You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જાણો, કોણ છે મિસ વર્લ્ડ-2018 વેનેસા? એ સવાલ જેણે અપાવ્યો તાજ
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
વેનેસા પોન્સે દી લિયોન મિસ વર્લ્ડ-2018 બન્યાં છે. ભારતીય મૉડલ તથા મિસ વર્લ્ડ-2017 માનુષી છિલ્લરે તેમને આ તાજ પહેરાવ્યો હતો.
26 વર્ષીય વેનેસા મિસ વર્લ્ડ બનનારાં મૅક્સિકોના પ્રથમ મોડલ છે. જ્યારે માનુષી તેમને તાજ પહેરાવવા માટે આગળ વધ્યાં ત્યારે વેનેસાએ ભીની આંખે બે હાથ જોડીને 'નમસ્તે'ની મુદ્રા કરી હતી.
વેનેસાને 'મિસ વર્લ્ડના પ્રભાવ' અંગે પૂછાયેલા સવાલે તેમના વિજયને સુનિશ્ચિત કર્યો હતો.
ગત વર્ષે 17 વર્ષ બાદ ભારતનાં માનુષી છિલ્લર મિસ વર્લ્ડ બન્યાં હતાં.
કોણ છે વેનેસા પોન્સે?
પોન્સેનો જન્મ તા. 7મી માર્ચ 1992ના દિવસે મૅક્સિકો સિટીના ગુઆનજુઆતો ખાતે થયો હતો.
પોન્સેએ વર્ષ 2014માં મૉડલિંગ ક્ષેત્રે કૅરિયર શરૂ કરી હતી. તેમણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં પદવી મેળવી છે.
પોન્સે મૅક્સિકો ખાતે કિશોરીઓનાં ઉત્થાન ક્ષેત્રે કાર્ય કરતી એક સ્વૈચ્છિક સંસ્થાના ડાયરેક્ટર છે.
મે-2018માં 32 હરિફોને પરાજિત કરીને તેઓ 'મિસ મૅક્સિકો-2018' બન્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પોન્સે 'બ્યુટી વિથ પર્પઝ' તથા 'ચેલેન્જ હિસ્ટ્રી ઑફ મૅક્સિકો' સ્પેશિયલ ઍવૉર્ડ પણ જીત્યાં હતાં.
વેનેસા ક્વૉલિફાઇડ ઓપન વૉટર સ્ક્યૂબા ડાઇવર છે. તેમને વોલિબૉલ તથા પૅઇન્ટિંગ પસંદ છે.
વેનેસા માને છે કે 'આપણને બધાને એકબીજાની જરૂર હોય છે.'
વેનેસા કહે છે : "મને લાગે છે કે દરેક મહિલા હંમેશાં કોઈ હેતુની શોધમાં હોય છે. હું પ્રેમ, કળા તથા અન્યની સંભાળ રાખવામાં માનું છું. હું સખત પરિશ્રમી છું, તથા દિવસે સપના જોવામાં માનું છું. હું હંમેશાં જે કોઈને મળું, તેના ચહેરા પર સ્મિત લાવવા માટે પ્રયાસરત રહું છું."
એ સવાલ જેણે વેનેસાને બનાવ્યાં મિસ વર્લ્ડ
અંતિમ સવાલમાં વેનેસાને પૂછવામાં આવ્યું, "મિસ વર્લ્ડ તરીકેનાં આપના પ્રભાવનો ઉપયોગ, અન્યોને મદદ કરવામાં કેવી રીતે કરશો?"
તેના જવાબમાં વેનેસાએ કહ્યું, "જે રીતે હું મારા પ્રભાવનો ઉપયોગ ગત ત્રણ વર્ષ દરમિયાન કરતી રહી છું, તે રીતે આગળ પણ કરતી રહીશ. આપણે વિશ્વ માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ બની શકીએ છીએ."
"આપણે સંભાળ રાખવાની છે, પ્રેમ આપવાનો છે અને ઉદાર બનવાનું છે. કોઈને મદદ કરવી એ મુશ્કેલ નથી તેની પાછલ કોઈ ખર્ચ નથી થતો."
"બહાર નીકળીને જોશો તો કોઈ અને કોઈને હંમેશા તમારી મદદની જરૂર છે. તો તેને મદદ કરો."
પાંચ ખંડ, પાંચ વિજેતા
મિસ મૅક્સિકોએ ટોપ-30, ટોપ-12, અને પછી ટોપ-5માં સ્થાન મેળવ્યું હતું. એશિયા ખંડનાં મિસ થાઇલૅન્ડ રનર-અપ બન્યાં છે.
ચાલુ વર્ષની વ્યવસ્થા પ્રમાણે, દરેક ખંડમાંથી એકએક વિજેતાને જાહેર કરવામાં આવ્યા છે. જે મિસ વર્લ્ડની સાથે વિશ્વયાત્રા પર નીકળશે.
મિસ બેલારૂસ (યુરોપ), મિસ મૅક્સિકો (અમેરિકા), મિસ યુગાન્ડા (આફ્રિકા), મિસ જમૈકા (કૅરેબિયન), મિસ થાઇલૅન્ડ (એશિયા) ખંડના વિજેતા બન્યાં છે.
મિસ નેપાલ 'બ્યુટી વિથ અ પર્પઝ' બન્યાં હતાં.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો