અંબાણીનાં લગ્નમાં પર્ફૉર્મ કરનારાં બિયોન્સેને તમે કેટલી ફી આપી બોલાવી શકો?

ઈશા અંબાણી અને આનંદ પિરામલના લગ્ન પ્રસંગમાં અમેરિકન મ્યુઝિક સ્ટાર બિયોન્સેનું પર્ફૉર્મન્સ સોશિયલ મીડિયા પર છવાઈ ગયું છે.

આ દરમિયાન જ લોકોમાં એક પ્રશ્ન ઉદ્ભવ્યો હતો કે બિયોન્સે પોતાના પર્ફૉર્મન્સ માટે કેટલી ફી લે છે?

હજી સુધી બિયોન્સેની ફી વિશે કોઈ ચોક્કસ આંકડા બહાર નથી આવ્યાં, પરંતુ માહિતી મુજબ તેમણે આ પર્ફૉર્મન્સ માટે આશરે 21થી 28 કરોડ વચ્ચેની ફી વસૂલી છે.

ઉલ્લેખનીય છે કે યૂએસનાં જાણીતાં સિંગર, લિરિસિસ્ટ, અભિનેત્રી, રેકૉર્ડ પ્રોડ્યુસર અને ડાન્સર બિયોન્સે બાળપણથી જ અનેક મ્યુઝિક અને ડાન્સ કૉમ્પિટિશનથી જાણીતાં બન્યાં છે.

અગાઉ બિયોન્સે કાર્યક્રમ માટે કેટલી ફી વસૂલી હતી?

ટાઇમ મૅગેઝિન પ્રમાણે, આ જ વર્ષમાં અગાઉ કોઆચેલા ફૅસ્ટિવલમાં બિયોન્સે આશરે 21 કરોડ રૂપિયા ફી લીધી હતી.

જો કે, આ દરમિયાન કોઆચેલા ફૅસ્ટિવલના આયોજકોના કહેવા પ્રમાણે, તેમણે રૂ. 21-28 કરોડ વચ્ચેની કિંમત ફી તરીકે આપવાની વાત કહી હતી.

ધ ગાર્ડિયનની માહિતી અનુસાર, બિયોન્સેએ 2010માં કર્નલ ગદ્દાફીના પુત્રના કૉન્સર્ટમાં આશરે 14.5 કરોડ રૂપિયા ફી લીધી હતી.

બિયોન્સેએ આ ફી 2010માં લીધી હતી તો તમે અંદાજો લગાવવી જ શકશો કે આજના સમયમાં તેમની ફી કેટલી હશે.

જો કે, સેલિબ્રિટિઓની ફીનો આધાર પ્રસંગ કરાવનાર હૉસ્ટ સાથેના સંબંધ પર પણ રહેલો હોય છે.

'બિયોન્સે' મ્યુઝિક ક્ષેત્રે સૌથી વધારે પૈસા કમાનારા મહિલા

ફૉર્બ્સ 2017ની મ્યુઝિક ક્ષેત્રે સૌથી વધારે પૈસા કમાનારા મહિલાની યાદીમાં બિયોન્સે ટોચ પર રહ્યાં હતાં.

આ યાદી પ્રમાણે, તેમની કમાણી 2017માં 105 મિલિયન ડૉલર એટલે કે આશરે 756 કરોડ હતી.

બિયોન્સે બાદ આ યાદીમાં અડેલ રૂ. 497 કરોડની કમાણી સાથે બીજા સ્થાને અને ટેઇલર સ્વિફ્ટ રૂ. 317 કરોડની આવક સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

વિદેશમાં થઈ અંબાણીના લગ્નમાં બિયોન્સેના પર્ફોર્મન્સની ચર્ચા

@FredTJoseph નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે જો તમે ટિકિટ ખરીદશો તો જ તમને બિયોન્સેનાં પર્ફોર્મન્સવાળા મારા લગ્નમાં પ્રવેશ મળશે.

@onifinau હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવી કે આ કોઈ બિયોન્સેનો કૉન્સર્ટ નથી.. પણ કોઇકનાં લગ્ન છે.

@AaronAbarksdale નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે શું તમે ક્યારે એટલા ધનવાન હોવાની કલ્પના કરી શકો કે બિયોન્સે તમારાં લગ્નમાં પર્ફોર્મ કરે?

@itsTimHell નામનાં ટ્વિટર યૂઝરે ટ્વીટ કરી હતી કે બિયોન્સેનું પર્ફૉર્મન્સ તમારા લગ્નમાં કરાવવા માટે તમે કેટલાં ઘનવાન હોવા જોઈએ?

@roriIZfunny નામનાં ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરવામાં આવ્યું કે જો બિયોન્સે મારા લગ્નમાં પર્ફોર્મ કરતાં હોય તો ચોક્કસપણે મારાં લગ્ન તેમના કોઈ કૉન્સર્ટમાં થતા હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો