You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટીવીની 'વહુ' દેવોલીના ભટ્ટાચાર્યનું મર્ડર કેસમાં ખૂલ્યું નામ
પાંચ ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાનાં જંગલોમાંથી એક મૃતદેહ મળે છે. મૃતદેહની ઓળખ હીરા વેપારીના રૂપમાં થાય છે. આ મામલે એક પોલીસ અધિકારી, એક મંત્રીના પૂર્વ સચિવ અને એક અભિનેત્રીની ધરપકડ કરવામાં આવે છે. આ આખો મામલો કોઈ ફિલ્મની પટકથા હોય એવો લાગે છે.
હકીકતમાં મુંબઈના હીરાના વેપારી રાજેશ્વર ઉદાણની હત્યાનો મામલો ગૂંચવાઈ રહ્યો છે. પોલીસે આ કેસમાં અત્યારસુધી ત્રણ લોકોની ધરપકડ કરી છે.
અટકાયત કરાયેલાં લોકોમાં સૌથી ચર્ચાસ્પદ નામ છે ટીવી અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્યનું.
દેવોલીનાને સચિન પવાર નામના શખ્સ સાથે ગૌહાટીમાંથી ધરપકડ કરવામાં આવી છે.
આ મામલે સસ્પેન્ડેડ પોલીસ કૉન્સ્ટેબલ દિનેશ પવારનું નામ પણ સામે આવ્યું છે.
મુંબઈ પોલીસે એસપી લખીમ ગૌતમને ટાંકીને મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે કે પોલીસ કૉન્સ્ટેબલની પહેલાંથી જ 2014માં થયેલા બળાત્કારની ઘટનામાં ધરપકડ કરાયેલી છે.
તેમણે જણાવ્યું કે પ્રથમ નજરે હત્યાનું કારણ ઉદાણી સાથે પૈસાની લેણદેણમાં વિવાદ અને સચીનની મહિલા મિત્રને લઈને કંકાસ હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસનું કહેવું છે કે દેવોલીના એ લોકોમાંથી છે, જેમની સાથે હીરા વેપારીએ ફોન પર વાતચીત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે દેવોલીના ભટ્ટાચાર્ય?
અભિનેત્રી દેવોલીના ભટ્ટાચાર્ય એક ભરતનાટ્યમ્ ડાન્સર છે. તેમનો જન્મ 22 ઑગસ્ટ 1990ના રોજ ગૌહાટીમાં થયો હતો.
સૌપ્રથમ તેઓ 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ સિઝન-2'ના ઑડિશનમાં નજરે પડ્યાં હતાં.
ત્યારબાદ તેમણે ટીવીની દુનિયામાં 'સંવારે સબકે સપને પ્રીતો'માં 'બાની'નું પાત્ર ભજવ્યું.
અભિનેત્રી જિયા માનિકના ટીવી સીરિયલથી નીકળેલાં દેવોલીનાની 'સાથ નિભાના સાથિયા' માટે પસંદગી કરવામાં આવી.
પોતાની સાત વર્ષની કારકિર્દીમાં દેવોલીના 'મનપસંદ વહુ' તરીકે પ્રસિદ્ધ બન્યાં.
તમે આ વાંચ્યું કે નહીં?
ઉદાની મર્ડરનો પેચીદો કેસ
સચીન પવાર મહારાષ્ટ્રના ગૃહ નિર્માણ મંત્રી પ્રકાશ મહેતાના પૂર્વ અંગત સચિવ રહી ચૂક્યા છે.
પ્રકાશ મહેતાએ શુક્રવારે મીડિયાને જણાવ્યું હતું કે પવાર 2004 થી 2009 સુધી તેમની સાથે હતા, પરંતુ જ્યારે પવારે અપક્ષ ઉમેદવાર તરીકે બીએમસીની ચૂંટણી લડી તો તેમના સંબંધ તૂટી ગયા હતા અને તેમને ભાજપથી તગેડી મૂકવામાં આવ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ઉદાની નિયમિત અમુક બારમાં જતા હતા. સચીન પવાર મારફતે તેઓ ગ્લૅમરની દુનિયાની મહિલાઓ સહિત અન્ય મહિલાઓના સંપર્કમાં હતા.
લાપતા થયા ઉદાની
57 વર્ષના રાજેશ્વર ઉદાની 28 નવેમ્બરના રોજ તેમની ઑફિસથી ગાયબ થયા હતા. તપાસ કરતા તેમનો ફોન નવી મુંબઈના રાબાલેમાં હોવાનું માલૂમ પડ્યું હતું, પરંતુ ત્યારબાદ સિગ્નલ ગાયબ થઈ ગયાં હતાં.
ત્યારબાદ પોલીસે અપહરણનો મામલો નોંધ્યો હતો.
તેમના ડ્રાઇવરે પોલીસને જણાવ્યું કે ઉદાની પંત નગર માર્કેટ પાસે ગાડીમાંથી ઊતરી ગયા હતા. ત્યાંથી અન્ય એક ગાડીમાં જતા રહ્યા હતા.
ત્યારબાદ બુધવારે ઉદાનીની લાશ મળી આવી હતી. ઉદાનીની હત્યા મામલે પોલીસે લગભગ બે ડઝન લોકોની પૂછપરછ કરી છે અને તે ગાડીની તપાસ કરી રહ્યા છે, જેમાં ઉદાની ગયા હતા.
પોલીસ અધિકારીઓએ દેવોલીના ભટ્ટાચાર્યની ભૂમિકા મામલે કંઈ જણાવ્યું નથી. પરંતુ એવા સંકેત આપ્યા છે કે મનોરંજન ઉદ્યોગની અન્ય મહિલાઓની પૂછપરછ કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો