You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC TOP NEWS : 2019 પહેલાંની સેમિફાઇનલ, કૉંગ્રેસે બાજી મારી : હાર્દિક પટેલ
'નવગુજરાત સમય'માં છપાયેલી ખબર અનુસાર 'પાટીદાર અનામત આંદોલન સમિતિ'(પાસ)ના નેતા હાર્દિક પટેલ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ અંગે પ્રતિક્રિયા વ્યક્ત જણાવ્યું હતું, 'રાહુલ ગાંધીએ ઇમાનદારીથી લોકોના દિલ જીતી લીધાં છે.'
કૉંગ્રેસને જીતની શુભેચ્છા પાઠવતા હાર્દિકે કહ્યું, ''હજુ પણ હું ઈવીએમ મશીન પર ભરોસો નથી કરતો.''
તેમણે, ''2019માં નરેન્દ્ર મોદીનો સીધો મુકાબલો રાહુલ ગાંધી સાથે'' થવાની પણ વાત કરી.
આ દરમિયાન 'ન્યૂઝ 18' સાથેની વાતચીતમાં હાર્દિકે આ પરિણામને 2019 પહેલાંના 'સેમિ-ફાઇનલ' ગણાવ્યાં અને તેમાં કૉંગ્રેસે બાજી મારી લીધી હોવાની પણ વાત કરી.
નોંધનીય છે કે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગણામાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો કૉંગ્રેસ તરફી રહ્યાં હતાં.
ટાઇમ મૅગેઝિન પર્સન ઑફ ધ યર
ટાઇમ મૅગેઝિને વર્ષ 2018ના 'પર્સન ઑફ ધ યર' જાહેર કર્યાં છે, જેલમાં કેદ અને માર્યા ગયેલા પત્રકારોને 'સંરક્ષકો'ના નામથી આ સન્માન આપવામાં આવ્યું છે.
મૅગેઝીને ચાર અલગ-અલગ કવરપેજ બહાર પાડ્યા છે, જેની ઉપર પત્રકારોની તસવીરો છે.
વર્ષ દરમિયાન ફરજ બજાવતાં આ પત્રકારોનાં મૃત્યુ થયાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક કવરપેજ પર જમાલ ખોશોગ્જીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તુર્કી ખાતે સાઉદી અરેબિયાની ઍમ્બેસીમાં તેમની હત્યા કરી દેવાઈ હતી.
વાચકોના મતદાનમાં કોરિયાનું પૉપ બેન્ડ બીટીએસ પ્રથમ ક્રમે રહ્યું હતું, જ્યારે પ્લાનેટ અર્થ બીજા ક્રમે રહ્યું હતું.
ગત વર્ષે 'ધ સાઇલન્સ બ્રેકર્સ'ના શિર્ષક હેઠળ જાતીય સતામણી સામે અવાજ ઉઠાવનારાં સ્ત્રી-પુરુષોને 'પર્સન ઑફ ધ યર'નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1927થી ટાઇમ દ્વારા 'મૅન ઑફ ધ યર' આપવામાં આવે છે, 'વર્ષ દરમિયાન સારી કે નરસી ઘટનાઓ માટે જવાબદાર વ્યક્તિ'ને આ ખિતાબથી નવાજવામાં આવે છે.
વર્ષ 1950થી ટાઇમ મૅગેઝિને કોઈ વ્યક્તિ ઉપરાંત સમૂહને પણ 'પર્સન ઑફ ધ યર' જાહેર કરવાનું શરૂ કર્યું
ફ્રાંસમાં ગોળીબારમાં ત્રણ લોકોનાં મોત
ફાંસના સ્ટ્રાસબર્ગ શહેરમાં એક બંદૂકધારી વ્યક્તિએ ત્રણ લોકોની હત્યા અને 12 લોકોને ઘાયલ કર્યા છે.
ત્યારબાદ આરોપીને પકડવા માટે શહેરમાં હજારો પોલીસ અધિકારીઓનો કાફલો ઉતારી દેવામાં આવ્યો છે.
શંકાસ્પદ બંદૂકધારી કોઈ સિક્યુરિટી સર્વિસ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પોલીસનું માનવું છે કે શંકાસ્પદ આરોપની ઉંમર 29 વર્ષ છે અને પોલીસ સાથેના ઘર્ષણમાં તે પણ ઘાયલ થયો છે.
મંગળવારના રોજ શહેરના સૌથી વ્યસ્ત વિસ્તારમાં ક્રિસમસ માર્કેટમાં આ ઘટના બની હતી.
વેનેઝુએલામાં ઉતર્યા રશિયાનાં વિમાન
અણુ હથિયારોનું વહન કરી શકે તેવાં રશિયાનાં બે ફાઇટર જૅટ્સે (ટીયુ-160) વેનેઝુએલામાં લૅન્ડિંગ કર્યું હતું.
આ લૅન્ડિંગને કારણે રશિયા અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે શાબ્દિક જંગ છેડાયો છે.
અમેરિકાના સ્ટેટ સેક્રેટરી માઇક પૉમ્પિયએ આ કવાયતને 'બે ભ્રષ્ટ સરકારો દ્વારા પ્રજાના નાણાંનો વેડફાટ' ગણાવ્યો હતો.
જ્યારે રશિયાએ આ નિવેદનને 'સંપૂર્ણપણે અયોગ્ય' ઠેરવ્યું હતું.
વેનેઝુએલાના સંરક્ષણ પ્રધાન વ્લાદિમિર પેન્ડારિયોએ રશિયાનાં બૉમ્બર્સને હવાઈ મથક પર આવકાર્યાં હતાં અને કહ્યું હતું કે 'જરૂર પડ્યે વેનેઝુએલાની એક-એક ઇંચ જમીનની સુરક્ષાની તૈયારીઓ કરી રહ્યા છીએ.'
આપને આ પણ વાંચવું ગમશે
સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે ગેસ્ટહાઉસ
ગુજરાત સરકારે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યૂ ઑફ યુનિટી' પાસે ગેસ્ટહાઉસ સ્થાપવા તમામ રાજ્યોને આહ્વાન કર્યું છે.
આ માટે રાજ્ય સરકારોએ તમામ રાજ્યોના મુખ્ય પ્રધાનોને પત્ર લખ્યા છે.
વર્ષ 2019માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ સંદર્ભે કોલકતા પહોંચેલા ચુડાસમાએ આ વાત કહી હતી.
રાજ્ય સરકારનો દાવો છે કે દૈનિક 15 હજાર લોકો સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમાની મુલાકાત લે છે.
ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું લોકાર્પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 31મી ઑક્ટોબરે કર્યું હતું, તેના નિર્માણ પાછળ રૂ. ત્રણ હજાર કરોડ જેટલો ખર્ચ થયો છે.
સિક્કા પર નેતા નહીં પ્રાણી
કેનિયાએ તેના નવા ચલણી સિક્કાઓ પરથી રાષ્ટ્રપતિઓની તસવીરો દૂર કરીને પ્રાણીઓને સ્થાન આપ્યું છે.
અનેક કેનિયાવાસીઓ એવું માને છે કે નેતાઓ ખુદના મહિમામંડન માટે આ પ્રકારના પ્રયાસો કરે છે.
કેનિયા દ્વારા નવા સિક્કાઓ ઉપર સિંહ, હાથી, જિરાફ તથા ગેંડા જેવાં વન્યજીવોને સ્થાન આપવામાં આવ્યું છે, જે દેશની આગવી ઓળખ સમાન છે.
કેનિયાની મધ્યસ્થ બૅન્કે સિક્કા પરથી નેતાઓની તસવીરો હટાવી દીધી છે અને ભવિષ્યમાં ચલણી નોટો પરથી પણ હટાવી દે તેવી શક્યતા છે.
મધ્યસ્થ બૅન્કનું કહેવું છે કે સિક્કાઓ માટે પ્રાણીઓની પસંદગી એ 'નવા અને ઉન્નત કેનિયાની ભૌતિક અભિવ્યક્તિ' છે.
વર્ષ 2010માં કેનિયાએ નવું બંધારણ અપનાવ્યું હતું, જેમાં ઠેરવવામાં આવ્યું હતું કે 'ચલણી નોટો કે સિક્કા ઉપર કોઈ વ્યક્તિની તસવીર નહીં હોય.'
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો