વિશ્વમાં સાયબર હુમલા માટે રશિયા જવાબદાર : અમેરિકા-બ્રિટન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Thinkstock

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમી દેશોએ રશિયાના લશ્કરી ગુપ્તચર વિભાગ પર વિશ્વભરમાં સાયબર હુમલા કરવાના આરોપ લગાવ્યા છે.

અમેરિકા, બ્રિટન અને નેધરલૅન્ડે આરોપ લગાવ્યો છે કે રશિયાએ કેટલીક મહત્ત્વપૂર્ણ સંસ્થાઓ પર સાયબર હુમલા કર્યા છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે રશિયાના કથિત સાત એજન્ટો સામે સાયબર હુમલાના ષડયંત્રનો આરોપ લગાવી ગુનો દાખલ કર્યો છે.

અમેરિકાનો દાવો છે કે ફિફા, વર્લ્ડ ઍન્ટિ-ડૉપિંગ એજન્સી અને અમેરિકાની એક પરમાણુ કંપની તેમનાં નિશાના પર હતી.

વળી આ તમામ પર 'ઑર્ગેનાઇઝર ફૉર ધી પ્રૉહિબિશન ઑફ કેમિકલ વેપન (ઓપીસીડબ્લ્યૂ) સંસ્થાના કમ્પ્યૂટર હૅક કરવાની કોશિશ કરવાનો પણ આરોપ છે.

આ સંસ્થા બ્રિટનમાં રશિયાના પૂર્વ જાસૂસ પર થયેલા કથિત નર્વ અટૅકની તપાસ કરી રહી છે.

જોકે, રશિયાએ તમામ આરોપોનું ખંડન કર્યું છે.

line

રશિયા પર લાગેલા આરોપ

આ વર્ષે ચાર સંદિગ્ધ ડિપ્લમૅટિક પાસપોર્ટ પર નેધરલૅન્ડ આવ્યા હતા

ઇમેજ સ્રોત, DUTCH GOVERNMENT

ઇમેજ કૅપ્શન, આ વર્ષે ચાર સંદિગ્ધ ડિપ્લમૅટિક પાસપોર્ટ પર નેધરલૅન્ડ આવ્યા હતા

નેધરલૅન્ડે રશિયાના ચાર નાગરિકો પર ઓપીસીડબ્લ્યૂ સંસ્થામાં હૅકિંગ કરવાની કોશિશ કરવાના આરોપ લગાવ્યા છે.

બ્રિટને ચાર હાઈ પ્રોફાઇલ સાયબર હુમલા પાછળ રશિયાના ખુફિયા વિભાગનો હાથ હોવાના આરોપ લગાવ્યા છે.

બ્રિટન અનુસાર તેમાં રશિયા અને યુક્રેનની કેટલીક કંપનીઓ, અમેરિકાની ડેમૉક્રેટિક પાર્ટી અને બ્રિટનમાં એક નાના ટીવી નેટવર્ક પરના હુમલા સામેલ છે.

તમે આ વાંચ્યું કે નહીં?

ઉપરાંત અમેરિકાએ આરોપ લગાવ્યો છે કે રશિયાની ગુપ્તચર સંસ્થાએ યુએસની એન્ટિ-ડૉપિંગ એજન્સી અને પરમાણુ ઊર્જા કંપની 'વૅસ્ટિંગ હાઉસ' પર સાયબર હુમલા કર્યા હતા.

કૅનેડાએ પણ આરોપ લગાવ્યો છે કે, રશિયાની ગુપ્તચર સંસ્થાએ તેના 'સેન્ટર ફૉર એથિક્સ ઇન સ્પૉર્ટ્સ તથા વર્લ્ડ એન્ટિ-ડૉપિંગ એજન્સી' પર સાયબર હુમલા કર્યા હતા.

સંદિગ્ધો પાસેથી હૅકિંગ માટે ઉપયોગી ઉપકરણો જપ્ત

ઇમેજ સ્રોત, MINISTRIE VAN DEFENSIE

ઇમેજ કૅપ્શન, સંદિગ્ધો પાસેથી હૅકિંગ માટે ઉપયોગી ઉપકરણો જપ્ત

તદુપરાંત ડચ સરકારનો આરોપ છે કે તેમણે એપ્રિલ મહિનામાં રશિયાના ચાર શંકાસ્પદ પાસે એક લેપટૉપ જપ્ત કર્યું હતું. તેનો બ્રાઝિલ, સ્વિત્ઝર્લૅન્ડ અને મલેશિયામાં પણ ઉપયોગ થયો હતો.

નેધરલૅન્ડ અનુસાર મલેશિયામાં આ સાયબર હુમલા એમએચ17 ફ્લાઇટ સાથે જોડાયેલી તપાસને પ્રભાવિત કરવા માટે કરાયા હતા.

વર્ષ 2014માં આ વિમાનને યૂક્રેનમાં રશિયા સમર્થિત વિદ્રોહીઓના કબજાવાળા વિસ્તારમાં તોડી પાડાયું હતું. વિમાનમાં સવાર તમામ 298 લોકોનાં મોત થયાં હતાં.

line

રશિયાએ શું કહ્યું?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

રશિયાના વિદેશ મંત્રાલયે બ્રિટન અને નેધરલૅન્ડના આરોપોનું ખંડન કર્યું છે.

એક સત્તાવાર નિવેદનમાં તેમણે કહ્યું, રશિયા યોજનાબદ્ધ રીતે કરવામાં આવી રહેલા દુષ્પ્રચારનું શિકાર બન્યું છે.

રશિયાએ કહ્યું કે મોબાઈલ રાખતી રશિયાની કોઈ પણ વ્યક્તિને જાસૂસ ગણાવી દેવાય છે.

અમેરિકાએ જે સાત લોકોને સાયબર હુમલા માટે દોષિત ઠેરવ્યા છે, તેમાંથી ચાર વ્યક્તિની નેધરલૅન્ડમાંથી હકાલપટ્ટી કરાઈ હતી.

જ્યારે ત્રણ વ્યક્તિ વર્ષ 2016ની અમેરિકાની ચૂંટણીમાં ડેમૉક્રેટિક અધિકારીઓના હૅકિંગના મામલે આરોપી છે.

એફબીઆઈએ સાત લોકોની તસવીર બહાર પાડીને તેમને વૉન્ટેડ જાહેર કર્યા છે

ઇમેજ સ્રોત, FBI

ઇમેજ કૅપ્શન, એફબીઆઈએ સાત લોકોની તસવીર બહાર પાડીને તેમને વૉન્ટેડ જાહેર કર્યા છે

તેમના પર છેતરપિંડી, ઓળખ છુપાવવી અને મની લૉન્ડ્રિંગના પણ આરોપ હતા.

બ્રિટનનાં વડાં પ્રધાન અને ડચ વડા પ્રધાને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું કે ઓપીસીડબ્લ્યૂ વિરુદ્ધ સાયબર હુમલાના કથિત ષડયંત્ર રચીને રશિયાની જાસૂસી સંસ્થાએ વૈશ્વિક મૂલ્યો અને નિયમોની ઉપેક્ષા કરી છે.

દરમિયાન બ્રિટનના વિદેશ સચિવ જર્મી હંટનું કહેવું છે કે બ્રિટન તેના સહયોગી સાથે મળીને રશિયા પર વધુ પ્રતિબંધ લગાવવાની વિચારણા કરી રહ્યું છે.

સંયુક્ત રાષ્ટ્રએ પણ આ મામલે રશિયાની ટીકા કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો