રજનીકાંત ચાર દાયકાથી ચાહકોનાં દિલો પર રાજ કેમ કરે છે?

    • લેેખક, શિવકુમાર ઉલગનાતન
    • પદ, બીબીસી ગુજરાતી માટે

રજનીકાંતનો આજે જન્મદિવસ છે.

રજનીકાંતના પ્રશસંક માત્ર તમિલનાડુ અને દક્ષિણ ભારત જ નહીં પણ ઉત્તર ભારતથી માંડી જાપાન અને અમેરિકા સુધી ફેલાયેલા છે અને ત્યાં પણ એમની ફિલ્મો વ્યાપક ખ્યાતિ પ્રાપ્ત કરે છે.

30 વર્ષથી તમિલ ફિલ્મ ઇન્ડ્રસ્ટીના એક મોટા સ્ટાર રજનીકાંતના, ઉત્તર ભારતમાં રહેલા પ્રશંસકો અને તેમની ફિલ્મની કમાણીથી લોકો અચંબામાં મૂકાઈ જાય છે.

એમણે આ જાદૂનું કામણ પાથર્યું કેવી રીતે?

જાણીતા ફિલ્મ સમીક્ષક સારા સુબ્રમણ્યમ જણાવે છે, ''1980 અને 1990 દરમ્યાન ભારતીય યુવાનોને સિનેમા અને ક્રિકેટનો આનંદ માણવામાં કોઈ ઝાઝી મુશ્કેલીઓ નડતી નહોતી."

"રજનીકાંત એવી વ્યક્તિ હતી કે જેમણે ભારતીય ફિલ્મ ઇન્ડ્રસ્ટીમાં અવકાશ પૂરી દીધો.''

સારા જણાવે છે, ''રજનીકાંતની ફિલ્મનો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો થિયેટરમાં જોવા જવું એ કોઈ સ્વર્ગના સુખથી ઓછું નથી."

"ત્યાંના વાતાવરણમાં એક વીજળીની લહેર દોડતી હોય છે.''

તેઓ જણાવે છે, ''તેમણે પોતાની અસાધારણ સ્ટાઇલ વડે તમિલનાડુમાં ઘણા લોકોનાં મન મોહી લીધાં છે."

"એટલું જ નહીં ભાષાના સીમાડા વળોટી જઈ એમણે દેશના ઘણા પ્રદેશોમાં લોકોને પોતાના અભિનયનું ઘેલું લગાડ્યું છે.''

"ઘણી ફિલ્મોમાં તો એમના દ્વારા કરવામાં આવેલા સ્ટન્ટ પર વિશ્વાસ મૂકવો કપરું કામ લાગે છે."

"લોકોએ એનો આનંદ એટલે માણ્યો હતો કારણ કે આ રજનીકાંતે કર્યા હતા."

"સારા જણાવે છે કે રજનીકાંત એ વાતની પણ મજા લે છે કે તેમને 'હીરોના પણ હીરો' તરીકે ઓળખવામાં આવે છે."

"ઘણા બોલીવૂડ અને ટોલીવૂડના હીરો કહી ચૂક્યા છે કે રજનીકાંત એમના મનપસંદ હીરો છે."

"શાહરૂખ ખાને લુંગી ડાન્સ ગીતને રજનીકાંતને સમર્પિત કર્યું હતું અને આ ધંધાકીય દૃષ્ટિકોણ સાથે લેવાયેલો નિર્ણય ના ગણી શકાય."

સારા માને છે કે લોકો વચ્ચે એમની પ્રસિદ્ધીને કારણે જ આમ બન્યું છે.

સારાનું માનવું છે, ''જોકે, ભારતના બીજા ભાગોમાં પણ રજનીકાંતના પ્રશંસક રહ્યા છે."

"રાજકારણમાં એમનું આગમન અને વિવાદિત નિવેદન બાદ એમનું અનુસરણ કરનારા લોકો પહેલાં જેટલા જ હશે કે નહીં તે વાત પર શંકા જરૂર છે."

"એમનાં મોટાં નિવેદનો અંગે એમના પ્રશંસકોની કેવી પ્રતિક્રિયા છે તે અંગે કોઈ જાણકારી નથી.''

સારાને લાગે છે કે દેશ અને દુનિયાભરમાં એમની ફિલ્મ માટે ઘણી આશાઓ છે પણ તમિલનાડુમાં 2.0ના રિલીઝ પહેલાં થયેલું ટિકિટ બુકીંગ પહેલાં જોવા મળતું હતું તેવું, અપેક્ષા અનુસાર નથી. સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ફિલ્મ અંગે ખાસ ચર્ચા કરવામાં આવી રહી નથી.

'એક માત્ર લાડકવાયો અભિનેતા'

રજનીકાંતની આવનારી ફિલ્મ પેટ્ટાનું નિર્દેશન કરનારા યુવા નિર્દેશક કાર્તિક સુબ્બુરાજ જણાવે છે, ''રજનીકાંતની સાથે ફિલ્મ બનાવવી મારું સપનું હતું."

"દેશમાં બીજા લોકોની જેમ હું પણ રજનીકાંતની ફિલ્મો જોઈને મોટો થયો છું.''

''તેઓ દેશના મોટાં સ્ટાર્સમાંથી એક છે એ વાતમાં કોઈ બેમત નથી અને વર્ષોથી દર્શકોમાં એમનું કામણ છવાયેલું છે."

"એમની અદ્ભૂત સ્ટાઇલ, ડાયલૉગ ડિલીવરી સહિત ઘણી બાબતોએ પ્રશંસકોને જકડી રાખ્યા છે."

કાર્તિક સુબ્બુરાજ જણાવે છે, ''એમની પવનવેગી એક્શન અને ડાયલૉગ ડિલીવરી કોઈની સાથે મેળ ખાતી નથી."

"એવો અભિનેતા શોધવો મુશ્કેલ છે જે ઘણાં વર્ષોથી પ્રસિદ્ધ હોય અને લોકપ્રિયતા અને કામણ છતાં તે એકદમ સાધારણ અને જમીન સાથે જોડાયેલો હોય. આ રજનીકાંતનું બીજું આશ્ચર્યજનક પાસું છે.''

'આંધ્રમાં પણ ખ્યાતિપ્રાપ્ત'

રજનીકાંતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં પણ ઘણા પ્રશંસક છે. તેલુગુમાં ડબ થયેલી એમની તમિલ ફિલ્મોને તેલુગુ પ્રશંસકો વચ્ચે ઘણી નામના કમાઈ રહી છે.

જોકે, એક સવાલ એ પણ ઊભો થાય કે આંધ્ર પ્રદેશમાં ઘણા ચર્ચિત સ્ટાર હોવા છતાં પણ તે એક ખાસ હીરો શા માટે છે?

રજનીકાંતની કથનયગ અને કુસેલન જેવી ફિલ્મોના નિર્માતા અશ્વિન દત્ત જણાવે છે, ''રજનીકાંત એક બહુમુખી અભિનેતા છે. એમની અભિનય ક્ષમતા અને બૉડી લેન્ગવેજ અજોડ છે અને એ જ લોકોને તેમની સાથે સાંકળે છે."

"એ એક માત્ર અભિનેતા છે કે જે તમામ ઉંમરના લોકો સાથે લાગણીથી જોડાયેલા છે.''

તેઓ જણાવે છે કે એમની સ્ટાઇલ ભલે સ્ક્રીન પર હોય કે શૂટિંગ કરવાના સ્થળ પર લોકોને અવશ્ય આકર્ષિત કરે છે.

અશ્વિની જણાવે છે, ''સારી અભિનય ક્ષમતા ઉપરાંત રજનીકાંતની એક અન્ય ખાસ બાબત છે તેમનું સાધારણ હોવું."

"આ ખાસિયતોને કારણે જ એમને ભારતના અલગઅલગ ભાગોમાં લોકપ્રિયતા પ્રાપ્ત થઈ છે અને ઢગલાબંધ પ્રશંસકો મળ્યાં છે.''

તમિલનાડુ સિવાય શું રજનીકાંતની પકડ જનતા પર છે ખરી?

આ સવાલના જવાબ પર ફિલ્મ સમીક્ષક પ્રોફેસર રામાસામી જણાવે છે, ''રજનીકાંતની ભારત અને તમિલનાડુની જનતા પર સારી પકડ છે અને બીજા દેશોમાં એમની લોકપ્રિયતાની વાત છે તો તે જે-તે દેશોમાં રહેતા તમિલોને કારણે છે.''

ફિલ્મ 'મુત્થુ'ને કારણે રજનીકાંતને જાપાનમાં મળેલી લોકપ્રિયતા અંગે પૂછતાં તેઓ જણાવે છે, ''આવું એટલા માટે બન્યું હોઈ શકે કે મુત્થુ ફિલ્મમાં તેમણે ભજવેલી ભૂમિકા દક્ષિણ-એશિયાના દેશોમાં રહેતા રાજા જેવી લાગે છે."

"એવા અહેવાલો હતા કે આ જ કારણે ફિલ્મ રિલિઝ થતાં પહેલાં જ દર્શકો એના તરફ આકર્ષિત થયાં હતાં. સાંસ્કૃતિક સમાનતા અને આ ભૂમિકા, બન્ને આ પ્રસિધ્ધિ માટે કારણભૂત હતાં.''

રજની અને એમની અજોડ શૈલી

રામાસામી જણાવે છે, ''રજનીકાંતની બૉડી લેન્ગવેજ અને સ્ટાઇલ ફિલ્મોમાં પહેલેથી જ નિર્ધારીત હોય છે."

"તેઓ એવો અભિનય જ સ્વીકારે છે કે જેમાં બૉડી લેન્ગવેજ સૌથી વધારે હોય અને પછી તેઓ પોતાની જાતને એ અનુસાર ઢાળે છે."

"તેઓ સાધારણ બૉડી એક્શનને પણ ઘણું તોડી-મરોડી પોતાના અંદાજ અનુસાર ઓપ આપતા હોય છે.''

''રજનીકાંતની શૈલી અને બૉડી લેન્ગવેજને ફિલ્મોમાં ખૂબ ઝીણવટપૂર્વક રજૂ કરવામાં આવે છે અને આ જ સૌથી પહેલાં એમના પ્રશંસકોને પોતાની તરફ આકર્ષે છે.''

તેઓ જણાવે છે, ''આ ખાસિયતને કારણે બાળકો પણ એમની અદાની નકલ કરે છે."

"એટલે જ રજનીકાંત પોતાની સ્ટાઇલ સૌ પહેલાં બનાવે છે અને આ જ એમની સૌથી મોટી સકારાત્મક છબી છે.''

''સાથે સાથે રાજકારણને લગતી જાહેરાત અને બીજા ભાષણો અંગે એમની એક આગવી અદા હોય છે."

"હવે તો આ એમના જીવનનો એક મહત્ત્વનો ભાગ બની ગયું છે. બૉડી લેન્ગવેજ અને સ્ટાઇલને ધ્યાનમાં રાખીને જ એમની ફિલ્મોમાં ડાયલૉગ લખવામાં આવે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો