સારા અલી ખાનની 'કેદારનાથ' ઉત્તરાખંડમાં કેમ રજૂ નથી થઈ રહી?

    • લેેખક, રોહિત જોશી
    • પદ, દેહરાદૂનથી બીબીસી ગુજરાતી માટે

ઉત્તરાખંડ હાઈકોર્ટે બોલિવૂડ ફિલ્મ 'કેદારનાથ' પર પ્રતિબંધ લગાવવા માટેની અરજી રદ કરી હોવા છતાં 'કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની આશંકા'ને લઈને ફિલ્મને ઉત્તરાખંડનાં સિનેમાઘરોમાં રજૂ કરવામાં નથી આવી.

ગુરુવારે અરજીને રદ કરતા હાઈકોર્ટે કહ્યું હતું, "જો તમને ફિલ્મ પસંદ નથી, તો ના જુઓ. અમે કોઈ સેન્સર બોર્ડ નથી. આપણે એક લોકતંત્ર છીએ અને દરેક પોતાના અધિકારનો ઉપયોગ કરવા માટે સ્વતંત્ર છે."

પરંતુ પ્રદેશના જે વિસ્તારોમાં સિનેમાઘરો આવેલાં છે ત્યાંના જિલ્લા અધિકારીઓના આદેશ બાદ ફિલ્મનું પ્રદર્શન રોકી દેવામં આવ્યું.

આ આદેશોમાં કહેવામાં આવ્યું કે આ પગલું એટલા માટે ભરવામાં આવ્યું કારણ કે 'ઘણાં સંગઠનો/સ્થાનિક લોકો'ને ફિલ્મની કહાણી અને દૃશ્યોથી વાંધો છે.

આ સંદર્ભે 'તેઓ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવા જોરદાર વિરોધ કરી શકે છે.'

આદેશમાં ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાનું કારણ આપતા જણાવ્યું છે, "આવી પરિસ્થિતિઓમાં ફિલ્મનું પ્રદર્શન કરવાથી શાંતિ, કાયદો અને વ્યવસ્થા ભંગ થઈ શકે છે."

તમે આ વાંચ્યું કે નહીં?

'અમારા ધાર્મિક સ્થળ પર છેડછાડ ના થાય'

અગાઉ ઉત્તરાખંડ સરકારે ફિલ્મની સમીક્ષા માટે પ્રવાસન મંત્રી સતપાલ મહારાજની અધ્યક્ષતામાં ચાર સભ્યોવાળી એક કમિટીનું ગઠન કર્યું હતું.

આ કમિટીએ ગુરુવારના રોજ મુખ્ય મંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુલાકાત કરી હતી.

ત્યારબાદ જિલ્લા અધિકારીઓએ કાયદાની વ્યવસ્થાનું આકલન કરવાનો આદેશ આપી ફિલ્મ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

મંત્રી સતપાલ મહારાજે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું, "અમે અમારા પ્રસ્તાવમાં કહ્યું કે સામાન્ય રીતે કળાને અભિવ્યક્તિ મળવી જોઈએ પરંતુ સાથે-સાથે આપણે એ પણ જોવું જોઈએ કે આનાથી અમારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તો ખરાબ નથી થતી ને?"

મહારાજે આગળ જણાવ્યું, "માનનીય મુખ્ય મંત્રીએ કાયદો અને વ્યવસ્થાને ધ્યાનમાં લઈને આ નિર્ણય લીધો છે. સાથે જ દરેક જિલ્લા અધિકારીઓને કહ્યું છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિનું આકલન કરે."

પત્રકારો સાથેની વાતચીતમાં કડક અંદાજમાં સતપાલ મહારાજે કહ્યું, "અમે કડક કાયદો બનાવીશું. અમે નિશ્ચિત કરીશું કે આગામી સમયમાં અમારા ધાર્મિક સ્થળો સાથે કોઈ છેડછાડ ના થાય."

'અભિવ્યક્તિની આઝાદીનું હનન'

વર્ષ 2013ની પૃષ્ઠભૂમી પર એક મુસલમાન યુવક અને હિંદુ યુવતી વચ્ચેની પ્રેમ કહાણી પર આધારિત આ ફિલ્મ પર અમુક દક્ષિણપંથી સંગઠનોએ આરોપ મૂક્યો છે કે આ ફિલ્મ કથિત 'લવ જેહાદ'નો ફેલાવો કરે છે.

બીજી તરફ ઉત્તરાખંડમાં સિનેમા અને ફિલ્મ સાથે જોડાયેલા સંગઠનોએ ફિલ્મ પર આ પ્રકારના પ્રતિબંધને અભિવ્યક્તિની આઝાદીનું હનન ગણાવ્યું છે.

નૈનીતાલની સિનેમા સંસ્થા 'યુગમંચ'ના નિર્દેશક જહુર આલમ કહે છે, "ફિલ્મ માટે સેન્સર બોર્ડ બનાવવામાં આવ્યું છે છતાં, રાજકારણપ્રેરિત ટોળાના દબાણમાં આવીને ફિલ્મો પર મુકાતો પ્રતિબંધ ભારે ચિંતાનું કારણ છે."

બીજી તરફ ફિલ્મ ચાહકોને પણ નિરાશ થવાનો વારો આવ્યો છે.

રુદ્રપુરના એક સિનેમાઘરની બહાર પોતાના મિત્રો સાથે આવેલાં અંકિતા પાઠક કહે છે, "અમે કાલે જ ટિકિટ બુક કરાવી લીધી હતી. પરંતુ અહીં આવીને માલૂમ પડ્યું કે ફિલ્મ પર પ્રતિબંધ છે."

"ખબર નથી ક્યારે હવે આ ફિલ્મ જોઈ શકીશું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો