સીરિયામાં ઇઝરાયલની ઍર સ્ટ્રાઇક, ઈરાનની સૈન્ય છાવણીઓ ધ્વસ્ત

ઇઝરાયલે સીરિયા ખાતે મિસાઇલ હુમલા કર્યાં હોવાની કબૂલાત કરી છે. આ માહિતી ઇઝરાયલ સંરક્ષણ દળ(આઇડીએફ)એ આપી હતી અને કહ્યું હતું કે તેમણે ઓપરેશન ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના એલિટ ગ્રુપ કૂદ્સ ફૉર્સ વિરુદ્ધ છેડ્યું છે.

આ અંગે વધુ માહિતી જાહેર નથી થઈ પરંતુ સોમવારના રોજ આ હુમલો થયો હોવાના અહેવાલ છે.

સીરિયાના મીડિયા મુજબ દેશની ઍર ડિફેન્સ સિસ્ટમે 'ઇઝરાયલની ઍરસ્ટ્રાઇક'ને તોડી પાડી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

જોકે, રવિવારના રોજ આઈડીએફ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમણે 'ગોલન હાઇટ્સ' નજીક એક રોકૅટને તોડી પાડી હતી.

ઇઝરાયલનું ઓપરેશન

સોમવારના રોજ આઈડીએફના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પરથી આ ઓપરેશન અંગે ટ્વીટ કરી જાણ કરવામાં આવી હતી.

બીજી તરફ સીરિયન ન્યૂઝ એજન્સીએ એક સૈન્ય સૂત્રના હવાલાને ટાંકીને જણાવ્યું હતું કે દેશની ઍર ડિફેન્સ દ્વારા 'દુશ્મનોની મિસાઇલ'ને તોડી પાડીવામાં આવી હતી.

યૂકે સ્થિત એસઓએચઆર (સીરિયન ઑબ્ઝર્વેટરી ફોર હ્યૂમન રાઇટ્સ)નું કહેવું છે કે ઇઝરાયલની રોકૅટ દ્વારા સીરિયાની રાજધાની 'દમાસ્કસની નજીકના વિસ્તાર'ને ટાર્ગેટ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ એસઓએચઆર દ્વારા કહેવામાં આવ્યું કે ઇઝરાયલની મિસાઇલો દ્વારા ઈરાન અને તેને પીઠબળ પૂરી પાડતી હિઝબુલ્લાની સૈન્ય છાવણીઓ અને હથિયારોના ઠેકાણાઓને નષ્ટ કરી નાખવામાં આવ્યા છે.

નેતન્યાહૂની ધમકી

ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારના રોજ ચાડ ખાતેની મુલાકાત લેતી સમયે આ મુદ્દે ધમકીનું વલણ અપનાવ્યું હતું.

તેમણે કહ્યું, "સીરિયા ખાતે ઈરાનની મોરચેબંદી માટે અમે એક નીતિ અપનાવી છે જે અંતર્ગત અમને હાનિ પહોચાડનારાઓને નુકસાન વેઠવું પડશે."

ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ સીરિયામાં હુમલા કરવાને નકારતું રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું ઇઝરાયલ અને ઈરાન દુશ્મન છે?

વર્ષ 1979માં ઈરાનની ક્રાંતિએ કટ્ટરપંથીઓને સત્તામાં આવવાની તક આપી અને ત્યારથી જ ઈરાની નેતાઓ ઇઝરાયલને નાબૂદ કરવાની વાતો કરી રહ્યા છે.

ઈરાન, ઇઝરાયલના અસ્તિત્વનો સ્વીકાર કરતું નથી અને વર્ષોથી તેઓ એવું રટણ કરી રહ્યું છે કે ઇઝરાયલે મુસ્લિમોની જમીન પર ગેરકાયદે કબજોકર્યો છે.

બીજી તરફ, ઇઝરાયલ પણ ઈરાનને એક જોખમ તરીકે જુએ છે. તેઓ હંમેશાથી એવું જ કહી રહ્યું છે કે ઈરાન પાસે પરમાણું હથિયાર ના હોવાં જોઈએ.

મધ્ય-પૂર્વમાં ઈરાનના વધતા પ્રભાવથી ઇઝરાયલી નેતાઓની ચિંતા વધી રહી છે.

ઇઝરાયલ-ઈરાન વિવાદથી સીરિયાને શું?

વર્ષ 2011થી સીરિયામાં યુદ્ધની સ્થિતિ છે અને ઇઝરાયલ પણ વ્યાકુળતાથી આ બધું જોઈ રહ્યું છે.

સીરિયામાં બશર અલ-અસદની સરકાર અને તેમનો વિરોધ કરી રહેલા વિદ્રોહી લડાકુઓ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ઇઝરાયલે અંતર બનાવી રાખ્યું છે.

પરંતુ ઈરાન, સીરિયામાં બશર અલ-અસદની સરકારનું સમર્થન કરે છે. તેઓ વિદ્રોહીઓ સાથેની સરકારની લડાઈમાં બશર અલ-અસદની મદદ કરી રહ્યું છે.

ઈરાને ત્યાં તેમના હજારો લડાકુ અને સૈનિકો તથા સલાહકારો મોકલ્યા છે.

ઇઝરાયલને એ વાતની પણ ચિંતા છે કે ઈરાન ચુપચાપ રીતે લેબનોનમાં વિદ્રોહીઓને હથિયાર આપી રહ્યું છે.

ઇઝરાયલનો પાડોશી દેશ લેબનોન છે અને લેબનોન તેનાથી ખતરો અનુભવે છે.

ઇઝરાયલ વારંવાર એવું કહી રહ્યું છે કે તેઓ સીરિયામાં ઈરાનને સૈનિક અડ્ડો બનાવવા નહીં દે, કારણ કે આ અડ્ડાનો ઉપયોગ તેની વિરુદ્ધ થઈ શકે છે.

એટલા માટે સીરિયામાં જેમ-જેમ ઈરાનની હાજરી વધી રહી છે, તેમ-તેમ ઈરાનનાં ઠેકાણાઓ પર ઇઝરાયલના હુમલાઓ પણ વધી રહ્યાં છે.

શું ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ક્યારેય યુદ્ધ થયું છે?

ના, બંને દેશ વચ્ચે ક્યારેય યુદ્ધ નથી થયું. પરંતુ, ઈરાન લાંબા સમયથી એવા સમૂહોનું સમર્થન કરતું આવ્યું છે જેઓ ઇઝરાયલને નિશાન બનાવે છે.

જેમ કે, હિઝબુલ્લા અને પેલેસ્ટાઇનનું આતંકી સંગઠન હમાસ.

જો બંને દેશો વચ્ચે ક્યારેય પણ યુદ્ધ થયું, તો બંને પક્ષો માટે આ મોટી બર્બાદીનું કારણ સાબિત થશે.

ઈરાન પાસે લાંબા અંતર સુધી હુમલો કરી શકતી મિસાઈલોનો સંગ્રહ છે અને ઇઝરાયલની સરહદો પર તેમના હથિયારધારી સહયોગીઓ પણ.

ઇઝરાયલ પાસે પણ એક બળવાન સેના છે અને માનવામાં આવે છે કે તેમની પાસે પરમાણુ હથિયાર પણ છે. ઇઝરાયલને સંયુક્ત રાષ્ટ્રનું પણ જબરદસ્ત સમર્થન હાંસલ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો