી નવાજવામાં આવશે.

આ સાથે જ વિરાટ કોહલી ICC Men's Test Cricketer of the Yearનો ઍવૉર્ડ પણ આપવામાં આવ્યો છે.

આ બંને ખિતાબની સાથે સાથે કોહલીની ICC Men's ODI Cricketer of the Year માટે પણ પસંદગી કરવામાં આવી છે.

ભારતના કૅપ્ટન વિરાટ કોહલીને આઈસીસીની ટેસ્ટ અને વન ડે ટીમ ઑફ ધી યરના કપ્તાન તરીકે પસંદગી કરવામાં આવી છે.

આઈસીસી(આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ)એ મંગળવારે વન ડે અને ટેસ્ટ ટીમની જાહેરાત કરી હતી.

કોહલીને કપ્તાન બનાવવા પાછળનાં કારણો આઈસીસીએ જણાવ્યા છે.

કોહલીએ 2018માં વન ડે મૅચમાં નવ મૅચમાં ભારતને જીત અપાવી છે. કુલ મળીને ભારતે 14 મૅચ જીતી અને માત્ર ચાર જ મૅચ હારી હતી. જ્યારે બે મૅચ ટાઈ રહ્યા હતી.

ટેસ્ટની વાત કરે તો વિરાટ કોહલી 2018માં સૌથી વધારે રન બનાવનારા ખેલાડી બન્યા છે. તેમણે 13 ટેસ્ટમાં 55.08ની સરેરાશથી 1322 રન બનાવ્યા છે.

આઈસીસી વન ડે ટીમ ઑફ ધી યર-2018માં કપ્તાન વિરાટ કોહલી સિવાય ભારત તરફથી રોહિત શર્મા, કુલદીપ યાદવ અને જસપ્રીત બુમરાહને પણ સામેલ કરવામાં આવ્યા છે.

આઈસીસી ટેસ્ટ ઑફ ધી યર-2018માં ભારત તરફથી વિરાટ કોહલી સિવાય ઋષભ પંત અને જસપ્રીત બુમરાહને સામેલ કરવામાં આવ્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો